દિલ્હી એક્સાઈઝ પોલિસી (દારૂ કૌભાંડ) કેસની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ અને સૌરભ ભારદ્વાજ સહિત અન્ય વિરુદ્ધ અદાલતની અવમાનનાની (Contempt of Court) કાર્યવાહી શરૂ કરી છે. આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ડિજિટલ યુગમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયાથી સર્જાતા દબાણ સામેનો એક મોટો પડકાર છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક્સાઈઝ પોલિસી કેસમાં ફસાયેલા AAP નેતાઓએ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા. અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ કોર્ટમાં અરજી કરી કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આ કેસમાંથી હટી જવું જોઈએ. AAP નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે જજ RSS સાથે જોડાયેલી સંસ્થાઓના કાર્યક્રમોમાં હાજરી આપે છે, તેથી તેઓ ભાજપવિરોધી પક્ષના નેતાઓ સાથે ન્યાય નહીં કરે.
તેમણે દાવો કર્યો કે જજના બાળકો સોલિસિટર જનરલ તુષાર મહેતાની ટીમમાં કામ કરે છે, જેઓ સરકાર વતી કેસ લડી રહ્યા છે. આપ નેતાઓએ એવી દલીલ કરી કે આ જજ દ્વારા અગાઉ જે જામીન અરજીઓ ફગાવવામાં આવી હતી, તેને સુપ્રીમ કોર્ટે પાછળથી પલટી નાખી હતી, જે પક્ષપાત દર્શાવે છે. જસ્ટિસ શર્માએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે પક્ષપાત સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી.
કોર્ટે અવલોકન કર્યું કે જ્યારે કાયદાકીય રીતે AAP નેતાઓને સફળતા ન મળી, ત્યારે તેમણે ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક કેમ્પેઈન શરૂ કર્યું. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક જેવા નેતાઓએ X અને અન્ય પ્લેટફોર્મ પર એવી પોસ્ટ્સ મૂકી જેમાં જસ્ટિસ શર્માની પ્રામાણિકતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ્સમાં જજને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં અને જનતામાં એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ થયો હતો કે ન્યાયતંત્ર વેચાઈ ગયું છે.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનો 68 પાનાંનો આદેશ
14 મેના રોજ આપેલા 68 પાનાંના લાંબા આદેશમાં જસ્ટિસ શર્માએ ન્યાયતંત્રની લાચારી અને શક્તિ બંને વિશે વાત કરી છે. જસ્ટિસ શર્માએ પોતાના આદેશમાં આકરા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ન્યાયિક મૌનનો અર્થ એવો નથી કે કોર્ટ બદનામ કરનારા તત્વો સામે શરણાગતિ સ્વીકારી લે.”
વધુમાં જસ્ટિસે સમજાવ્યું કે એવી અપેક્ષા રાખવી અયોગ્ય છે કે ન્યાયાધીશ ગમે તેટલા અપમાન કે બદનામી છતાં સંપૂર્ણપણે અલિપ્ત રહે. ન્યાયાધીશો પણ આખરે તો માણસ જ છે, કોઈ ભગવાન નથી અને જ્યારે અદાલતની ગરિમાને ઠેસ પહોંચાડવાના વારંવાર પ્રયાસો થાય, ત્યારે તેની અસર તેમના પર પણ પડતી હોય છે. કોર્ટે નોંધ્યું કે ન્યાયતંત્રના દરેક સ્તરે કામ કરતા અન્ય ન્યાયાધીશો પણ આ જ લાગણી અનુભવતા હશે, કારણ કે ન્યાયિક ગરિમા પરનો હુમલો એ માત્ર વ્યક્તિગત નહીં પણ આખી સંસ્થા પરનો હુમલો છે.
જસ્ટિસ શર્માએ કહ્યું કે, “જ્યારે કોઈ જજને ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યારે તે તેના એકલાની લડત બની જાય છે. રાજકારણીઓ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે, પરંતુ જજ ક્યારેય જાહેરમાં કે સોશિયલ મીડિયા પર જઈને પોતાનો બચાવ કરી શકતા નથી.”
કોર્ટે જણાવ્યું કે જો કોઈ ન્યાયાધીશથી ચુકાદો આપવામાં ભૂલ થાય અથવા કોઈ પક્ષકારને કોર્ટના આદેશથી સંતોષ ન હોય તો કાયદો તેને ઉપલી અદાલતમાં અપીલ કરવાની પૂરેપૂરી તક આપે છે. કાયદાકીય આદેશને પડકારવો એ પક્ષકારનો હક છે, પરંતુ સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર ન્યાયાધીશો વિરુદ્ધ કેમ્પેઈન ચલાવવા, ખોટા નેરેટિવ સેટ કરવા અને તેમનું ચરિત્રહનન કરવું એ કાયદા વિરુદ્ધ છે જે સ્વીકાર્ય નથી.
સાથે જ કોર્ટે કહ્યું જાણીજોઈને સંગઠિત રીતે લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠાડવાનો પ્રયાસ થતો હોય ત્યારે ન્યાયની રક્ષા માટે અદાલતની અવમાનનાની શક્તિનો ઉપયોગ કરવો અનિવાર્ય બની જાય છે.
આદેશમાં એક ચોંકાવનારી વિગત સામે આવી કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ કોર્ટમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો અને તેને ‘સત્યાગ્રહ’ તરીકે ઓળખાવ્યો હતો. જસ્ટિસ શર્માએ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મોહનદાસ ગાંધીના આ પવિત્ર શબ્દનો ઉપયોગ કાયદાકીય અવગણના માટે કરવો તે દુઃખદ છે. એક બાજુ નેતાઓ કોર્ટના બહિષ્કારની વાતો કરતા હતા અને બીજી બાજુ સોશિયલ મીડિયા પર જજ વિરુદ્ધ પત્રો લખતા હતા, જે ન્યાયતંત્રને ધમકાવવાનો (Browbeating) પ્રયાસ હતો.
‘ન્યાયિક શિસ્ત’ અને કેસમાંથી અલગ થવાનો નિર્ણય
સામાન્ય રીતે જ્યારે કોઈ જજ કેસમાંથી હટી જાય ત્યારે તેને હાર માનવામાં આવે છે. પરંતુ જસ્ટિસ શર્માએ એક અલગ દાખલો બેસાડ્યો. તેમણે કહ્યું, “હું આ કેસમાંથી અલગ થઈ રહી છું, તેનો અર્થ એ નથી કે હું આપ નેતાઓની માંગણી સ્વીકારું છું કે તેમના દબાણથી આ નિણર્ય લીધો છે. પરંતુ, મેં જ આ નેતાઓ વિરુદ્ધ ‘અદાલતની અવમાનના’ની (Contempt) કાર્યવાહી શરૂ કરી છે, તેથી તે નૈતિક રીતે હું તેમના કેસની સુનવણી ન કરી શકું.” તેમણે ઉમેર્યું કે હવે આ કેસ અન્ય કોઈ જજ સાંભળશે, જેથી ન્યાયની પ્રક્રિયામાં કોઈ શંકા ન રહે. આને તેમણે ‘ન્યાયિક શિસ્ત’ (Judicial Discipline) ગણાવી હતી.
સોલિસિટર જનરલની દલીલો અને રાજકીય અસરો
ભારત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટમાં આક્રમક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, “ભારતના લોકશાહી ઇતિહાસમાં કોઈ રાજકારણીએ આટલી હદે નીચે ઉતરીને ન્યાયતંત્રને બદનામ કરવાનો પ્રયાસ નથી કર્યો.” તેમણે કહ્યું કે લોકશાહીમાં રાજકીય પક્ષોને ટીકા કરવાનો હક છે, પણ જ્યારે આ ટીકા જજની અંગત જિંદગી અને તેમના પરિવાર પર કરવામાં આવે, ત્યારે તે ગંભીર અપરાધ બની જાય છે. તેમણે આને ન્યાયતંત્રને તોડી પાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદની પાછળ ‘દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22’ (દારૂ કૌભાંડ) છે. દિલ્હી સરકારે 2021માં નવી દારૂ નીતિ અમલમાં મૂકી હતી, જેને લઈને ખાનગી વિક્રેતાઓને ફાયદો કરાવવાના અને લાંચ લેવામાં આવ્યાના આરોપો સામે આવ્યા હતા. ત્યારબાદ ED અને CBIએ તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મનીષ સિસોદિયા અને પછી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ સાથે જોડાયેલી અનેક અરજીઓ, જેમાં જામીન, ધરપકડ અને અન્ય કાર્યવાહી સંબંધિત મામલાઓ સામેલ હતા, દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સમક્ષ આવ્યા હતા. જસ્ટિસ શર્માએ કેટલાક મહત્વપૂર્ણ આદેશોમાં AAP નેતાઓને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જસ્ટિસ શર્માની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા હતા અને કોર્ટમાં અરજી કરીને તેમને કેસની સુનાવણીમાંથી હટી જવાની માંગ પણ કરી હતી.
આ સિવાય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એવો અભિગમ અપનાવ્યો હતો કે તેઓ જસ્ટિસ શર્માની કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા હાજર નહીં રહે. તેમણે તેને ‘સત્યાગ્રહ’ ગણાવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ AAP નેતાઓ અને સમર્થકો દ્વારા જસ્ટિસ શર્મા વિરુદ્ધ સતત પોસ્ટ્સ અને કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા, જેમાં તેમની નિષ્પક્ષતા અને ન્યાયિક કાર્યવાહીને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા.
દિલ્હી હાઇકોર્ટે આ સમગ્ર સોશિયલ મીડિયા અભિયાનને ગંભીરતાથી લીધું છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ પોતાના આદેશમાં નોંધ્યું હતું કે કોર્ટ અને જજને નિશાન બનાવીને ‘વિલિફિકેશન કેમ્પેઈન’ ચલાવવામાં આવ્યું હતું, જે ન્યાયિક પ્રક્રિયા પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ જણાય છે. આ મામલો હવે માત્ર દારૂ નીતિ કેસ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ ન્યાયતંત્ર સામે જાહેર અભિયાન અને કોર્ટની સ્વાયત્તતા સાથે પણ જોડાઈ ગયો છે.


