અમદાવાદને મળશે વધુ એક આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે AMCએ ટેન્ડર બહાર પાડ્યું

ફોટો: એઆઈ

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં એક સંકલિત (ઇન્ટિગ્રેટેડ) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે AMCએ ટેન્ડર બહાર પાડ્યું છે, જ્યારે તેની અંદાજિત કિંમત ₹82.60 કરોડ નક્કી કરવામાં આવી છે.

પ્રસ્તાવિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમતો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. કોમ્પ્લેક્સનું મુખ્ય આકર્ષણ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ હૉલ હશે, જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ અને બેડમિન્ટન માટે ચાર કોર્ટ ધરાવતો હૉલ બનાવવામાં આવશે. ઉપરાંત તાઈક્વોન્ડો, કબડ્ડી, કુસ્તી અને ટેબલ ટેનિસ જેવી રમતો માટે અલગ મલ્ટી-સ્પોર્ટ્સ હૉલ પણ તૈયાર કરવામાં આવશે.

શૂટિંગ ખેલાડીઓ માટે 20 ટાર્ગેટ ધરાવતી 10 મીટરની ઇન્ડોર શૂટિંગ રેન્જ બનાવવાની યોજના છે, જ્યાં એર પિસ્ટલ અને એર રાઇફલની પ્રેક્ટિસ કરી શકાશે. આ ઉપરાંત ટેનિસ, બાસ્કેટબોલ અને વોલીબોલ માટે આઉટડોર કોર્ટ તેમજ 8 પિકલબોલ કોર્ટ પણ બનાવવામાં આવશે.

પરંપરાગત રમતો સિવાય કોમ્પ્લેક્સમાં ડિજિટલ ગેમ રૂમ, યોગ અને એરોબિક્સ માટે વેલનેસ સેન્ટર તેમજ કેરમ, ચેસ, સ્નૂકર અને બિલિયર્ડ્સ જેવી ઇન્ડોર પ્રવૃત્તિઓ માટે રિક્રિએશન ઝોન પણ વિકસાવવામાં આવશે.

ખેલાડીઓ અને અધિકારીઓ માટે ચેન્જિંગ રૂમ, લોકર સાથેના લાઉન્જ, કોચ કેબિન, રેફરી રૂમ, મીડિયા રૂમ, ફર્સ્ટ-એઇડ સુવિધા, મેડિકલ સર્વિસ સ્ટેશન અને ઓડિયો-વિડિયો સુવિધાવાળો ટ્રેનિંગ રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોમ્પ્લેક્સમાં વહીવટી કચેરીઓ, VIP લાઉન્જ, કેફેટેરિયા, જ્યૂસ બાર, ન્યુટ્રિશન સેન્ટર, વિશાળ વેઇટિંગ એરિયા અને ડબલ-હાઇટ એન્ટ્રન્સ લોબી પણ બનાવવામાં આવશે. ઉપરાંત બેઝમેન્ટ પાર્કિંગ, વિવિધ રમતો માટેના સાધનોના સ્ટોર રૂમ, AHU રૂમ, ઇલેક્ટ્રિકલ અને ELV રૂમ જેવી ટેક્નિકલ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે. દિવ્યાંગજનો માટે ખાસ ટોઇલેટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

AMCના આયોજન મુજબ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ ચોમાસાનો સમયગાળો બાદ કરતા અંદાજે 18 મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડિઝાઇનિંગ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF) અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ કરવામાં આવશે. સાથે જ પ્રોજેક્ટને GRIHA, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અથવા યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની પ્લેટિનમ રેટિંગ મળે તે મુજબ પર્યાવરણમૈત્રી અને ઊર્જા કાર્યક્ષમ માળખું તૈયાર કરવામાં આવશે.