મમતા બેનર્જી સામે વધુ એક FIR: 2026ની ચૂંટણી રેલીમાં ભડકાઉ ભાષણ અને ધમકીનો આરોપ, BNSની અનેક કલમો હેઠળ ગુનો નોંધાયો

તૃણમૂલ કોંગ્રેસનાં (TMC) વડા મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા એક રાજકીય ભાષણમાં ભડકાઉ ટિપ્પણી કરવા બદલ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તેમની સામે નવી FIR દાખલ કરવામાં આવી છે. કોલકાતાના એક સ્થાનિક રહેવાસી તુષાર કાંતિ દાસની ફરિયાદના આધારે પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધ્યો છે.

ફરિયાદ અનુસાર મમતા બેનર્જીએ માર્ચ 2026માં એક રેલી દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. ફરિયાદકર્તાનો આક્ષેપ છે કે આ ભાષણથી નાગરિકોમાં ભય, ગેરસમજ અને અસુરક્ષાની ભાવના પેદા થઈ શકે છે, જેનાથી રાજ્યમાં કોમી અશાંતિ અને જાહેર તણાવ ફેલાવવાનું જોખમ ઉભું થયું છે.

FIRમાં BNSની કલમ 196(1) (ધર્મ, જાતિ કે ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે નફરત ફેલાવવા), ક્રિમિનલ ધમકી માટે કલમ 351(1) અને  શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન કરવા બદલ કલમ 352 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

આ અગાઉ મે 2026માં પણ મમતા બેનર્જી સામે ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ સિલિગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વકીલે FIR નોંધાવી હતી. તેમાં આરોપ હતો કે મમતા બેનર્જીએ ચૂંટણી પ્રચાર દરમિયાન હિંદુઓ અને અન્ય સમુદાયોને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જે મતદારોને ડરાવવા અને સામાજિક વિખવાદ પેદા કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા હતા.

બીજી તરફ કાયદાકીય મુશ્કેલીઓ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસમાં મોટું રાજકીય સંકટ પણ ઘેરાયું છે. છેલ્લા ચાર દિવસમાં જ પક્ષના ચાર અગ્રણી રાજ્યસભા સાંસદો રાજીનામાં આપી ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભા બંને મળીને અત્યાર સુધીમાં કુલ 19 સાંસદો મમતા બેનર્જીનો સાથ છોડી ચૂક્યા છે, જેના કારણે પક્ષ નબળો પડી રહ્યો છે.