‘આ ગંભીર ગુનો’: ગંગામાં ઇફ્તારી કરનારા 14 મુસ્લિમ શખ્સોની જામીન અરજી વારાણસી કોર્ટે ફગાવી

કાશીમાં ગંગા નદી વચ્ચે નાવ પર ઇફ્તાર અને ચિકન બિરયાની પાર્ટી કરવા મામલે ધરપકડ કરાયેલા 14 આરોપીઓને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (23 માર્ચ 2026) વારાણસીની એક કોર્ટે તમામ 14 આરોપીઓની જામીન અરજી નકારી કાઢી છે.

એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ અમિત કુમાર યાદવે મામલાની ગંભીરતા જોતાં કહ્યું કે આરોપીઓ પર લાગેલા આરોપ અત્યંત ગંભીર અને બિન-જામીનપાત્ર છે, તેથી આ તબક્કે તેમને રાહત આપી શકાય નહીં. આ આખો વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે છેલ્લા સોમવારે નાવ પર માંસાહાર ઇફ્તારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

હિંદુ સંગઠનોની ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી હતી. હવે આ મામલે પોલીસે નવી કલમો પણ ઉમેરી છે. આરોપ છે કે આ લોકોએ એક નાવિકને ડરાવી-ધમકાવીને જબરજસ્તી તેનું અપહરણ કર્યું હતું અને તેની નાવ પર આ પાર્ટી કરી હતી.

અભિયોજન પક્ષે દલીલ કરી હતી કે ગંગા સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં માંસાહાર કરીને હાડકાં નદીમાં ફેંકવાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતું કૃત્ય છે. આરોપીઓ સામે પૂજા સ્થળને અપવિત્ર કરવા, સાર્વજનિક અવ્યવસ્થા સર્જવા, જળ પ્રદૂષણ ફેલાવવા અને બે સમુદાયો વચ્ચે દુશ્મની વધારવા જેવી અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોર્ટે માન્યું કે આ આરોપોમાં કડક સજાની જોગવાઈ છે અને જામીન આપવાથી ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. તેથી તમામ આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં જેલમાં જ રહેશે.