હોમપેજમંતવ્યન મેવાડ ઝૂક્યું, ન મહારાણા પ્રતાપે સ્વીકારી પરાધીનતા: છતાં ઇતિહાસનાં થોથાંમાં અકબરને...

ન મેવાડ ઝૂક્યું, ન મહારાણા પ્રતાપે સ્વીકારી પરાધીનતા: છતાં ઇતિહાસનાં થોથાંમાં અકબરને કેમ ગણાવાયો વિજેતા?

હલ્દીઘાટીનો ઇતિહાસ માત્ર એક યુદ્ધનો ઇતિહાસ નથી, પરંતુ એવા સંઘર્ષનો ઇતિહાસ છે જેમાં એક વિશાળ ઇસ્લામી સામ્રાજ્યે પૂરી તાકાત લગાવવા છતાં મેવાડને ઝૂકાવી શક્યું નહોતું.  

- Advertisement -

ભારતમાં ઇતિહાસને લઈને સૌથી વધુ દોહરાવવામાં આવતા નેરેટિવ પૈકીનો એક એ છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલ બાદશાહ અકબરની જીત થઈ હતી અને મહારાણા પ્રતાપ પરાજિત થયા હતા. દાયકાઓ સુધી સ્કૂલોનાં પાઠ્યપુસ્ત્કો, ઇતિહાસ લેખન અને વામપંથી પ્રભાવવાળા અકાદમિક વિમર્શમાં આ યુદ્ધને લગભગ ‘નિર્ણાયક મુઘલ વિજય’ તરીકે પ્રસ્તુત કરવામાં આવતું રહ્યું. પરંતુ જો આ દાવાને માત્ર એક દિવસના યુદ્ધ સુધી મર્યાદિત ન રાખીને સમગ્ર સંઘર્ષ, તેના રાજકીય ઉદ્દેશ્યો અને અંતિમ પરિણામોના આધારે પરખવામાં આવે તો તસવીર સાવ અલગ દેખાય છે. 

પ્રશ્ન એ છે કે જો અકબર વાસ્તવમાં જીતી ગયો હતો તો મેવાડ મુઘલ સામ્રાજ્યના અધીન કેમ ન થયું? મહારાણા પ્રતાપે જીવનભર આત્મસમર્પણ કેમ ન કર્યું? અને હલ્દીઘાટીના યુદ્ધના વર્ષો પછી પણ મુઘલો વિરુદ્ધ સંઘર્ષ કેમ ચાલુ રહ્યો?

આ જ તે પ્રશ્ન છે જેને મુખ્યધારાના ઇતિહાસલેખનમાંથી હટાવી દેવામાં આવ્યો છે. હલ્દીઘાટીના યુદ્ધને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જાણે 18 જૂન 1576ના રોજ બધું સમાપ્ત થઈ ગયું હોય. જ્યારે વાસ્તવિકતા એ છે કે હલ્દીઘાટી માત્ર એક મોટા સંઘર્ષનો એક અધ્યાય હતો, અંત નહોતો. જો કોઈ યુદ્ધનું પરિણામ તેના અંતિમ રાજકીય ઉદ્દેશ્યથી નક્કી કરવામાં આવે તો એ ક્યારેય ન કહી શકાય કે અકબર જીત્યો હતો.

- Advertisement -

અક્બરનો એકપણ ઉદ્દેશ્ય નહોતો થયો પૂરો

અકબરનો ઉદ્દેશ્ય માત્ર રણભૂમિમાં વર્ચસ્વ મેળવવાનો નહોતો. તે સમયે રાજસ્થાનના અનેક રાજપૂત શાસકો મુઘલ સત્તા સાથે સમજૂતી કરી ચૂક્યા હતા. અનેક રાજવંશો સામંતી સંબંધો દ્વારા મુઘલ દરબાર સાથે જોડાઈ ચૂક્યા હતા. અકબર ઇચ્છતો હતો કે મેવાડ પણ આ જ રાજકીય માળખાનો ભાગ બને અને મહારાણા પ્રતાપ અન્ય રાજપૂત શાસકોની જેમ મુઘલ સત્તાને સ્વીકારી લે. પરંતુ અહીંથી જ સંઘર્ષનું વાસ્તવિક સ્વરૂપ શરૂ થાય છે.

મહારાણા પ્રતાપે અકબરની અધીનતા સ્વીકારવાની તો વાત જ છોડી દો, પરંતુ તેમણે જીવનના અંતિમ ક્ષણ સુધી સ્વતંત્ર મેવાડની પ્રતિષ્ઠાને જીવંત રાખી. આ જ કારણ છે કે હલ્દીઘાટીને માત્ર સૈન્ય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ઇતિહાસ અધૂરો રહી જાય છે. યુદ્ધોનું અંતિમ મૂલ્યાંકન એ આધારે પણ થાય છે કે કોણ પોતાના રાજકીય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી શક્યું અને કોણ નહીં. અકબર મેવાડને અધીન ન કરી શક્યો, જ્યારે મહારાણા પ્રતાપ મેવાડની સ્વતંત્ર સત્તા અને અસ્મિતાને બચાવવામાં સફળ રહ્યા.

હલ્દીઘાટી પછી પણ સમાપ્ત નહોતો થયો સંઘર્ષ

વામપંથી ઇતિહાસ એવી ધારણા બનાવે છે કે હલ્દીઘાટીના યુદ્ધ પછી મહારાણા પ્રતાપની શક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ ઐતિહાસિક ઘટનાઓ તેનાથી વિરુદ્ધ સંકેત આપે છે. યુદ્ધ પછી મહારાણા પ્રતાપ જીવિત રહ્યા, તેમનું નેતૃત્વ ટકી રહ્યું અને તેમણે અરાવલીના કઠિન ભૂગોળને આધાર બનાવીને સંઘર્ષ ચાલુ રાખ્યો. મુઘલ સેના તેમને કેદ કરી શકી નહીં અને મેવાડ પર સ્થાયી નિયંત્રણ પણ સ્થાપિત કરી શકી નહીં. જો કોઈ યુદ્ધને ‘નિર્ણાયક વિજય’ કહેવામાં આવે તો સામાન્ય રીતે તેના પછી પ્રતિરોધ સમાપ્ત થઈ જાય છે. પરંતુ અહીં આવું ન થયું.

મહારાણા પ્રતાપે જંગલો, પહાડીઓ અને સ્થાનિક સમુદાયો, ખાસ કરીને ભીલ સમાજના સહયોગથી ગોરિલા રણનીતિ અપનાવી. આ માત્ર સૈન્ય પ્રતિરોધ નહોતો, પરંતુ રાજકીય અસ્તિત્વ અને સ્વાતંત્ર્યની લડાઈ હતી. મેવાડની રાજસત્તા સમાપ્ત નહોતી થઈ. અકબરને વારંવાર સૈન્ય પ્રયાસો કરવા પડ્યા, છતાં તે મહારાણા પ્રતાપને ઝૂકાવવામાં સફળ ન થયો.

દિવેરનો વિજય અને ઇતિહાસકારોનું મૌન

હલ્દીઘાટીના છ વર્ષ પછી 1582માં દિવેરનું યુદ્ધ થયું, જેને મેવાડની નિર્ણાયક વાપસી કહેવામાં આવે છે. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે મુઘલ ચોકીઓ પર આક્રમણ કરીને પશ્ચિમી મેવાડના મોટા ભાગને ફરી પોતાના નિયંત્રણમાં લઈ લીધો. બ્રિટિશ ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડે દિવેર યુદ્ધને ‘મેવાડ મેરેથોન’ સુધ્ધાં કહ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મુખ્યધારાના વામપંથી ઇતિહાસ વિમર્શમાં દિવેરને ક્યારેય એ સ્થાન મળ્યું નથી જે હલ્દીઘાટીને અને અકબરને આપવામાં આવ્યું.

અહીંથી જ ઇતિહાસલેખનને લઈને પ્રશ્નો ઊભા થાય છે. આખરે કેમ હલ્દીઘાટીને વારંવાર ‘અકબરની જીત’ તરીકે રજૂ કરવામાં આવ્યું, પરંતુ દિવેર જેવી ઘટનાઓને કોઈપણ ઉલ્લેખ વગર સમેટી દેવામાં આવી. શું તેનું કારણ એ હતું કે ભારતીય ઇતિહાસને લાંબા સમય સુધી મુઘલ-કેન્દ્રિત દૃષ્ટિકોણથી લખવામાં આવ્યો, જ્યાં મુઘલ સામ્રાજ્યને કેન્દ્રમાં રાખીને બાકીના પ્રતિરોધોને હાશિયે ધકેલી દેવામાં આવ્યા? આ પ્રશ્ન માત્ર ઇતિહાસનો નથી, પરંતુ ઇતિહાસની વ્યાખ્યાનો પણ છે. 

વામપંથી ઇતિહાસલેખન અને ‘અકબર મહાન’નો નેરેટિવ

સ્વાતંત્ર્ય પછી ભારતમાં ઇતિહાસલેખનનો મોટોભાગ એવા વૈચારિક માળખાથી પ્રભાવિત રહ્યો, જેમાં મુઘલ શાસકો, ખાસ કરીને અકબરને ‘ઉદાર’, ‘સમન્વયવાદી’ અને ‘મહાન’ શાસક તરીકે સ્થાપિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. તેની સામે જે શક્તિઓએ સામ્રાજ્યવાદી વિસ્તારનો પ્રતિરોધ કર્યો તેમને મહત્વ જ અપાયું અથવા તો ઓછું મહત્વ આપવામાં આવ્યું. મહારાણા પ્રતાપની છબીને પણ ‘પરાજિત પરંતુ વીર’ રાજા સુધી મર્યાદિત કરી દેવામાં આવી. તેમની સાહસિકતા તો સ્વીકારવામાં આવી, પરંતુ એ ન કહેવાયું કે તેમનો સંઘર્ષ અંતે સમાપ્ત નહોતો થયો.

આ જ કારણ છે કે વામપંથી ઇતિહાસમાં એ વાત બેસાડી દેવામાં આવી કે હલ્દીઘાટીમાં અકબર જીતી ગયો અને વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ. જ્યારે વાસ્તવિકતા એ છે કે અકબરનો સૌથી મોટો ઉદ્દેશ્ય મહારાણા પ્રતાપને અધીન કરવાનો હતો અને તે ક્યારેય પૂર્ણ નહોતો થયો. પ્રતાપ ક્યારેય મુઘલ દરબારમાં ગયા નહીં, ક્યારેય સંધિ ન કરી અને મેવાડની સ્વતંત્રતા ક્યારેય છોડી નહીં. જો સંઘર્ષનું અંતિમ પરિણામ જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે મેવાડની અસ્મિતા અને રાજકીય સ્વતંત્રતા ટકી રહી.

ઇતિહાસ માત્ર રણભૂમિમાંથી નહીં, પરિણામોથી નક્કી થાય છે

એ કહેવું કે હલ્દીઘાટીના યુદ્ધમાં સૈન્ય સ્થિતિ શું હતી, તે અલગ ચર્ચાનો વિષય છે, જોકે તેમાં પણ વિજય તો મહારાણા પ્રતાપનો જ થયો હતો. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આખા સંઘર્ષનું અંતિમ પરિણામ શું રહ્યું. અકબરનો મુખ્ય ઉદ્દેશ્ય મેવાડને નમાવવાનો હતો અને તેમાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે મહારાણા પ્રતાપે પોતાના ઉદ્દેશ્ય સ્વતંત્ર મેવાડને બચાવવામાં સફળતા મેળવી તો ઇતિહાસનું મૂલ્યાંકન માત્ર મોટી સેના હોવા પરથી ન કરી શકાય.

મહારાણા પ્રતાપનો સૌથી મોટો વિજય માત્ર તલવારનો નહોતો, પરંતુ આત્મસમર્પણનો ઇન્કાર હતો. તેમણે પોતાનું રાજ્ય, પરંપરા અને રાજકીય સ્વતંત્રતાને છેલ્લા શ્વાસ સુધી બચાવી રાખી. આ જ કારણ છે કે સદીઓ પછી પણ તેઓ ભારતીય સ્મૃતિમાં પ્રતિરોધ, સ્વાભિમાન અને સ્વતંત્રતાના જીવંત પ્રતીક બની રહ્યા છે. હલ્દીઘાટીનો ઇતિહાસ માત્ર એક યુદ્ધનો ઇતિહાસ નથી, પરંતુ એવા સંઘર્ષનો ઇતિહાસ છે જેમાં એક વિશાળ ઇસ્લામી સામ્રાજ્યે પૂરી તાકાત લગાવવા છતાં મેવાડને ઝૂકાવી શક્યું નહોતું.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં