પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થઈ ગયાં, ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીએ જીતી ગઈ અને હવે સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ, પણ એક અડચણ આવીને ઊભી રહી છે. ચૂંટણીમાં ભાજપ સામે કારમો પરાજય મળ્યા બાદ પણ તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે આ ચૂંટણીને ‘અપ્રમાણિક’ ગણાવીને દાવો કર્યો હતો કે આ જનમત નથી પરંતુ એક મોટું કાવતરું હતું અને નૈતિક રીતે તો તેમની પાર્ટી જીતી છે એટલે પોતે રાજીનામું નહીં આપે.
પરિણામો બાદ મંગળવારે (5 મે) કોલકાતામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પક્ષના નેતાઓ ડેરેક ઓ બ્રાયન અને અભિષેક બેનર્જીની હાજરીમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર ભ્રામક આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, “અમે હાર્યા નથી અને મારા રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. હું રાજભવન જવાની પણ નથી.” સામાન્ય સંસદીય પરંપરા મુજબ ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ નિવર્તમાન મુખ્યમંત્રીએ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપવું પડે છે, પરંતુ મમતા બેનર્જીએ આ પ્રક્રિયામાં ભાગ લેવાની ઘસીને ના પાડી દીધી છે.
હારની હતાશામાં મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આક્ષેપો પણ કર્યા. તેમણે દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ‘સીધો હસ્તક્ષેપ’ કરી રહ્યા હતા. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને આ ચૂંટણીના ‘વિલન’ ગણાવ્યા હતા. તેમણે નેતાએ આક્ષેપ કર્યો હતો કે લગભગ 100 જેટલી બેઠકો પર જનમતની ‘લૂંટ’ ચલાવવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો ભાજપે 294માંથી 207 બેઠકો જીતીને ઐતિહાસિક બહુમતી મેળવી છે. બીજી તરફ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયાં છે. બાકીની બેઠકોમાં કોંગ્રેસને 2, ટીએમસીના પૂર્વ નેતા કટ્ટરપંથી હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટીને 2, જ્યારે સીપીઆઈ(એમ) અને ઑલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટને ફાળે 1-1 બેઠક આવી છે. પરિણામો 293 બેઠકોનાં જાહેર થયાં છે. ફાલ્ટા સીટ પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે અને પરિણામ 24 મેના રોજ ઘોષિત થશે.
મુખ્યમંત્રીના રાજીનામા અંગે શું કહે છે બંધારણ
મમતા બેનર્જીના આ જિદ્દી વલણ બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ મુખ્યમંત્રી ચૂંટણી હાર્યા પછી પણ રાજીનામું આપવાની ના પાડે તો બંધારણીય નિયમો શું કહે છે? ભારતીય બંધારણના અનુચ્છેદ 164) મુજબ, મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ પર કરે છે. આ તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રી ‘રાજ્યપાલ ઇચ્છે ત્યાં સુધી’ (During the pleasure of the Governor) જ પોતાના પદ પર રહી શકે છે. આ ટેકનિકલ જોગવાઈ હેઠળ રાજ્યપાલ પાસે મુખ્યમંત્રીને બરતરફ કરવાની સત્તા છે.
જોકે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અનુસાર રાજ્યપાલ આ સત્તાનો ઉપયોગ મનસ્વી રીતે કરી શકતા નથી. રાજ્યપાલની સત્તા મંત્રી પરિષદની ‘સહાય અને સલાહ’ને આધીન હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં શાસક પક્ષ એટલે TMC બહુમતી ગુમાવી ચૂક્યો છે ત્યાં રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષ એટલે કે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે અને વર્તમાન મુખ્યમંત્રીને પદ છોડવા માટે આદેશ કરી શકે છે. જો કોઈ સ્થિર સરકાર ન બની શકે તો છેલ્લે આર્ટિકલ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય છે.
7 મેએ પૂરી થાય છે બંગાળની વિધાનસભાની મુદત
આ મામલા વચ્ચે એ પણ નોંધવું આવશ્યક છે કે વિધાનસભાની મુદત પણ પૂરી થવા આવી છે. બંધારણના અનુચ્છેદ 172 દરેક રાજ્યની વિધાનસભાની મુદત તેની પ્રથમ બેઠકથી પાંચ વર્ષની હોય છે અને તે મુદત પૂરી થતાં જ વિધાનસભા આપોઆપ વિસર્જિત થઈ જાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની વર્તમાન વિધાનસભાની મુદત 8 મે 2021ના રોજ શરૂ થઈ હતી જે 7 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહી છે. આનો અર્થ એ થાય કે 7 મે પછી મમતા બેનર્જી કાયદાકીય રીતે જ મુખ્યમંત્રીનું પદ ગુમાવી દેશે.
મમતાની જીદ દરમિયાન ભારતીય ચૂંટણી પંચે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે, જેનાથી ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રીતે પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બન્યો છે. બંધારણીય નિષ્ણાતોના મતે મમતા બેનર્જી રાજીનામું ન આપે તો પણ ભાજપ સરકાર બનાવી શકે છે. બહુમતી ગુમાવ્યા પછી તેમનું પદ પર ચાલુ રહેવું બંધારણીય રીતે અમાન્ય ગણાય છે.
બંધારણીય બાબતોના નિષ્ણાતો અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંઘે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીનું પદ પર ચાલુ રહેવું એ ‘ડોક્ટ્રિન ઑફ પ્લેઝર’ને આધીન છે. મમતા બેનર્જીનું આ વલણ માત્ર એક રાજકીય દાવપેચ અથવા જનતાની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે, કોઈ બંધારણીય પગલું નથી. આવી અસાધારણ સ્થિતિમાં રાજ્યપાલ તેમને સરળતાથી પદ પરથી હટાવીને નવી વ્યક્તિને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવી શકે છે.
લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ અને બંધારણ નિષ્ણાત પીડીટી આચાર્યએ હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, “એક રાજ્યમાં ક્યારેય બે મુખ્યમંત્રી હોઈ શકે નહીં. જે ક્ષણે નવા મુખ્યમંત્રી શપથ લેશે તે જ ક્ષણે જૂના મુખ્યમંત્રી આપોઆપ પદમુક્ત થઈ જશે.” મમતા બેનર્જી હવે વિરોધ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરવા અને કોર્ટના દરવાજા ખખડાવવાનું વિચારી રહ્યાં છે, પરંતુ કાયદાની નજરે તેમનો સત્તા પર રહેવાનો દાવો અહીં જ સમાપ્ત થાય છે.


