‘એક ઉમેદવાર માટે નિયમો ન બદલાય’: કોંગ્રેસી મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, માહિતી છુપાવવા બદલ રાજ્યસભા ઉમેદવારી થઈ હતી રદ

કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. શુક્રવારે (12 જૂન)  સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર એક ઉમેદવાર માટે અલગ અપવાદ બનાવી શકાય નહીં. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ઉમેદવારી ફગાવવાના મામલામાં યોગ્ય ઉપાય ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી કોર્ટ આ તબક્કે કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે. કોર્ટે નટરાજનના વકીલને પૂછ્યું હતું કે શું અગાઉ કોઈ એવો દાખલો છે, જેમાં ઉમેદવારી ફગાવવાના મુદ્દે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અદાલતે સીધો હસ્તક્ષેપ કર્યો હોય.

શું છે સમગ્ર મામલો?

કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઉતાર્યાં હતા. જોકે તેમના નોમિનેશન ફોર્મ સાથે જોડાયેલા એફિડેવિટમાં કેટલીક જરૂરી વિગતો અધૂરી હોવાનું જણાવીને રિટર્નિંગ ઓફિસરે ઉમેદવારી ફગાવી દીધી હતી.

રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર નટરાજને પોતાના ફોર્મ-26 એફિડેવિટમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા કેસની વિગતો જાહેર કરી નહોતી. આ કારણસર તેમની ઉમેદવારી અમાન્ય ઠરાવવામાં આવી હતી.

કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે ઉમેદવારી ફગાવવાનો નિર્ણય ગેરકાયદેસર છે અને નટરાજન વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી. ત્યારબાદ તેમણે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી.

જોકે, હાલ માટે સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને ઉમેદવારી ફગાવવાના મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ જવા તરફ ઈશારો કર્યો છે.