
મદ્રાસ હાઇકોર્ટના ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતા ચુકાદાની વિરુદ્ધ તમિલનાડુની વિજય જોસેફ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે. તમિલનાડુ સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગના સચિવે દાખલ કરેલી અરજીમાં 27 મે, 2026નો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો પડકારવામાં આવ્યો છે, જેમાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં ગૌવંશની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો.
તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દલીલ કરી છે કે મદ્રાસ હાઇકોર્ટે રાજ્યના કાયદાથી વિપરીત જઈને આ નિર્ણય આપ્યો છે અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકાય. તેના માટે દલીલ આપવામાં આવી કે તમિલનાડુ પશુ સંરક્ષણ ધારા (1958) હેઠળ 10 વર્ષથી મોટી ઉંમરની ગાય જે અશક્ત હોય તેની કતલ માટે સક્ષમ સત્તાધારીના પ્રમાણપત્રના આધારે પરવાનગી આપવામાં આવે છે. સાથે પશુ સાથે ક્રૂરતા અટકાવતા અધિનિયમ અને તમિલનાડુ અર્બન લોકલ બોડીઝ એક્ટ, 1998, તમિલનાડુ અર્બન લોકલ બોડી રૂલ્સ 2023 વગેરેનો હવાલો આપીને કહ્યું કે આ કાયદાઓ અને અનિયમો હેઠળ પશુઓની કતલ માટે નિયમો બનાવી શકાય અને નિયંત્રણ મૂકી શકાય પણ સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકાય. પરંતુ હાઇકોર્ટે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જે રાજ્યના કાયદાનું ઉલ્લંઘન છે.
મદ્રાસ હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો હતો?
વાસ્તવમાં મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં ઈદ અગાઉ દાખલ કરવામાં આવેલી એક અરજી પર 27 મેના રોજ ચુકાદો આપીને રાજ્યમાં ક્યાંય પણ ગાય કે ગૌવંશની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. તેની સામે સુપ્રીમ કોર્ટ ગયેલી તમિલનાડુ સરકારનું કહેવું છે કે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માત્ર કતલખાનાંમાં જ કતલ થાય અને જાહેર સ્થળોએ ગાય કે પશુની કતલ કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી, તેમ છતાં હાઇકોર્ટે એક ડગલું આગળ વધીને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો અને માત્ર ઈદ પૂરતો નહીં પણ કાયમના માટે આ આદેશ આપ્યો હતો.
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે તમિલનાડુ સરકારના જ એક આદેશનો સંદર્ભ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે દૂધ ઉત્પાદન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ગૌહત્યા પર પ્રતિબંધ આવશ્યક છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટમાં ગયેલી સરકાર કહી રહી છે કે આ આદેશ ભલે કરવામાં આવ્યો હોય પણ તે વિધાનસભાએ બનાવેલા કાયદાની ઉપરવટ જઈ શકતો નથી. ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટનું એ અવલોકન પણ ધ્યાને લીધું હતું જેમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ગૌહત્યા એ ઇસ્લામનો ભાગ નથી.
તમિલનાડુ સરકારની એક દલીલ એ પણ છે કે ચુકાદામાં જ હાઇકોર્ટે કહ્યું હતું કે પશુઓની કતલ માત્ર કતલખાનાંમાં જ થવી જોઈએ અને એ પણ સરકાર માન્ય સ્થળે જ થવી જોઈએ. પરંતુ ત્યારબાદ ગાય કે ગૌવંશની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનો તર્ક છે કે હાઇકોર્ટનો એક જ ચુકાદો જુદી-જુદી જગ્યાએ વિસંગતતા ઊભી કરી રહ્યો છે.
આ અરજી 9 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાલ અરજીમાં અમુક ભૂલો સુધારવા માટે આપવામાં આવી છે. ત્યારબાદ તે લિસ્ટ થઈ શકે છે.

