
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે સમયસર કાર્યવાહી કરીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર શેહઝાદ ભટ્ટી અને તેના સાથીદારોના ઈશારે દિલ્હીમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહેલા આતંકી અને આર્મ્સ નેટવર્કના 4 સાગરિતોની પોલીસે ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓ પૈકી ગગનપ્રીત નામના શખ્સને દિલ્હીનાં સંવેદનશીલ ધાર્મિક સ્થળો અને પોલીસ સ્ટેશનોની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેનો હેતુ આ સ્થળોના વિડીયો પાકિસ્તાન મોકલવાનો અને દિલ્હીમાં ભીડભાડવાળી જગ્યાએ ફાયરિંગ કરીને ભયનો માહોલ ઊભો કરવાનો હતો.
આરોપીઓ પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ડ્રોન દ્વારા મોકલવામાં આવતાં વિદેશી હથિયારો અને નશીલા પદાર્થોની ખેપ મેળવતા હતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન આતંકીઓ પાસેથી 2 વિદેશી બનાવટની પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ આંતકી પ્રવૃત્તિઓ માટે થવાનો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવવા માટે આ આરોપીઓ સ્થાનિક નંબરોને બદલે પાકિસ્તાની હેન્ડલર દ્વારા આપવામાં આવેલા આવેલા વિદેશી વર્ચ્યુઅલ નંબરો અને સોશિયલ મીડિયાથી પાકિસ્તાની આતંકીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. જોકે, પોલીસે સચોટ માહિતીના આધારે પંજાબના અમૃતસર, તારનતારન અને દિલ્હીમાં એકસાથે દરોડા પાડીને આ આખું નેટવર્ક તોડી પાડ્યું છે.
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ શુભદીપ સિંઘ, ગુરજંત સિંઘ, સાજન સિંઘ અને ગગનપ્રીત તરીકે થઈ છે. આ તમામ પંજાબના રહેવાસી છે અને અગાઉ પણ ડ્રગ્સ તસ્કરીના ગુનાઓમાં જેલ જઈ ચૂક્યા છે. પાકિસ્તાન ભારતના આવા ગુનેગારોનો ઉપયોગ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરાવી રહ્યું છે. હાલ તેમની સામે BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

