અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, ટ્રમ્પે કરી ડીલ પૂર્ણ થવાની જાહેરાત: હોર્મુઝ ખુલશે, 12 બિલિયન ડૉલરની ઈરાની સંપત્તિ મુક્ત કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાનું જાહેર કર્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથેની ડીલ હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમણે સાથે જ હોર્મુઝ ફરીથી ખોલવાની અને ઈરાન સામેની અમેરિકી નૌકાબંધી હટાવવાની જાહેરાત પણ કરી છે.

આ સમજૂતીની પુષ્ટિ ઈરાન તરફથી પણ કરવામાં આવી છે. ઈરાનના ડેપ્યુટી વિદેશમંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને હવે 19 જૂને સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં તેની સત્તાવાર સહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓનું પાલન કરે તેની ચકાસણી બાદ આગામી 60 દિવસ દરમિયાન અંતિમ કરાર માટેની વાટાઘાટો હાથ ધરવામાં આવશે.

સમાચાર એજન્સીઓ અને ઈરાની મીડિયા અહેવાલો અનુસાર સમજૂતી હેઠળ અમેરિકા ઈરાનની ફ્રોઝન સંપત્તિમાંથી શરૂઆતમાં $12 બિલિયન મુક્ત કરશે. સાથે જ આગામી 60 દિવસની વાટાઘાટો દરમિયાન કુલ $24 બિલિયન સુધીની સંપત્તિ મુક્ત કરવાની જોગવાઈ પણ 14 મુદ્દાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ દસ્તાવેજ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને અમેરિકી નૌકાબંધી તાત્કાલિક અસરથી હટાવવામાં આવશે. તેમણે Ships of the World, start your engines. Let the oil flow! લખીને વૈશ્વિક તેલ પુરવઠો ફરી સામાન્ય થવાનો સંકેત આપ્યો હતો.

સમજૂતીની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ અને યુએસ ક્રૂડ ઓઇલlના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે એશિયાના શેરબજારોમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર, કતર, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના અનેક દેશોએ આ સમજૂતીને આવકારી છે.

મહત્વની વાત એ છે કે હાલ જે સમજૂતી થઈ છે તે યુદ્ધવિરામ, હોર્મુઝનું પુનઃખુલ્લું થવું, પ્રતિબંધોમાં રાહત અને ફ્રોઝન સંપત્તિના મુદ્દાઓને આવરી લે છે. જ્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત અંતિમ અને લાંબાગાળાના કરાર માટે હજુ અલગ વાટાઘાટો થવાની બાકી છે. તેથી બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે રાજકીય સમજૂતી થઈ ગઈ હોવાનું કહી શકાય, પરંતુ સંપૂર્ણ અને અંતિમ શાંતિ કરાર પર હજુ સત્તાવાર સહી થવાની બાકી છે.