જૂનાગઢથી અમરેલી તરફ જતો રસ્તો પકડો. વહેલી સવારનો સમય હોય, હવામાં હજુ રાતની ઠંડક બાકી હોય અને દૂર ક્યાંક માલધારીઓના નેસડામાંથી ઊઠતો ધુમાડો દેખાતો હોય. થોડે દૂર પશુઓ ચરતા હોય, વૃક્ષોની છાયામાં કેટલાક માલધારીઓ બેઠા હોય અને કદાચ નજીકના કોઈ ખેતરની આડમાં સિંહણ પોતાના બચ્ચાં સાથે આરામ કરતી હોય. દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં આ દૃશ્ય અસંભવ ગણાય. આફ્રિકાના અનેક પ્રદેશોમાં સિંહ અને માનવ વચ્ચેનું અંતર જેટલું વધુ રહે, તેટલું સારું માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સદીઓથી એક અલગ કથા લખાઈ રહી છે. અહીં સિંહો અને માણસો ન માત્ર એક ભૂમિ વહેંચે છે, પરંતુ તેઓ એક જ પર્યાવરણના ભાગીદાર બનીને જીવતા પણ આવ્યા છે.
આજે વિશ્વમાં જો કોઈ જંગલમાં મુક્તપણે વિચરતા એશિયાટિક સિંહોને જોવા માંગે તો તેને ગુજરાતના કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્ર) આવવું પડે છે. ગીર અને તેની આસપાસના વિસ્તારો સિવાય આખી દુનિયામાં આ પ્રજાતિનું કુદરતી અસ્તિત્વ ક્યાંય નથી. પરંતુ આ વાત જેટલી ગૌરવની છે, એટલી જ આશ્ચર્યજનક પણ છે. કારણ કે એક સમય એવો હતો જ્યારે એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ઉત્તર આફ્રિકાથી લઈને પશ્ચિમ એશિયા અને ભારતના વિશાળ વિસ્તારોમાં જોવા મળતા હતા.
પછી એવું શું બન્યું કે આખી દુનિયામાંથી તેઓ ગાયબ થઈ ગયા? અને સૌથી મહત્વની વાત, જ્યારે દરેક જગ્યાએ તેમનું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું હતું, ત્યારે ગાંડી ગીરમાં જ તેઓ કેમ બચી શક્યા? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે માત્ર ગીરના જંગલોમાં નહીં, પરંતુ હજારો વર્ષ જૂના ઇતિહાસમાં પણ પાછા જવું પડશે.
એક સમયે ગ્રીસથી ગંગા સુધી ગર્જતા હતા એશિયાટિક સિંહો
આજે સિંહોનું નામ આવે એટલે મોટાભાગના લોકોના મનમાં આફ્રિકાના સવન્નાના દૃશ્યો ઉભા થાય છે. પરંતુ ઇતિહાસનો મોટો ભાગ એવો છે જેમાં એશિયાટિક સિંહોનું સામ્રાજ્ય પણ એટલું જ વિશાળ હતું. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સિંહોની ઉત્પત્તિ યુરોપમાં થઈ હતી અને ત્યારબાદ તેઓ એશિયા માઇનોર તરફ ફેલાયા. હજારો વર્ષ પહેલાં એશિયાટિક સિંહો ઉત્તર આફ્રિકાના ભૂમધ્ય સમુદ્ર કિનારાથી લઈને ઈરાન, ઈરાક અને સમગ્ર ઉત્તર ભારત સુધી જોવા મળતા હતા.
ભારતીય ઉપખંડમાં તેમનો વિસ્તાર આજના ગુજરાતથી ઘણો આગળ સુધી ફેલાયેલો હતો. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશના ભાગોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ હતી. મહાભારતકાળના વર્ણનોમાં સિંહોનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધના સમય પહેલાં તો તેઓ સિંધથી લઈને બિહાર સુધીના વિસ્તારોમાં વિચરતા હોવાનું માનવામાં આવે છે. મૌર્ય અને ગુપ્ત યુગ દરમિયાન સિંહ રાજસત્તા અને શક્તિનું પ્રતીક હતા. આજે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક ગણાતા અશોકસ્તંભના ચાર સિંહો એ જ પરંપરાની યાદ અપાવે છે.
ભારતીય સંસ્કૃતિમાં સિંહ માત્ર એક પ્રાણી નહોતો. દેવી દુર્ગાનું વાહન સિંહ છે, અનેક શિલ્પોમાં સિંહનું વિશેષ સ્થાન છે અને પ્રાચીન સાહિત્યમાં તે શૌર્ય અને પરાક્રમના રૂપક તરીકે વારંવાર જોવા મળે છે. એક રીતે જોઈએ તો સિંહ ભારતીય સભ્યતાની કલ્પનામાં હજારો વર્ષથી હાજર રહ્યો છે. પરંતુ પ્રકૃતિના ઇતિહાસમાં ગૌરવ હંમેશા અસ્તિત્વની ગેરંટી આપતું નથી.
જ્યારે સિંહો લુપ્તતાના કિનારે પહોંચી ગયા
19મી સદી સુધી પહોંચતાં પહોંચતાં એશિયાટિક સિંહો માટે સ્થિતિ ભયંકર બની ગઈ હતી. એક તરફ વધતો શિકાર અને બીજી તરફ ઘટતા જંગલો. રાજાઓ-નવાબો, મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓ માટે સિંહનો શિકાર પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હતો. તે સમયના ચિત્રો અને વર્ણનોમાં સિંહના શિકારને ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
પરંતુ માત્ર શિકાર જ જવાબદાર નહોતો. ખેતીનો વિસ્તાર વધ્યો, માનવ વસાહતો વિસ્તરી, જંગલો કપાયા અને સિંહોના કુદરતી રહેઠાણો સીમિત થતા ગયા. મોટા શિકારી પ્રાણીઓ માટે સૌથી મોટી જરૂરિયાત વિસ્તારની હોય છે. જેમ જેમ આ વિસ્તાર ઘટતો ગયો, તેમ તેમ તેમની સંખ્યા પણ ઘટતી ગઈ.
પરિણામે એક સમય એવો આવ્યો જ્યારે સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોની છેલ્લી આશા માત્ર ગીરના જંગલો જ રહ્યા. 19મી સદીના અંતમાં તેમની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ હતી કે કેટલાક અંદાજોમાં માત્ર ડઝન સિંહો જ બાકી રહ્યા હોવાનું કહેવાય છે. એક પ્રજાતિ, જેણે હજારો વર્ષ સુધી વિશાળ ભૂભાગ પર શાસન કર્યું હતું, હવે લુપ્તતાની ધાર પર ઊભી હતી.
પણ અહીંથી કથામાં એક અનપેક્ષિત વળાંક આવે છે. કારણ કે ગીર માત્ર એક જંગલ નહોતું. તે તેનાથી પણ કંઈક વધુ હતું.
આખરે ગિરમાં જ કેમ બચ્યા સિંહો?
આ પ્રશ્નનો સૌથી સરળ જવાબ આપવો હોય તો કહી શકાય કે ગીરમાં સિંહોને જીવવા માટે અનુકૂળ પરિસ્થિતિ મળી. પરંતુ આ જવાબ અધૂરો છે. હકીકતમાં ગીરની સફળતા કોઈ એક કારણનું પરિણામ નથી. તે અનેક પરિબળોના સંયોગથી બનેલી ગાથા છે.
ગીરમાં પાણી હતું. ગીરમાં જંગલો હતા. ગીરમાં શિકાર પ્રાણીઓ હતા. પરંતુ આ બધું તો બીજા ઘણા વિસ્તારોમાં પણ હતું. ગીરને અનોખું બનાવનાર વસ્તુ એ હતી કે અહીં સમગ્ર ઇકોસિસ્ટમ લાંબા સમય સુધી ટકી શકી હતી.
ગીરના જંગલોને ઘણી વખત એક જ પ્રકારના જંગલ તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં અહીં અનેક પ્રકારની વનસ્પતિ અને ભૂપ્રદેશ જોવા મળે છે. સૂકા પાનખર જંગલો, કાંટાળા વનો, ઘાસના મેદાનો, નદીકાંઠાના વિસ્તારો અને ખુલ્લા પ્રદેશો મળીને એક એવો પર્યાવરણીય સમન્વય ઊભો કરે છે, જે મોટા શિકારી પ્રાણીઓ માટે આદર્શ માનવામાં આવે છે. સિંહોને માત્ર આશ્રય જ નહીં, પરંતુ શિકાર પણ જોઈએ અને ગીર પાસે તેની પણ કમી નહોતી.
ચિતલ, સાંબર અને નીલગાય: સિંહોના રાજ્યનો આધાર
કોઈપણ સિંહની ગર્જના પાછળ એક આખી ખોરાક શૃંખલા કાર્યરત હોય છે. જો જંગલમાં પૂરતા શિકાર પ્રાણીઓ ન હોય તો સિંહો લાંબા સમય સુધી ટકી શકે નહીં. ગીરની સૌથી મોટી શક્તિઓમાંની એક તેની સમૃદ્ધ શિકાર વસતી રહી છે.
ચિતલ, સાંબર, નીલગાય, જંગલી સૂર, ચીંકારા અને ચૌસિંગા જેવી પ્રજાતિઓએ ગીરના પર્યાવરણને જીવંત રાખ્યું. વર્ષો દરમિયાન આ પ્રજાતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. ખાસ કરીને ચિતલની વસતીમાં થયેલો વધારો ગીરની સમગ્ર ઇકોસિસ્ટમ માટે નિર્ણાયક સાબિત થયો. જ્યાં એક સમયે તેમની સંખ્યા હજારોમાં હતી, ત્યાં પછીના દાયકાઓમાં તે અનેકગણી વધી.
સિંહોની સફળતા પાછળના આ નિઃશબ્દ નાયકો છે. કારણ કે કોઈ પણ શિકારીનું ભવિષ્ય તેના શિકારના ભવિષ્ય સાથે જ જોડાયેલું હોય છે. પરંતુ હજુ પણ ગીરની સૌથી મોટી શક્તિની વાત બાકી છે. અને કદાચ એ જ આ સમગ્ર ગાથાનું હૃદય છે.
ગીરનું હાર્દ: માલધારીઓ અને સિંહો વચ્ચેનું સહઅસ્તિત્વ
જો ગીરના સિંહોની સફળતાની ગાથામાંથી જંગલોને કાઢી નાખવામાં આવે તોપણ ઝાઝો ફેર ન પડે. જો શિકાર પ્રાણીઓને કાઢી નાખવામાં આવે તો મધરું-મધરું કઈક ઘૂટતું હોવાનો ભાસ થયા કરે. પરંતુ જો આ ગાથામાંથી માલધારીઓને કાઢી નાખવામાં આવે તો કદાચ ગીરને સમજવું જ અશક્ય બની જાય.
ગીરના જંગલોમાં સદીઓથી એક એવો સમાજ વસે છે, જેની જીવનશૈલી, સંસ્કૃતિ અને અસ્તિત્વ જ પશુપાલન સાથે જોડાયેલા છે. તેમને આપણે માલધારીઓ તરીકે ઓળખીએ છીએ. ગીરની અંદર અને આસપાસ આવેલા તેમના વસવાટોને ‘નેસ’ (નેસડા) તરીકે ઓળખવામાં આવે છે. બહારથી આવનાર વ્યક્તિ માટે આ માત્ર થોડાં ઘર અને પશુઓનો સમૂહ લાગે, પરંતુ હકીકતમાં આ નેસો ગીરના સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણનો અભિન્ન ભાગ છે.
દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં સિંહ અને માનવ વચ્ચેનો સંબંધ સંઘર્ષનો હોય છે. આફ્રિકાના અનેક દેશોમાં સિંહો દ્વારા પશુઓના શિકારને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળે છે. ઘણી જગ્યાએ સિંહો અને માનવો વચ્ચેનો સંઘર્ષ એટલો વધી જાય છે કે બંનેમાંથી કોઈ એકને પાછળ હટવું પડે છે. પરંતુ ગીરમાં દાયકાઓ નહીં, સદીઓથી એક અલગ જ વ્યવસ્થા વિકસતી રહી. અહીં માલધારીઓ અને સિંહો એકબીજાની હાજરીને જીવનના સ્વાભાવિક ભાગ તરીકે સ્વીકારતા આવ્યા.
એનો અર્થ એવો નથી કે અહીં ક્યારેય નુકસાન થતું નથી. સિંહો પશુઓનો શિકાર પણ કરે છે. માલધારીઓને આર્થિક નુકસાન પણ થાય છે. પરંતુ છતાં ગીરમાં સિંહો પ્રત્યે જે અભિગમ જોવા મળે છે, તે દુનિયાના અન્ય ઘણા વિસ્તારો કરતાં અલગ છે. કદાચ કારણ એ છે કે ગીરના લોકો માટે સિંહ કોઈ બહારથી આવેલો ખતરો નથી. તે આ ભૂમિનો એટલો જ જૂનો રહેવાસી છે, જેટલા તેઓ પોતે.
ગીરના જૂના માલધારીઓ સાથે વાત કરો તો તેઓ સિંહો વિશે એવી રીતે વાત કરે છે, જાણે કોઈ દૂરના જંગલી પ્રાણી વિશે નહીં, પરંતુ વર્ષોથી ઓળખતા પડોશી વિશે વાત કરી રહ્યા હોય. તેમના માટે સિંહ પ્રત્યેનો અભિગમ ડર અને આદરના અનોખા મિશ્રણથી બનેલો છે. તેઓ જાણે છે કે સિંહ શક્તિશાળી છે, ખતરનાક પણ બની શકે છે, પરંતુ સાથે સાથે તેઓ એ પણ જાણે છે કે સિંહનું સન્માન કરવું પડે, તે દેવપ્રાણી છે અને જંગલોનો સ્વયંસિદ્ધ રાજા પણ. સિંહોનું વર્તન કેવું હોય છે, તેમની હિલચાલ કેવી હોય છે અને કઈ પરિસ્થિતિમાં સાવધ રહેવું જોઈએ એ પણ ગાંડી ગીરના માલધારીઓને શીખવવું ન પડે
કદાચ આ જ કારણ છે કે ગીરમાં માનવ અને સિંહ વચ્ચેનું સહઅસ્તિત્વ માત્ર નીતિઓ કે કાયદાઓથી નહીં, પરંતુ પેઢીઓથી ચાલતા અનુભવ અને પરસ્પર સમજણથી ટક્યું છે.
આ સહઅસ્તિત્વનો અર્થ એવો પણ નથી કે બંને વચ્ચે કોઈ અદૃશ્ય મિત્રતા છે. પ્રકૃતિમાં સંબંધો હંમેશા વાસ્તવિક હોય છે. પરંતુ ગીરમાં વર્ષો દરમિયાન એક પ્રકારનું સંતુલન વિકસ્યું. એક બાજુ સિંહોએ માનવ વસાહતો વચ્ચે જીવવાનું શીખ્યું અને બીજી બાજુ સ્થાનિક લોકોએ સિંહોની હાજરી સાથે જીવવાની રીત વિકસાવી.
કદાચ આ જ ગીરનું સૌથી મોટું રહસ્ય છે. જ્યારે દુનિયાના અનેક વિસ્તારોમાં માનવ અને મોટા શિકારી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ તેમના અસ્તિત્વ માટે જોખમ બની ગયો, ત્યારે ગીરમાં આ સંબંધ સંપૂર્ણપણે તૂટ્યો નહીં. એમાં ઉતાર-ચઢાવ આવ્યા, પડકારો આવ્યા, પરંતુ મૂળ સંતુલન જળવાઈ રહ્યું અને કદાચ આ સંતુલન વિના ગીર આજે એશિયાટિક સિંહોનું છેલ્લું ઘર ન હોત.
નેસથી જંગલ સુધી: સહઅસ્તિત્વની અનોખી સંસ્કૃતિ
ગીરને સમજવા માટે માત્ર સિંહોને જોવા પૂરતું નથી. ગીરને સમજવા માટે તેના લોકો, તેમની બોલી, તેમના પશુઓ, તેમના નેસડા અને તેમના દૈનિક જીવનને પણ સમજવું પડે.
વહેલી સવારે ગીરના કોઈ નેસમાં દિવસની શરૂઆત થાય ત્યારે જીવનની ગતિ સદીઓ જૂની પરંપરાઓ સાથે આગળ વધતી જોવા મળે છે. પશુઓને ચરાવવા લઈ જવામાં આવે છે, દૂધ દોહવામાં આવે છે, ઘરના કામકાજ શરૂ થાય છે અને જંગલની વચ્ચે માનવ જીવન પોતાની ગતિએ આગળ વધે છે. આ સમગ્ર જીવનપદ્ધતિ એવી જમીન પર વિકસી છે, જ્યાં સિંહોની હાજરી હંમેશા રહી છે.
એટલે જ ગીરમાં સહઅસ્તિત્વ કોઈ સરકારી સૂત્ર નથી. તે એક જીવંત વાસ્તવિકતા છે. આ સંબંધે સમય સાથે ઘણા ફેરફારો પણ જોયા છે. ગીરના સંરક્ષણ માટે કેટલાક માલધારી પરિવારોનું પુનર્વસન પણ કરવામાં આવ્યું. ઘણા લોકો જંગલની બહાર વસ્યા. છતાં ગીર અને માલધારીઓ વચ્ચેનો સંબંધ આજે પણ તૂટ્યો નથી. ગીરની ઓળખમાં તેમનો ફાળો એટલો ઊંડો છે કે સિંહોની ગાથામાંથી તેમને અલગ કરવા શક્ય નથી.
જો ગીરના જંગલો આ પ્રજાતિના શરીર છે તો માલધારીઓ અને સ્થાનિક સમાજ તેની આત્મા છે. પરંતુ માત્ર સહઅસ્તિત્વ પૂરતું હોત તો કદાચ સિંહોની સંખ્યા થોડા ડઝનમાં જ અટકી રહેત. ગીરની ગાથાનો બીજો મોટો અધ્યાય ત્યારે શરૂ થયો, જ્યારે સંરક્ષણને વૈજ્ઞાનિક દિશા મળી અને ગુજરાતે સિંહોને બચાવવા માટે લાંબી અને સતત યાત્રા શરૂ કરી.
ગુજરાતનું સંરક્ષણ મોડલ: ગર્જનાને ફરી જીવંત કરનારા પ્રયાસો
એશિયાટિક સિંહોની આ વિજયગાથામાં ગીરના જંગલો અને માલધારીઓ જેટલા મહત્વના છે, એટલી જ મહત્વની છે સંરક્ષણની તે લાંબી યાત્રા, જેણે એક સમયે લુપ્તતાના કિનારે ઊભેલી પ્રજાતિને ફરી મજબૂત બનાવી. ઘણી વખત વન્યજીવ સંરક્ષણની સફળતાની વાત થાય ત્યારે લોકો માત્ર અંતિમ પરિણામ જુએ છે. તેઓ આજે ગીરમાં જોવા મળતા સિંહોને જુએ છે. પરંતુ એ પરિણામ સુધી પહોંચવા પાછળ દાયકાઓનું આયોજન, સંશોધન, નીતિઓ અને સતત દેખરેખ કામ કરતી રહી છે.
સ્વતંત્રતા પછીના પ્રારંભિક વર્ષોમાં જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે જો સિંહોને બચાવવા હોય તો માત્ર શિકાર પર પ્રતિબંધ પૂરતો નહીં બને. તેમના સમગ્ર પર્યાવરણને બચાવવું પડશે. આ સમજણમાંથી જ 1965માં ગીરને અભયારણ્યનો દરજ્જો મળ્યો. આજના સમયમાં આ નિર્ણય સામાન્ય લાગતો હોય, પરંતુ તે સમય માટે તે અત્યંત મહત્વપૂર્ણ હતો. કારણ કે પ્રથમ વખત સમગ્ર દૃષ્ટિકોણ સિંહથી આગળ વધીને તેના રહેઠાણ પર કેન્દ્રિત થવા લાગ્યો.
1970ના દાયકામાં ગીર પર વ્યાપક વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ થયા. સિંહો કેવી રીતે રહે છે, તેમની હિલચાલ કેવી હોય છે, તેમને કેટલો વિસ્તાર જોઈએ, તેમના માટે શિકાર પ્રજાતિઓ કેટલી મહત્વની છે અને જંગલના વિવિધ ઘટકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે… આ બધું સમજવાનો પ્રયાસ થયો. કદાચ આજના સમયમાં આ વાત સ્વાભાવિક લાગે, પરંતુ તે સમય સુધી ભારતમાં વન્યજીવ સંરક્ષણ હજુ વિકાસના તબક્કામાં હતું. ગીરે આ દિશામાં એક નવો માર્ગ બતાવ્યો.
આ દરમિયાન એક ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો. ગીરની અંદર વસતા અનેક માલધારી પરિવારોનું પુનર્વસન કરવામાં આવ્યું. આ નિર્ણય સરળ નહોતો. પેઢીઓથી જંગલમાં રહેતા લોકો માટે પોતાનું પરંપરાગત નિવાસસ્થાન છોડવું સહેલું નહોતું. પરંતુ સંરક્ષણની લાંબાગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પરિણામે જંગલના અનેક વિસ્તારોને કુદરતી રીતે પુનર્જીવિત થવાની તક મળી. ઘાસના મેદાનો, વનસ્પતિ અને શિકાર પ્રાણીઓની વસતીને તેનો સીધો લાભ મળ્યો.
આ પછી ગીરનું સંરક્ષણ માત્ર એક અભયારણ્ય સુધી મર્યાદિત રહ્યું નહીં. ગીરને એક મોટા લેન્ડસ્કેપ તરીકે જોવાની શરૂઆત થઈ. ગિરનાર અને અન્ય વિસ્તારોને પણ સંરક્ષણની વ્યાપક યોજના સાથે જોડવામાં આવ્યા. કારણ કે એક હકીકત સ્પષ્ટ બની રહી હતી કે સિંહોની સંખ્યા વધી રહી હતી અને તેમને વધુ વિસ્તારની જરૂર પડવાની હતી.
આ સમયગાળામાં ગુજરાત ફોરેસ્ટ વિભાગે અનેક એવા પગલાં લીધા, જે સામાન્ય લોકોની નજરે કદાચ ન આવે, પરંતુ સિંહોના અસ્તિત્વ માટે અત્યંત મહત્વના હતા. ગીરના વિસ્તારોમાં વાયરલેસ નેટવર્ક ઉભું કરવું, સતત મોનિટરિંગ વ્યવસ્થા વિકસાવવી, વનમિત્રોની નિમણૂક કરવી, સ્થાનિક સમાજ સાથે સંવાદ વધારવો અને વન્યજીવો માટે જોખમી બની શકે એવા હજારો ખુલ્લા કૂવાઓને સુરક્ષિત બનાવવાની કામગીરી. આ બધું એક લાંબાગાળાના દૃષ્ટિકોણનો ભાગ હતું.
આ પગલાંઓની અસર ધીમે ધીમે દેખાવા લાગી. ગીરના જંગલો વધુ સ્વસ્થ બન્યા. શિકાર પ્રજાતિઓની સંખ્યામાં વધારો થયો અને સૌથી મહત્વની વાત, સિંહોની સંખ્યા પણ સતત વધવા લાગી.
177થી 891 સુધી: લુપ્તતાના કિનારેથી વાપસી
કોઈપણ સંરક્ષણ ગાથાની સૌથી મોટી કસોટી તેના પરિણામોમાં જોવા મળે છે. ગીરના સિંહોની ગાથામાં પણ એ જ સાચું છે. 1968ની ગણતરીમાં સિંહોની સંખ્યા 177 હતી. આ આંકડો પોતે જ એક યાદ અપાવે છે કે પરિસ્થિતિ કેટલી નાજુક હતી. જો થોડાં દાયકાઓ પહેલાંની સ્થિતિ જોવામાં આવે તો પ્રજાતિ લગભગ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ શરૂ થઈ એક એવી યાત્રા, જે આજે વિશ્વના સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ ઉદાહરણોમાં ગણાય છે.
1974માં સંખ્યા 180 થઈ. 1979માં 205. 1984માં 239. 1990માં 284. 1995માં 304. નવા સહસ્ત્રાબ્દીની શરૂઆત સુધી આ સંખ્યા 327 સુધી પહોંચી. ત્યારબાદ ગતિ વધુ તેજ બની. 2005માં 359, 2010માં 411 અને પછીના દાયકામાં તો વૃદ્ધિ વધુ સ્પષ્ટ જોવા મળી.
આ આંકડાઓ માત્ર સંખ્યાઓ નથી. દરેક વધતા આંકડા પાછળ વધુ સુરક્ષિત જંગલો, વધુ સમૃદ્ધ શિકાર પ્રજાતિઓ, વધુ મજબૂત સંરક્ષણ વ્યવસ્થા અને એક આખા સમાજની ભાગીદારી છુપાયેલી છે. જ્યારે 2020માં સિંહોની સંખ્યા 674 સુધી પહોંચી ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ગીરની ગાથા હવે માત્ર બચી જવાની વાત રહી નથી. હવે તે વિકાસ અને વિસ્તરણની વિજયગાથા બની ગઈ છે.
અને પછી આવ્યો 2025નો આંકડો. ગુજરાત સરકારે જાહેર કરેલી તાજેતરની ગણતરી અનુસાર રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ. એક સદી પહેલાં લુપ્તતાની ધાર પર ઊભેલી પ્રજાતિ માટે આ માત્ર સફળતા નથી, તે એક અસાધારણ પુનરુત્થાન છે.
વિશ્વમાં વન્યજીવ સંરક્ષણના અનેક ઉદાહરણો જોવા મળે છે. પરંતુ એવી પ્રજાતિઓ બહુ ઓછી છે, જે એક સમયે ડઝન સુધી સીમિત થઈ ગઈ હોય અને પછી ફરીથી લગભગ નવસો સુધી પહોંચે.
હવે માત્ર ગીર નહીં, સમગ્ર કાઠિયાવાડ છે સિંહોનું સામ્રાજ્ય
સિંહોની સંખ્યામાં થયેલો વધારો એક નવી હકીકત પણ લઈને આવ્યો. ગીર હવે તેમના માટે પૂરતું નહોતું. એક સમય એવો હતો જ્યારે લગભગ આખી વસતી ગીરના જંગલોમાં કેન્દ્રિત હતી. પરંતુ જેમ જેમ સંખ્યા વધી, તેમ તેમ સિંહોએ નવા વિસ્તારો તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ગિરનાર, દરિયાકાંઠાના વિસ્તારો, અમરેલી અને ભાવનગરના પ્રદેશો. ધીમે ધીમે સિંહોએ પોતાના જૂના સામ્રાજ્યનો એક નવો નકશો દોરવાનું શરૂ કર્યું.
આજે સ્થિતિ એવી છે કે રાજ્યના ઘણા સિંહો ગીરના કોર વિસ્તારની બહાર રહે છે. તેઓ ખેતીવાડી વિસ્તારો, નદીકાંઠાના પ્રદેશો, ઝાડીઓવાળા લેન્ડસ્કેપ અને માનવ વસાહતોની નજીક પણ જોવા મળે છે. દુનિયાના અન્ય ભાગોમાં કદાચ આ ચિંતાનો વિષય બને, પરંતુ ગુજરાતમાં તે એક અલગ જ વાસ્તવિકતા બની ગઈ છે.
આનો અર્થ એ નથી કે પડકારો સમાપ્ત થઈ ગયા છે. વધતી વસતી સાથે નવા પ્રશ્નો પણ ઉભા થાય છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે એશિયાટિક સિંહો હવે માત્ર ગીરના જંગલોમાં કેદ રહેલી પ્રજાતિ નથી. તેઓ ફરીથી પોતાના વિસ્તારને વિસ્તારી રહ્યા છે.
એક પ્રજાતિ બચી, એક વારસો જીવંત રહ્યો
આખરે ગીરના સિંહોની ગાથા માત્ર સિંહોની નથી. તે ગીરના જંગલોની ગાથા છે. તે ચિતલ અને સાંબરની ગાથા છે. તે માલધારીઓની ગાથા છે. તે વનરક્ષકો, વૈજ્ઞાનિકો અને સંરક્ષણ માટે દાયકાઓ સુધી કામ કરનારા હજારો લોકોની ગાથા છે. તે ગુજરાતની એવી ગાથા છે, જેમાં પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ માત્ર સંઘર્ષથી વ્યાખ્યાયિત થતો નથી.
એક સમય એવો હતો જ્યારે એશિયાટિક સિંહોનો ઇતિહાસ સમાપ્ત થતો દેખાતો હતો. તેમની ગર્જના ધીમે ધીમે દુનિયાના નકશામાંથી અદૃશ્ય થઈ રહી હતી. પરંતુ ગીરે તે ગર્જનાને જીવંત રાખી. ગીરના જંગલોએ તેમને આશ્રય આપ્યો. શિકાર પ્રજાતિઓએ તેમને જીવન આપ્યું. માલધારીઓએ સહઅસ્તિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું અને ગુજરાતના સંરક્ષણ પ્રયાસોએ તેમને ફરી ઊભા થવાની તક આપી.
આજે જ્યારે ગીરના કોઈ જંગલમાં સિંહની ગર્જના સંભળાય છે, ત્યારે તે માત્ર એક પ્રાણીનો અવાજ નથી. તે એક એવી સફળતાની ગુંજ છે, જે યાદ અપાવે છે કે યોગ્ય ઇચ્છાશક્તિ, યોગ્ય નીતિઓ અને સમાજની ભાગીદારી હોય તો લુપ્તતાના કિનારેથી પણ વાપસી શક્ય છે.


