હોમપેજદુનિયાGen-Z આંદોલનને સમર્થન, ભારતવિરોધી નિવેદન અને આક્રમક વલણ: કોણ છે બાલેન શાહ,...

Gen-Z આંદોલનને સમર્થન, ભારતવિરોધી નિવેદન અને આક્રમક વલણ: કોણ છે બાલેન શાહ, જેઓ બનવાના છે નેપાળના આગામી વડા પ્રધાન

ભારત અને નેપાળના સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ ઊંડા રહ્યા છે. બંને દેશો વચ્ચે ખુલ્લી સરહદ છે અને મોટી સંખ્યામાં લોકો રોજેરોજ એક દેશથી બીજા દેશમાં અવરજવર કરે છે. વેપાર અને સાંસ્કૃતિક સંપર્ક પણ લાંબા સમયથી મજબૂત રહ્યા છે. પરંતુ બાલેન શાહના અગાઉના નિવેદનો અને વિવાદોને જોતાં કેટલાક વિશ્લેષકોને આશંકા છે કે તેમની સંભવિત સરકાર ભારત સાથેના સંબંધો અંગે વધુ આક્રમક વલણ અપનાવી શકે છે.

- Advertisement -

નેપાળ હાલ પોતાની રાજનીતિના એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. 5 માર્ચ 2026ના રોજ થયેલ સામાન્ય ચૂંટણીઓ પછી સામે આવેલા પ્રારંભિક વલણોએ દેશની પરંપરાગત સત્તા વ્યવસ્થાને હલાવી દીધી છે. આ વલણોમાં 35 વર્ષીય બાલેન્દ્ર શાહ અને તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને (RSP) ભારે બહુમતી મળી રહી છે. નેપાળની 165 સીટોન સંસદમાં પ્રારંભિક ગણતરી અનુસાર તેમની પાર્ટી 100થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે. જો અંતિમ પરિણામો પણ આ જ દિશામાં જાય તો આ નેપાળની રાજનીતિમાં દાયકાઓથી વર્ચસ્વ ધરાવતા પક્ષો—જેમ કે નેપાળી કોંગ્રેસ અને વિવિધ કમ્યુનિસ્ટ પક્ષોમાટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

નેપાળમાં સત્તા પરિવર્તન કોઈ અસામાન્ય વાત નથી, પરંતુ આ વખતનો સંભવિત બદલાવ માત્ર ચૂંટણી પરિણામો સુધી મર્યાદિત નથી માનવામાં આવી રહ્યો. તેને એક વ્યાપક રાજકીય અને સામાજિક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં યુવાનોની નારાજગી, સોશિયલ મીડિયાની તાકાત અને સ્થાપિત રાજકીય વ્યવસ્થા પ્રત્યેના અસંતોષનો સંગમ દેખાઈ રહ્યો છે. બાલેન શાહ પોતાને નવી પેઢીના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે અને તેમના સમર્થકો વચ્ચે એવા નેતા તરીકે દેખાય છે જે પરંપરાગત રાજનીતિને પડકારવા આવ્યા છે. 

પરંતુ તેમના ટીકાકારો અલગ દૃષ્ટિએ જુએ છે. તેમનું કહેવું છે કે શાહની રાજનીતિ આક્રમક નિવેદનો, જનભાવનાઓને ઉશ્કેરવા અને રાજકીય અસ્થિરતાના વાતાવરણમાંથી લાભ લેવાની રણનીતિ પર આધારિત રહી છે. આ જ કારણે એ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કે જો બાલેન શાહ ખરેખર નેપાળના વડા પ્રધાન બને તો તેની અસર માત્ર દેશની આંતરિક રાજનીતિ સુધી મર્યાદિત રહેશે કે તેની અસર ભારત-નેપાળ સંબંધો અને પ્રાદેશિક કૂટનીતિ પર પણ પડશે. 

- Advertisement -

Gen-Z આંદોલન અને રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ

નેપાળની તાજેતરની ચૂંટણીઓને સમજવા માટે 2025ની ઘટનાઓને યાદ કરવી જરૂરી છે. વર્ષ 2025માં નેપાળ એક ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. સપ્ટેમ્બર 2025માં સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધના વિરોધથી શરૂ થયેલું એક આંદોલન ઝડપથી વ્યાપક સરકારવિરોધી પ્રદર્શનમાં ફેરવાઈ ગયું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને તેને ટૂંક સમયમાં જ જનરેશન-Z આંદોલન તરીકે ઓળખ મળવા લાગી.

રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં મોટાપાયે પ્રદર્શનો થયા. શરૂઆતમાં આ આંદોલન ડિજિટલ સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી સાથે જોડાયેલું હતું, પરંતુ ધીમે-ધીમે તે સરકારવિરોધી આક્રોશનું માધ્યમ બની ગયું. અનેક જગ્યાએ પ્રદર્શનો હિંસક પણ બન્યા. આ ઝડપામાં લગભગ 19 લોકોનાં મોત થયાં અને 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. આ અશાંત વાતાવરણમાં તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી પર ભારે દબાણ આવ્યું અને અંતે તેમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ સંસદ ભંગ કરી દેવામાં આવી અને નવી ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી.

આ જ રાજકીય ઉથલપાથલ પછી થયેલી ચૂંટણીઓમાં બાલેન શાહની પાર્ટીને મોટી બહુમતી મળતી દેખાઈ રહી છે. જો આ વલણો અંતિમ પરિણામોમાં પણ બદલાય તો આ માત્ર એક ચૂંટણી જીત નહીં રહે, પરંતુ નેપાળની રાજનીતિમાં સ્થાપિત પક્ષોના વર્ચસ્વને પડકારતું એક મોટું સત્તા પરિવર્તન હશે.

કોણ છે બાલેન શાહ?

બાલેન શાહનું પૂરું નામ બાલેન્દ્ર શાહ છે. તેમનો જન્મ 1990માં કાઠમંડુમાં થયો હતો. તેમના પિતા રામ નારાયણ શાહ આયુર્વેદના ચિકિત્સક હતા, જ્યારે માતા ગૃહિણી હતી. બાલેન શાહે ટેક્નિકલ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સિવિલ તેમજ સ્ટ્રક્ચરલ ઇજનેરિંગનો અભ્યાસ કર્યો. આગળ ચાલીને તેમણે ભારતના કર્ણાટકમાં આવેલી વિશ્વેશ્વરૈયા ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી.

2015માં આવેલા વિનાશકારી નેપાળ ભૂકંપ પછી તેમણે પુનર્નિર્માણ સાથે જોડાયેલા કેટલાક કાર્યોમાં ભાગ લીધો હતો. જોકે ઇજનેર તરીકે તેમની ઓળખ વધુ નહોતી બની. તેમની વાસ્તવિક લોકપ્રિયતા એક રેપર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ તરીકે સામે આવી. બાલેન શાહે પોતાના રેપ ગીતો દ્વારા નેપાળની રાજકીય વ્યવસ્થા અને નેતાઓ પર તીખા હુમલા કર્યા. તેમના અનેક ગીતો યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થયા.

તેમનું એક ચર્ચિત ગીત ‘બલિદાન’ યુવાનોમાં ઘણું લોકપ્રિય થયુ, જેમાં તેમણે રાજકીય વ્યવસ્થાની ટીકા કરતાં કહ્યું કે દેશને બચાવવાનો દાવો કરનારા નેતાઓ જ વાસ્તવમાં તેને બરબાદ કરી રહ્યા છે. નેપાળના યુવાનોમાં આ ગીતને સરકારવિરોધી ભાવનાને અવાજ આપનાર ગણવામાં આવ્યું. ટીકાકારોનું કહેવું છે કે બાલેન શાહે આ અસંતોષને ધીમે-ધીમે રાજકીય મૂડીમાં બદલવાનું કામ કર્યું છે.

કાઠમંડુના મેયરથી રાષ્ટ્રીય રાજકારણ સુધી

વર્ષ 2022માં બાલેન શાહે કાઠમંડુના મેયર પદ માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તેમણે આ ચૂંટણી કોઈ મોટા રાજકીય પક્ષના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી. તે સમયે ખૂબ ઓછા લોકોને એવી અપેક્ષા હતી કે એક રેપર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ સ્થાપિત રાજકીય પક્ષોના ઉમેદવારોને પડકારી શકશે. પરંતુ ચૂંટણી પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

બાલેન શાહે લગભગ 61 હજારથી વધુ મત મેળવીને ચૂંટણી જીતી લીધી અને કાઠમંડુના મેયર બન્યા. આ જીતને નેપાળની શહેરી રાજનીતિમાં એક મોટો સંકેત માનવામાં આવ્યો કે યુવાનો અને સોશિયલ મીડિયાના પ્રભાવથી પરંપરાગત રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. જોકે મેયર બન્યા પછી તેમનો કાર્યકાળ પણ વિવાદોથી મુક્ત ન રહ્યો. તેમણે અનેક વખત વહીવટી અધિકારીઓ અને રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ જાહેરમાં તીખા નિવેદનો આપ્યા. કેટલાક કિસ્સાઓમાં તેમણે સોશિયલ મીડિયા પર એવી ભાષાનો ઉપયોગ કર્યો જેને ઘણા રાજકીય વિશ્લેષકોએ ગેર-જવાબદારીપૂર્ણ ગણાવી.

Gen-Z આંદોલનમાં ભૂમિકા અને સમર્થનના આરોપો

સપ્ટેમ્બર 2025માં જ્યારે જનરેશન-Z આંદોલન તીવ્ર બન્યું ત્યારે બાલેન શાહનું નામ વારંવાર ચર્ચામાં આવ્યું. 7 સપ્ટેમ્બર 2025ના રોજ તેમણે ફેસબુક પર એક પોસ્ટ લખીને આ આંદોલનનું સમર્થન કર્યું. તેમણે લખ્યું કે જનરેશન-Z પેઢીની વિચારસરણી અને તેમની ઇચ્છાશક્તિને સમજવી જરૂરી છે અને તેઓ યુવાનોની સાથે ઊભા છે.

આ પોસ્ટના આગલે જ દિવસે કાઠમંડુ સહિત અનેક શહેરોમાં હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા અને અનેક સ્થળોએ હિંસક ઘટનાઓ પણ સામે આવી. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસ સાથે અથડામણો પણ થઈ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બાલેન શાહને વડા પ્રધાન બનાવવાની માંગ પણ ઝડપથી ફેલાવા લાગી.

ટીકાકારોનો આરોપ છે કે બાલેન શાહે યુવાનોની નારાજગીને રાજકીય તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. જોકે પછી તેમણે પ્રદર્શનકારીઓને શાંત રહેવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. 

ભારત પરના નિવેદનો અને વિવાદો

બાલેન શાહનું નામ અનેક વખત ભારત વિશે આપેલા નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2023માં ભારતની સંસદના નવા ભવનમાં પ્રદર્શિત ‘અખંડ ભારત’ના નકશાને લઈને વિવાદ થયો હતો. તેના જવાબમાં બાલેન શાહે પોતાના કાર્યાલયમાં ‘ગ્રેટર નેપાળ’નો નકશો લગાવી દીધો. આ નકશામાં ભારતના અનેક વિસ્તારોને નેપાળનો ભાગ બતાવવામાં આવ્યો હતો, જેનાથી વિવાદ થયો.

તે જ વર્ષે ફિલ્મ આદિપુરુષને લઈને પણ તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમનો આરોપ હતો કે ફિલ્મમાં માતા સીતાને ભારતનાં પુત્રી તરીકે બતાવવામાં આવ્યાં છે. તેના વિરોધમાં તેમણે કાઠમંડુમાં ભારતીય ફિલ્મોના પ્રદર્શન પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો. પછી નેપાળ સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ પ્રતિબંધ હટાવવો પડ્યો હતો.

નવેમ્બર 2025માં એક વધુ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે બાલેન શાહે ફેસબુક પર એક પોસ્ટ લખી, જેમાં ભારત, અમેરિકા અને ચીન વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પોસ્ટમાં તેમણે અનેક દેશો અને રાજકીય પક્ષો વિરુદ્ધ અપશબ્દો લખ્યા હતા. પોસ્ટમાં લખ્યું હતું—“F*#k America, F*#k India, F*#k China, F*#k UML, F*#k Congress, F*#k RSP, F*#k RPP, F*#k Maobaadi… Go to hell…” જોકે પછી આ પોસ્ટ હટાવી દેવામાં આવી, પરંતુ ત્યાર સુધીમાં તે સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે પછી બાલેન તે જ RSP પાર્ટીમાં જોડાઈ ગયા, જેને તેણે પોતાની તે પોસ્ટમાં ટાર્ગેટ કરી હતી. 

આંતરરાષ્ટ્રીય સંપર્ક અને અમેરિકા સાથેની નિકટતાના પ્રશ્નો

બાલેન શાહ અંગે નેપાળના રાજકારણમાં એ ચર્ચા પણ રહી છે કે તેમના આંતરરાષ્ટ્રીય સંપર્કો ખૂબ મજબૂત છે. વર્ષ 2023માં તેમને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા પછી આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમને વ્યાપક કવરેજ મળ્યું હતું. કાઠમંડુના મેયર તરીકે તેમની અમેરિકી રાજદૂત સાથે અનેક વખત મુલાકાત થઈ હતી. આ મુલાકાતોની તસવીરો જાહેર થયા પછી નેપાળના રાજકારણમાં કેટલાક લોકોએ તેમને અમેરિકાના પ્રભાવવાળા નેતા તરીકે જોવા માંડ્યા હતા.

તેમ છતાં તેમના સમર્થકોનું કહેવું છે કે કોઈ શહેરના મેયરની વિદેશી રાજદ્વારીઓ સાથે મુલાકાત થવી એ સામાન્ય કૂટનીતિક પ્રક્રિયાનો ભાગ હોય છે. નેપાળની વિદેશ નીતિ લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવાની રણનીતિ પર આધારિત રહી છે. બાલેન શાહે પણ અનેક પ્રસંગોએ કહ્યું છે કે નેપાળે પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે બંને દેશો સાથે સંબંધો રાખવા જોઈએ. જોકે ચૂંટણી દરમિયાન તેમણે ચીન સાથે જોડાયેલી કેટલીક ઔદ્યોગિક પરિયોજનાઓને પોતાના ઘોષણાપત્રમાંથી હટાવી દીધી હતી, જેને કેટલાક વિશ્લેષકોએ ભારત તરફ સંદેશ આપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. 

ભારત-નેપાળ સંબંધો પર સંભવિત અસર

ભારત અને નેપાળના સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ ઊંડા રહ્યા છે. બંને દેશો વચ્ચે ખુલ્લી સરહદ છે અને મોટી સંખ્યામાં લોકો રોજેરોજ એક દેશથી બીજા દેશમાં અવરજવર કરે છે. વેપાર અને સાંસ્કૃતિક સંપર્ક પણ લાંબા સમયથી મજબૂત રહ્યા છે. પરંતુ બાલેન શાહના અગાઉના નિવેદનો અને વિવાદોને જોતાં કેટલાક વિશ્લેષકોને આશંકા છે કે તેમની સંભવિત સરકાર ભારત સાથેના સંબંધો અંગે વધુ આક્રમક વલણ અપનાવી શકે છે.

કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ઘરેલુ સમર્થન જાળવી રાખવા માટે તેઓ રાષ્ટ્રવાદી રાજકારણનો આધાર લઈ શકે છે, જેનાથી સમયાંતરે ભારત-નેપાળ સંબંધોમાં તણાવ ઉભો થઈ શકે છે. બાલેન શાહની લોકપ્રિયતાનો મોટો આધાર સોશિયલ મીડિયા અને યુવાનો વચ્ચેની તેમની છબી છે. પરંતુ આલોચકો કહે છે કે લોકપ્રિયતા અને શાસન ક્ષમતા બે અલગ વસ્તુઓ છે.

નેપાળ હાલ આર્થિક પડકારો, બેરોજગારી અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં એ સવાલ સ્વાભાવિક છે કે શું એક રેપરથી રાજનેતા બનેલા નેતા આ જટિલ પડકારોનો સામનો કરી શકશે કે તેમની રાજનીતિ માત્ર જનભાવનાઓને ઉશ્કેરવા સુધી જ મર્યાદિત રહી જશે. જો તેઓ વડા પ્રધાન બને તો નેપાળની રાજનીતિમાં એક નવી શૈલી જોવા મળી શકે છે, પરંતુ એ પણ શક્ય છે કે તેમની આક્રમક અને વિવાદાસ્પદ રાજનીતિ નેપાળની અંદર અને પાડોશી દેશો સાથે નવા તણાવ પેદા કરી દે. આવનારા દિવસોમાં અંતિમ ચૂંટણી પરિણામો અને ત્યારબાદ બનનારી સરકાર જ નક્કી કરશે કે બાલેન શાહનો ઉદય નેપાળ માટે સ્થાયી રાજકીય પરિવર્તનનો સંકેત છે કે આ માત્ર એક અન્ય અસ્થિર અધ્યાયની શરૂઆત સાબિત થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં