
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં સરકારી જમીનને ‘કરબલા’ તરીકે નોંધાવી તેના પર કરવામાં આવેલા કબજા સામે જિલ્લા પ્રશાસને કાર્યવાહી હાથ ધરી છે. મિલક તાલુકા હેઠળ આવેલા અસદુલ્લાપુર ગામમાં 12 જૂનના રોજ પ્રશાસને બુલડોઝર અને JCB મશીનોની મદદથી 2 વીઘાથી વધુ સરકારી જમીનને કબજામુક્ત કરાવી હતી. આ કાર્યવાહી ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અનુરાગ સિંઘની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પ્રશાસનના જણાવ્યા અનુસાર જમીનના પ્લોટ નંબર 283/1 અને 283/2 મૂળ આવકના રેકોર્ડમાં બંજર અને પડતર સરકારી જમીન તરીકે નોંધાયેલા હતા. જોકે વર્ષ 2016માં આ જમીનને ‘કરબલા’ તરીકે નોંધવામાં આવી હતી. અનેક ફરિયાદો મળ્યા બાદ રેકોર્ડની સમીક્ષા અને સરકારી વકીલ મારફતે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જમીનને ફરીથી તેના મૂળ સરકારી વર્ગીકરણ હેઠળ દાખલ કરવામાં આવી હતી.
रामपुर में बड़ा एक्शन: सवा करोड़ की 'कर्बला' घोषित सरकारी जमीन को प्रशासन ने कराया कब्जा मुक्त, गरजी जेसीबी
— AajTak (@aajtak) June 12, 2026
रामपुर की मिलक तहसील में प्रशासन ने एक बड़ी कार्रवाई करते हुए वर्ष 2016 से कर्बला के नाम दर्ज सवा दो बीघा सरकारी भूमि को मूल स्वरूप में बहाल कर कब्जा मुक्त करा लिया है.… pic.twitter.com/Z0FIpPAQKy
SDM અનુરાગ સિંઘે જણાવ્યું હતું કે જમીન કોઈ વ્યક્તિગત કબજામાં નહોતી, પરંતુ 2016થી ‘કરબલા’ તરીકે નોંધાયા બાદ તેનો ઉપયોગ મુસ્લિમ સમાજ દ્વારા જાહેર મજહબી પ્રવૃત્તિઓ માટે થતો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોહરમ દરમિયાન અહીં તાજિયા દફનાવવાની પ્રવૃત્તિઓ પણ થતી હતી.
ફરિયાદોની તપાસ બાદ પ્રશાસને ‘કરબલા’ તરીકે થયેલી નોંધણી રદ કરી હતી અને જમીનનો કબજો સરકારના હસ્તક લઈ લીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ કબજામુક્ત કરાવવામાં આવેલી જમીનની બજાર કિંમત અંદાજે ₹1.25 કરોડથી વધુ છે.
પ્રશાસને જણાવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો અનુસાર હવે આ જમીનને જાહેર અને સરકારી હેતુઓ માટે અનામત રાખવામાં આવશે. ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ગરીબો માટે આવાસ યોજના, સરકારી પ્રોજેક્ટ અથવા કૃષિ સંબંધિત કાર્યો માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
જમીન પર ફરીથી કબજો ન થાય તે માટે પ્રશાસને સ્થળની ફરતે ખોદકામ કરીને સીમા નિર્ધારણની કામગીરી પણ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગળ જઈને અહીં કાયમી બાઉન્ડ્રી વોલ પણ બનાવવામાં આવશે. સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આ જમીન પર કોઈ મજહબી કે જાહેર પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં.

