વિમાનોની ઉડાનનો સૌથી અગત્યનો હિસ્સો ટેક ઑફ અને લેન્ડિંગ હોય છે અને મોટાભાગના અકસ્માતો આ બેમાંથી એક પ્રક્રિયા વખતે જ થાય છે. એમાં પણ લેન્ડિંગ બહુ મહત્ત્વનો ભાગ છે. લેન્ડિંગ કરતી વખતે વિમાનો જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને કહેવાય છે ‘ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ.’ રન વે નજીક ગ્રાઉન્ડ પર લગાવવામાં આવેલા રેડિયો એન્ટેનાના નેટવર્ક પાયલટને વિમાન રન વે સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ખાસ કરીને ખરાબ હવામાન કે ઓછી વિઝિબિલિટી હોય ત્યારે આ ILS બહુ કામ આવે છે.
ભારતમાં રોજ ઊડાઊડ કરતાં વિમાનો આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં આવ્યાં છે, પણ 27 જૂન, 2026ના રોજ એક જુદી ઘટના બની. ઉદયપુર એરપોર્ટ આવતી એક ઈન્ડિગો ફ્લાઈટે લેન્ડિંગ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમના સ્થાને ભારતની સ્વદેશી સેટેલાઈટ બેઝ્ડ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કર્યો, જે GAGAN નામથી ઓળખાય છે. (GPS બેઝ્ડ GEO ઑગમેન્ટેડ નેવિગેશન). આ સિસ્ટમ ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ મળીને તૈયાર કરી છે.
આ પહેલાં નાનાં એરક્રાફ્ટ સાથે GAGAN સિસ્ટમનો અખતરો કરવામાં આવ્યો હતો, પણ હમણાં ઇન્ડિગોના કમર્શિયલ એરક્રાફ્ટે સફળતાપૂર્વક GAGANના ઉપયોગથી લેન્ડિંગ કર્યું. આ ઉપલબ્ધિ અગત્યની છે. એ દર્શાવે છે કે ભારત પાસે હવે સ્વદેશી સેટેલાઇટ બેઝ્ડ સિસ્ટમની મદદથી ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખ્યા વગર પણ કમર્શિયલ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરાવવાની ક્ષમતા છે.
આને થોડું વિગતે જોઈએ.
વિમાન માટે લેન્ડિંગ અગત્યનું હોય એમાં કોઈ શંકા નથી. સામાન્ય રીતે તો પાયલટ દૂરથી રન વે જોઈ શકે અને એ પ્રમાણે સફળ લેન્ડિંગ કરાવી દેતા હોય છે. પણ વરસાદના સમયમાં, ધુમ્મસ કે વાદળો વધારે હોય એ સ્થિતિમાં કે ઘણી વખત રાત્રે પાયલટને બહારથી મદદની જરૂર રહે છે. દાયકાઓથી આ મદદ પૂરી પાડે છે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ.
આ સિસ્ટમ ગ્રાઉન્ડ પર લગાવવામાં આવેલાં રેડિયો એન્ટેના અને અન્ય સાધનોની મદદથી પાયલટને એ જાણકારી આપતી રહે છે કે તેમનું એરક્રાફ્ટ રન વે સાથે બરાબર લાઇનમાં છે કે કેમ. બીજું, તે એ પણ જણાવે છે કે એરક્રાફ્ટ બહુ ઝડપથી કે ઓછી ઝડપે રન વે તરફ આવી રહ્યું નથી કે તેની ઝડપ વધુ-ઓછી છે કે કેમ. તેના આધારે પાયલટ એરક્રાફ્ટ ડાબે-જમણે, ઉપર-નીચે, વધુ-ઓછી ઝડપે સેટ કરીને લેન્ડિંગ કરાવી શકે છે.
આના માટે એરક્રાફ્ટને સતત રન વે પરથી રેડિયો સિગ્નલ મળતાં રહે છે. બહુ ખરાબ વિઝિબ્લિટી હોય તો હવે ઓટોમેટિક લેન્ડિંગ પણ થઈ શકે એવી સુવિધા આધુનિક એરક્રાફ્ટમાં હોય છે અને તેના માટે પણ ILS જ કામ આવે છે.
ILSની મર્યાદા એ છે કે દરેક રન વે પર આ સિસ્ટમ હોવી જરૂરી છે અને રેડિયો ટ્રાન્સમીટર લગાવવાં, તેની સતત સારસંભાળ રાખવી, સતત ઈનેપેક્શન કરવાં– આ ખર્ચાળ કામ છે. જેથી અમુક નાનાં એરપોર્ટ પર કાં આ સિસ્ટમ જ નથી અથવા અમુક જ રન વે પર રાખવામાં આવે છે.
ભારત એવિએશન નેટવર્ક પર તેજીથી કામ કરી રહ્યું છે અને ભાર પ્રાદેશિક કનેક્ટિવિટી પર આપવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આ મર્યાદાઓ પર કામ કરવું જરૂરી છે. એટલે GAGANની શોધ કરવામાં આવી.
GAGAN શું છે?
GAGAN સિસ્ટમને એવિએશનની ભાષામાં કહેવાય છે LPV (લોકલાઈઝર પરફોર્મન્સ વિથ વર્ટિકલ ગાયડન્સ). એ કામ ILS જેવું જ કરે છે પણ ફેર એટલો કે ગ્રાઉન્ડ પરનાં રેડિયો એન્ટેના પર આધાર રાખતું નથી, તેનો આધાર સેટેલાઇટ હોય છે. સરળ શબ્દોમાં– રન વે પરથી એરક્રાફ્ટને ગાઇડ કરવા કરતાં સેટેલાઈટની મદદથી આ કામ થાય છે. તેના માટે ગ્રાઉન્ડ પરનાં એન્ટેના, સિસ્ટમની જરૂર રહેતી નથી.
અહીં એક પ્રશ્ન થાય કે એરક્રાફ્ટ GPSનો તો ઉપયોગ કરતાં જ હોય તો વળી સેટેલાઈટ આધારિત સિસ્ટમની શું જરૂર છે?
એ વાત સાચી કે દરેક એરક્રાફ્ટ નેવિગેશન માટે GPSનો ઉપયોગ કરે છે, પણ સામાન્ય GPS ચોક્કસ લેન્ડિંગ માટે પૂરતું ન થઈ રહે. GPS આપણે મોબાઈલમાં પણ વાપરીએ છીએ, પણ તેના લૉકેશનમાં અમુક મીટરની ખામી હોય છે. ચોક્કસ એ જ સ્થાન બતાવતું નથી. જોકે કાર ચલાવવા માટે આ સિસ્ટમ બિલકુલ યોગ્ય અને પૂરતી છે, કારણ કે ત્યાં 2-5 મીટર જેટલી ચોકસાઈની જરૂર રહેતી નથી, પણ વિમાનમાં રહે છે. વિમાન રન વેથી થોડું પણ આમતેમ થયું તો ન ઘટવાનું ઘટી શકે. એરક્રાફ્ટ લેન્ડ કરવાનું હોય તેના થોડા કિલોમીટર પહેલાંથી તેની પાસે એકદમ ચોકસાઈપૂર્વકની જાણકારી હોય એ જરૂરી છે, તેમાં થોડું પણ આમતેમ ન ચાલી શકે.
GPS સેટેલાઇટ પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર રહીને કામ કરે છે. તેમનાં સિગ્નલ આપણાં સુધી પહોંચવા પહેલાં પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે. વાતાવરણના એક પરત આયનોસ્ફિયરમાં અમુક વિદ્યુત કણ GPS સિગ્નલની ગતિ અને દિશામાં થોડો ફેરફાર કરી દે છે, જેના કારણે આપણા સુધી પહોંચતી જાણકારીમાં નાનકડી ખામી આવે છે.
ભારતના કિસ્સામાં આ સમસ્યા થોડી વધારે આવે છે, કારણ કે આપણે પૃથ્વીના એ હિસ્સામાં છીએ જ્યાં આયનોસ્ફિયર સૌથી વધુ સક્રિય રહે છે. અહીં આવેલાં વિદ્યુત આવેશિત કણોની માત્રા સતત બદલાતી રહે છે. ક્યારેક કણો વધારે હોય, ક્યારેક ઓછા. અગાઉ કહ્યું એમ, મોબાઇલ ફોન કે કારના નેવિગેશન માટે આ સમસ્યા છે જ નહીં પણ વિમાનના ચોકસાઈપૂર્વકના લેન્ડિંગ માટે થોડા મીટરની ભૂલ પણ જોખમ સર્જી શકે એટલે GPS સિગ્નલોને સટીક બનાવવાં જરૂરી છે અને અહીં જ GAGAN કામ આવે છે.
GAGAN શું કામ કરે છે?
એ સમજીએ કે GAGAN કોઈ GPS સિસ્ટમ નથી. એ GPS ઉપર જ મૂકવામાં આવેલી એક ઇન્ટેલિજન્ટ કરેક્શન સિસ્ટમની જેમ કામ કરે છે. સ્માર્ટફોનનું ઉદાહરણ લઈએ તો ‘ઓટોકરેક્ટ’ જેવું. GPS સિગ્નલ મોકલે છે, GAGAN માત્ર એ જુએ છે કે આ જાણકારી એકદમ ચોક્કસ છે કે કેમ. જો કોઈ ભૂલ જણાય તો એરક્રાફ્ટ સુધી સિગ્નલ પહોંચે એ પહેલાં જ તેને ઠીક કરી દે છે. એક રીતે એ ફેક્ટચેકરની ભૂમિકામાં છે. તેનું કામ સિગ્નલ મોકલવાનું નથી.
હવે સમજીએ કે GAGAN કામ કઈ રીતે કરે છે.

આ સિસ્ટમમાં 15 રેફરન્સ સ્ટેશનો અગત્યની ભૂમિકા ભજવે છે, જે ભારતભરમાં જુદાં-જુદાં ઠેકાણે આવેલાં છે. આ સ્ટેશનો GPS સિગ્નલ પ્રાપ્ત કરતાં રહે છે. આ સ્ટેશનોનાં વાસ્તવિક લૉકેશન પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યાં છે અને એ સેન્ટીમીટરના સ્તર સુધી સટીક છે. એટલે તેમની પાસે પોતાના લૉકેશનની એકદમ ચોક્કસ જાણકારી પહેલેથી હોય છે. દરમ્યાન તેઓ સતત GPS સિગ્નલ સાથે સરખામણી કરીને એ જોતાં રહે છે કે GPS તેમનું લૉકેશન બરાબર બતાવે છે કે કેમ. એટલે વાસ્તવિક (અગાઉથી મપાયેલા) લૉકેશન સાથે GPSનું લૉકેશન મૅચ થવું જોઈએ એ પૂર્વશરત છે.
જો GPS નાનકડો પણ ફેરફાર બતાવે તો GPS એને એરર માની લે છે. આ કામ તમામ સ્ટેશનો કરતાં રહે છે. ત્યાંથી ડેટા એકઠો થઈને એક માસ્ટર કન્ટ્રોલ સ્ટેશન પર પહોંચે છે. અહીંનું કમ્પ્યુટર આખા દેશમાંથી મળેલા ડેટાનું એનાલિસિસ કરીને એ નક્કી કરે છે કે GPS સિગ્નલમાં કેટલી ખામી છે. ત્યારબાદ આ ખામીને ઠીક કરીને એક કરેક્શન ડેટા તૈયાર કરવામાં આવે છે.
આ કરેક્શન ડેટા જોકે સીધો વિમાન સુધી મોકલવામાં આવતો નથી. તેને પહેલાં ISROના GSAT-8 અને GSAT-10 જેવાં જિઓસ્ટેશનરી સેટેલાઇટને મોકલવામાં આવે છે. આ સેટેલાઈટ પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈ પર એક જ ઠેકાણે રહીને આખા ભારતીય ક્ષેત્રને આવરી લે છે. આ સેટેલાઈટ કરેક્શન ડેટાને વિમાનો સુધી મોકલે છે. પાયલટ પછીથી આ ડેટાના આધારે લેન્ડિંગ માટે આગળ વધે છે.
ઉપરાંત, GAGAN એક બીજું કામ પણ કરે છે. એ સતત એ જોતું રહે છે કે GPS તરફથી આવેલાં સિગ્નલ બરાબર છે કે કેમ. જો તેમાં કોઈ ભૂલ જણાય તો તરત એરક્રાફ્ટને ચેતવણી આપી દે છે કે આ સમયે માહિતી પર આધાર રાખી શકાય એમ નથી, આ સિસ્ટમ ‘ઇન્ટિગ્રિટી મોનિટરિંગ’ કહેવાય છે. એ સેફ્ટી ફીચર તરીકે રાખવામાં આવ્યું છે.
ISROની મદદથી સ્વદેશી સ્તરે તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમની મદદથી વિમાનોનું વધુ સરળ, ચોક્કસ અને સુરક્ષિત લેન્ડિંગ થઈ શકશે અને તેનાથી એરટ્રાફિક મેનેજમેન્ટ પણ સરળ થઈ રહેશે. ભારતમાં છેલ્લા એક દાયકામાં સેંકડોની સંખ્યામાં એરપોર્ટ ઉમેરાયાં છે. પરંતુ માત્ર એરપોર્ટ બનાવવાથી કામ પૂરું નથી થતી જતું એ સરકાર પણ જાણે છે. એવિએશન ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે આવી દરેક બાબત જરૂરી છે. નવા ભારતમાં આ દરેક પર કામ ચાલી રહ્યું છે.


