હોમપેજદુનિયાસરકાર સંભાળ્યાના મહિનામાં જ શરૂ થઈ ગયો બાલેન સરકારનો વિરોધ: વાંચો નેપાળમાં...

સરકાર સંભાળ્યાના મહિનામાં જ શરૂ થઈ ગયો બાલેન સરકારનો વિરોધ: વાંચો નેપાળમાં શું ચાલી રહ્યું છે અને ભારતીય સરહદનો શું એન્ગલ છે

નેપાળ જેવા નાનકડા દેશમાં ચૂંટાયેલી સરકારે લીધેલા નિર્ણયોનો સંદર્ભ આપીને ભારતમાં મોદી સરકારને સલાહ આપવાની શરૂ થઈ અને એવા નરેટિવ ગોઠવવાના પણ પ્રયાસ થયા કે સરકાર આટલાં વર્ષોમાં ન કરી શકી એ નેપાળમાં નવી સરકાર બનતાંની સાથે જ શરૂ થઈ ગયું. પરંતુ પીળું બધું સોનું નથી હોતું એવો ઘાટ નેપાળમાં થયો છે.

- Advertisement -

સપ્ટેમ્બર 2025માં નેપાળમાં નવી પેઢી જેને જેન-ઝી તરીકે ઓળખાય છે એ અચાનક રસ્તા પર ઉતરી આવી અને તત્કાલીન કે. પી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કર્યાં પછી સત્તાપલટો થયો. વચગાળાની સરકાર માર્ચ 2026 સુધી ચાલી અને માર્ચમાં નેપાળમાં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કાઠમાંડુના પૂર્વ મેયર અને યુવા નેતા બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહની પાર્ટી વિજેતા બની અને રામનવમીના દિવસે બાલેન સરકારે શપથગ્રહણ કર્યા. બાલેન સરકારે સત્તામાં ગણતરીના દિવસો થયા છે અને સરકાર વિરુદ્ધ જુદા-જુદા મુદ્દે ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે.

એ પણ અહીં ઉલ્લેખનીય છે કે બાલેન શાહ સરકારે આવતાંની સાથે જ અમુક નિર્ણયો જાહેર કરવા માંડ્યા હતા અને અમુક માળખાગત ફેરફારો પણ કરવાની જાહેરાત કરી દીધી હતી. સરકારે 100 મુદ્દાનો એક પ્લાન પણ તૈયાર કર્યો અને તેની ચર્ચા ભારતમાં પણ બહુ થઈ. બીજી તરફ નેપાળ જેવા નાનકડા દેશમાં ચૂંટાયેલી સરકારે લીધેલા નિર્ણયોનો સંદર્ભ આપીને ભારતમાં મોદી સરકારને સલાહ આપવાની શરૂ થઈ અને એવા નરેટિવ ગોઠવવાના પણ પ્રયાસ થયા કે સરકાર આટલાં વર્ષોમાં ન કરી શકી એ નેપાળમાં નવી સરકાર બનતાંની સાથે જ શરૂ થઈ ગયું. પરંતુ પીળું બધું સોનું નથી હોતું એવો ઘાટ નેપાળમાં થયો છે.

નેપાળમાં હવે પ્રદર્શનો શરૂ થયાં છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અમુક ફેરફારો સમય અને ધીરજ માગી લે છે. તત્કાલીન બધું બદલવા જાઓ તો સમસ્યાઓ સર્જાઈ શકે છે. નેપાળમાં હવે આ જ શરૂ થયું છે. બાલેન સરકારના અમુક નિર્ણયો સામે વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ સરકારના અમુક મંત્રીઓ વિવાદમાં સપડાયા છે અને ગૃહ પ્રધાને તો નાણાકીય અનિયમિતતા મામલે પ્રશ્નો ઉઠતાં રાજીનામું ધરી દેવું પડ્યું છે.

- Advertisement -

100 રૂપિયાનો એ નિયમ જેણે સરહદ પર જગાવ્યો વિરોધ

નેપાળ સરકારનો સૌથી વધુ વિરોધ જે નિર્ણય પર થઈ રહ્યો છે તે છે ભારતમાંથી આવતા સામાન પરની કસ્ટમ ડ્યુટીનો નવો અને અત્યંત કડક અમલ. વડાપ્રધાન બાલેન્દ્ર શાહની સરકારે જાહેર કર્યું છે કે ભારતમાંથી કોઈપણ નેપાળી નાગરિક જો 100 નેપાળી રૂપિયાથી (આશરે 63 ભારતીય રૂપિયા) વધુની કિંમતની કોઈપણ વસ્તુ લાવશે તો તેના પર ફરજિયાતપણે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ રકમ એટલી મામૂલી છે કે આજના મોંઘવારીના જમાનામાં એક નાનું પેકેટ બિસ્કિટ, તેલની બોટલ કે જીવનજરૂરી દવાઓ લેતાંની સાથે જ આ મર્યાદા પૂરી થઈ જાય છે.

નેપાળી મીડિયા જણાવી રહ્યું છે કે અત્યાર સુધી સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વર્ષોથી નાની-મોટી ખરીદી માટે મુક્તપણે અવરજવર કરતા હતા, પરંતુ હવે લોકોએ એક-એક થેલી સામાન માટે કલાકો સુધી કસ્ટમ ચેકપોસ્ટ પર લાઈનમાં ઊભા રહેવું પડે છે અને વસ્તુની કિંમતના 5%થી લઈને 80% સુધીનો ટેક્સ ભરવો પડે છે, જેને કારણે સામાન્ય નેપાળી પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે.

એવું પણ નથી કે આ નિયમ પહેલાં ન હતો, પણ એ ઘણોખરો કાગળ પર હતો. બાલેન શાહ સરકારે આ નિર્ણયને ‘નેશનલ રેવન્યુ’ (રાષ્ટ્રીય આવક) વધારવા અને ગેરકાયદે આયાત રોકવાના એક રસ્તા તરીકે રજૂ કરીને અમલીકરણ કડક બનાવી દીધું છે. સરકારનું કહેવું છે કે સરહદી વિસ્તારોમાં થતી આ નાની ખરીદીઓ સામૂહિક રીતે દેશની તિજોરીને નુકસાન પહોંચાડે છે અને સ્થાનિક નેપાળી વેપારીઓનો વેપાર ઘટાડે છે. ટૂંકમાં સરકાર ઇચ્છે છે કે લોકો નેપાળમાંથી જ ખરીદી કરે. પણ એ વ્યવહારિક રીતે પણ શક્ય નથી અને લોકો કહી રહ્યા છે કે 100 રૂપિયા જેવી મામૂલી રકમ રાખવી એ પણ અવ્યવહારિક બાબત છે.

સરહદી બજારોમાં આર્થિક કટોકટી

ભારત અને નેપાળ વચ્ચેની હજારો કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ પર આવેલાં બજારો નેપાળ માટે બહુ અગત્યનાં રહ્યાં છે. દાયકાઓથી ઉત્તર પ્રદેશના રૂપૈડીહા, બિહારના રક્સૌલ અને ઉત્તરાખંડના ધારચુલા જેવાં સરહદી બજારોનો મુખ્ય આધાર નેપાળી ગ્રાહકો રહ્યા છે. નેપાળી નાગરિકો આ ભારતીય બજારોમાંથી મોટાપાયે રાશન, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ સામાન અને લગ્નપ્રસંગની ખરીદી કરે છે, કારણ કે આ વસ્તુઓ નેપાળના અંતરિયાળ વિસ્તારો કરતા અહીં સસ્તી અને ગુણવત્તાયુક્ત મળે છે.

બાલેન શાહ સરકારના કડક કસ્ટમ નિયમોને કારણે હવે આ બજારોમાં અસરો જોવા મળી રહી છે. ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ આર્થિક કટોકટી માત્ર મોટા વેપારીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સૌથી માઠી અસર સરહદ પર કામ કરતા મધ્યમ અને ગરીબ વર્ગ પર પડવાની શરૂ થઈ છે.

બીજી તરફ, આ નિયમથી નેપાળની અંદરના સ્થાનિક બજારોમાં પણ અવ્યવસ્થા સર્જાવાની શરૂ થઈ છે. સરહદી વિસ્તારોમાં રહેતા નેપાળી નાગરિકોને આશા હતી કે સ્થાનિક બજારોને પ્રોત્સાહન મળશે, પરંતુ વાસ્તવમાં ભારતીય સામાનની અછતને કારણે નેપાળમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવા માંડ્યા છે. લોકો કહી રહ્યા છે કે દેશમાં જ્યારે ચીજો પૂરતા પ્રમાણમાં અને પૂરતી ગુણવત્તાવાળી ન મળતી હોય ત્યારે જ લોકો ભારત જતા હોય અને તેમની પાસેથી હવે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થી સંગઠનો પરના પ્રતિબંધનો વિરોધ

વડાપ્રધાન બાલેન્દ્ર શાહની સરકાર સામેનો બીજો સૌથી મોટો મોરચો નેપાળના યુવાઓએ ખોલ્યો છે. વક્રતા એ પણ છે કે આ નવી સરકાર કથિત યુવાક્રાંતિ બાદ જ આવી હતી.

વાસ્તવમાં નવી સરકારે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલાં વિદ્યાર્થી સંગઠનો અને સ્ટાફ યુનિયનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો કડક આદેશ આપ્યો છે. સરકારનો તર્ક છે કે શૈક્ષણિક સંસ્થાઓ રાજકારણથી મુક્ત હોવી જોઈએ જેથી શિક્ષણનું સ્તર સુધારી શકાય, પરંતુ વિદ્યાર્થી નેતાઓ આને લોકશાહી વિરોધી અને ‘સરમુખત્યારશાહી’ પગલું ગણાવી રહ્યા છે.

નેપાળના ઇતિહાસમાં રાજાશાહી વિરુદ્ધના આંદોલનો અને લોકશાહીની સ્થાપનામાં આ જ વિદ્યાર્થી સંગઠનોએ પાયાની ભૂમિકા ભજવી છે. તેથી આ પ્રતિબંધને યુવાનો તેમની અભિવ્યક્તિની આઝાદી અને રાજકીય ચેતનાને કચડી નાખવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

વિરોધ પ્રદર્શન ખાસ કરીને કાઠમંડુ જેવાં શહેરોમાં વધુ થઈ રહ્યાં છે. પીએમ બાલેન શાહ, જેઓ પોતે યુવાનોમાં અત્યંત લોકપ્રિય હતા અને જેમને યુવા પેઢી પોતાના આદર્શ માનતી હતી, તેઓ જ હવે ‘યુવા વિરોધી’ હોવાના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સત્તાના કેન્દ્ર ‘સિંહ દરબાર’નો ઘેરાવો કરવાની કોશિશ કરી હતી, જેમાં પોલીસ સાથેના ઘર્ષણમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.

હોમ મિનિસ્ટર સુદાન ગુરુંગ પર ભ્રષ્ટાચારના આરોપો

નેપાળની નવી સરકાર સામે ઉઠેલા વિરોધ પ્રદર્શનોમાં હોમ મિનિસ્ટર (ગૃહમંત્રી) સુદન ગુરુંગ સામેના ભ્રષ્ટાચારના આરોપોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બાલેન શાહ સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વાયદો કર્યો હતો, પરંતુ તેમના જ ગૃહમંત્રી અત્યારે ગંભીર આક્ષેપોના ઘેરામાં છે. વિરોધ પક્ષો અને પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સુદન ગુરુંગ પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતા ઘણી વધારે અપ્રમાણસર મિલકત છે.

નેપાળી મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ, ગુરુંગના સંબંધો એવા વ્યવસાયિક જૂથો અને વ્યક્તિઓ સાથે છે જેઓ નાણાકીય ગુનાઓ અને શંકાસ્પદ રોકાણોમાં સંડોવાયેલા છે. આ બાબતે દસ્તાવેજી પુરાવાઓ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેમાં મંત્રીની વિવિધ વિવાદાસ્પદ કંપનીઓમાં હિસ્સેદારી હોવાના સંકેત મળે છે.

આ આરોપો બાદ લોકોએ રસ્તા પર ઉતરીને ગૃહ પ્રધાનનું રાજીનામું માગવાનું શરૂ કરી દીધું. તેઓ લાભ વિપક્ષી પાર્ટીઓએ પણ ઉઠાવ્યો અને માંગ વધુ તીવ્ર કરી. આ માગના પગલે આખરે ગૃહ પ્રધાન ગુરુંગે બુધવારે (22 એપ્રિલ) રાજીનામું આપી દીધું.

બાલેન શાહ જ્યારે નેપાળના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર નેપાળ જ નહીં, પણ ભારતમાં પણ એક મોટો વર્ગ તેમના આગમનને ‘રાજકીય ક્રાંતિ’ તરીકે જોઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક લોકો ભારતીય નેતૃત્વ અને પીએમ મોદીને સલાહ આપતા હતા કે, “જુઓ, નેપાળના એક યુવાન એન્જિનિયરે કેવી રીતે પરંપરાગત રાજનીતિના પાયા હચમચાવી નાખ્યા, ભારતે પણ આ ‘બાલેન મોડેલ’માંથી શીખવું જોઈએ.”

તેમને એક એવા આધુનિક પ્રશાસક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા જે ભ્રષ્ટાચાર અને જડ સિસ્ટમને એક ઝાટકે સાફ કરી નાખશે. પરંતુ સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ આ ‘બાલેન ક્રેઝ’ પર વાસ્તવિકતાનું પાણી ફરી વળ્યું છે. જટિલ આંતરરાષ્ટ્રીય સરહદો ચલાવવી અને સામાન્ય જનતાની પાયાની જરૂરિયાતોને સમજવી એ ફેસબુક કે એક્સ (X) પર લોકપ્રિય થવા જેટલું સરળ નથી, તે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આજે પરિસ્થિતિ એ છે કે જે યુવાનો અને સામાન્ય નાગરિકોએ બાલેન શાહને વધાવ્યા હતા તે જ લોકો આજે તેમના સૌથી મોટા ટીકાકાર બનીને રસ્તા પર ઉતર્યા છે. 100 રૂપિયાનો કસ્ટમ ડ્યુટીનો અતાર્કિક નિયમ અને વિદ્યાર્થી સંગઠનો પરનો પ્રતિબંધ સાબિત કરે છે કે બાલેન શાહનો અભિગમ ‘આપખુદશાહી’ તરફ વળી રહ્યો છે. જે નેતાને મોદી માટે ‘રોલ મોડેલ’ ગણાવવામાં આવતા હતા, તે જ નેતા આજે પોતાના ગૃહમંત્રીના ભ્રષ્ટાચાર અને વહીવટી અપરિપક્વતાને કારણે ઘેરાયેલા છે.

આ ઘટનાક્રમ એ વાતની કડવી યાદ અપાવે છે કે રાજકારણમાં માત્ર સોશિયલ મીડિયાના આંકડા અને ભાવનાત્મક ભાષણોથી દેશ નથી ચાલતો. ગ્રાઉન્ડ સ્તરે ફેરફારો લાવવા માટે સમય, ધીરજ, વ્યવસ્થિત આયોજન અને દીર્ઘદૃષ્ટિ સહિત ઘણું જોઈએ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં