હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહિંદુ-શીખ સમુદાયની રક્ષા માટે ગુરુ ગોવિંદ સિંઘે સ્થાપ્યો હતો ખાલસા પંથ, પૂજાથી...

હિંદુ-શીખ સમુદાયની રક્ષા માટે ગુરુ ગોવિંદ સિંઘે સ્થાપ્યો હતો ખાલસા પંથ, પૂજાથી આગળ વધીને ઇસ્લામી આક્રાંતાઓ વિરુદ્ધ ધર્મે ધારણ કર્યાં હતાં શસ્ત્રો

ખાલસા પંથની સ્થાપનાથી લઈને તેના સામ્રાજ્ય બનવા સુધીની યાત્રા માત્ર ઘટનાઓનો ક્રમ નથી, પરંતુ આ એક વિચારધારાની યાત્રા છે. એવી વિચારધારા જે આ શીખવે છે કે જ્યારે અન્યાય પોતાના ચરમ પર હોય ત્યારે માત્ર સહન કરવું જ ધર્મ નથી, પરંતુ તેનો પ્રતિકાર કરવો તેનાથી પણ મોટો ધર્મ છે.

- Advertisement -

ભારતનો ઇતિહાસ માત્ર ઇસ્લામી આક્રાંતાઓના હુમલાનો ઇતિહાસ નથી, પરંતુ તેના કરતાં ઘણો વધુ તે પ્રતિરોધનો ઇતિહાસ છે. આ તે ભૂમિ રહી છે જ્યાં સહિષ્ણુતા અને આધ્યાત્મિકતા સર્વોચ્ચ મૂલ્યો રહ્યાં, પરંતુ જ્યારે અસ્તિત્વ પર સંકટ આવ્યું, ત્યારે આ જ સમાજ શસ્ત્ર ધારણ કરવાથી પણ પાછો ન હટ્યો. મધ્યકાલીન ભારત, ખાસ કરીને મુઘલ કાળનો એક મોટો ભાગ એવા સમય તરીકે સામે આવે છે, જ્યાં મજહબી ઉત્પીડન, બળજબરીથી ધર્માંતરણ અને સાંસ્કૃતિક દમનની ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં નોંધાયેલી છે.

ખાસ કરીને ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુઓની જે સ્થિતિ હતી તે હવે જગજાહેર છે. મંદિરોનો ધ્વંસ, જઝિયા કરની પુનઃસ્થાપના અને બિન-મુસ્લિમ સમુદાયોનો નરસંહાર અને ઇસ્લામી ધર્માંતરણ, આ બધું માત્ર રાજકીય નિર્ણયો નહોતા, પરંતુ એક વ્યાપક મજહબી દબાણનો ભાગ હતા. આવા સમયમાં ભારતને માત્ર આધ્યાત્મિક નેતૃત્વની જરૂર નહોતી, પરંતુ સશસ્ત્ર અને સંગઠિત પ્રતિરોધની જરૂર હતી. 

કાશ્મીરી હિંદુઓ પર ઇસ્લામી દમન અને ગુરુ તેગ બહાદુરનું બલિદાન

ઔરંગઝેબની મજહબી કટ્ટરતાનો ભોગ આખો દેશ બની રહ્યો હતો. તે હિંદુઓનો નરસંહાર કરાવી રહ્યો હતો, હિંદુ દેવી-દેવતાઓના મંદિરો ધ્વસ્ત કરાવી મસ્જિદો બનાવી રહ્યો હતો અને સામૂહિક ધર્માંતરણ પણ કરાવી રહ્યો હતો. આખા દેશમાં સ્થિતિ કપરી હતી. આવા સમયમાં ઉત્તર ભારત અને ખાસ તો કાશ્મીર આ દમનનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. કાશ્મીરી હિંદુઓને ઇસ્લામ સ્વીકારવો અથવા વિનાશનો સામનો કરવો આવી મજબૂરીમાં મૂકવામાં આવી રહ્યા હતા. આ સંકટની ઘડીમાં તેમણે ગુરુ તેગ બહાદુરજીનો આશરો લીધો, જેઓ તે સમયે શીખ પરંપરાના આધ્યાત્મિક અને નૈતિક નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

17મી સદીના ઉત્તરાર્ધમાં કાશ્મીરના હિંદુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. ઐતિહાસિક ગ્રંથો જેમ કે ‘બચિત્તર નાટક’ અને ‘ગુર બિલાસ’માં ઉલ્લેખ મળે છે કે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ આનંદપુર સાહિબ પહોંચ્યું અને તેમણે પોતાના પર થતા ઇસ્લામી અત્યાચારોની આપવીતી ગુરુ સાહિબને સંભળાવી. બળજબરીથી ધર્માંતરણ, સામાજિક અપમાન અને અસ્તિત્વનો સંકટ, આ માત્ર શબ્દો નહોતા, પરંતુ હિંદુ સમુદાયની ત્રાસદી હતી.

- Advertisement -

આ સ્થિતિમાં નવમા શીખ ગુરુ ગુરુ તેગ બહાદુર આગળ આવ્યા. તેમણે ન માત્ર આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, પરંતુ પોતાના પ્રાણોનું બલિદાન પણ આપ્યું. 1675માં દિલ્હીમાં ઇસ્લામી આક્રાંતાઓએ તેમનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું હતું. ગુરુ તેગબહાદુરનો અંતિમ સંદેશ એ હતો કે ધર્મની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન પણ સ્વીકાર્ય છે.

જોકે, કાશ્મીરી હિંદુઓને બચાવવા માટે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન માત્ર એક વ્યક્તિની વીરગતિ નહોતું, પરંતુ તે ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા માટે આપવામાં આવેલું સર્વોચ્ચ સમર્પણ હતું. દિલ્હીમાં તેમનું બલિદાન એ વાતનો સ્પષ્ટ સંદેશ હતો કે હવે સંઘર્ષ માત્ર વિચારોનો નહીં, પરંતુ અસ્તિત્વનો થઈ ચૂક્યો છે.

ગુરુ ગોવિંદ સિંઘનો સંકલ્પ: સંતથી સૈનિક બનવાની દિશા

પોતાના પિતાના બલિદાનને જોતાં ગુરુ ગોવિંદ સિંઘજીએ એ વાત સ્પષ્ટપણે સમજી લીધી કે માત્ર આધ્યાત્મિક ઉપદેશોથી સમાજની રક્ષા શક્ય નથી. સમયની માંગ હતી કે ધર્મને બચાવવા માટે શક્તિ અને સંગઠન બંને જરૂરી છે.

આ તે સમય હતો જ્યારે શીખ પરંપરામાં એક મોટું પરિવર્તન આવ્યું. જ્યાં પહેલાં ‘સંત’ની છબી પ્રમુખ હતી, ત્યાં હવે ‘સંત-સિપાહી’નો વિચાર જન્મ લેવા લાગ્યો. ગુરુ ગોવિંદ સિંઘજીએ પોતાના અનુયાયીઓને ન માત્ર ધર્મનું પાલન કરતા શીખવ્યું, પરંતુ એ પણ શીખવ્યું કે જ્યારે ધર્મ પર આક્રમણ થાય, ત્યારે તેનો પ્રતિકાર કરવો સૌથી મોટો ધર્મ છે. આ પરિવર્તન આકસ્મિક નહોતું, આ એક સુનિયોજિત વૈચારિક અને સામાજિક ક્રાંતિ હતી, જેનો ઉદ્દેશ હતો હિંદુ સમાજને ભયમુક્ત અને આત્મરક્ષામાં સક્ષમ બનાવવો. 

1699ની વૈશાખી: ખાલસા પંથની ઐતિહાસિક સ્થાપના

13 એપ્રિલ 1699ના રોજ આનંદપુર સાહિબમાં વૈશાખીનો દિવસ ભારતીય ઇતિહાસનો એક નિર્ણાયક વળાંક બની ગયો. હજારો લોકોની સભા વચ્ચે ગુરુ ગોવિંદ સિંઘે એવું આહ્વાન કર્યું જેણે ઇતિહાસની દિશા બદલી નાખી. તેમણે ખુલ્લા મંચ પરથી પૂછ્યું કે, “કોણ છે જે ધર્મ માટે પોતાનું શીશ આપી શકે છે?”  આ પ્રશ્ન કોઈ પરીક્ષા નહોતી, પરંતુ તે એ માનસિકતાને પારખવાનું માધ્યમ હતું જે અત્યાચાર સામે ઝૂકવા તૈયાર નહોતી.

એક-એક કરીને પાંચ વિભૂતિઓએ પોતાને પ્રસ્તુત કરી. આ હતા ‘પંજ પ્યારે’. આ પાંચેયને ગુરુએ અમૃત આપીને એક નવા સ્વરૂપમાં ઢાળ્યા અને અહીંથી જન્મ થયો ખાલસા પંથનો. ‘ખાલસા’નો અર્થ હતો શુદ્ધ, સ્વતંત્ર અને કોઈપણ સાંસારિક ભયથી મુક્ત. આ કોઈ એક ધાર્મિક ઓળખ નહોતી, પરંતુ એક સશસ્ત્ર અને સંગઠિત શક્તિનું નિર્માણ હતું, જેનો ઉદ્દેશ હતો ધર્મ અને સમાજની રક્ષા. 

સંતો અને ગુરુઓ એક સમયે માત્ર ઉપદેશો આપવાનું અને ધાર્મિક આચરણ કરવાનું કાર્ય કરતા હતા, જેના કારણે ઇસ્લામી આક્રમણો સમયે ન તો તેઓ શત્રુઓ સામે લડત આપી શકતા હતા અને ન તો તેઓ બચી શકતા હતા. આ બધી બાબતોને ધ્યાને રાખીને ગુરુ ગોવિંદ સિંઘે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની પરંપરાને એકસાથે જોડી અને ખાલસા પંથની સ્થાપના કરી. આ પંથનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો ઇસ્લામી આક્રાંતાઓથી હિંદુ અને શીખ અનુયાયીઓની રક્ષા કરવી.

ખાલસા પંથની સ્થાપના સાથે જ ગુરુ ગોવિંદ સિંઘજીએ પોતાના અનુયાયીઓને એક નવી ઓળખ આપી. આ ઓળખ પાંચ કકારો (કેશ, કડા, કિરપાણ, કંઘા, કછા) દ્વારા પ્રગટ થતી હતી, પરંતુ તેની પાછળનો ઉદ્દેશ ધાર્મિક પ્રતીકો નહોતો. કિરપાણ (આત્મરક્ષા માટેની નાની તલવાર) ધારણ કરવી એ વાતનું પ્રતીક હતું કે હવે દરેક શીખ માત્ર અનુયાયી જ નહીં, પરંતુ ધર્મનો રક્ષક પણ છે. ખાલસાને એ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે તે કોઈપણ અન્યાય સામે ઊભો થઈ શકે, ભલે તે કોઈપણ રૂપમાં કેમ ન હોય. અહીંથી એક મહત્વપૂર્ણ વિચાર ઉભરે છે કે ધર્મ હવે પૂજા અથવા અનુષ્ઠાન સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે કર્તવ્ય અને સંઘર્ષનું માધ્યમ બની ગયો છે.

ખાલસા અને હિંદુ પરંપરા: સનાતનની અવિરતતાના સંકેતો

ખાલસા પંથની સ્થાપના વખતે જે તત્વો ઉભરી આવ્યા હતા, તેઓ માત્ર શીખ પરંપરા સુધી મર્યાદિત નહોતા, પરંતુ તેમાં વ્યાપક હિંદુ પરંપરાના સ્પષ્ટ સંકેતો જોવા મળે છે. ગુરુ ગોવિંદ સિંઘજીની રચનાઓમાં, ખાસ કરીને ‘ચંડી દી વાર’માં દેવી શક્તિની ઉપાસનાનો ઉલ્લેખ મળે છે. આ દર્શાવે છે કે તે સમયે ધર્મની રક્ષાને શક્તિ અને ભક્તિના સંગમ તરીકે જોવામાં આવી હતી.

વધુમાં ખાલસામાં સામેલ થનારા પ્રારંભિક અનુયાયીઓમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા જેઓ હિંદુ પરંપરાઓ સાથે જોડાયેલા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે ખાલસા પંથનો ઉદય કોઈ અલગાવવાદી વિચારથી નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક રક્ષાના વ્યાપક ઉદ્દેશથી થયો હતો. ખાલસા પંથના શરૂઆતી નારા પણ હિંદુ દેવી-દેવતાઓના જયઘોષ સાથે થતાં હતા અને ‘સત શ્રી અકાલ પુરખ’ના નારા સાથે જોડાતા હતા. 

ખાલસા પંથની સ્થાપના કોઈ ધાર્મિક ઘટના નહોતી, પરંતુ તે એ સમયના સામાજિક અને રાજકીય સંકટનો જવાબ હતો. ગુરુ તેગ બહાદુરજીના બલિદાનથી લઈને ગુરુ ગોવિંદ સિંઘજીના સંગઠનાત્મક પ્રયાસો સુધી, આ આખી પ્રક્રિયા એક જ દિશામાં આગળ વધી રહી હતી- ધર્મ, સંસ્કૃતિ અને સમાજની રક્ષા. આ તે સમય હતો જ્યારે ભારતમાં પહેલી વખત એક સંગઠિત રૂપમાં આ વિચાર સામે આવ્યો કે જો અસ્તિત્વ પર સંકટ આવે તો આધ્યાત્મિકતાની સાથે શસ્ત્ર પણ જરૂરી છે.

સ્થાપના બાદ સંઘર્ષ

1699માં ખાલસા પંથની સ્થાપના પછી સ્થિતિ વૈચારિક ન રહી અને સંઘર્ષ ખુલ્લેઆમ સામે આવ્યો. ગુરુ ગોવિંદ સિંઘજી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી શક્તિ હવે આત્મરક્ષા સુધી મર્યાદિત નહોતી, પરંતુ અન્યાય વિરુદ્ધ સીધો પડકાર બની ચૂકી હતી.

શીખ ગુરુઓની વધતી લોકપ્રિયતા અને પ્રભાવથી અસ્વસ્થ મુઘલ સત્તા હવે ખાલસાના રૂપમાં એક સંગઠિત અને સશસ્ત્ર પ્રતિરોધને જોઈ રહી હતી. આ જ કારણ હતું કે ખાલસાના ગઠનના તરત પછી અનેક યુદ્ધો થયા, જેમ કે આનંદપુર સાહિબની ઘેરાબંધી, ચમકૌરનું યુદ્ધ અને મુક્તસરની લડાઈ. આ સૈન્ય અથડામણો તો હતી જ પરંતુ તે એ વિચારધારાનો સંઘર્ષ પણ હતો જેમાં એક તરફ મજહબી દમન હતું અને બીજી તરફ સ્વતંત્રતા અને આસ્થાની રક્ષા હતી. આ યુદ્ધોમાં ખાલસાએ એ વાત સાબિત કરી દીધી કે તે માત્ર સંખ્યા પર આધારિત નથી, પરંતુ તેની શક્તિ તેની ધાર્મિક આસ્થા, અનુશાસન અને સંગઠનમાં છે. 

બંદા સિંઘ બહાદુર: ખાલસાનો પ્રથમ મોટો સૈન્ય વિસ્તાર

ગુરુ ગોવિંદ સિંઘજી પછી ખાલસાને બંદા સિંઘ બહાદુરના રૂપમાં એક મજબૂત નેતૃત્વ મળ્યું. તેમણે ખાલસા પંથને એક ધાર્મિક સેના તરીકે નહીં, પરંતુ તેને આગળ વધારીને એક રાજકીય અને વહીવટી શક્તિમાં બદલી નાખ્યો. બંદા સિંઘે સરહિંદ પર આક્રમણ કરીને તે મુઘલ સત્તાને પડકાર આપ્યો, જેણે ગુરુ ગોવિંદ સિંઘજીના નાના સાહિબજાદાઓને જીવતાં દીવાલમાં ચણી દીધાં હતાં. આ માત્ર બદલાની ભાવના નહોતી, પણ આ અન્યાય વિરુદ્ધ ન્યાય સ્થાપિત કરવાનો પ્રયાસ હતો.

તેમણે ભૂમિ સુધારણા પણ અમલમાં મૂકી, જેમાં ખેડૂતોને જમીનનો અધિકાર આપવામાં આવ્યો. આ તે સમય માટે એક ક્રાંતિકારી પગલું હતું, જે દર્શાવે છે કે ખાલસા માત્ર યુદ્ધ કરનારી શક્તિ જ નહોતી, પણ તે સામાજિક ન્યાયનો પણ પક્ષકાર હતો.

બંદા સિંહ બહાદુરના બલિદાન પછી એક સમય એવો આવ્યો જ્યારે ખાલસા સેના અનેક નાના-નાના જૂથોમાં વહેંચાઈ ગઈ, જેને ‘મિસલ’ કહેવામાં આવતું હતું. આ સમય પડકારજનક હતો, કારણ કે એક તરફ મુઘલ સત્તા અને પછી અફઘાન આક્રમણકારો સતત હુમલા કરી રહ્યા હતા તો બીજી તરફ ખાલસાએ પોતાની એકતા જાળવી રાખવાને બદલે વાડા ઊભા કર્યા હતા. 18મી સદીના મધ્યમાં ‘ગલ્લુઘારા’ (શીખ નરસંહાર) જેવી ભયાનક ઘટનાઓ બની, જેમાં હજારો શીખોની હત્યા કરી દેવામાં આવી. પરંતુ આ થવા છતાં ખાલસા પંથ સમાપ્ત થયો નહીં. તે જંગલો, પહાડો અને ગ્રામીણ વિસ્તારોમાં પુનઃસંગઠિત થતો રહ્યો અને દર વખતે પહેલાં કરતાં વધુ શક્તિ સાથે પાછો ફર્યો. 

આ જ તે સમય હતો જ્યારે ખાલસાની વાસ્તવિક તાકાત સામે આવી. અલગ-અલગ મિસલોમાં વહેંચાયેલા હોવા છતાં તેઓ એક સામાન્ય ઉદ્દેશથી જોડાયેલા રહ્યા- ધર્મ અને સ્વાભિમાનની રક્ષા. અહમદ શાહ અબ્દાલી જેવા આક્રમણકારો વિરુદ્ધ ખાલસાઓએ શિવાજી મહારાજની ગુરિલ્લા યુદ્ધ શૈલી અપનાવી અને ધીમે-ધીમે પોતાની પકડ મજબૂત કરી. આ સંઘર્ષ જીવિત રહેવા માટે નહોતો, પરંતુ તે એ વિચારને જીવંત રાખવા માટે હતો જે 1699માં શરૂ થયો હતો.

મહારાજા રણજીત સિંઘ: ખાલસા સામ્રાજ્યનો સુવર્ણકાળ

18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં ખાલસા સેનાને તે નેતૃત્વ મળ્યું જેણે તેને તેના ચરમ પર પહોંચાડી દીધી. તે નેતૃત્વનું નામ હતું મહારાજા રણજીત સિંઘ. રણજીત સિંઘે વિવિધ મિસલોને એક કરીને એક શક્તિશાળી અને સંગઠિત રાજ્યની સ્થાપના કરી, જેને આજે આપણે શીખ સામ્રાજ્ય તરીકે ઓળખીએ છીએ. તેમનું શાસન માત્ર સૈન્ય શક્તિ પર આધારિત નહોતું, પરંતુ તેમાં વહીવટી ક્ષમતા અને ધાર્મિક સહિષ્ણુતા પણ હતી.

તેમના નેતૃત્વ હેઠળ ખાલસા સેનાએ કાબુલ સુધી પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો અને ઉત્તર-પશ્ચિમ ભારતને વિદેશી આક્રમણો સામે સુરક્ષિત કર્યું. આ તે જ વિસ્તાર હતો જે સદીઓથી ઇસ્લામી આક્રમણોનું મુખ્ય દ્વાર રહ્યો હતો. રણજીત સિંઘના શાસનમાં માત્ર શીખો જ નહીં, પરંતુ હિંદુ અને અન્ય સનાતની સમુદાયોને પણ સમાન સન્માન મળ્યું. તેમના દરબારમાં વિવિધ પરંપરાના લોકો ઉચ્ચ પદો પર હતા.

ખાલસા પંથની સ્થાપનાથી લઈને તેના સામ્રાજ્ય બનવા સુધીની યાત્રા માત્ર ઘટનાઓનો ક્રમ નથી, પરંતુ એક વિચારધારાની યાત્રા છે. એવી વિચારધારા જે શીખવે છે કે જ્યારે અન્યાય પોતાના ચરમ પર હોય ત્યારે માત્ર સહન કરવું જ ધર્મ નથી, પરંતુ તેનો પ્રતિકાર કરવો તેનાથી પણ મોટો ધર્મ છે. આ ઇતિહાસ એ પણ શીખવે છે કે ધર્મ માત્ર પૂજા-પાઠ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સાહસ, સંગઠન અને બલિદાનનું પણ પ્રતીક છે. જ્યારે સમાજ પોતાના અસ્તિત્વની રક્ષા માટે એક થાય છે, ત્યારે તે ન માત્ર પોતાની પરંપરાની રક્ષા કરે છે, પરંતુ તે પરંપરાને એક નવી દિશા પણ આપી શકે છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં