Wednesday, July 24, 2024
More
  હોમપેજદેશમુઘલ શાસનમાં રજવાડાઓ પર થતા અમાનવીય અત્યાચાર... આક્રાંતાઓ સાથે બાથ ભીડવા એકલા...

  મુઘલ શાસનમાં રજવાડાઓ પર થતા અમાનવીય અત્યાચાર… આક્રાંતાઓ સાથે બાથ ભીડવા એકલા અડીખમ હતા મેવાડી મહારાણા પ્રતાપ: હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર જાણો વીરોનો એ અમર ઇતિહાસ​

  યુદ્ધના પ્રથમ ચરણમાં લાગ્યું કે, અકબરની આખી સેનાને એકલા મહારાણા પ્રતાપ ત્રાહિમામ પોકારાવી રહ્યા હતા. જાણે સાક્ષાત મહાદેવ એકલિંગજી રૌદ્ર રૂપમાં હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા હોય, તેવું એ દ્રશ્ય હતું. મહારાણાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો.

  - Advertisement -

  ભારતની મહાન ભૂમિએ અનેક વીરોને જન્મ આપ્યો છે. જ્યારે-જ્યારે અધર્મ વધતો રહ્યો છે, ત્યારે-ત્યારે દેશની ધરતીએ એક મહાપુરુષને જન્મ આપ્યો છે. ગુજરાતમાં એક દુહો પ્રાચીનકાળથી પ્રચલિત છે. ‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર’ દુહામાં જનની (માતા)ને સંબોધીને માર્મિક કટાક્ષ કરવામાં આવ્યો છે. માતાને કહેવામાં આવ્યું છે કે, હે જનની, તારે જો જન્મ આપવો જ હોય તો કોઈ ભક્ત, દાતાર કે શૂરવીરને જન્મ આપજે અને આવું ના થાય તો વાંઝણી રહેજે. પરંતુ કાયરને જન્મ ના આપતી. આ પંક્તિઓ સીધી રીતે ભારતના સન્યાસીઓ અને વીરોના કીર્તિમાન ઇતિહાસની સાક્ષી પૂરે છે. એવા જ એક વીર હતા મહારાણા પ્રતાપ. હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર આપણે તેમની વીરતા અને મહાનતાને સમજવા પ્રયાસ કરીશું.

  18 જૂન, 1576ના રોજ મેવાડના શાસક મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ શરૂ થયું હતું. તેથી દર વર્ષે ભારતના મહાન સપૂત મહારાણા પ્રતાપની વીરતા અને સાહસને યાદ કરવા માટે 18 જૂનને હલ્દીઘાટી યુદ્ધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હલ્દીઘાટીના યુદ્ધનું વર્ણન તત્કાલીન ચારણી સાહિત્યોમાં થયું છે. ડાબેરી ઇતિહાસકારોના કારણે આજે પાઠ્યપુસ્ત્કોમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં મહારાણા પ્રતાપ ક્યારેય હાર્યા નહોતા. આજે હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર મહારાણા પ્રતાપના શૌર્ય અને પરાક્રમને નમન કરીને આપણે યુદ્ધનો ઇતિહાસ અને મહત્વ વિશે ચર્ચા કરીશું.

  મહારાણા પ્રતાપનો જન્મ અને રાજ્યાભિષેક

  મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢના કિલ્લામાં હિંદુ પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ સુદ તૃતીયાના દિવસે થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ તારીખ 9 મે, 1540ના રોજ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. મહારાણા પ્રતાપ રાણા ઉદય સિંઘના સૌથી મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ જયવંતાબાઈ હતું. રાણા ઉદય સિંઘ તેમના પ્રથમ પુત્રના જન્મ પછી જયવંતાભાઈથી અલગ થઈ ગયા હતા. ઉદય સિંઘ સૌથી નાની રાની ધીરબાઈ પ્રત્યે વધુ ઝુકાવ ધરાવતા હતા. આથી મહારાણા પ્રતાપના બદલે, તેમણે ધીરબાઈના પુત્ર જગમાલ સિંઘને તેમના યુવરાજ તરીકે જાહેર કર્યા હતા. જોકે, મહારાણા પ્રતાપની કુશળતા જોઈને મોટા ભાગના સિસોદિયા રાજપૂતો તેમને ગાદી માટે લાયક અને સમર્થ માનતા હતા.

  - Advertisement -
  કુંભલગઢ કિલ્લો

  મહારાણા પ્રતાપના રાજ્યાભિષેક પાછળ પણ રોચક ઘટના છે. ઇતિહાસકારો કહે છે કે, ધીરબાઈ હંમેશા રાણા ઉદય સિંઘને પ્રતાપ અને જયવંતાબાઈ વિરુદ્ધ ભડકાવવાના પ્રયાસ કરતાં હતા. જગમાલને ઉદય સિંઘે મેવાડના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા હતા. જ્યારે રાણા ઉદય સિંઘનું અવસાન થયું ત્યારે મેવાડના સામંતો અને જનતાએ સ્મશાનમાં મહારાણા પ્રતાપને જોયા. તેમણે પ્રતાપને સ્મશાનમાં હાજર રહેવાનું કારણ પૂછ્યું. કારણ કે, નિયમ મુજબ રાજગાદી ખાલી ન રહે એ માટે જેનો રાજ્યાભિષેક થવાનો હોય એ સૌથી મોટા પુત્રએ પિતાના અગ્નિસંસ્કારમાં હાજરી ન આપવાની હોય. રાણા પ્રતાપે કહ્યું કે, ‘ભાઈ જગમાલનો રાજ્યાભિષેક થાય તેવો પિતાજીનો આદેશ હતો.’ મેવાડની સામાન્ય જનતા અને મેવાડના હિતેચ્છુ સામંતોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે સ્મશાનમાં આવેલા મહાદેવ મંદિરના ચબૂતરા પાસે બેસાડીને મહારાણા પ્રતાપનું રાજતિલક કર્યું હતું.

  ત્યારબાદ મહારાણા પ્રતાપનો એક વર્ષ બાદ વિધિવત રાજ્યાભિષેક થયો હતો. બીજી તરફ દિલ્હીમાં મુઘલ બાદશાહ અકબરની તાકાત વધી રહી હતી. ભારતના લગભગ તમામ રાજાઓને તેણે નમાવી દીધા હતા અને હવે તેની નજર હતી મેવાડ પર. આમ જોવા જઈએ તો મુઘલો અને મેવાડના સિસોદિયા રાજાઓ વચ્ચે ત્રણ પેઢીનો વેર હતો. મેવાડના સિસોદિયા સરદારો જાણતા હતા કે, અકબરની આંખો મેવાડ પર મંડાયેલી છે. આવી સ્થિતિમાં મહારાણા પ્રતાપ જ મેવાડની સ્વતંત્રતાને જીવતી રાખી શકે તેમ છે.

  હલ્દીઘાટીનું યુદ્ધ અને મહારાણા પ્રતાપની વીરતા

  મુઘલ બાદશાહ અકબર ખૂબ જ ચાલાક હતો. તેણે યુદ્ધ કરીને તથા હિંદુઓ સાથે સંબંધો સ્થાપિત કરીને અનેક રાજ્યોને પોતાના શાસન હેઠળ લાવી દીધા હતા. ભારતના તમામ રજવાડાઓ અકબરને આધીન થઈ ગયા હતા. તે રજવાડાઓમાં પણ હવે અકબરના નામથી શાસન ચાલવા લાગ્યું હતું, હિંદુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા. તમામ રજવાડાઓ ભારે અત્યાચાર અને સંતાપ ભોગવી રહ્યા હતા. આખા ભારતને તાબા હેઠળ લેવાનું અકબરનું સપનું હતું. તેણે ભારતના બધા જ રાજ્યો પર શાસન સ્થાપિત કરી દીધું હતું. પરંતુ નાનકડું મેવાડ રાજ્ય તેની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતું.

  અકબરે અનેક પ્રયાસો કર્યા પણ રાણા પ્રતાપ ક્યારેય ઝૂક્યા નહીં. અન્ય રાજાઓ કરતાં રાણા પ્રતાપ જુદી માટીના હતા. દેશના બધા રજવાડાઓ અકબરનું આધિપત્ય સ્વીકારી લીધું, પરંતુ મહારાણા પ્રતાપ અડીખમ હતા. અકબરે 1573થી 1575ની વચ્ચે મહારાણા પ્રતાપ પાસે ત્રણ દૂતો મોકલ્યા, રાજા માન સિંઘ, તેમના પિતા રાજા ભગવંત દાસ અને રાજા ટોડરમલ. ત્રણેય હિંદુ દૂતોએ મહારાણા પ્રતાપને અકબરના શાસન હેઠળ જોડાવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ મહારાણા પ્રતાપ સ્વતંત્રતા અને સ્વાભિમાનના આદિ હતા. આ ત્રણેય સેનાધિકારીઓ મહારાણાને ડગાવી શક્યા નહીં. મહારાણા પ્રતાપ હંમેશા કહેતા કે, “હું જીવું છું, ત્યાં સુધી મેવાડ ક્યારેય મુઘલોના તાબા હેઠળ નહીં જાય.”

  તમામ પ્રયાસો કર્યા બાદ અકબર પાસે હવે યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહારાણા પ્રતાપે સત્તા સંભાળ્યાના ચાર વર્ષ પછી, આખરે મુઘલ અને મેવાડ સેના હલ્દીઘાટીમાં સામસામે આવી. અકબર દિલ્હીથી અજમેર આવ્યો. તેણે મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ લડવા માટે માન સિંઘના નેતૃત્વમાં મોટી સેના મોકલી. સેનાની સંખ્યાની દ્રષ્ટિએ મહારાણા પ્રતાપની સ્થિતિ નબળી હતી. એવું કહેવાય છે કે, બંને સેનાઓ વચ્ચેનો ગુણોત્તર 1:4 હતો. એટલે કે મેવાડનો એક સૈનિક અને મુઘલોના 4 સૈનિક. મહારાણા પ્રતાપે સેનાને હાંકલ કરી હતી કે, એક રાજપૂત 4 મુઘલોને મારશે. જ્યાં સુધી 4ને નહીં મારે ત્યાં સુધી પોતે પણ નહીં મરે.

  48 જૂન, 1576ના દિવસે હલ્દીઘાટીની પીળી માટી રક્તરંજિત હતી. જય એકલિંગજીનો ગગનભેદી નાદ સંભળાતો હતો. એક તરફ હતી સ્વતંત્રતા અને બીજી તરફ હતી સત્તાલાલસા. રણભૂમિમાં મહારાણા પ્રતાપની તલવાર ચીભડા ચીરતી હોય તેમ દુશ્મનોના માથા ધડથી અલગ કરી રહી હતી. મેવાડનું માથું કોઇની આગળ ઝૂકવા નહીં દેવાની એ સ્વાભિમાની વીરે પ્રતિજ્ઞા લીધી હતી. સ્વતંત્રતા માટે તેને મૃત્યુ પણ મંજૂર હતું. તેને માથું ટટ્ટ્રાર અને ઊંચું રાખવું ગમતું હતું. મહારાણા પ્રતાપ અને ચેતકની જુગલબંધીએ મુઘલોની સેનામાં ભયાનક દ્રશ્યો ઊભા કર્યા હતા. મહારાણા પ્રતાપ એક-એક કરીને મુઘલોને ઊભા ચીરી રહ્યા હતા. મહારાણાની સેના સાથે ભીલોની સેના પણ મુઘલોના માથા વાઢી રહી હતી.

  મહારાણા પ્રતાપ યુદ્ધ (ફોટો: Abp)

  યુદ્ધના પ્રથમ ચરણમાં લાગ્યું કે, અકબરની આખી સેનાને એકલા મહારાણા પ્રતાપ ત્રાહિમામ પોકારાવી રહ્યા હતા. જાણે સાક્ષાત મહાદેવ એકલિંગજી રૌદ્ર રૂપમાં હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા હોય, તેવું એ દ્રશ્ય હતું. મહારાણાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો. નિશસ્ત્ર મુઘલ પર વાર કરવાની તેમની આદત નહોતી. તેથી નિશસ્ત્ર મુઘલોને તેઓ પોતે તલવાર આપતા હતા અને તેમના પર કાળ બનીને વરસી પડતાં હતા. પ્રારંભિક યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેના અકબરની વિશાળ સેના પર જીતી ગઈ હતી. અકબરની સેનાને તેની પ્રથમ સફળતા ત્યારે મળી જ્યારે મહારાણા પ્રતાપના મુખ્ય હાથીનો મહાવત અકબરની સેનાના એક તીર વડે માર્યો ગયો.

  અકબરના સૈન્યનો એક મહાવત તે હાથી પર બેસ્યો અને તેને મુઘલ સેના તરફ લઈ ગયો હતો. આ દરમિયાન મહારાણા પ્રતાપ પોતાના ઘોડા ‘ચેતક’ પર સવાર થઈને હાથી પર સવાર માન સિંઘની સામે આવ્યા. મહારાણા પ્રતાપે ભાલા વડે માન સિંઘ પર હુમલો કર્યો. મહારાણા પ્રતાપના ચેતક ઘોડાએ માન સિંઘના હાથીના માથા પર પગ ઠેરવી દીધા. જેથી મહારાણા પ્રતાપે ઘોડા પરથી ભાલાનો ઘા મારીને હાથીના મહાવતને ચીરી નાખ્યો હતો. આ હુમલામાં માન સિંઘનો મહાવત માર્યો ગયો અને હાથી ગભરાઈને ભાગવા લાગ્યો. માન સિંઘના હાથીની થડ સાથે બાંધેલી તલવારથી ચેતકનો એક પગ ચિરાઈ ગયો હતો. તેમ છતાં નિર્ભય ચેતક મહારાણા પ્રત્યેની વફાદારી ન ભૂલ્યો. માન સિંઘને સંકટમાં જોઈને મુઘલ સૈનિકોએ મહારાણા પ્રતાપને ઘેરી લીધા.

  મહારાણા પ્રતાપના લશ્કરી સલાહકારોએ તેમને દબાણ કર્યું કે વ્યૂહરચના તરીકે, તેમણે અહીંથી ચાલ્યા જવું જોઈએ, જેથી તેઓ ફરીથી લડી શકે. મુઘલ સૈનિકોની આંખમાં ધૂળ નાખવા માટે માનસિંહ ઝાલા મેવાડની શાહી છત્રછાયા હેઠળ યુદ્ધમાં કૂદી પડ્યા. છત્રી જોઈને મુઘલ સૈનિકોએ વિચાર્યું કે મહારાણા પ્રતાપ હજુ યુદ્ધ લડી રહ્યા છે. જ્યારે તેઓ પોતાના ચેતક ઘોડા પર સવાર થઈને યુદ્ધભૂમિમાંથી નીકળી ગયા હતા. યુદ્ધભૂમિથી થોડે દૂર, લોહીથી લથબથ ચેતક એક લાંબી ખાઈને પાર કરવા કૂદી પડ્યો. સામે પાર પડતાની સાથે જ ચેતકે પ્રાણ ગુમાવ્યા. તેણે પોતાના સ્વામીને સુરક્ષિત સ્થળે ખસેડીને જ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. ઇતિહાસમાં ચેતક એકમાત્ર એવો ઘોડો છે, જેના પર રાજસ્થાની અને ગુજરાતીમાં હજારો લોકગીતો લખાયા છે. આજેપણ લોકો ચેતકની સ્વામીભક્તિ અને વીરતાને યાદ કરતાં હોય છે.

  મહારાણા પ્રતાપ અને ચેતક (ફોટો: AtGallery)

  દેશના પ્રાણીઓની સ્વામીભક્તિ પણ કેવી અતૂટ હતી. આજે પણ આપણી આંખ સામે ચેતકનું નામ તરવરે છે. પોતાના સ્વામી માટે યુદ્ધમાં પ્રાણ ગુમાવનાર ચેતક મહારાણા પ્રતાપનો શ્વેતવર્ણી ઘોડો હતો. ચેતક કાઠિયાવાડી નસ્લનો અશ્વ હતો. તેનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે.) માનવામાં આવે છે. ચેતક અને નેતક નામના બે કાઠિયાવાડી ઘોડાઓ ગુજરાતના ખોડગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેમના ભાઈ શક્તિ સિંઘને રજૂ કરવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપે બંને અશ્વની પરીક્ષા કરી હતી, ત્યારબાદ નેતક મૃત્યુ પામ્યો હતો અને તેમણે ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો હતો. મહારાણા ચેતકને પોતાના પુત્ર કરતાં પણ વધુ પ્રેમ કરતાં હતા. હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર ચેતકનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધ એક દિવસ ચાલ્યું હતું અને તેમાં લગભગ 17,000 સૈનિકો વીરગતિ પામ્યા હતા. આજે પણ હલ્દીઘાટી મેદાનની તે જમીન લાલ રંગે રંગાયેલી છે.

  કોણ જીત્યું? અકબર કે મહારાણા પ્રતાપ?

  આપણાં દેશના ઇતિહાસ સાથે સૌથી વધુ છેડછાડ જે-તે સમયના ડાબેરી અને લિબરલ ઇતિહાસકારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં વારંવાર મુઘલોના પરાક્રમ અને હિંદુ રાજાઓનું અપમાન જોવા મળ્યું છે અને દુર્ભાગ્યે આજેપણ પાઠ્યપુસ્ત્કોમાં આપણને આ જ વસ્તુઓ ભણાવવામાં આવે છે. મહારાણા પ્રતાપના ઇતિહાસમાં પણ વામપંથી ઇતિહાસકારો બસ આવું જ કૃત્ય કર્યું છે. કેટલાક ડાબેરી ઇતિહાસકારો કહે છે કે, હલ્દીઘાટીના આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. જોકે, આ યુદ્ધમાંથી બહાર નીકળવું એ મહારાણા પ્રતાપની વ્યૂહરચનાનો એક ભાગ હતો. બીજી તરફ કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે, હલ્દીઘાટીના આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો વિજય થયો હતો. ઇતિહાસકારોએ આ માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા.

  ઇતિહાસકારો કહે છે કે, યુદ્ધ પછી જ્યારે મુઘલ સેનાપતિ માન સિંઘ અકબરના દરબારમાં પહોંચ્યો ત્યારે ગુસ્સે ભરાયેલા અકબરે તેના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા. એટલે કે, માન સિંઘ અકબરના દરબારમાં ન આવી શક્યો. જો માન સિંઘ વિજયી બનીને હલ્દીઘાટી પહોંચ્યો હોત તો અકબરે તેને ઈનામ આપ્યું હોત. પરંતુ, તેણે માન સિંઘના દરબારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજો પુરાવો એ છે કે, મહારાણા પ્રતાપે હલ્દીઘાટીના યુદ્ધ પછી પણ જમીન પટ્ટા આપવાનું ચાલુ રાખ્યું હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે એક પરાજિત શાસકે જમીન પટ્ટા કેવી રીતે જારી કર્યા? હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર મહારાણા પ્રતાપને આ જ કારણથી યાદ કરવામાં આવે છે.

  સૌથી મહત્વનો પુરાવો તો એ છે કે, અકબરનો ઉદ્દેશ્ય હતો મહારાણાને મુઘલ દરબારમાં જીવિત કે મૃત લઈ આવવા. એમને કેદ કરવા. તેમને ગુલામ બનાવવા. પરંતુ અકબર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહોતો. જ્યારે અકબર પોતાના મૂળ હેતુમાં જ સફળ નહોતો થયો તો કેવી રીતે કહી શકાય કે, હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલોની જીત થઈ હતી? જ્યારે મહારાણા પ્રતાપનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, તેઓ જીવતેજીવ હંમેશા સ્વતંત્ર રહેશે. તેમણે અંતિમ શ્વાસ સુધી તેમનો આ ઉદ્દેશ્ય અમર રાખ્યો હતો. તેવામાં એ સ્પષ્ટ થઈ જાય છે કે, હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ વિજય થયા હતા. આજે હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર આપણે મહારાણા પ્રતાપ સહિત તે તમામ મહાપુરુષો અને વીરોને નમન કરીએ છીએ.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં