માર્ચ 2026માં રમજાન દરમ્યાન વારાણસીમાં ગંગા નદીમાં ઇફ્તાર પાર્ટી કરીને માંસના ટુકડા ગંગા નદીમાં ફેંકવા મામલે પકડાયેલા મુસ્લિમ શખ્સોમાંથી અમુકને અલ્હાબાદ હાઇકોર્ટે જામીન આપ્યા છે, પરંતુ સાથે એક ટિપ્પણી કરતાં કહ્યું કે તેમનું આ કૃત્ય હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવી શકે એમ હતું તેમાં કોઈ શંકા નથી.
કોર્ટે કહ્યું કે, “આ કેસ એવો છે કે મુસ્લિમ સમુદાયના અમુક માણસોએ ઈફ્તાર પાર્ટી કરી હતી અને આ દરમ્યાન માંસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમની ઉપર આરોપ છે કે તેમણે ગંગા નદીમાં માંસના ટુકડા ફેંક્યા હતા. આ કોર્ટ એવો સ્પષ્ટ અને તટસ્થ મત ધરાવે છે કે આ કૃત્યથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હશે.”
જોકે કોર્ટે કહ્યું કે આરોપીઓ 17 માર્ચથી જેલમાં છે અને પોતાનાં કૃત્યો બદલ ખેદ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. ઉપરાંત તેમની સામે લાગેલા આરોપોમાં સાત વર્ષથી વધુની સજાની કોઈ જોગવાઈ નથી. આ તથ્યો જોતાં 14માંથી પાંચ આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદ અન્ય એક ન્યાયાધીશની કોર્ટમાં અન્ય ત્રણ આરોપીઓને જામીન મળ્યા હતા. જે કોર્ટે પણ આદેશમાં કહ્યું કે આરોપીઓએ પોતાના કૃત્ય બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને લેખિતમાં આપ્યું છે કે ભવિષ્યમાં તેઓ આવી કોઈ ગતિવિધિમાં નહીં સંડોવાય.
સરકારે કહ્યું– ગંગા નદી હિંદુઓ માટે પવિત્ર, દેશ માટે પણ અનેકગણી મહત્ત્વની
કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ અનુપ ત્રિવેદીએ દલીલો રજૂ કરતાં કોર્ટેને જણાવ્યું હતું કે મા ગંગા હિંદુઓ માટે તો અતિપવિત્ર છે પરંતુ દેશ માટે પણ તેનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ છે. ત્યારબાદ તેમણે શાસ્ત્રોમાં મા ગંગાના ઉલ્લેખથી લઈને અન્ય ધાર્મિક મહત્ત્વ સમજાવતી દલીલો રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે આરોપીઓના કૃત્યથી કઈ રીતે હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય શકે.
કોર્ટે આ દલીલો પર કહ્યું કે કોર્ટ સંપૂર્ણપણે આ દલીલો સ્વીકારે છે કે ગંગા નદીનું હિંદુઓ માટે ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે અને દેશ માટે પણ નદી કેટલી અગત્યની છે. ઉપરાંત ગંગામાં આ પ્રકારનાં કૃત્યોથી કઈ રીતે ધાર્મિક સૌહાર્દને અસર થઈ શકે અને સોશિયલ મીડિયાના સમયમાં મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે એ દલીલો પણ વાજબી છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે સોશિયલ મીડિયા માત્ર મનોરંજન નહીં પરંતુ માહિતીનો પણ એક અગત્યનો સ્ત્રોત હોય ત્યારે તેનો દુરુપયોગ કરવામાં આવે તો ઘણાં વિપરીત પરિણામો આવી શકે છે. પરંતુ કોર્ટે કહ્યું કે વર્તમાન કેસમાં માત્ર કેસનાં તથ્યો ધ્યાન પર લઈને કોર્ટ આદેશ પસાર કરી રહી છે.
કોર્ટે એ પણ ઉમેર્યું કે આરોપીઓએ પોતાનાં એફિડેવિટમાં ખેદ વ્યક્ત કર્યો છે અને તેમના પરિવારોને પણ આ કૃત્યથી સમાજમાં જે વિપરીત અસરો પડી તે બદલ દુઃખ છે.
કોર્ટે કહ્યું કે જેલમાં બંધ કોઈ વ્યક્તિ જામીન માટે દાખલ કરેલા એફિડેવિટમાં સીધી રીતે પોતાનો ગુનો સ્વીકારી લે એવી આશા ન રાખી શકાય અને જામીન માટે એ જરૂરી પણ નથી. પરંતુ જામીન સાથે દાખલ કરવામાં આવેલાં સોગંદનામાં અને વકીલોની દલીલો પરથી લાગે છે કે આરોપીઓને તેમના કૃત્ય બદલ પસ્તાવો છે.
શું હતો સમગ્ર મામલો?
મામલો માર્ચ 2026નો છે. વારાણસીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અમુક મુસ્લિમ શખ્સો ગંગા નદીમાં ઈફ્તાર પાર્ટી કરતા જોવા મળ્યા હતા અને માંસભક્ષણ બાદ હાડકાં નદીમાં નાખતા જોવા મળ્યા હતા. આ મામલે પછીથી વારાણસી ભાજપ યુવા મોરચા પ્રમુખ રજત જાયસવાલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે FIR દાખલ કરી હતી.
આરોપીઓ વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 298 (પૂજાસ્થળને ભ્રષ્ટ કરવું), 299 (ધાર્મિક ભાવના ભડકાવવા જાણીજોઈને બદઇરાદે કૃત્ય કરવું), 279 (જળાશયના પાણીને દૂષિત કરવું) અને 223(B) (જાહેરનામાનો ભંગ) તેમજ વૉટર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઑફ પોલ્યુશન) એક્ટ, 1974ની કલમ 24 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
આરોપીઓએ પછીથી વારાણસીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે પણ અરજી ફગાવી હતી અને આદેશમાં કહ્યું હતું કે આરોપીઓએ જાણીજોઈને ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાં અરજી કરતાં કોર્ટે અમુકને જામીન આપ્યા છે.


