
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી ‘નૈતિક રીતે જીત્યાં છે.’ સોમવારે પરિણામો ઘોષિત થયા બાદ મંગળવારે (5 મે) મમતા બેનર્જીએ કોલકાતા ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં ફરી એક વખત ભાજપ, મોદી-શાહ અને કેન્દ્રીય બળો અને ચૂંટણી પંચ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો.
મમતાએ કહ્યું, “હું હારી નથી. અમે ચૂંટણી નથી હાર્યા. આ બળપ્રયોગના કારણે થયું. નૈતિક રીતે અમે જ ચૂંટણી જીત્યાં છીએ.” ઉલ્લેખનીય છે કે આ ‘મોરલ વિક્ટરી’વાળું અત્યાર સુધી કોંગ્રેસ વાપરતી હતી, હવે સત્તામાંથી બહાર થયા બાદ તૃણમૂલ કોંગ્રેસે પણ એ જ રાગ આલાપ્યા છે.
#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "Sad to say, CEC became the villain of this election to loot the democratic rights of the people and to loot the EVM. Can you tell me that after voting EVM has 80-90% charge? How is it possible? Two days before the… pic.twitter.com/b9Dc1npwWq
— ANI (@ANI) May 5, 2026
બેનર્જીએ ચૂંટણી પંચ પર પણ આરોપો લગાવ્યા અને કહ્યું કે ચૂંટણી પંચ આ ચૂંટણીમાં વિલન બની ગયું અને લોકોના લોકતાંત્રિક અધિકારો આંચકી લેવામાં આવ્યા. તેમણે EVM પર પણ આરોપો લગાવી દીધા અને કહ્યું કે મતદાન પછી પણ 80-90% ચાર્જ હોય એ કઈ રીતે શક્ય બને? સંભવતઃ મમતા બેનર્જીને ખ્યાલ નહીં હોય કે મતદાન પહેલાં તમામ EVMની બેટરી બદલવામાં આવે છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવતાં કહ્યું કે બે દિવસ પહેલાં તેમના (TMC) માણસોની ધરપકડ કરવાની શરૂ કરી દેવામાં આવી હતી અને ઠેકઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત IPS અને IAS અધિકારીઓની પણ બદલી કરી દેવાં આવી. આમાં મોદી અને શાહ વ્યક્તિગત રીતે સામેલ છે એવો બળાપો પણ મમતાએ ઠાલવ્યો અને કહ્યું કે તેમણે SIR થકી લાખો નામો ડિલીટ કરાવી દીધાં અને મમતા કોર્ટમાં ગયા ત્યારબાદ 32 લાખ નામ ઉમેરાયાં હતાં. મમતાનું કહેવું છે કે તેમણે આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી.

