‘NGOના રિપોર્ટ વાંચીને અમુક લોકો ભારતને પ્રશ્ન કરવા દોડી આવે છે’: એજન્ડાપ્રેરિત સવાલો પર વિદેશ મંત્રાલયના અધિકારીએ નોર્વેની ‘પત્રકાર’ને પાઠ ભણાવ્યો

નોર્વેની રાજધાની ઓસ્લોમાં ભારતીય વિદેશ મંત્રાલયની (MEA) એક પ્રેસ કૉન્ફરન્સ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ મુલાકાત અંતર્ગત નોર્વેના ટોચના નેતાઓ સાથેની બેઠક બાદ આ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન નોર્વેની એક મહિલા પત્રકાર હેલે લિંગે પ્રેસ ફ્રીડમ, લઘુમતીઓના અધિકારો અને માનવાધિકાર અંગેના નેરેટિવ બેઝ્ડ સવાલો કર્યા હતા. તેણે ભારતીય રાજદ્વારીઓ સમક્ષ એવો સવાલ ઉઠાવ્યો હતો કે ‘દુનિયાએ શા માટે ભારત પર ભરોસો કરવો જોઈએ?’ અને ‘વડા પ્રધાન મોદી પ્રેસના સવાલોના જવાબ કેમ નથી આપતા?’

મહિલા પત્રકારના આ સવાલોનો વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે અત્યંત સ્પષ્ટ અને વિગતવાર જવાબ આપ્યો હતો. જોકે પત્રકાર વારંવાર તેમની વાત કાપી રહી હતી જેથી સિબી જ્યોર્જે કડક શબ્દોમાં કહ્યું હતું એક, “કૃપા કરીને ટોક્યા વિના મને પ્રશ્નોના જવાબો આપવા દો. તમે સવાલ પૂછ્યો છે અને આ મારી પ્રેસ કૉન્ફરન્સ છે, તેથી મને જવાબ આપવા દો.” આ ચર્ચા દરમિયાન મહિલા પત્રકાર ‘તેને ગમતા જવાબો’ ન મળતા હૉલ છોડીને બહાર ચાલી ગઈ હતી.

વિદેશ નીતિના બે સ્તંભો

સિબી જ્યોર્જે વડા પ્રધાનને પ્રેસ સંબોધવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે વડા પ્રધાનની મુલાકાતના પ્રભારી તરીકે મીડિયાને સંબોધવાની અને સવાલોના જવાબ આપવાની જવાબદારી તેમની છે અને તેઓ તે નિભાવી રહ્યા છે. અન્ય દેશોના સબંધો અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક લોકતાંત્રિક દેશો વચ્ચે વૈચારિક મતભેદો હોવા સ્વાભાવિક અને સ્વસ્થ બાબત છે, જો મતભેદો ન હોય તો આખી દુનિયા જ એક દેશ બની જાય. ભારતની વિદેશ નીતિને બે સરળ મુદ્દાઓમાં સમજાવતા તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ દેશના લોકોની સુરક્ષા અને કલ્યાણથી સંચાલિત થાય છે અને ભારતનું દરેક પગલું વૈશ્વિક સામાન્ય હિતના (Common Global Good) ઉદ્દેશ્ય સાથે લેવાય છે.

ભારતીય મીડિયાનું વિશાળ કદ

ભારતના લોકતાંત્રિક માળખા અંગે વાત કરતા સિબી જ્યોર્જે ભારતની ટીકા કરનારાઓ અને પશ્ચિમી મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે ટીકાકારો ભારતના વિશાળ કદને સમજ્યા વિના માત્ર પક્ષપાતી અહેવાલોના આધારે અભિપ્રાય બાંધે છે. તેમણે કહ્યું કે, “લોકો કોઈ અજ્ઞાત અને અજ્ઞાની એનજીઓએ પ્રકાશિત કરેલ એકાદ-બે ન્યૂઝ રિપોર્ટ વાંચીને ભારત પર સવાલો ઉઠાવવા આવી જાય છે. તેમને ભારતના વાસ્તવિક કદની કોઈ સમજ જ નથી.”

ભારતના જીવંત મીડિયા જગતનો ઉલ્લેખ કરતા સિબી જ્યોર્જે પત્રકારને દેશના મીડિયાની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતમાં બહુભાષી અને અત્યંત સક્રિય પ્રેસ સિસ્ટમ કામ કરે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, “તમને એ ખબર છે ખરા કે ભારતમાં રોજ સાંજે કેટલી બ્રેકિંગ ન્યૂઝ ચેનલો ચાલે છે? માત્ર દિલ્હીમાં જ અંગ્રેજી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓની ઓછામાં ઓછી 200 ન્યૂઝ ચેનલો છે. ભારતમાં મીડિયા સ્કેલ એટલો મોટો છે જેની બહારના લોકોને કલ્પના પણ નથી.”

બંધારણીય અધિકારો અને મહિલાઓને મતાધિકાર

સિબી જ્યોર્જે ભારતના બંધારણ અને લોકશાહી મૂલ્યોની તાકાત રજૂ કરતા કહ્યું કે અમારું બંધારણ દેશના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે અને તેના ઉલ્લંઘનના કિસ્સામાં કાયદાકીય ઉપાયો પણ આપે છે. ભારતમાં માનવાધિકારોની સ્થિતિ પર બોલતા તેમણે સચોટ તર્ક આપ્યો કે, “માનવાધિકારનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ શું હોય શકે? સરકાર બદલવાનો અધિકાર અને મતદાન કરવાનો અધિકાર એ જ સૌથી મોટી સ્વતંત્રતા છે. તેમણે આગળ કહ્યું કે ભારતના 1 બિલિયન લોકો ચૂંટણી દ્વારા તેમનો નેતા ચૂંટે છે. તેમણે કહ્યું કે, “ભારત હંમેશા કાયદાના શાસનમાં માને છે અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ નિયમોનું ચુસ્ત પાલન કરે છે, જે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા છે.”

મહિલાઓના અધિકારોનો ઉલ્લેખ કરતા સિબીએ પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતે 1947માં સ્વતંત્રતાની સાથે જ દેશની મહિલાઓને સમાન મતાધિકાર આપી દીધો હતો. અમે સાથે મળીને સ્વતંત્રતા મેળવી હતી. દુનિયાના એવા ઘણા દેશો છે જ્યાં ભારત પછી કેટલાય દાયકાઓ બાદ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. ભારત સમાનતા અને માનવ અધિકારોમાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે અને મહિલાઓને સમાન અધિકારો આપવા તે દેશની લોકશાહીની ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે.

કોરોના કાળમાં વૈશ્વિક મદદ અને ભરોસો

વિશ્વ ભારત પર કેમ વિશ્વાસ મૂકે છે તેના જવાબમાં સિબીએ કોરોના રોગચાળા (COVID-19) દરમિયાન ભારતે ભજવેલી વૈશ્વિક ભૂમિકાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે અન્ય દેશો મુશ્કેલીના સમયે માત્ર પોતાના હિતોનો વિચાર કરીને અંતર્મુખ થઈ ગયા હતા, ત્યારે ભારતે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે 100થી વધુ દેશોને કોરોના વેક્સિન અને 150થી વધુ દેશોને જરૂરી દવાઓ પહોંચાડીને મદદનો હાથ લંબાવ્યો હતો. આ જ કારણે આજે વૈશ્વિક સ્તરે ભારત પર અતૂટ વિશ્વાસ છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વિશ્વસનીયતાના પુરાવા તરીકે તેમણે વર્ષ 2023માં ભારતના G20 અધ્યક્ષપદનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા-યુક્રેન વિવાદ બાદ દુનિયા સંપૂર્ણપણે વહેંચાયેલી હતી. ભારતના અધ્યક્ષ પદ પહેલાંની (2022) અને ભારત પછીની (2024) G20 બેઠકોમાં કોઈ સંયુક્ત ઘોષણાપત્ર પસાર થઈ શક્યું નહોતું, પરંતુ 2023માં ભારતના નેતૃત્વ હેઠળ તમામ દેશોએ મતભેદો ભૂલીને ‘નવી દિલ્હી ડિક્લેરેશન’ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત ભારતે 125 દેશોની ‘ગ્લોબલ સાઉથ સમિટ’ યોજી તેમના અવાજને મુખ્ય મંચ પર લાવ્યો અને ઇતિહાસમાં પહેલીવાર આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ અપાવ્યું, જે ભારતની વિશ્વસનીયતા સાબિત કરે છે.

ભારત 5,000 વર્ષ જૂની સભ્યતા

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની ભૂમિકા શું હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે ભારત હંમેશા એક જવાબદાર શક્તિ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં ભારત સૌથી વધુ ભાગીદારી કરનાર દેશ છે. તેમણે કહ્યું કે ભારત 5,000 વર્ષ જૂની અને સતત ગતિશીલ સભ્યતા છે જેણે દુનિયાને શૂન્ય (Zero), ગણિતના આંકડા, ચેસ અને યોગ આપ્યા છે.

તેમણે આગળ ભારતની વિશાળતા અંગે કહ્યું કે ભારતીય સમાજ સદીઓથી સહિષ્ણુ રહ્યો છે અને દુનિયામાં જ્યાં પણ ઉત્પીડન થયું તે તમામ સંસ્કૃતિઓને ભારતે આશ્રય આપ્યો છે, કોઈનું વંશીય શુદ્ધિકરણ (Ethnic Cleansing) કર્યું નથી. ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ અને હ્યુમન સેન્ટ્રીક AIમાં માને છે અને ભવિષ્યમાં પણ આ જ મધ્યસ્થતા અને જવાબદારી સાથે વૈશ્વિક મંચ પર કામ કરતું રહેશે.