સાહિત્ય અને સાહિત્ય સર્જન માટે ઓછી અને રાજકારણ અને અન્ય વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહેતી ગુજરાતી સાહિત્ય પરિષદમાં હમણાં મા સરસ્વતીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. પ્રતિમા જોકે પરિષદમાં પહેલેથી હતી પણ 1 જુલાઈએ તેને સંકુલમાં કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવી.
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્ય હેમાંગ રાવલે ફેસબુક પર એક પોસ્ટ કરીને આની જાણકારી આપી. તેમણે લખ્યું છે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદવાદ ખાતે માતા સરસ્વતીની ભવ્ય મૂર્તિનું મંગલમય સ્થાપન સાકાર થયું છે. આ ભગીરથ કાર્ય સંપન્ન થતાં હું પરિષદની મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિના તમામ આદરણીય સભ્યો પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
વાસ્તવમાં મૂર્તિ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ હેમાંગ રાવલે જ મૂક્યો હતો. 28 માર્ચે તેમણે સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટને પત્ર લખીને પરિષદ સંકુલમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે રજૂઆત કરી હતી.
મહામંત્રી સમીર ભટ્ટને મોકલેલા આ પત્રમાં હેમાંગ રાવલે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં માતા સરસ્વતીની પ્રતિમા કાયમી ધોરણે સ્થાપિત કરવા માટે અને પરિષદમાં જ્ઞાન અને સાહિત્ય પ્રત્યે આદર વ્યક્ત કરતી પરંપરાઓને સંસ્થાની સાંસ્કૃતિક ઓળખના ભાગરૂપે યથાવત જાળવવા માટે દરખાસ્ત મૂકવા અંગે જાણ કરી હતી.
પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘સાહિત્ય પરિષદ માત્ર એક સંસ્થા નથી પણ ભાષા, જ્ઞાન અને સર્જનાત્મક ચેતનાનું જીવંત કેન્દ્ર છે અને અહીં શબ્દ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ બનીને રહેતો નથી પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિનું વહન કરે છે.’ આગળ, ‘ભારતીય ચિંતન પરંપરામાં ‘માતા સરસ્વતી’નું સ્વરૂપ જ્ઞાન, વિદ્યા, વાણી અને સર્જનાત્મકતા જેવાં શાશ્વત મૂલ્યોનું પ્રતીક છે અને સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં આ પ્રતીકનું સ્થાન હોવું એ જ્ઞાન પ્રત્યેના આદર અને સર્જનશીલતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સહજ પ્રતિબિંબ છે. ગુજરાત અને દેશભરનાં સાહિત્યિક અને શૈક્ષણિક કેન્દ્રોમાં આવાં પ્રતીકોને સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે, જે સંસ્થાની ઓળખને વધુ ગૌરવપૂર્ણ અને મૂલ્યનિષ્ઠ બનાવે છે.’
આ રજૂઆત બાદ 29 માર્ચની પરિષદની કારોબારી અને મધ્યસ્થ સમિતિની સંયુક્ત બેઠકમાં હેમાંગ રાવલે મુદ્દાને રજૂ કર્યો હતો. ત્યારબાદ ઠરાવ કરવામાં આવ્યો અને બહુમતીએ પસાર થયો.
1 જુલાઈએ પરિષદ સ્થાપના દિવસે આખરે માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. નીચે મહાનારાયણ ઉપનિષદનો શ્લોક ટાંકવામાં આવ્યો છે, ‘દદાતું મેધાં દેવી સરસ્વતી.’ (દેવી સરસ્વતી મેધા અર્પે.)
સેક્યુલર ટોળકીને ફરી કેમ તકલીફ થઈ?
સાહિત્ય પરિષદમાં માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત થતાંની સાથે જ એક ગેંગ ફરીથી એક્ટિવ થઈ છે અને વિરોધ કરવા પર ઉતરી આવી છે. આ તથાકથિત લિબરલ-સેક્યુલરોએ નવેમ્બર 2023માં સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા યોજાઈ હતી ત્યારે પણ બહુ હોબાળો મચાવ્યો હતો અને ‘સેક્યુલર’ સંસ્થામાં આ પ્રકારે દેવીની પૂજાને, ધાર્મિક વિધિઓને સ્થાન ન હોય શકેનાં રોદણાં રડવાનાં શરૂ કર્યાં હતાં. હવે અમુકને ફરી બળતરા ઉપડી છે એ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ થકી જાણવા મળે છે.
લેખક મનિષી જાનીએ એક દાનપેટીનો ફોટો મૂકીને લખ્યું, ‘ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપના દિવસે ‘માતા સરસ્વતીનું સ્થાપન’ પરિષદમાં થઈ રહ્યું છે ત્યારે એક નમ્ર સૂચન: સાહિત્ય પરિષદના પ્રાંગણમાં માતા સરસ્વતીનું મંદિર પણ બનાવી દો, એક ઘંટ પણ લટકાવો અને તાળા કૂંચી સાથે એક દાનપેટી પણ મંદિરમાં મૂકો… આવક થશે અને મા સરસ્વતીની કૃપા થશે!’
આ પોસ્ટમાં સ્વઘોષિત પત્રકાર ધિમંત પુરોહિત કટાક્ષ કરીને લખે છે કે, ‘રામ મંદિર દાન ચોરી મોડેલ પછી દાનપેટી જોખમી છે.’
મોદીદ્વેષી પ્રોપગેન્ડાબાજ સલિલ ત્રિપાઠીએ એક પોસ્ટ કરીને પ્રતિમાના સ્થાને એમ. એફ હુસૈનનાં આપત્તિજનક ચિત્રો મૂકવાની વાહિયાત માંગ કરી છે.
ત્રિપાઠી કહે છે કે, ‘ગુજરાતી લેખકો, જેમણે કોઈ કલાત્મક કે મહત્ત્વપૂર્ણ યા અર્થપૂર્ણ યોગદાન સાહિત્યને આપ્યું નથી, તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલયમાં હિંદુ દેવી સરસ્વતીની પ્રતિમા બનાવવાની માંગ કરી રહ્યા છે. મારી પાસે એક સારો વિચાર છે.’

સલિલ આગળ બજરંગ દળને ઘસડીને લખે છે, ‘1996માં અમદાવાદમાં બજરંગ દળના સભ્યોએ ‘હુસેનની ગુફા’ ગેલેરી પર હુમલો કરીને એમ. એફ હુસૈનનાં 28 ચિત્રો અને 23 ટેપેસ્ટ્રીનો નાશ કર્યો હતો/ પ્રાયશ્ચિતના પ્રતીક તરીકે એમ. એફ હુસૈનની આ કલાકૃતિઓથી પરિષદના પ્રવેશદ્વારને શણગારવો જોઈએ.
માતા સરસ્વતીની પ્રતિમાની તુલના એમ. એફ હુસૈનનાં વિવાદાસ્પદ ચિત્રો સાથે કરતી આ પોસ્ટમાં સલિલ ત્રિપાઠીએ ઘણાને ટેગ કર્યા છે, તેમાંથી કોઈએ વાંધો ઉઠાવ્યો નથી.
ગુજરાતમાં ડાબેરી ટોળકીમાં ગણ્યાગાંઠ્યા રહ્યા છે તેમાંના એક બાબુ સુથારે પણ 30 જૂને એક પોસ્ટ કરીને સાહિત્ય પરિષદના પ્રાંગણમાં સરસ્વતી પ્રતિમા મૂકવા સામે ખિલ્લી ઉડાડતી પોસ્ટ કરી હતી અને આખી પરિષદને સરસ્વતી મંદિરમાં ફેરવી નાખવી જોઈએ અને ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એમ કહીને કટાક્ષ કરવાનો નબળો પ્રયાસ કર્યો હતો.
અગાઉ પણ દરખાસ્ત થઈ હતી, આ વખતે હોદ્દેદારોએ ઠરાવ પસાર થવા દીધો તેનું કારણ ચૂંટણી?
બીજી તરફ ગણગણાટ એ પણ ચાલે છે કે અગાઉ સરસ્વતી પૂજન સમયે નકામો વિવાદ થયો ત્યારે બેકફૂટ પર જતા રહેલા સાહિત્ય પરિષદના હોદ્દેદારો આ વખતે સરસ્વતી પ્રતિમાના સ્થાપન વખતે મૂંગા એટલા માટે રહ્યા કારણ કે નજીકમાં હવે પરિષદની ચૂંટણી આવી રહી છે.
દર ત્રણ વર્ષે થતી સાહિત્ય પરિષદની ચૂંટણી આ વર્ષે યોજાશે. નવેમ્બર 2023માં સરસ્વતી પૂજન થયું હતું ત્યારથી હમણાં સુધીના પોણા ત્રણ વર્ષમાં સાહિત્ય પરિષદના ટોચના હોદ્દેદારોને માતાજી યાદ આવ્યાં ન હતાં. જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ પહેલેથી પરિષદમાં હતી અને તેને માત્ર સંકુલમાં એક યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાની હતી, પરંતુ વારંવારની રજૂઆત છતાં હમણાં સુધી આવું કંઈ ન થયું.
જોકે હેમાંગ રાવલનું કહેવું છે કે પોતાની રજૂઆતને ચૂંટણી સાથે કશું જ લાગતું-વળગતું નથી અને તેમણે માર્ચ મહિનામાં જ દરખાસ્ત કરી દીધી હતી. ઉપરાંત 2023ના સરસ્વતી પૂજન વખતે પણ પોતે જ આગેવાની લીધી હતી અને આવા વિષયોમાં સતત આગળ પડતા રહે છે. જે-તે સમયે પણ તેમણે પરિષદમાં સરસ્વતી પૂજનનો ખુલ્લો બચાવ કર્યો હતો. તેઓ કહે છે કે સાહિત્ય પરિષદ જ્ઞાનનું કેન્દ્ર છે અને માતા સરસ્વતી જ્ઞાનનાં દેવી છે એ વિચારે પોતે આ દરખાસ્ત મૂકી હતી.
હેમાંગ રાવલનું કહેવું છે કે વર્ષ 2024માં પણ તેઓ એક દરખાસ્ત કરી ચૂક્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમણે 29 જુલાઈ, 2024ના દિવસે એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓ લખે છે કે, ‘ગુજરાતની મોટાભાગની સાહિત્ય સાથે સંકળાયેલી સંસ્થાઓમાં માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને પોતે કારોબારી અને મધ્યસ્થ સમિતિને વિનંતી કરે છે કે સાહિત્ય પરિષદમાં ન માત્ર સરસ્વતી પૂજન ચાલુ રાખવામાં આવે પરંતુ દેવી સરસ્વતીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે.’
આ પત્ર પરથી એ પુરવાર થાય છે કે અગાઉ પણ સાહિત્ય પરિષદમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેની ઉપર મધ્યસ્થ સમિતિએ કોઈ નિર્ણય કર્યો ન હતો. વારંવારની રજૂઆતો પછી હવે આખરે નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે ચૂંટણીને થોડો જ વખત બાકી રહ્યો છે.
એ પણ હકીકત ભૂલવા જેવી નથી કે સાહિત્ય પરિષદની ચૂંટણીમાં આ વખતે ડાબેરી વર્ચસ્વને પડકારવા માટે જમણેરી જૂથ ઊભું થયું છે અને ચૂંટણીમાં ઝંપલાવવાની ઘોષણા પણ કરી ચૂક્યું છે. સરસ્વતી પૂજન વખતેના નાહકના વિવાદના કારણે પરિષદની ઘડાઈ ગયેલી ‘સેક્યુલર’ છબી સુધારવા માટે આખરે દરખાસ્તને મંજૂરી અપાઈ હોય એવી સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.


