હોમપેજક્રાઈમલિંચિંગથી લઈને ક્રૂડ બૉમ્બ હુમલા સુધી: ચૂંટણીમાં મમતાની હાર બાદ TMCના ગુંડાઓએ...

લિંચિંગથી લઈને ક્રૂડ બૉમ્બ હુમલા સુધી: ચૂંટણીમાં મમતાની હાર બાદ TMCના ગુંડાઓએ લોહિયાળ કરી નાખ્યું બંગાળ- વિગતો

સંદેશખાલી વિસ્તારમાં 6 મેના રોજ બામનઘેરીયા ખાતે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીયદળોની સંયુક્ત ટીમ પર અચાનક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

- Advertisement -

2026ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સંપૂર્ણપણે હચમચી ગઈ છે. જેને લઈને ચૂંટણીનાં પરિણામો પછી અરાજકતા અને સંઘર્ષ પેદા કરવા માટે તેના ગુંડાઓને છૂટા દોર આપવામાં આવ્યો હોવાના અહેવાલો છે.

એક તરફ મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો તો બીજી તરફ તેમની પાર્ટીના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરોની હત્યા, મિલકતોનો વિનાશ અને હિંસા આચરીને સામાન્ય જનતાને ડરાવવામાં આવી રહી છે. ‘ઑપઇન્ડિયા’એ 4 મે 2026થી અત્યાર સુધીમાં TMC દ્વારા કરવામાં આવેલી આવી અનેક ઘટનાઓનું સંકલન કર્યું છે.

હાવડામાં જાદવ બોરની લિંચિંગ

4 મેની રાત્રે જ્યારે વિસ્તારમાં ભાજપની જીતનો ઉત્સાહ હતો, ત્યારે જાદવ અન્ય કાર્યકર્તાઓ સાથે અબીલ-ગુલાલ ઉડાડીને ખુશી મનાવી ઘરે પરત ફર્યા હતા, પરંતુ રાત્રે જ્યારે તેઓ ઘરની નજીક આવેલા એકાંત સ્થળે નાહવા માટે ગયા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા હુમલાખોરોના એક ટોળાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

- Advertisement -

લોખંડના સળિયા જેવાં ઘાતક હથિયારોથી તેમના માથાના ભાગે નિર્દયી ફટકા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. જોકે સ્થાનિક લોકો તેમને બચાવવા દોડી આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ન્યુ ટાઉનમાં મધુ મંડલની માર મારીને હત્યા

પશ્ચિમ બંગાળના ન્યુ ટાઉન વિસ્તારમાં ચૂંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસામાં 5 મેના રોજ મધુ મંડલ નામના ભાજપના નેતાની અત્યંત નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. રાજારહાટ ન્યુ ટાઉન બેઠક પર ભાજપના વિજયની ખુશીમાં નીકળેલા સરઘસ દરમિયાન TMCના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હતો અને બાદમાં તેમનો મૃતદેહ બાલીગુરી વિસ્તારમાં કાદવમાંથી મળી આવ્યો હતો.

આ અપરાધના પગલે પોલીસે મુખ્ય આરોપી અને TMC નેતા કમલ મંડલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાથી વ્યથિત થયેલા નવા ચૂંટાયેલા ધારાસભ્ય પિયુષ કનોડિયાએ ભારે હૈયે જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે પોતાના સાથી કાર્યકરના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પવી પડી છે અને તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે આ હત્યા માટે જવાબદાર કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

શુભેન્દુ અધિકારીના PAની હત્યા, ડ્રાઈવરની હાલત ગંભીર

બુધવાર 6 મેના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વાયુસેના અધિકારી રહી ચૂકેલા ચંદ્રનાથ રથ જ્યારે તેમની એસયુવી (SUV) કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ રસ્તો રોકીને તેમના પર અત્યંત નજીકથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

આ હુમલામાં તેમના ડ્રાઈવર બુદ્ધદેવ બેરા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને તેની તપાસ માટે હવે એક SITની રચના કરવામાં આવી છે.

બારાસાતમાં રોહિત રોય પર ગોળીબાર

બસીરહાટમાં 6 મેના રોજ ચૂંટણી પરિણામો બાદ થયેલી હિંસામાં ભાજપના કાર્યકર રોહિત રોય (ઉર્ફે ચિન્ટુ) પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રોહિત પોતાના વિસ્તારમાં પક્ષની જીતની ઉજવણી કરવા માટે ભાજપના ઝંડા લગાવી રહ્યો હતો, જે દરમિયાન TMCના આશરે 8થી 10 ગુંડાઓના ટોળાએ તેને ઘેરી લીધો હતો અને 3થી 5 હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

રોહિતને પેટના ભાગે ગોળી વાગતા તેને અત્યંત ગંભીર હાલતમાં બસીરહાટ સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હાલમાં તેની સ્થિતિ નાજુક હોવા છતાં સ્થિર હોવાનું જણાવાયું છે અને આ હુમલાએ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી રહેલા કાર્યકરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઉત્તર 24 પરગણામાં ભાજપ સમર્થકના ઘરે તોડફોડ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સ્થિત અમડાંગા વિધાનસભા મતવિસ્તારમાં 4 મેની મોડી રાત્રે રાજકીય અદાવતની એક ભયાનક ઘટના સામે આવી હતી, જેમાં ભાજપના સમર્થક મદન મોરોલના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. પીડિતના જણાવ્યા અનુસાર માત્ર ભાજપને મત આપવાના કારણે TMCના આશરે 40થી 50 જેટલા ગુંડાઓના ટોળાએ તેમના નિવાસસ્થાન પર હુમલો કરી તોડફોડ મચાવી હતી અને પરિવારના સભ્યોને નિર્દયતાથી માર માર્યો હતો.

જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ અને કેન્દ્રીયદળોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી, પરંતુ આ હિંસક હુમલાએ સામાન્ય નાગરિકોના મનમાં ભારે ફાળ પાડી દીધી છે અને ભયભીત બનેલા પીડિત પરિવારે પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

બરાનગરમાં ભાજપ કાર્યકર પર છરાથી હુમલો

બરાનગરમાં 6 મેના રોજ રાજકીય વેર અને અંગત અદાવતનું એક ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું, જેમાં ભાજપના બૂથ પ્રમુખ સોમનાથ ધર અને તેમના પરિવાર પર તૃણમૂલ કોંગ્રેસના (TMC) ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોમનાથ ધર જ્યારે પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે રણજિત ધર અને શુભંકર ધર નામના શખ્સોએ તેમને જમીન પર પછાડીને ધારદાર હથિયારોથી શરીર પર અસંખ્ય ઘા કર્યા હતા.

આ હુમલાખોરો લાંબા સમયથી સોમનાથના પૈતૃક મકાન પર ગેરકાયદેસર કબજો કરવા માંગતા હતા અને સોમનાથે મિલકત સોંપવાનો ઇનકાર કરતા તેઓ ચૂંટણીના માહોલનો ફાયદો ઉઠાવી હિંસા પર ઉતરી આવ્યા હતા. જ્યારે પરિવારજનો સોમનાથને બચાવવા દોડી આવ્યા, ત્યારે હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા, જેના કારણે સમગ્ર પરિવારને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે રાજકીય પીઠબળનો ઉપયોગ કરીને ખાનગી મિલકતો પચાવી પાડવા માટે આતંક ફેલાવવામાં આવી રહ્યો છે.

પાનીહાટી બૉમ્બ હુમલામાં ભાજપના 5 કાર્યકરો ઘાયલ

બંગાળના પાનીહાટી વિસ્તારમાં 6 મેના રોજ એક ભયાનક બૉમ્બ હુમલો થયો હતો, જ્યાં આર.જી. કર હોસ્પિટલ કેસના મૃતક ડૉક્ટરનાં માતા અને ભાજપના વિજેતા ઉમેદવાર રત્ના દેબનાથની જીત બાદ સ્થિતિ તંગ હતી. પાનીહાટી મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 2માં જ્યારે ભાજપના કાર્યકરો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા ચાર અજાણ્યા હુમલાખોરોએ સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યુશન પાસે એક પછી એક ત્રણ ક્રૂડ બૉમ્બ ફેંક્યા હતા.

આ અચાનક થયેલા વિસ્ફોટોમાં ભાજપના 5 કાર્યકરો લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે આર.જી. કર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીનાં પરિણામો બાદ વિરોધ પક્ષના કાર્યકરોને ડરાવવા માટે કેવી રીતે જીવલેણ હથિયારો અને બૉમ્બનો ઉપયોગ કરીને આતંક ફેલાવવામાં આવી રહ્યો છે.

સંદેશખાલીમાં 3 પોલીસ અધિકારીઓ અને 2 CRPF જવાનો પર હુમલો

સંદેશખાલી વિસ્તારમાં 6 મેના રોજ બામનઘેરીયા ખાતે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીયદળોની સંયુક્ત ટીમ પર અચાનક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં નજાત પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી અને રાજબારી આઉટપોસ્ટના અધિકારી સહિત એક મહિલા પોલીસ કર્મચારી અને CRPFના 2 જવાનો મળી કુલ પાંચ સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લોહીલુહાણ હાલતમાં આ જવાનોને પહેલાં મીનાખા ગ્રામીણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ અત્યંત હોવાથી તેમને વધુ સારી સારવાર માટે તાત્કાલિક કોલકાતાની મોટી સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

TMC કાઉન્સિલરના પતિએ ભાજપ લઘુમતી મોરચાના નેતા પર હુમલો કરાવ્યો

7 મેના રોજ હાવડાના શિબપુર વિસ્તારમાં TMCના કાઉન્સિલરના પતિ શમીમ અહેમદે એક હિંસક ટોળાનું નેતૃત્વ કરી ભાજપના કાર્યકરો પર ભયાનક હુમલો કર્યો હતો, જેનું મુખ્ય નિશાન ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મનોજ ખાનનું ઘર હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે આ ટોળાએ આશરે 15 જેટલા ક્રૂડ બૉમ્બ ફેંક્યા હતા અને 8 રાઉન્ડ જેટલું અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં મુન્ના ખાન અને સિકંદર ખાન સહિત ભાજપના અનેક કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. નોંધનીય છે કે હુમલાખોર શમીમ અહેમદ અગાઉ પણ રામનવમીની હિંસાના કેસમાં NIA દ્વારા ઝડપાઈ ચૂક્યો છે.

ટોલીગંજમાં TMC ગુંડાઓએ પેટ્રોલ પંપ માલિકને આપી ધમકી

કોલકાતાના ટોલીગંજ વિસ્તારમાં 4 મેના રોજ એક પેટ્રોલ પંપ પર બનેલી ઘટના રાજ્યમાં વ્યાપ્ત અરાજકતાનો પુરાવો આપે છે, જ્યાં HPCL પેટ્રોલ પંપના માલિક શાલિની સેને TMCના ગુંડાઓ દ્વારા આપવામાં આવેલી ધમકીઓની આપવીતી જણાવી હતી. શાલિની સેનના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ ઘરે હતા ત્યારે નશાની હાલતમાં આવેલા 30થી 40 અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર ધસી જઈને ફ્યુઅલ ટેન્કર હટાવવા બાબતે મેનેજરને માત્ર 10 મિનિટની મહેતલ આપી હોબાળો કરવાની ધમકી આપી હતી.

આ ભયના માહોલ વચ્ચે શાલિની સેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્રીય નેતૃત્વના પ્રયાસોથી હવે બંગાળની જનતાને વર્ષોના ડર પછી આખરે શાંતિથી જીવવાની અને સુરક્ષિત રીતે વ્યવસાય કરવાની આશા જાગી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં