‘એક પ્રોજેક્ટ બતાવો જેનો ગ્રીન લોબીએ વિરોધ ન કર્યો હોય’: ગુજરાતના બંદરના વિસ્તરણ વિરુદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણનો માર્ગ મોકળો બન્યો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ માટે મળેલી પર્યાવરણીય મંજૂરીઓ (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકારતી અરજી પર સુનાવણી કરતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે પાયાની સુવિધાઓ વગર દેશનો વિકાસ શક્ય નથી.

એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટોની કાઢી ઝાટકણી

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટોના વલણ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે, “આજકાલ દરેક વ્યક્તિ એક્ટિવિસ્ટ બની ગઈ છે. દરેક પ્રોજેક્ટને આ રીતે અટકાવી શકાય નહીં. વિકાસ પણ જરૂરી છે.” કોર્ટે વધુમાં સવાલ કર્યો હતો કે, “ભારતમાં અમને એક એવો પ્રોજેક્ટ બતાવો કે જેમાં એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટોએ સામે ચાલીને કહ્યું હોય કે અમે આ પ્રોજેક્ટને આવકારીએ છીએ અને દેશ પ્રગતિ કરી રહ્યો છે.”

એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ ચેતન કુમાર નવિનત્રે વ્યાસે કરેલી આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે પોર્ટના વિસ્તરણથી દરિયાઈ જીવો, ઓલિવ રિડલે કાચબા, પક્ષીઓની પ્રજાતિઓ અને મેન્ગ્રોવ્સ (ચેરના જંગલો) પર ગંભીર નકારાત્મક અસર પડશે. અરજદાર તરફથી હાજર વકીલ અનિતા શેનોયે એવી પણ દલીલ કરી હતી કે આ મંજૂરીઓ 2012ના જૂના અહેવાલ પર આધારિત છે જેની મુદત પૂરી થઈ ગઈ છે, તેથી આ મંજૂરીઓ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.

નોંધનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 26 નવેમ્બરના તેના આદેશમાં અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) રિપોર્ટમાં તમામ પાસાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે પોર્ટનું વિસ્તરણ પક્ષીઓની વિવિધતા માટે અનુકુળ છે અને અભ્યાસ મુજબ પ્રોજેક્ટના વિસ્તરણથી પર્યાવરણ પર કોઈ મોટી પ્રતિકૂળ અસર થવાની નથી. સુપ્રીમ કોર્ટે પણ NGTના આ તર્કને માન્ય રાખ્યો હતો.

બીજી તરફ અરજદારોએ એવી દલીલ કરી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પકડવામાં આવતી 90 ટકા માછલીઓ પીપાવાવ ઉતારવામાં આવે છે અને પોર્ટના વિસ્તરણથી માછીમારી પર નિર્ભર પરિવારોની આર્થિક પ્રવૃત્તિઓને મોટું નુકસાન થશે. તેના જવાબમાં બેન્ચે જણાવ્યું હતું કે EIA રિપોર્ટ તૈયાર કરતી વખતે માત્ર આર્થિક પ્રવૃત્તિ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક ડેટા જોવામાં આવે છે.

‘ગેરકાયદે ન હોય તેવા વિકાસ કર્યોને ન અટકાવવા જોઈએ’

સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જ્યારે નિષ્ણાત ટીમો અને પર્યાવરણ વિભાગે પ્રોજેક્ટની તમામ તકનીકી તપાસ પૂરી કરી લીધી હોય ત્યારે કોઈ નક્કર ગેરકાયદેસરતા વગર દેશના વિકાસના કામોને અટકાવવા જોઈએ નહીં. કોર્ટે એમ પણ ટાંક્યું કે ગુજરાતના દરિયાકાંઠા પાસે સમુદ્રની જે કુદરતી ઊંડાઈ છે, તે મોટા બંદર બનાવવા માટે શ્રેષ્ઠ છે અને આવી અનુકૂળ જગ્યાઓનો વિકાસ અટકાવવો દેશના હિતમાં નથી.

અરજદારની દલીલોને ફગાવતા સુપ્રીમ કોર્ટે તેમને પુણે સ્થિત પશ્ચિમ ઝોન NGTમાં પુનઃ અપીલ કરવાની છૂટ આપી છે, જ્યાં તેઓ પ્રોજેક્ટ પરના તેમના વાંધાઓ રજૂ કરી શકે છે. જોકે, કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે NGTના મૂળ આદેશમાં ફેરફાર કરવાના પક્ષમાં નથી. આ વલણ દર્શાવે છે કે ન્યાયતંત્ર હવે ‘ગ્રીન લોબી’ના નામે થતા બિનજરૂરી વિરોધ સામે કડક બની રહ્યું છે.