આસામના જોરહાટમાં વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ: 5 જવાનો હુતાત્મા, દુર્ઘટનાના કારણો જાણવા ‘કોર્ટ ઑફ ઇન્ક્વાયરી’ના આદેશ

આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરફોર્સ સ્ટેશન પર 13 જૂનની સવારે ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુઃખદ અકસ્માતમાં વાયુસેનાના પાંચ જવાનો હુતાત્મા થયા છે, જ્યારે પ્લેનના કો-પાયલોટ આ અકસ્માતમાં બચી ગયા છે અને હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં હુતાત્મા થયેલ જવાનોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંઘ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ આ વિમાન જોરહાટ આવી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર વિમાનમાંથી અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ત્યારબાદ એક જોરદાર વિસ્ફોટ સાથે આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો.

અકસ્માત બાદ તરત જ ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે ‘કોર્ટ ઑફ ઇન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. વાયુસેનાએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી સત્તાવાર પ્રાથમિક તપાસના પરિણામો ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે.

વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુતાત્મા જવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ જવાનોના બલિદાન પર દુઃખ વ્યક્ત કરતા પોસ્ટ કરી છે.

રાજનાથ સિંઘે લખ્યું છે કે, “તેમની બહાદુરી અને દેશસેવાને હંમેશા ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી અંતઃપૂર્વકની સંવેદનાઓ છે. દુઃખની આ ઘડીમાં આખો દેશ તેમની સાથે મજબૂતાઈથી ઊભો છે.”

રૌરિયા એરફોર્સ સ્ટેશન પૂર્વોત્તર ભારતમાં સૈન્ય કામગીરી અને લોજિસ્ટિક્સ માટે ખૂબ જ મહત્વનું મથક છે. AN-32 વિમાન ભારતીય વાયુસેનાનું સૌથી વધુ વપરાતું પરિવહન વિમાન છે, જોકે વર્ષ 1986થી અત્યાર સુધીમાં આ વિમાન ભારતમાં આશરે 22 વખત દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યું છે.