34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM: ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ, રેશનધારકોને મળશે 24×7 અનાજ

ગુજરાત સરકારે અન્નપૂર્તિ ગ્રેન ATM યોજનાનો રાજ્યવ્યાપી વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા ગ્રેન ATMને મળેલી સફળતા બાદ હવે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં ઓટોમેટેડ અનાજ વિતરણ મશીનો સ્થાપિત કરવામાં આવશે. આ માટે વર્ષ 2026-27ના બજેટમાં ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને યોજનાને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે.

ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના નિર્ણય મુજબ આ ગ્રેન ATM સરકારી ગોડાઉન અને અન્ય નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરાશે. એક ગ્રેન ATM પાછળ અંદાજે ₹47.50 લાખનો ખર્ચ થશે, જેમાંથી ₹40 લાખ મશીન માટે અને ₹7.50 લાખ ઇમારતોમાં જરૂરી ફેરફારો તથા અન્ય ખર્ચ માટે વપરાશે.

યોજનામાં લાભાર્થીઓની ઓળખ માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી ડેશબોર્ડ સાથે પણ આ સિસ્ટમને જોડવામાં આવશે જેથી તેનું મોનિટરિંગ થઈ શકે. ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મશીનોમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવામાં આવશે, જેથી રેશનકાર્ડ ધારકો પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે ઘઉં અને ચોખા મેળવી શકે.