કેતન અગ્રવાલ હત્યા કેસ: સિયા ગોયલ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા લોહગઢ કિલ્લા પર પહોંચેલી પોલીસને શું જાણવા મળ્યું?

પુણેના 26 વર્ષીય બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યા કેસની તપાસ કરતી પોલીસ રવિવારે (28 જૂન) આરોપી અને કેતનની મંગેતર સિયા અગ્રવાલને લોહગઢના એ કિલ્લા પર લઈ ગઈ હતી જ્યાંથી કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. પોલીસે સિયાને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જેના માટે કેતન જેટલાં વજન અને કદ-કાઠી ધરાવતું એક પૂતળું બનાવવામાં આવ્યું અને સિયા પાસે તેને એ જ રીતે ધક્કો મરાવવામાં આવ્યો જે રીતે સિયાએ કેતનને ધક્કો માર્યો હતો.

દરમ્યાન તપાસ જેમ આગળ વધી રહી છે તેમ બીજી પણ અનેક વિગતો બહાર આવી રહી છે. હાલ સિયા અને તેનો પ્રેમી ચેતન ચૌધરી પોલીસ કસ્ટડીમાં છે. બંનેની કસ્ટડીની સમયમર્યાદા સોમવારે પૂર્ણ થઈ રહી છે. પોલીસ બંનેને ફરી કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે. દરમ્યાન પોલીસ ચેતન ચૌધરીને પણ અલગથી કિલ્લા પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવશે.

સિયા સાથેના રિકન્સ્ટ્રક્શન દરમ્યાન પોલીસને વધુ વિગતો જાણવા મળી છે. સિયાએ પોલીસને જણાવ્યું કે કેતનને ધક્કો મારતાં પહેલાં તે નીચે બેસી ગઈ હતી. જે પણ પૂર્વઆયોજન હતું. આ ચેતન ચૌધરીના માટે સંકેત હતો, જેથી તે જલ્દીથી આવીને કેતન કશું પણ સમજે તે પહેલાં ધક્કો મારી દે. આ માટે સિયા અને ચેતન બંનેએ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે તે કાં પાણી પીવાના બહાને અથવા તો શૂલેસ બાંધવાના બહાને નીચે બેસી જશે.

નીચે બેસી જવાનું એક કારણ એ પણ હતું કે ધક્કો માર્યા બાદ કેતન સંતુલન ગુમાવી બેસે ત્યારે બચવા માટે નજીક ઊભેલી સિયાને ન પકડી લે, કારણ કે તેમ થાય તો બંને નીચે પડી શકે એમ હતાં. એટલે સિયા જાણીજોઈને નીચે બેસી ગઈ હતી, જેથી કેતન આવા કોઈ પ્રયાસ કરે તોપણ સફળ ન થાય અને નીચે પડી જાય! એટલે આ પણ પ્લાનનો જ હિસ્સો હતો.

ચેતન ચૌધરી પુણે તેના ઘરેથી કિલ્લા સુધી લગભગ 90 કિલોમીટર બાઇક પર આવ્યો હતો તેનું પણ કારણ હતું. જો કાર લઈને આવ્યો હોત તો ટોલ પ્લાઝા પર કાર નંબર નોંધાઈ ગયો હોત અને પોલીસ માટે તેને ટ્રેક કરવાનું કામ બહુ સરળ બની ગયું હોત. પોલીસે જોકે આ સ્કૂટર કબજે કરી લીધું છે.

ઉપરાંત ચેતન હુડીમાં આવ્યો હતો એ વાત પહેલાં પણ સામે આવી ચૂકી છે. પરંતુ કિલ્લા પર જઈને હુડી તેણે કાઢી દીધી હતી. પરત ફરતી વખતે ફરી પહેરી લીધી હતી જેથી ઓળખ વિશે કોઈને શંકા ન જાય.

કૅબ ડ્રાઈવરે શું કહ્યું?

આ બધાની વચ્ચે હત્યાના થોડા દિવસ પહેલાં જે કૅબ ડ્રાઈવર સિયા-ચેતન વગેરેને લઈને મુંબઈ એરપોર્ટ પર ગયો હતો એ પણ સામે આવ્યો છે. ઘટનાના થોડા દિવસ પહેલાં યુગલે બાલી જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ સિયાએ કેતનનો પાસપોર્ટ આમતેમ કરી દેતાં યાત્રા રદ કરવી પડી હતી.

કૅબ ડ્રાઈવરે કહ્યું કે ઘરેથી કારમાં બેસતી વખતે પણ સિયાએ તેના ભાઈ સાથે લમણાઝીંક કરી હતી અને કેતનનું ઘર આવ્યું ત્યાં સુધી બંને કોઈ વાતે રકઝક કરતાં રહ્યાં. પછીથી સિયાએ મુંબઈ-પુણે હાઈ-વે પર કાર થોભાવવા માટે કહ્યું. ત્યારબાદ બુટ ખોલવા માટે કહ્યું અને પર્સમાંથી કશુંક ચીજ કાઢી હતી. ત્યારે ડ્રાઈવરને ખ્યાલ ન હતો કે સિયાએ શું કર્યું પરંતુ પછીથી પેસેન્જરોને એરપોર્ટ પર ઉતાર્યાની થોડી મિનિટો પછી તેમને કૉલ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે કેતનનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. કારમાં એક બેગ રહી ગઈ છે, તેમાં જ પાસપોર્ટ હોવાનું જણાવ્યું.

ત્યારબાદ ડ્રાઈવરે ફરીથી એરપોર્ટ જઈને બેગ રિટર્ન કરી દીધી અને પરત ફર્યો. પાંચસો મીટર આગળ ગયા બાદ ફરી કૉલ આવ્યો અને કહેવામાં આવ્યું કે પાસપોર્ટ કારમાં પડી ગયો છે. ડ્રાઈવરે કાર આખી ચેક કરી પણ પાસપોર્ટ ન દેખાયો. જેની જાણ સિયા વગેરેને કરતાં તેમણે વિડીયો કૉલ કરવા માટે કહ્યું. ડ્રાઈવરે એમ પણ કર્યું પણ પાસપોર્ટ ન દેખાયો. ત્યારબાદ તેને ફરીથી એરપોર્ટ બોલાવવામાં આવ્યો. ત્યાં કેતન અને સિયાના ભાઈએ પોતે પાસપોર્ટ શોધ્યો પણ ન મળ્યો, ત્યારબાદ ડ્રાઇવર પરત ફર્યો.

આ બધી ધમાલમાં ફ્લાઇટ છૂટી ગઈ હતી. પછીથી જાણવા મળ્યું કે આ પણ સિયાના પ્લાનનો હિસ્સો હતો. ટૂંકમાં આ આખી ઘટના એક સુનિયોજિત રીતે ઘડવામાં આવેલા પ્લાનનો હિસ્સો હતો. પોલીસ આગળ તપાસ કરીને વધુ જાણકારી મેળવી રહી છે.