
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ રવિવારે (14 જૂન) ફ્રાન્સના નીસ શહેરમાં ‘ભારત ઇનોવેટ્સ 2026’નું (Bharat Innovates 2026) સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ભારત-ફ્રાન્સ ઇનોવેશન સહયોગને નવી ગતિ આપવાના હેતુથી આયોજિત આ ત્રણ દિવસીય સમિટમાં ભારતના સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, રોકાણકારો, ટેક્નોલોજી લીડર્સ અને શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમને સંબોધતાં વડા પ્રધાન મોદીએ ભારત-ફ્રાન્સ સંબંધોને વિશેષ ગણાવતાં કહ્યું કે બંને દેશો વચ્ચેનો સંબંધ માત્ર હિતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં કનેક્શન, કન્વિક્શન, ઇનોવેશન, ઇન્સ્પિરેશન, શેર્ડ વેલ્યૂઝ અને શેર્ડ વિઝન પણ સામેલ છે. તેમણે કહ્યું કે કેટલીક ભાગીદારીઓ માત્ર વ્યૂહાત્મક હિતોના આધારે ચાલતી હોય છે, જ્યારે ભારત અને ફ્રાન્સનો સંબંધ એક સમાન દૃષ્ટિકોણ અને વિશ્વાસ પર આધારિત છે.
વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે ઇનોવેશન ભારતના DNAમાં રહેલું છે. તેમણે કહ્યું કે હજારો વર્ષોથી ભારતે પોતાની શોધખોળ અને નવીનતાઓ દ્વારા વિશ્વને દિશા બતાવી છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે માત્ર ટેક્નોલોજી અપનાવનાર દેશ નથી, પરંતુ દુનિયાને ટેક્નોલોજી અને સોલ્યુશન્સ પૂરા પાડનાર દેશ તરીકે પણ ઉભરી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ભારત જે પણ નવીનતા કરે છે તેનો અંતિમ હેતુ સમગ્ર માનવજાતના કલ્યાણ સાથે જોડાયેલો હોય છે.
તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે પણ ભારતનો અભિગમ સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતનું વિઝન ‘AI for All’ છે. ભારત એવી ટેક્નોલોજી વિકસાવવા માંગે છે જે વિશ્વસનીય, સર્વસમાવેશક અને માનવકેન્દ્રિત હોય. આગળ તેમણે જણાવ્યું કે ભારત પાસે હાલમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સની વિશાળ ઇકોસિસ્ટમ છે, જે ભારતીય અર્થતંત્ર ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રમાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમ ભારત-ફ્રાન્સ ઇયર ઑફ ઇનોવેશન (India-France Year of Innovation) હેઠળ યોજાઈ રહ્યો છે. ભારતના શિક્ષણ મંત્રાલયની આગેવાનીમાં આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ટેક્નિકલ સંસ્થાઓમાંથી ઉભરી રહેલા ટેક્નોલોજી વેન્ચર્સને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ કાર્યક્રમમાં લગભગ 120 ભારતીય ઇનોવેટર્સ, 15 જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, 500થી વધુ રોકાણકારો, અગ્રણી કોર્પોરેટ કંપનીઓ, વેન્ચર કેપિટલ ફર્મ્સ, વૈશ્વિક CEO અને ટેક્નોલોજી લીડર્સ ભાગ લઈ રહ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સને રોકાણકારો, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, કોર્પોરેટ જગત અને વિવિધ દેશોની સરકારી સંસ્થાઓ સાથે સીધા જોડવાની તક પૂરી પાડશે.
કાર્યક્રમમાં એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, બાયોટેક્નોલોજી, હેલ્થકેર, એનર્જી, મેન્યુફેક્ચરિંગ, સ્પેસ ટેક્નોલોજી સહિત 13 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિકસાવવામાં આવેલા ઇનોવેશન રજૂ કરવામાં આવી રહ્યા છે. આ પહેલ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે રોકાણ, ટેક્નોલોજી વેલિડેશન, પાયલોટ પ્રોજેક્ટ્સ, મેન્યુફેક્ચરિંગ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશના નવા માર્ગો ખુલશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ પણ ભારતની વધતી જતી ઇનોવેશન ક્ષમતાની પ્રશંસા કરતા કહ્યું કે હવે પ્રશ્ન એ નથી કે ભારત ઇનોવેશન કરશે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે ભારત સાથે કોણ ઇનોવેશન કરશે. તેમનું આ નિવેદન વૈશ્વિક ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકાનો સંકેત માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2026માં મુંબઈમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોંએ સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ ઇયર ઓફ ઇનોવેશનની શરૂઆત કરી હતી. ‘ભારત ઇનોવેટ્સ 2026’ને તે પહેલનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ યુરોપના સૌથી મોટા સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી સમિટ ગણાતા VivaTech 2026 પહેલાં યોજાઈ રહ્યો છે, જેમાં આ વર્ષે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય પેવેલિયન પણ જોવા મળશે.
વડા પ્રધાન મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. ફ્રાન્સમાં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરશે, જેમાં બંને દેશો વચ્ચેના સહયોગ ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. ફ્રાન્સ પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ સ્લોવાકિયાની મુલાકાતે જશે, જે 1993માં દેશની સ્વતંત્રતા બાદ કોઈ ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત હશે.

