
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે શુક્રવારે (5 મે) મમતા બેનર્જીના કોલકાતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ખૂબ જ ઓછી હાજરી જોવા મળી હતી. પાર્ટીના 80માંથી માત્ર 8 ધારાસભ્યો જ બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે લોકસભા અને રાજ્યસભાના મોટાભાગના સાંસદો પણ ગેરહાજર રહ્યા હતા.
આ બેઠક એવા સમયે યોજાઈ હતી જ્યારે થોડા દિવસો પહેલાં જ TMCની એક મહત્વપૂર્ણ બેઠકમાં આશરે 60 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી જ પાર્ટીમાં વધી રહેલા અસંતોષ અને સંભવિત બળવાને લઈને અટકળો તેજ બની છે.
TMCના 28 લોકસભા સાંસદોમાંથી માત્ર 4 જ બેઠકમાં હાજર રહ્યા હતા. બીજી તરફ રાજ્યસભાના 13માંથી માત્ર 2 સાંસદો ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન, બેઠકમાં પહોંચ્યા હતા. અભિષેક બેનર્જી પણ હાજર રહેલા સાંસદોમાં સામેલ હતા.
ધારાસભ્યોમાં મદન મિત્રા, બીના મોન્ડલ, અશીમા પાત્રા, ફિરહાદ હાકિમ, કુણાલ ઘોષ, સોવંદેબ ચટ્ટોપાધ્યાય, બિમાન બેનર્જી અને અશોક દેવ બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં ઓછી હાજરી અંગે સવાલો ઉઠતા TMCએ સ્પષ્ટતા કરી હતી કે આ તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક નહોતી, પરંતુ નેશનલ વર્કિંગ કમિટીની બેઠક હતી. પાર્ટીએ દાવો કર્યો હતો કે મહુઆ મોઇત્રા, સુષ્મિતા દેવ, મુકુલ સંગમા અને રાજેશ ત્રિપાઠી સહિત કેટલાક સભ્યો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
બીજી તરફ બળવાખોર ગૂટના નેતા અને તાજેતરમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા મેળવનારા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમની સાથે રહેલા ધારાસભ્યોની સંખ્યા હજુ વધશે. તેમણે કહ્યું કે હાલમાં તેમની પાસે બે-તૃતિયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને વિધાનસભા સત્ર દરમિયાન આ સંખ્યા વધુ મોટી જોવા મળશે.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે TMCના કેટલાક બળવાખોર ધારાસભ્યો પક્ષ બદલી શકે છે. સાથે જ સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના ઓછામાં ઓછા 20 સાંસદો ભાજપના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પરાજય બાદ TMCમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પક્ષે અત્યાર સુધી પોતાના બે ધારાસભ્યોને હાંકી કાઢ્યા છે, જ્યારે બળવાખોર ગૂટ સતત દાવો કરી રહ્યું છે કે પાર્ટીમાં તેમનું સમર્થન વધતું જઈ રહ્યું છે.

