પોલીસ કમિશનરથી PI સુધીના અધિકારીઓ દરરોજ 2 કલાક સાંભળશે નાગરિકોની રજૂઆતો: રાજ્ય પોલીસ વડાએ નક્કી કરી 15 દિવસની સમયમર્યાદા

ગુજરાતના નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ વહીવટને પ્રજાલક્ષી બનાવવાનો છે, જેથી સામાન્ય લોકોને પોતાના પ્રશ્નો માટે છેક ગાંધીનગર વડી કચેરી સુધી ધક્કા ખાવા ન પડે.

નવા નિયમ અનુસાર પોલીસ કમિશનર (CP), રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા (SP) સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ દરરોજ બપોરે 12:00થી 2:00 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓની ફરિયાદો સાંભળવી પડશે. જો મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના સિનિયર અધિકારીએ અરજી સ્વીકારવી પડશે.

સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની કામગીરી કે તપાસમાં વ્યસ્ત હોય છે. આથી તેમના માટે સાંજનો સમય નક્કી કરાયો છે. તમામ PIએ દરરોજ સાંજે 4:00થી 6:00 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને લોકોની રજૂઆતો સાંભળવાની રહેશે.

પોલીસ વડાએ ફરિયાદોના નિકાલ માટે કડક સમયમર્યાદા પણ નક્કી કરી દીધી છે. સામાન્ય પ્રકારની તમામ અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. જ્યારે આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવતી જટિલ અરજીઓનો વધુમાં વધુ 6 અઠવાડિયામાં નિકાલ કરવાનો આદેશ અપાયો છે.

જો કોઈ અરજીની પ્રાથમિક તપાસમાં ગંભીર ગુનો બન્યો હોવાનું માલૂમ પડશે તો પોલીસ અધિકારીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા જાળવવા માટે દરેક કચેરી અને પોલીસ સ્ટેશનમાં અરજદારોની વિગતો નોંધવા માટે એક વિશેષ રજિસ્ટર રાખવું પડશે.

જી.એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે દરેક અરજીની તપાસ સંપૂર્ણ તટસ્થ અને ન્યાયિક રીતે થવી જોઈએ. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર કે બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય જનતાનો સમય બચશે અને પોલીસ પ્રત્યે સામાન્ય માણસનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.