
પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે સોમવારે (22 જૂન) પોતાનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ રજૂ કરેલા બજેટમાં રોજગાર, મહિલાઓનું સશક્તિકરણ, શિક્ષણ, કાયદો-વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારનું કહેવું છે કે આ બજેટ ‘વિકસિત ભારત’ના વિઝન સાથે ‘વિકસિત બાંગ્લા’ના નિર્માણ તરફનું પગલું છે.
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું હતું કે નવી સરકારે ₹8.15 લાખ કરોડના દેવાના બોજા વચ્ચે રાજ્યનો વહીવટ સંભાળ્યો છે. તેમ છતાં કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની સાથે વિકાસલક્ષી ખર્ચ અને રોકાણ પર ભાર મૂકવામાં આવશે.
1 લાખ સરકારી ભરતી, 50 હજાર શિક્ષકો અને 20 હજાર પોલીસ કર્મચારીઓની નિમણૂક
રોજગાર સર્જનને બજેટનું સૌથી મોટું કેન્દ્રબિંદુ બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં 1 લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. તેમાં 50 હજાર શિક્ષકોની ભરતી અને 20 હજાર પોલીસ કર્મચારીઓની ભરતીનો સમાવેશ થાય છે. સરકારે એ પણ જાહેરાત કરી છે કે નવી સરકારી ભરતીમાં 33 ટકા જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
સરકારી કર્મચારીઓને મોટો લાભ, DAમાં 20% વધારો
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં (DA) 20 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કુલ DA 38 ટકા સુધી પહોંચી જશે. સુધારેલા દરો 1 ઑક્ટોબર 2026થી અમલમાં આવશે. આ ઉપરાંત સિવિક વોલન્ટિયર્સ, વિલેજ પોલીસ, હોમગાર્ડ અને ગ્રીન પોલીસ કર્મચારીઓના માસિક વેતનમાં ₹2,000નો વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
મહિલાઓ માટે વિશેષ યોજનાઓ
મહિલાઓને આર્થિક સહાય અને સુરક્ષા પૂરી પાડવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. અન્નપૂર્ણા યોજના માટે ₹36,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારી અને સરકારી સહાયિત કૉલેજોમાં અભ્યાસ કરતી અવિવાહિત વિદ્યાર્થીનીઓને ₹50,000ની સહાય આપવામાં આવશે.
રાજ્યના દરેક સબ-ડિવિઝનમાં અલગ મહિલા પોલીસ સ્ટેશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. મહિલા પોલીસકર્મીઓથી બનેલી ‘દુર્ગા સુરક્ષા સ્ક્વોડ’ પણ વ્યસ્ત શહેરી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
પત્રકારો માટે પેન્શન અને ‘સંગ્રામી ભથ્થા’ની જાહેરાત
બજેટમાં નિવૃત્ત પત્રકારો માટે દર મહિને ₹5,000ના પેન્શનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારના જણાવ્યા અનુસાર રાજકીય કારણોસર ખોટા કેસોનો ભોગ બનેલા લોકોને દર મહિને ₹10,000નું ‘સંગ્રામી ભથ્થું’ આપવામાં આવશે. લોકોની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે ‘આપનાર સરકાર, આપનાર પાસે’ નામની ટોલ-ફ્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે.
નવા એરપોર્ટ, બંદર અને પુલની જાહેરાત
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. કલ્યાણી નજીક બીજા એરપોર્ટની યોજના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પુરુલિયા, બાલુરઘાટ અને માલદા ખાતે નવા એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ મિદનાપુરના દાદનપત્રબારમાં એક સંકલિત ડીપ-સી પોર્ટ વિકસાવવામાં આવશે. નંદીગ્રામ અને હલ્દિયા વચ્ચેના પુલ માટે ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ મિદનાપુરના કાંથી વિસ્તારમાં નવા પોલીસ જિલ્લાની પણ જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ, સંસ્કૃત અને AI પર વિશેષ ભાર
ઝારગ્રામમાં ટ્રાઇબલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર બંગાળમાં IIT અને IIM સ્થાપવાની દરખાસ્ત પણ બજેટમાં સામેલ છે.
PM શ્રી સ્કૂલો માટે ₹2,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખાસ નોંધપાત્ર જાહેરાત તરીકે સંસ્કૃત ભાષા અને અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કોલકાતાની ઐતિહાસિક સંસ્કૃત કૉલેજના અપગ્રેડેશન માટે ₹50 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે જ ‘બંગાળ AI મિશન’ શરૂ કરવાની અને રાજ્યભરમાં 500 કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
પાંચ નવા જિલ્લાઓ અને ચા-શ્રમિકો માટે બોર્ડ
વહીવટી સુધારાઓ અંતર્ગત રાજ્યમાં પાંચ નવા જિલ્લાઓ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોના સ્થાનિક વિકાસ ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે ધારાસભ્યોને દર વર્ષે ₹70 લાખના બદલે ₹1 કરોડ ફાળવવામાં આવશે. ચા બગીચાના શ્રમિકોના કલ્યાણ અને વિકાસ માટે ‘ટી વર્કર્સ ડેવલપમેન્ટ બોર્ડ’ની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
બજેટમાં કોલકાતાની ઐતિહાસિક કલકત્તા સ્ટોક એકચેન્જને પુનર્જીવિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉપરાંત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિને રાજ્યવ્યાપી જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાની જાહેરાત પણ કરી છે, જેનાથી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને સીધો લાભ મળશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ હોવાથી તેને રાજ્ય સરકારના આગામી વર્ષોના રોડમેપ તરીકે જોવામાં આવી રહ્યું છે. રોજગાર, મહિલાઓ, શિક્ષણ, સંસ્કૃત અભ્યાસ, AI અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકીને સરકારે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

