અરવિંદ કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટે શરૂ કરી અવમાનનાની કાર્યવાહી

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે.

કાર્યવાહી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં શરૂ કરવામાં આવી છે, જેમણે અગાઉ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની એ અરજી ફગાવી દીધી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક્સાઈઝ પોલિસી કેસમાંથી જજને દૂર થવાની માંગ કરી હતી.

કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવીને કોર્ટને ટાર્ગેટ કરી હતી અને તેની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા હતા. ઉપરાંત ન્યાયાધીશ પર પણ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી હતી.

આરોપોમાં એ પત્રોનો પણ ઉલ્લેખ છે, જેમાં કેજરીવાલ અને અન્ય નેતાઓએ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ શર્માની કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર નહીં રહે.

આ સાથે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધાં છે. જોકે તેમણે જણાવ્યું છે કે પોતે ભૂતકાળનો આદેશ પરત નહીં લે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાથી પોતે મૂળ કેસમાંથી અલગ થઈ રહ્યાં છે.

સુનાવણી દરમ્યાન ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઈ રાજકારણીએ આટલા નીચા સ્તરે ઉતરીને આખા ન્યાયતંત્રને બદનામ કર્યું નથી અને એક સંદેશ જવો જરૂરી છે.