પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજયે માત્ર રાજ્યના રાજકારણનો નકશો જ નથી બદલ્યો, પરંતુ વૈશ્વિક મીડિયાના એક જૂના અને પરિચિત વ્યવહારને પણ એક વખત ફરી છતો કરી દીધો છે. જેવી ભાજપે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત કરીને બંગાળની સત્તા હાથમાં લીધી તેવી વિશ્વનાં અનેક તોતિંગ વિદેશી મીડિયા સંસ્થાનોએ લોકતાંત્રિક જનાદેશનું સીધેસીધું વિશ્લેષણ કરવાને બદલે તેને વૈચારિક પૂર્વગ્રહો, સંસ્થાગત ષડ્યંત્રો અને સાંપ્રદાયિક એંગલોના ચશ્માથી જોવાનું શરૂ કરી દીધું.
આ તે જ પેટર્ન છે જે છેલ્લા એક દાયકામાં વારંવાર જોવા મળી છે. જ્યારે ભારતીય મતદારો ભાજપને પસંદ કરે છે ત્યારે ચૂંટણી પરિણામોને જનમત નહીં પરંતુ ‘હિંદુ રાષ્ટ્રવાદ’, ‘ધ્રુવીકરણ’, ‘સંસ્થાગત કબજો’ અને ‘લોકતંત્ર પર જોખમ’ જેવા શબ્દોમાં પેક કરીને વિશ્વ સામે પીરસવામાં આવે છે. રિપોર્ટિંગની શૈલી, વપરાયેલી ભાષા અને પસંદ કરવામાં આવેલા નેરેટિવને જોઈએ તો સ્પષ્ટ થઈ જાય છે કે વિદેશી મીડિયા માટે સમસ્યા ભાજપની જીત નથી પરંતુ તે મતદારો છે જેણે તેમની પસંદગીની વિરુદ્ધ મત આપ્યો છે.
સૌથી પહેલાં શબ્દોની કરામત પર ધ્યાન આપીએ
BBC, ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વૉશિંગ્ટનપોસ્ટ, જાપાન ટાઈમ્સ અને અલ જઝીરા જેવાં લગભગ દરેક મોટાં વિદેશી મીડિયા સંસ્થાને ભાજપને તેના રાજકીય નામ કરતાં વધુ ‘હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ’ અથવા ‘હિંદુ બહુમતીવાદી શક્તિ’ જેવા શબ્દોથી વ્યાખ્યાયિત કર્યો. આ કોઈ સામાન્ય શબ્દો નથી, આ ફ્રેમિંગ છે. યુરોપ, અમેરિકા, જાપાન અથવા લેટિન અમેરિકાના દક્ષિણપંથી પક્ષોને લગભગ ક્યારેય આ પ્રકારે ધાર્મિક-વૈચારિક ટેગ સાથે હેડલાઇનમાં પ્રસ્તુત કરવામાં આવતા નથી, પરંતુ ભારતમાં ભાજપ માટે આ વિદેશી મીડિયાનું સ્થાયી વિશેષણ બની ગયું છે. જાણે કે તેનું અસ્તિત્વ માત્ર ધાર્મિક પાસાંના રાજકારણ સુધી મર્યાદિત હોય અને તેનાં આર્થિક, વહીવટી, વિકાસાત્મક અથવા વૈચારિક પાસાંઓનું કોઈ મહત્વ જ ન હોય.

બંગાળના મતદારોએ ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, મુસ્લિમ તુષ્ટિકરણ, રોજગાર, વહીવટી અરાજકતા અને રાજકીય હિંસા જેવાં અનેક કારણોસર મત આપ્યા, પરંતુ વિદેશી મીડિયાએ કરોડો લોકોના આ નિર્ણયને એક વાક્યમાં સમેટી દીધો- ‘હિંદુ રાષ્ટ્રવાદીઓની જીત.’ આ ગેંગનો સંદેશ સ્પષ્ટ છે કે ભારતીય મતદારોએ કોઈ રાજકીય પાર્ટીને નહીં પરંતુ એક જોખમી ધાર્મિક સેનાને માન્યતા આપી દીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તો પોતાની હેડલાઇનમાં જ લખી દીધું કે, ‘મોદીના હિંદુ રાષ્ટ્રવાદીઓએ ભારતના વિરોધ પક્ષના ગઢને કબજે કરી લીધો.’
આ લોકોના મતે અહીં ભાજપે ચૂંટણી નથી જીતી, તેણે ‘કબજો’ કર્યો છે. બંગાળ કોઈ લોકતાંત્રિક રાજ્ય નહીં પણ જાણે યુદ્ધભૂમિ હોય જેના પર ‘હિંદુ રાષ્ટ્રવાદીઓ’એ કબજો કરી લીધો હોય. આટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઈમ્સે આગળ તેને ‘વિશ્વના સૌથી મોટા લોકતંત્રને પુનર્ગઠિત કરવાની દાયકાઓ જૂની યોજના’ કહી છે. એટલે કે એક ચૂંટાયેલી પાર્ટીની ચૂંટણી સફળતાને લોકતાંત્રિક રાજકારણની સફળતા નહીં પરંતુ લોકતંત્રને પુનર્ગઠિત કરવાના કાવતરા તરીકે ચિત્રિત કરવામાં આવી છે. આ પત્રકારિતા નથી, આ વૈચારિક દ્વેષ છે.
BBCએ સાપેક્ષ રીતે સંયમિત ભાષા અપનાવી, પરંતુ તેનું ફ્રેમિંગ પણ ઓછું પક્ષપાતી નહોતું. તેણે ભાજપના બંગાળ વિજયને ‘મોદી પ્રોજેક્ટ’નો નવો તબક્કો અને ‘પૂર્વીય ભારતમાં લાંબી કૂચ’ કહી. બંગાળના મતદારોનો નિર્ણય તેના માટે લોકતાંત્રિક સત્તા પરિવર્તન નહીં, પરંતુ એક વિસ્તારવાદી રાજકીય યોજનાનો ભાગ હતો. મતદારોની સ્વતંત્રતાને ગૌણ કરી દેવી અને આખા જનાદેશને ‘મોદી પ્રોજેક્ટ’ના લેન્સથી જોવો એ બીબીસીની જાણીતી રમત છે.

લાંબા સમયથી ભારતના રાજકારણ પર એક સ્પષ્ટ ઇસ્લામી દૃષ્ટિકોણ ધરાવતા અલ જઝીરાએ તો લગભગ આખો લેખ એ પ્રીમિસ પર ઘસી માર્યો કે ભાજપની જીત ‘ધાર્મિક ધ્રુવીકરણ’નું પરિણામ છે. તેણે તૃણમૂલ કોંગ્રેસને ‘વિવિધતાવાદી’ અને ભાજપને ‘હિંદુ બહુમતવાદી’ શક્તિ તરીકે પ્રસ્તુત કરી, જાણે બંગાળના કરોડો મતદારોએ ભ્રષ્ટાચાર, વહીવટ, હિંસા, કાયદો-વ્યવસ્થા અથવા શાસનના પ્રશ્નો પર નહીં, માત્ર સાંપ્રદાયિક ઉત્તેજનામાં મત આપ્યો હોય. આ તે જ અલ જઝીરા છે જે મુસ્લિમ વૉટોના સંગઠિત ધ્રુવીકરણને ‘લઘુમતીના અસ્તિત્વનો સવાલ’ અથવા ‘વિવિધતાવાદી રાજનીતિ’ કહીને માન્ય ઠેરવે છે, પરંતુ હિંદુ મતદારો ભાજપની પડખે ઊભા થાય તો તે ‘જોખમી ધ્રુવીકરણ’ બની જાય છે. જઝીરાએ પોતાની પરંપરા મુજબ એ ન લખ્યું કે મમતાએ મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરીને હમણાં સુધી હિંદુઓ પર અત્યાચાર ગુજાર્યો હતો.

આ જ બેવડું વલણ લગભગ દરેક વિદેશી રિપોર્ટમાં દેખાયું. BBC અને અલ જઝીરા બંનેએ એ રેખાંકિત કર્યું કે મુસ્લિમ મતદારોનો મોટો વર્ગ હજુ પણ તૃણમૂલ સાથે છે, પરંતુ તેને તેમણે ‘સામાજિક સંગઠન’ અને ‘લઘુમતી સમર્થન’ કહ્યું. બીજી તરફ હિંદુ મતદારોના ભાજપ તરફના સમર્થનને ‘ધ્રુવીકરણ’, ‘સાંપ્રદાયિક એકીકરણ’ અને ‘હિંદુ-પ્રથમનું રાજકારણ’ કહેવામાં આવ્યું. વિદેશી મીડિયાની નજરમાં લઘુમતી બ્લોક વૉટિંગ લોકતાંત્રિક છે, જ્યારે બહુમતી બ્લોક વૉટિંગ ગુનો છે.
SIR પર સવાલો ઉઠાવવામાં આગળ વિદેશી મીડિયા
ભાજપની જીતને શંકાસ્પદ સાબિત કરવાનું બીજું મુખ્ય સાધન બન્યું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણાનો મુદ્દો. ન્યૂયોર્ક ટાઈમ્સ, BBC, જાપાન ટાઈમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ, બ્લુમબર્ગ અને ખાસ કરીને અલ જઝીરાએ વિશાળ સ્તરે એ પ્રોપગેન્ડા ફેલાવ્યો કે લાખો મતદારો, મોટાભાગના મુસ્લિમોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં અને તેનાથી ચૂંટણી પ્રભાવિત થઈ. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ‘તેમાંના મોટાભાગના મુસ્લિમ’ હતા જેમના નામ યાદીમાંથી કાઢવામાં આવ્યા. અલ જઝીરાએ તો તેનાથી આગળ વધીને તેને ‘તેમના મત આપવાના અધિકારને છીનવી લેવા જેવું’ કહ્યું. આ ફ્રેમિંગ સીધેસીધું ચૂંટણી પ્રક્રિયાને શંકાના ઘેરામાં ઊભું કરે છે. ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સે તો એવો દાવો પણ ઠોકી દીધો કે ચૂંટણી પંચમાં મોદીના નજીકના માણસોને બેસાડી દેવામાં આવ્યા હતા!
હકીકત એ છે કે ભારતનું ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ કરે છે, તેના પર અમેરિકાની જેમ ‘ડીપ સ્ટેટ’ જેવું કોઈ શાસન નથી. જો સરકાર સીધી રીતે ચૂંટણી પંચને નિયંત્રિત કરતી હોત અને જીતવા માટે કોઈપણ હદે જતી હોત તો 2024નું લોકસભાનું પરિણામ જુદું હોત. પણ આ મીડિયા સંસ્થાઓ બીજો પક્ષ રજૂ નહીં કરે, તેનું કામ માત્ર પ્રોપગેન્ડા ફેલાવીને હાથ સાફ કરી ઊભું થઈ જવાનું છે.
આવા નેરેટિવની સૌથી મોટી સમસ્યા તથ્યાત્મક છે. જે વિસ્તારો અને બેઠકોને SIRથી સૌથી વધુ પ્રભાવિત બતાવવામાં આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસે જ જીત મેળવી. જો SIR વાસ્તવમાં ભાજપના પક્ષમાં કોઈ સુનિયોજિત ચૂંટણી ષડ્યંત્ર હોત તો તેના પ્રભાવવાળા વિસ્તારોમાં પરિણામોની પેટર્ન વિરુદ્ધ દિશામાં વળી હોત. વિદેશી મીડિયાએ વિપક્ષના આરોપોને હેડલાઇન બનાવ્યા, પરંતુ આ મૂળભૂત તથ્યને કાં તો દબાવી દીધું અથવા ઉલ્લેખ કરવા જેવું ના સમજ્યું. કારણ કે તેનાથી એજન્ડા પાર ન પડત.
બ્લુમબર્ગે મમતા બેનર્જી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા વિપક્ષના નેતાઓના આરોપોને લગભગ બ્રહ્મવાક્ય તરીકે પ્રસ્તુત કર્યાં કે ગણતરી અને ચૂંટણી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ. પરંતુ તેણે એ બતાવવાની તસ્દી ન લીધી કે આ આરોપોના સમર્થનમાં શું પુરાવા છે, ચૂંટણી પંચે શું કહ્યું અથવા સ્વતંત્ર સત્યાપન ઉપલબ્ધ છે કે કેમ. આ જ રીતે જાપાન ટાઈમ્સે મતદાર યાદી સુધારણાને અને વહીવટી પ્રક્રિયાને દમનકારી કાર્યવાહી તરીકે ચિત્રિત કરી. વૉશિંગ્ટન પોસ્ટે પણ વિપક્ષના આરોપોને મુખ્યત્વે દોહરાવ્યા, એ જણાવ્યા વગર કે સુધારણા પ્રક્રિયા શું હતી અને શાના આધારે નામો કાઢવામાં આવ્યા.

અહીં પ્રશ્ન એ નથી કે ભારતની કોંગ્રેસ ઇકોસિસ્ટમની ટોળકી આવા આરોપો કેમ લગાવી રહી છે, કારણ કે તેનો જવાબ સીધો અને સ્પષ્ટ એ છે કે તેના મનસૂબા સફળ ન થયા અને રાજ્ય હાથમાંથી સરકી ગયું. અહીં પ્રશ્ન એ છે કે શું વિદેશી મીડિયાની જવાબદારી તે આરોપોને સત્યાપન વગર વિસ્તારવાની છે? જો દરેક હારનાર પક્ષ ચૂંટણી ધાંધલીનો આરોપ લગાવે અને મીડિયા તેને હેડલાઇન બનાવીને આગળ વધારે તો શું તે પત્રકારત્વ કહેવાશે? વિદેશી મીડિયાએ અહીં રિપોર્ટરની નહીં પણ દલાલની ભૂમિકા ભજવી છે અને વિદેશી મીડિયા કાયમ આ કરતું આવ્યું છે.

અનેક રિપોર્ટ્સમાં ભાજપની જીતને ‘વર્ચસ્વ વિસ્તાર’ અથવા ‘મોદીનું વર્ચસ્વ’ તરીકે પણ રજૂ કરવામાં આવી. અલ જઝીરાએ તેને ‘વર્ચસ્વી શક્તિ’ કહી, જ્યારે BBC અને ન્યૂયોર્ક ટાઈમ્સે બંગાળનાં પરિણામોને મોદી અને અમિત શાહની ‘અસીમિત શક્તિઓ’માં વધારો ગણાવ્યાં. મતદારોની પોતાની આકાંક્ષાઓ, ફરિયાદો, સ્થાનિક મુદ્દાઓ અને શાસનનો અનુભવ આ રિપોર્ટ્સમાં ક્યાંય દેખાયા પણ નહીં.

વાસ્તવિકતા તેનાથી ક્યાંય વધુ સરળ છે અને કદાચ વિદેશી મીડિયા માટે અસુવિધાજનક પણ છે. બંગાળની જનતાએ 15 વર્ષના શાસનનું મૂલ્યાંકન કર્યું. તેણે શિક્ષક ભરતી કૌભાંડ, તૃણમૂલ શાસનની હિંસા, વહીવટી ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા, રાજકીય હિંસા, રોજગારીનો સંકટ, ઉદ્યોગોનું પલાયન અને ખુલ્લુ મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ જોયું. તેણે વિકલ્પ પસંદ કર્યો. આ જ લોકતંત્ર છે. પરંતુ વિદેશી મીડિયા માટે એ સ્વીકારવું મુશ્કેલ છે કે ભારતીય મતદારો પશ્ચિમી લિબરલ કલ્પનાઓથી સ્વતંત્ર રહીને પોતાની પ્રાથમિકતાઓના આધારે મત આપી શકે છે.
સત્ય તો એ છે કે વિદેશી મીડિયાની બેચેની ભાજપની જીતથી ઓછી અને બંગાળ જેવા લાંબા સમયથી લિબરલ ઇકોસિસ્ટમના પ્રતીક રહેલા પ્રદેશના ભાજપ તરફના ઝુકાવથી વધુ છે. બંગાળનું ભાજપને પસંદ કરવું તેમના માટે માત્ર રાજકીય ઘટના નથી, વૈચારિક પરાજય છે. તેથી જનાદેશને જનાદેશ તરીકે સ્વીકારવાને બદલે તેને ‘ધ્રુવીકરણ’, ‘સંસ્થાગત કબજો’, ‘હિંદુ રાષ્ટ્રવાદ’, ‘લોકતંત્રનો નાશ’ અને ‘લઘુમતી અધિકાર છીનવવા’ જેવા શબ્દોમાં કેદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
વિદેશી મીડિયાનું આ વર્તન એક સત્યને ફરી સ્થાપિત કરે છે કે તેમના માટે લોકતંત્ર ત્યાં સુધી પવિત્ર છે જ્યાં સુધી મતદારો તેમને ગમતો નિર્ણય લે. જો ભારતીય મતદારો ભાજપને પસંદ કરે તો સમસ્યા મતદારોમાં, સંસ્થાઓમાં, ચૂંટણી પંચમાં, સુરક્ષાદળોમાં અથવા સરકારમાં શોધવામાં આવશે.
બંગાળે ભાજપને પસંદ કર્યું છે. આ નિર્ણય બંગાળની જનતાનો છે. જો વિદેશી મીડિયાને આ નિર્ણય અસુવિધાજનક લાગતો હોય તો સમસ્યા બંગાળના મતદારોમાં નથી, તેમના વિશ્લેષણના એજન્ડા આધારિત માળખામાં છે. લોકતંત્રમાં જનાદેશનું સન્માન કરવામાં આવે છે, તેને મનોવૈજ્ઞાનિક, સાંપ્રદાયિક અથવા સંસ્થાગત ષડ્યંત્રોમાં બદલીને સમજાવવામાં આવતું નથી.
પશ્ચિમ બંગાળે પોતાનો નિર્ણય આપી દીધો છે. વિદેશી મીડિયા તેને ‘હિંદુ રાષ્ટ્રવાદીઓનો કબજો’ કહે, ‘વર્ચસ્વ વિસ્તાર’ કહે કે ‘હિંદુ રાષ્ટ્રવાદી ક્રાંતિ’ કહે. તથ્ય તો એ જ રહેશે કે ભાજપે ત્યાં જનતા તરફથી જીત મેળવી છે, નેરેટિવથી નહીં અને આ જ હકીકત આવા વિદેશી મીડિયાને પચી શકતી નથી.


