હોમપેજમિડિયાપત્રકારનું કામ ઇન્ટરોગેશન કરવાનું છે કે ઇન્ટરવ્યુ કરવાનું?

પત્રકારનું કામ ઇન્ટરોગેશન કરવાનું છે કે ઇન્ટરવ્યુ કરવાનું?

આ નોર્વેની પત્રકાર, જેને હમણાં સુધી કોઈ ઓળખતું ન હતું તે રાતોરાત ઇકોસિસ્ટમની ફેવરિટ પત્રકાર બની ગઈ છે. કારણ એવું છે કે પીએમ મોદીની નોર્વે યાત્રા દરમ્યાન જોઇન્ટ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન તેણે મોદીને ‘તમે મીડિયાના પ્રશ્નો કેમ સાંભળતા નથી’ એવો પ્રશ્ન પૂછતી વખતે વિડીયો ઉતારીને ઈન્ટરનેટ પર ચડાવી દીધો.

- Advertisement -

એક હોય છે ઈન્ટરવ્યુ. એક હોય છે ઈન્ટરોગેશન. અહીં ઇન્ટરવ્યુ સાક્ષાત્કારના સંદર્ભમાં. પત્રકારનું કામ ઇન્ટરવ્યુનું હોય છે. પત્રકાર, ખાસ કરીને મેઇનસ્ટ્રીમ મીડિયાના લેફ્ટિસ્ટ વાતાવરણમાં ઉછરેલો પત્રકાર જ્યારે દુનિયા બદલી નાખવાનો ફાંકો લઈને, લખાણો થકી ક્રાંતિ લાવી દેવાનો વહેમ લઈને ફરવા માંડે ત્યારે તેને ઇન્ટરવ્યુ નહીં પણ ઇન્ટરોગેશનમાં વધારે રસ પડતો જાય છે. ત્યારપછી તેનો મૂળ હેતુ માહિતી મેળવીને લોકો સુધી પહોંચાડવાનો નહીં પણ બીજો જ થઈ જાય છે. આવી ગફલતો ઘણા કરે છે. ભારતમાં આવાઓની સંખ્યા ઝાઝી છે. નોર્વેમાં હમણાં એક મહિલા પત્રકાર સાથે પણ આવું જ થયું.

વડા પ્રધાન મોદીની પાંચ દેશોની યાત્રા દરમ્યાન આમ તો ઘણા સકારાત્મક સમાચારો આવ્યા. જેમકે નેધરલેન્ડ્સની યાત્રા દરમ્યાન તેમણે એક ડેમની મુલાકાત લીધી અને એનું એન્જિનિયરિંગ સમજીને તેને ગુજરાતની કલ્પસર યોજનામાં કઈ રીતે લાગુ કરી શકાય એનો અભ્યાસ કર્યો. નેધરલેન્ડ્સ સાથે કરાર કર્યા. બીજી યાત્રાઓમાં કેટલાય MoU અને કરાર થયા હશે. બધું જ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. પણ ઇકોસિસ્ટમને કશુંક વિવાદિત જોઈતું હતું. એ સામગ્રી આખરે એક નોર્વેની મહિલા પત્રકારે પૂરી પાડી. નામ એનું હેલે લેંગ.

આ નોર્વેની પત્રકાર, જેને હમણાં સુધી કોઈ ઓળખતું ન હતું તે રાતોરાત ઇકોસિસ્ટમની ફેવરિટ પત્રકાર બની ગઈ છે. કારણ એવું છે કે પીએમ મોદીની નોર્વે યાત્રા દરમ્યાન જોઇન્ટ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન તેણે મોદીને ‘તમે મીડિયાના પ્રશ્નો કેમ સાંભળતા નથી’ એવો પ્રશ્ન પૂછતી વખતે વિડીયો ઉતારીને ઈન્ટરનેટ પર ચડાવી દીધો.

- Advertisement -

વિડીયો તરત ભારતમાં સક્રિય એક ગેંગે ઉપાડી લીધો અને પછી તો તેમાં મોદીને ટાર્ગેટ કરવા માટે રાહુલ ગાંધી જેવા વાંકદેખાઓ પણ હોંશેહોંશે જોડાયા. અહીં એક દાયકાથી ‘મોદી પ્રેસ કૉન્ફરન્સ કેમ કરતા નથી’ તેવા સવાલો કર્યા કરનારાઓએ ફરીથી આ જ રાગ આલાપવાનું ચાલુ કર્યું. મહિલા પત્રકારને બહાદુર ગણાવી દેવામાં આવી.

અહીં તથ્યોમાં જઈએ તો પહેલી વાત એ છે કે આ ઇવેન્ટ ‘પ્રેસ કૉન્ફરન્સ’ કે ગુજરાતીમાં જેને પત્રકાર પરિષદ કહેવાય એ ન હતી. આ એક જોઇન્ટ પ્રેસ બ્રીફિંગ હતું. બે રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત પછી ઔપચારિક રીતે બંને પક્ષેથી બયાનો અપાય છે, જે પહેલેથી બંને સરકારો દ્વારા તૈયાર થયાં હોય. પત્રકારોને પહેલેથી જણાવી દેવામાં આવે છે કે રાષ્ટ્રાધ્યક્ષો કોઈ પ્રશ્નો લેશે નહીં. પત્રકારોએ માત્ર તેઓ શું કહે છે તે જાણીને ત્યાંથી ચાલ્યા જવાનું હોય. આ ઇવેન્ટમાં જનાર કે રાધર ઘૂસી જનાર મહિલા પત્રકારને આનો ખ્યાલ નહીં હોય? છતાં તેણે વડા પ્રધાન મોદી બ્રીફિંગ પછી વિદાય લઈ રહ્યા હતા ત્યારે પ્રશ્નો કરવાનાં નાટકો કર્યાં. વિડીયો ઉતારીને ઈન્ટરનેટ પર ચડાવ્યો.

માની લઈએ કે કોઈને પ્રશ્ન હોય તો તે પૂછવાની રીત એવી ન હોય જેવી આ નોર્વેની પત્રકારે અપનાવી હતી. તેણે જે કર્યું એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ‘હેકલિંગ.’ ગુજરાતીમાં સમાનાર્થી તો અલગ થાય પણ આપણે એને ‘અવળચંડાઈ’ કહીએ.

આ પત્રકારનું વર્તન સ્પષ્ટપણે જણાવે છે કે તેને મૂળભૂત રીતે આ બધામાં જ રસ હતો. કોઈ પણ રીતે હોબાળો મચાવવાનો ઇરાદો હતો. જવાબ મેળવવાનો નહીં. તેનું ઉદાહરણ બીજી એક ઘટના પરથી પણ મળે છે.

જોઇન્ટ પ્રેસ બ્રીફિંગમાં આ ઘટના બની અને સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો થયો પછી નોર્વેના ભારતીય દૂતાવાસે જાહેરમાં આ મહિલા પત્રકારની પોસ્ટ ક્વોટ કરીને કહ્યું કે રાત્રે (સ્થાનિક સમય પ્રમાણે) ભારતીય વિદેશ મંત્રાલય એક પ્રેસ કૉન્ફરન્સ કરશે અને તેમાં તેમના જે કોઈ પ્રશ્ન હોય એ તેઓ પૂછી શકે છે. આ પણ મોદીની વિદેશ યાત્રાઓની એક પરંપરા છે. દર આવી યાત્રાના અંતિમ તબક્કામાં વિદેશ મંત્રાલય આવી એક પ્રેસ કૉન્ફરન્સ કરે છે અને વરિષ્ઠ સચિવો અને રાજદૂતો મીડિયાના પ્રશ્નોના જવાબો આપે છે. ભારતમાં દર ગુરુવારે વિદેશ મંત્રાલયનું બ્રીફિંગ હોય છે અને આ દરમ્યાન સવાલો પણ લેવામાં આવે છે.

વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં આ મહિલા પહોંચી ખરી. તેને ત્યાં મંચ પણ આપવામાં આવ્યો, પ્રશ્ન કરવાની તક પણ અપાઈ, તેણે પ્રશ્ન કર્યો પણ ખરો, પરંતુ સાંભળવાની તસ્દી ન લીધી. તેણે પ્રશ્ન કર્યો કે નોર્વે કે બીજા કોઈ દેશે ભારત પર વિશ્વાસ શું કામ મૂકવો જોઈએ? આગલો પ્રશ્ન એ હતો કે મોદી મીડિયાના સવાલો કેમ સાંભળતા નથી?

વિદેશ મંત્રાલયના સચિવ હજુ પહેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા ત્યાં ફરીથી આ પત્રકારે વચ્ચે ટોકવાનું, પ્રતિપ્રશ્નો કરવાનું ચાલુ કર્યું. અધિકારીએ તેને સમજાવી કે આ રીતે જવાબ કઈ રીતે આપવો એ પણ પ્રશ્ન પૂછનાર ડિક્ટેટ ન કરી શકે. પ્રશ્ન કર્યો છે તો હવે શાંતિથી બેસીને સાંભળવું જોઈએ. આમ તો આ સમજાવવાનું ન હોય, પણ છતાં અધિકારીએ મહેનત કરી. છતાં આ સ્વઘોષિત પત્રકારે વચ્ચે વચ્ચે બોલબોલ કર્યા કર્યું અને આખરે હોલ છોડીને ભાગી ગઈ.

આ આખો ઘટનાક્રમ અને મહિલા પત્રકારનું વ્યવહાર-વર્તન એ નિષ્કર્ષ પર પહોંચવા માટે પૂરતું છે કે આ પત્રકારને ક્યારેય પ્રશ્ન કરીને તેનો જવાબ મેળવવામાં રસ ન હતો. ખરેખર તેને જવાબ સાથે કોઈ નિસ્બત જ ન હતી. તેને રસ માત્ર હોબાળો મચાવવામાં અને આડોડાઈ કરીને ઈન્ટરનેટ પર છવાઈ જવામાં હતો. જેમાં તે થોડીઘણી સફળ પણ રહી.

પત્રકારને જવાબ મેળવવા કરતાં હોબાળો મચાવવામાં વધારે રસ પડે ત્યારે…

મૂળ વાત એ છે કે પત્રકારનું કામ પ્રશ્નો કરવાનું, તેના જવાબો મેળવવાનું અને દુનિયાને જણાવવાનું છે. વિશ્લેષણ કરતી વખતે પોતાનો સ્પષ્ટ મત રજૂ કરીને વાચકો સમક્ષ મૂકવાનું છે. કોઈ પણ પક્ષનો, કોઈ પણ ક્ષેત્રનો કોઈ પણ માણસ હોય, તેનો ઇન્ટરવ્યુ કરવા ગયેલો પત્રકાર ઇન્ટરવ્યુ છોડીને ઇન્ટરોગેશન પર ઉતરી પડે ત્યારે તેને અને ચેનલને થોડીઘણી ટીઆરપી મળે પણ આ અવળચંડાઈ આખરે ખરાબ છબી ઊભી કરે છે.

પત્રકારે પ્રશ્ન કરવાના, જવાબો જેવા આવે એવા મેળવી લેવાના અને ત્યાંથી નીકળી જવાનું હોય છે. પ્રતિપ્રશ્નો પણ એક હદ સુધી અને અમુક મર્યાદા સુધી ઠીક લાગી શકે, સતત અણિયાળા પ્રશ્નો કરીને, સામેની વ્યક્તિની વાતોને કાપતા રહીને, ઉતારી પાડવાના પ્રયત્નો કરીને પત્રકારો ક્ષણિક વાહવાહી મેળવી શકે, પણ તેનાથી તેની અને તેના વ્યવસાયની ગંભીરતા ઘટે છે. ઇન્ટરવ્યુનો આશય સામેની વ્યક્તિને જાણવાનો, તેમની વાતો સાંભળવા-સમજવાનો હોવો જોઈએ. તેને ઉતારી પાડવાનો કે એક્સપોઝ કરવાનો નહીં. તેના માટે બીજાં માધ્યમો છે.

પત્રકારની પ્રાથમિકતા જવાબ મેળવવા પરથી આ રીતે સંઘર્ષમાં ઉતારવા પર શિફ્ટ થઈ જાય ત્યારે તે પત્રકાર મટીને એક્ટિવિસ્ટ બની જાય છે અને આ જોખમી છે.

ઇકોસિસ્ટમ પૂછ્યા કરે છે કે મોદી પ્રેસ કૉન્ફરન્સ કેમ નથી કરતા તેનો જવાબ પણ ક્યાંક આ પત્રકારોની આવી અવળચંડાઈમાં જ છે. નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ઇન્ટરવ્યુ અને પ્રેસ કૉન્ફરન્સ જોશો તો તેમાં સ્પષ્ટ દેખાશે કે પોતાને સુપિરિયર સમજતા ઇકોસિસ્ટમના પત્રકારો મોદી સાથે કેવો વ્યવહાર કરતા હતા અને સતત તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હતા. હવે એક દાયકા પછી આ બધા થોડા ટાઢા પડ્યા છે.

મોદી જાણે છે કે જર્નલિઝમ કરતાં આવાં બીજાં-બીજાં કામોમાં જેને વધારે રસ હોય તેમની સાથે માથાકૂટ કરીને સમય ન બગાડાય. જનતા સાથે કનેક્ટ થવાનાં આજે અઢળક માધ્યમો છે. મોદી ત્યાં સક્રિય રહે છે અને એટલે પ્રેસ કૉન્ફરન્સ ન કરતા હોવા છતાં મોદી ભૂતકાળના તમામ વડા પ્રધાનો કરતાં જનતા સાથે સૌથી વધુ કનેક્ટેડ છે. તેમને વચેટિયાઓની જરૂર પડતી નથી. ઇકોસિસ્ટમના વચેટિયાઓની તો બિલકુલ નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં