ગુજરાતમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓનાં પરિણામો આશ્ચર્યજનક બિલકુલ નથી. આ જ થવાનું હતું. આ પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાત ભાજપનો અભેદ્ય ગઢ છે અને તેને સરળતાથી, માત્ર વાતો કરીને, ભાજપને પાડી દેવાનાં બણગાં ફૂંકીને કે પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા નાખીને સોશિયલ મીડિયાના નરેટિવ ફેરવીને તોડી શકાય એમ નથી. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં લગભગ નવેક હજાર બેઠક પર યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ એક લિટમસ ટેસ્ટ ગણાતી હતી, ભાજપે ફરી એક વખત ઐતિહાસિક પરિણામો સાથે આ પરીક્ષા પાસ કરી છે.
આ લખાય રહ્યું છે ત્યારે સમાચારો જણાવી રહ્યા છે કે પંદરમાંથી તમામ પંદર મહાનગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે. મોરબી અને પોરબંદર જેવી પાલિકાઓમાં વિપક્ષને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. તમામ ભાજપને ફાળે ગઈ છે. નડિયાદ અને સુરેન્દ્રનગર, નવસારી જેવી મહાનગરપાલિકાઓમાં વિપક્ષને માંડ એક-બે બેઠકો મળી, બાકીની તમામ ભાજપે જીતી લીધી.
નગરપાલિકાઓ 84માંથી 78 ભાજપે અને બાકીની 6 કોંગ્રેસે જીતી. જિલ્લા પંચાયતો 34માંથી 33 ભાજપે જીતી લીધી છે. 260માંથી 253 તાલુકા પંચાયતો પર પણ ભાજપે ભગવો ઝંડો લહેરાવી દીધો.
રાજ્યમાં ત્રીસ વર્ષના શાસન પછી પણ આવાં પરિણામો દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપે ‘એન્ટી ઇન્કમ્બન્સી’નો કાયમી તોડ શોધી કાઢ્યો છે. સાડા ત્રણ વર્ષ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે પણ ઐતિહાસિક 156 બેઠકો ભાજપે જીતી હતી, જે હવે 162 થઈ ગઈ છે. તે પહેલાં યોજાયેલી 2021ની ચૂંટણીનાં પરિણામો પણ આવાં જ આવ્યાં હતાં.
કામ કરે એ જીતે છે, નક્કર રોડમેપ વગર માત્ર વાતો કરનારને જનતા સત્તા આપતી નથી
ગુજરાતમાં ભાજપ જીતે છે કારણ કે ભાજપ કામ કરે છે. એવું નથી કે લોકોને નારાજગી નથી, પરંતુ તેમને અપેક્ષાઓ પણ ભાજપ પાસે જ છે. વિપક્ષો અને તેમની ઈકોસિસ્ટમ વાતને ગમે તે વળાંક આપે, પરંતુ જનતા મૂર્ખ નથી. જનતા ભલે પાંચ વર્ષ સુધી સવાલો કરે, ભાજપ નેતાઓ પાસે હિસાબો માગે (જે તેમનો અધિકાર છે) પણ આખરે જઈને મતદાન પણ ભાજપ માટે જ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે કામો પણ આ જ પક્ષ કરશે. બાકીના પક્ષો કામ કરવા કરતાં ભાજપને અને તેના મતદારોને ગાળો ભાંડવામાં વધારે વ્યસ્ત રહે છે.
ભાજપ પાસે એક કેડર બેઝ્ડ સંગઠન છે. કોંગ્રેસ પાસે તેનો હવે સદંતર અભાવ થતો જાય છે. આ ચૂંટણીમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસ પહેલાં મજબૂત હતી ત્યાં માત્ર નામ પૂરતી ચૂંટણી લડી. કોંગ્રેસના ઉમેદવારોએ સરખો પ્રચાર પણ કર્યો નહીં કે ન તમામ લોકો સુધી પહોંચી શક્યા. માત્ર ચૂંટણી લડવા ખાતર લડ્યા.
કોંગ્રેસ પાસે સંગઠન અને મજબૂત નેતૃત્વનો અભાવ દર ચૂંટણીમાં પાર્ટીને સાફ કરતો જાય છે. પાર્ટી આટલાં વર્ષોથી સત્તાથી દૂર રહેવાના કારણે હવે મજબૂત નેતૃત્વ રહ્યું નથી અને જે થોડા નેતાઓ છે તેમની વચ્ચે આંતરિક વિખવાદ અને ખેંચતાણ વધારે છે. તેઓ કાર્યકર્તાઓ એકઠા કરી શકતા નથી. જેઓ એકઠા કરી શકે છે તેમણે પાર્ટીમાં જ ખેંચતાણનો સામનો કરવો પડે છે. આ ચૂંટણીમાં પણ ટિકિટ ફાળવણીમાં નેતાઓ-કાર્યકરો વચ્ચે આ વિખવાદ સ્પષ્ટ દેખાયો.
2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતની અત્યંત નજીક પહોંચી ગયેલી કોંગ્રેસને પછીથી અતિઆત્મવિશ્વાસ નડી ગયો. બીજી તરફ ભાજપે પોતાની ભૂલો પર ગંભીરતાથી કામ કરવાનું શરૂ કર્યું. પાંચ જ વર્ષ પછી થયેલી 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરિણામ પલટાવી નાખ્યું. કોંગ્રેસના નેતાઓ પોતાની ભૂલો સમજી રહે અને તેની ઉપર કામ કરે તે પહેલાં પાર્ટી ગુજરાતમાં ઘણું બધું ગુમાવી ચૂકી હતી. હવે આવનારાં વર્ષો સુધી ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થઈ શકે તેમ નથી. આ પરિણામોએ ફરી એક વખત એ સાબિત કર્યું છે.
યુટ્યુબરો અને સોશિયલ મીડિયાના સહારે રહેલી આમ આદમી પાર્ટી વધુ ઉકાળી ન શકી
ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન લેવા માટે તલપાપડ થતી આમ આદમી પાર્ટીની હાલત વધુ ખરાબ થઈ છે. 2021માં આમ આદમી પાર્ટીએ બીજે તો ક્યાંય કશું ઉકાળ્યું ન હતું પરંતુ સુરતમાં 120માંથી 27 બેઠકો જીતી લીધી હતી. સુરત જેવા મહાનગરમાં પહેલા જ પ્રયાસે આટલી બેઠકો મેળવી લેવી એ ક્રાંતિકારી ઘટના છે એવો નરેટિવ પછીથી ચલાવાયો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત પર ફોકસ વધારે કર્યું હતું. ચૂંટણી લડવા મનોજ સોરઠિયાને ઉતાર્યા, જેઓ વહેલી સવારે હારીને ઘરભેગા થઈ ગયા. પાર્ટી મેયર બનાવવાની વાતો કરતી હતી પણ બેઠકો ઘટીને 27 પરથી 4 પર આવી ગઈ.
આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ આ વખતે વધુ પડતા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. તેમની પાસે કોઈ ઠોસ મુદ્દો ન હતો. તેમની પાસે ગોપાલ ઈટાલિયા જેવો નેતા છે, જેને કામ કરતાં ફાંકા ફોજદારીમાં અને ભાજપ નેતાઓને, સરકારના મંત્રીઓને પર્સનલી ટાર્ગેટ કરવામાં વધારે રસ છે. ગોપાલ અને ઈસુદાન જેવા નેતાઓ મુદ્દા આધારિત રાજકારણ ન કરી શક્યા અને તેમની સાથે આખી પાર્ટી ભટકી ગઈ.
આમ આદમી પાર્ટીની વાતોમાં વિસંગતતા પણ લોકોએ જોઈ. એક તરફ સુશાસન મુદ્દે સરકારને ટાર્ગેટ કર્યા કરતી પાર્ટીએ ગંભીર ગુનાના આરોપીઓને પણ ટિકિટ આપી. કેટલાય ઉમેદવારો ફ્રોડ જેવા કેસમાં પકડાયા તો પાર્ટીને હેરાન કરવામાં આવી રહી હોવાનું જુદું જ રટણ ચાલુ રાખ્યું. જનતાને મૂરખ સમજીને વાયદાઓ કર્યા.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એ સમજવું પડશે કે સોશિયલ મીડિયામાં નરેટિવ ત્યારે જ ફેરવી શકાય જ્યારે જમીન પર કામ કર્યાં હોય કે જમીની રાજકારણમાં કંઈ કર્યું હોય. કોંગ્રેસે તો હવે સોશિયલ મીડિયામાં પણ બહુ માથાકૂટ કરવાની માંડી વાળી છે, પણ આમ આદમી પાર્ટીએ તેનો ભરપૂર ઉપયોગ કર્યો. પરંતુ રાજકારણ ઘણુંખરુ માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત રહ્યું. બાકીનું થોડુંઘણું કામ યુટ્યુબ પર દુકાન ખોલી બેઠેલા અમુક સ્વઘોષિત પત્રકારોએ કર્યું, પણ તેઓ પણ ચૂંટણી આવતાં સુધીમાં વારંવાર ઉઘાડા પડતા રહ્યા, પરિણામે તેમની વિશ્વસનીયતા પર પણ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું.
બીજી તરફ ભાજપે પોતાની આદત અનુસાર એક-એક જિલ્લાની એક-એક બેઠકની ચૂંટણીને ગંભીરતાથી લઈને રાજકારણ કર્યું. નેતાઓને જવાબદારીઓ સોંપાઈ. તેઓ ગામેગામ ફર્યા. ભાજપના કાર્યકર્તાઓ કામે લાગ્યા. માત્ર સોશિયલ મીડિયા પર આધારિત રહેવાને બદલે ગ્રાઉન્ડ પર કામ કર્યું અને પરિણામો સામે છે.
સામાન્ય રીતે લાંબો સમય સત્તામાં રહેલી પાર્ટી અહંકારમાં ડૂબી જાય એવું બને, પણ અહીં ઊલટું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વધુ ઓવર કૉન્ફિડન્સમાં હતાં, જ્યારે ભાજપે ચૂપચાપ ગંભીરતાથી કામ કર્યું.
ભાજપ માટે આજે પણ કામ કરે છે મોદી ફેક્ટર
ભાજપ માટે બીજું એક ફેક્ટર છે અને એ દર વખતે કામ કરી જાય છે– નરેન્દ્ર મોદી. મોદી બહાર મોદી હશે, ગુજરાતમાં નરેન્દ્રભાઈ છે. ગુજરાતીઓની સરકાર પ્રત્યેની, ભાજપ પ્રત્યેની નારાજગી હોય તોપણ એ એક બાજુએ છે અને નરેન્દ્ર મોદી પ્રત્યેનો સ્નેહ બીજી તરફ છે. આ લાગણી અને સન્માન મોદી આટલાં વર્ષના શાસનમાં કમાયા છે. એ મોદી મેજિક જ કહેવાય કે ગુજરાત છોડ્યાના એક દાયકા પછી પણ મોદીના નામે મત પડે છે અને ઢગલેબંધ પડે છે. ગુજરાતીઓ અને નરેન્દ્ર મોદી વચ્ચેનો આ સંબંધ અતૂટ છે એ આ પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું.
2027ની વિધાનસભા ચૂંટણીને હવે દોઢેક વર્ષ બાકી રહ્યું છે. આમ તો દરેક ચૂંટણી જુદા-જુદા મુદ્દે લડવામાં આવે છે, પણ રાજ્યભરમાં સ્થાનિક સ્તરે યોજાયેલી ચૂંટણીઓ જનતાનો મૂડ શું છે એ જણાવી દે છે. જનતાએ ફરી એક વખત જણાવી દીધું છે કે તેમને સત્તાપરિવર્તનમાં કોઈ રસ નથી. એન્ટી ઇન્કમ્બન્સી જેવો શબ્દ ગુજરાતની ડિક્શનરીમાં નથી.
પરિણામો જો ભાજપ માટે આમતેમ આવ્યાં હોત તો મીડિયા અને યુટ્યુબરોની જમાત ગળાં ફાડીને કહી રહી હોત કે 2027 પહેલાં જનતાએ સંદેશ આપી દીધો છે. આ વખતે તેઓ નહીં કહે. પણ તેનાથી સત્ય બદલાઈ જતું નથી.


