24 નવેમ્બર, 1675. દિલ્હીના ચાંદની ચોકમાં માથા પર ભગવી પાઘ ધારણ કરીને એક સન્યાસી શાંત ચિત્ત સાથે ઊભા હતા. પોતાના સાથીઓને અમાનવીય યાતનાઓમાં તડપતા જોઈને પણ તેઓ નિર્ભીક હતા. ઔરંગઝેબના ફરમાન પર એક તલવાર ચાલી અને ક્ષણભરમાં ભારતના તે વીર સંન્યાસીનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તેમનું નામ આકાશમાં ગુંજવા લાગ્યું અને તે સાથે ગુંજવા લાગ્યા ‘જો બોલે સો નિહાલ, સત્-શ્રી-અકાલ’ના નારા. સન્યાસીનું નામ હતું તેગ બહાદુર, શીખ સંપ્રદાયના 9મા ગુરુ. આ માત્ર એક હત્યા નહોતી, આ ધર્માંતરણનો ઇનકાર કરવાની કિંમત હતી.
શીખ પરંપરામાં ગુરુ તેગ બહાદુરને ‘ધર્મની ચાદર’ (ધર્મની ઢાલ) અને ‘હિન્દની ચાદર’ કહેવામાં આવ્યા છે. ભારત સરકાર અને ઘણી સંસ્થાઓ 24 નવેમ્બરને ગુરુ તેગ બહાદુરના બલિદાન દિવસ તરીકે યાદ કરે છે. જોકે, ઘણી જગ્યાએ તેમના બલિદાન દિવસની તારીખ 11 નવેમ્બર ગણવામાં આવી છે, પરંતુ સમર્પિત રીતે 24 નવેમ્બરના દિવસે તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસને તેમને એટલા માટે યાદ કરવામાં આવે છે કે કાશ્મીરી હિંદુઓના રક્ષણ માટે અને ધર્મ માટે ગુરુ તેગ બહાદુરે પોતાને આહૂત કરી દીધા હતા. આ ઘટના મુઘલ આક્રાંતા ઔરંગઝેબના મજહબી અત્યાચારોની પરાકાષ્ઠા હતી.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
સત્તરમી સદીના મધ્ય ભાગમાં મુઘલ સામ્રાજ્યનું વિસ્તરણ ચરમ પર હતું. હિંદુઓ મરી રહ્યા હતા, બાળકોને જીવતાં સળગાવી દેવાતાં હતાં અને મહિલાઓ પર બળાત્કાર સામાન્ય થઈ ગયા હતા. તેવામાં દિલ્હીની ગાદી પર ઇતિહાસનો સૌથી ક્રૂર આક્રાંતા ઔરંગઝેબ આવ્યો. હિંદુઓની હાલત વધુ કફોડી બનતી ગઈ. જે વિસ્તારોમાં થોડીઘણી મુસ્લિમ વસ્તી હતી, ત્યાં હિંદુ હોવું ગુનો થઈ ગયો. ઔરંગઝેબે ઇસ્લામીકરણની નીતિ અપનાવી. હિંદુ મંદિરો તોડવાનું શરૂ કર્યું, જઝિયા કર ફરી લાગુ કર્યા અને બળજબરીથી ધર્માંતરણની નીતિ શરૂ કરી.
ઔરંગઝેબના આદેશ પર 1669મા કાશીનું વિશ્વનાથ મંદિર, 1670માં મથુરાનું કેશવદેવ (કૃષ્ણ મંદિર) મંદિર ધ્વસ્ત કરવામાં આવ્યું અને તેના સ્થાને મસ્જિદ ઊભી કરી દેવાઈ. આ દરમિયાન જ શીખ અને મુઘલો વચ્ચે પણ સંઘર્ષ થયા હતા. આક્રાંતા જહાંગીરે શીખ સંપ્રદાયના પાંચમાં ગુરુ અર્જુન દેવની (અર્જન દેવ) હત્યા કરી હતી. ત્યારબાદથી શીખો અને મુઘલો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. શીખ સમુદાય પણ પ્રતાડિત થઈ રહ્યો હતો.
સૌથી વધુ અત્યાચાર કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓ પર થયો. 1671-75 દરમિયાન કાશ્મીરમાં મુઘલ સૂબો ઈફ્તિકાર ખાન હૂકુમત ચલાવી રહ્યો હતો. તેણે હિંદુ સમાજ અને ખાસ કરીને બ્રાહ્મણોને ટાર્ગેટ કર્યા. મુઘલો એવું માની રહ્યા હતા કે હિંદુઓને મુસ્લિમ બનાવવા માટે પહેલો ઘા બ્રાહ્મણો પર કરવો પડશે. જો બ્રાહ્મણો વટલાશે તો જ હિંદુ સમાજ ઇસ્લામ સ્વીકારશે. કાશ્મીરી ઇતિહાસકાર પીએન કૌલ લખે છે કે, ઈફ્તિકારે થોડા જ સમયમાં કાશ્મીરી હિંદુઓને ઇસ્લામ કબૂલ કરવા અથવા તો મોત પસંદ કરવાનો હુકમ આપી દીધો. આ દરમિયાન મંદિરો તોડવામાં આવ્યાં, પવિત્ર ગ્રંથોનાં અપમાન થયાં, મૂર્તિઓને અપવિત્ર કરાઈ અને ઘણા બ્રાહ્મણોને કેદ કરી દેવાયા.
કાશ્મીરી હિંદુઓ પહોંચ્યા ગુરુ સાહિબ પાસે
હિંદુ સમાજ પિસાઈ રહ્યો હતો. એક તરફ મુઘલ સૂબો કાળોકેર વર્તાવી રહ્યો હતો તો બીજી તરફ સ્થાનિક મુસ્લિમો પણ હિંદુઓની મૈયતો કાઢવા બેઠા થયા હતા. આ અત્યાચારોથી ત્રસ્ત થયેલા કાશ્મીરી હિંદુઓએ પંડિત કૃપારામની (પાછળથી શીખ પરંપરા અપનાવી) આગેવાનીમાં એક 500 સભ્યોનું પ્રતિનિધિમંડળ તૈયાર કર્યું. તેઓ પંજાબના આંદનપુર સાહિબ પહોંચ્યા જ્યાં ગુરુ તેગ બહાદુર સાહિબ તે વખતે વિસામો લેવા રોકાયા હતા.
બચિત્તર નાટકમાં ગુરુ ગોવિંદ સિંઘજી લખે છે કે, “કાશ્મીરી પંડિતોએ ગુરુ સાહિબને કહ્યું કે મુઘલો સમગ્ર દેશમાં ધર્માંતરણ કરાવી રહ્યા છે. ધર્મ જોખમમાં છે અને તલવાર પર તોળાઈ રહ્યો છે. અમે તમારા શરણે આવ્યા છીએ.” પંડિતોની હૈયાવરાળ સાંભળીને બે ઘડી ગુરુ સાહિબ ગંભીર ચિંતનમાં પડ્યા. દરમ્યાન નવ વર્ષના બાળ ગોવિંદ રાયે (પાછળથી ગુરુ ગોવિંદ સિંઘજી) પૂછ્યું, “પિતાજી, આવા મહાન બલિદાન માટે કોણ યોગ્ય છે?” ગુરુ તેગ બહાદુરે કહ્યું, “આવું બલિદાન દુનિયામાં કોઈ મહાન પુરુષ જ આપી શકે.” બાળકે સહજતાથી કહ્યું કે, “પિતાજી, તમારા જેવો મહાન પુરુષ દુનિયામાં બીજો નથી.”
બાળ ગોવિંદ સિંઘના શબ્દો સાંભળીને ગુરુ તેગ બહાદુરે તેને અકાલ-પુરખનો (નિરાકાર ઈશ્વર) સંકેત અને આદેશ ગણ્યો. તેમણે દિલ્હી જવાનું નક્કી કર્યું અને પંડિતોને કહ્યું, ઔરંગઝેબને કહેજો કે પહેલાં ગુરુ તેગ બહાદુરને મુસલમાન બનાવે, પછી સમગ્ર હિંદુ સમાજ પાછળ આવશે. સંદેશ ઔરંગઝેબ સુધી પહોંચ્યો અને તેણે આ ઘટનાને ‘ઇસ્લામ સામે પડકાર’ ગણાવી.
દિલ્હી કેદ અને અત્યાચાર
જુલાઈ-ઑગસ્ટ 1675માં ગુરુ સાહિબ પોતે જ દિલ્હી તરફ રવાના થયા. તેમણે પોતાની સાથે તેમના ત્રણ વિશ્વાસુ સાથીઓને પણ રાખ્યા. આ દરમિયાન ઔરંગઝેબે એવી અફવા ફેલાવી કે ગુરુ તેગ બહાદુર દિલ્હી આવી રહ્યા છે ‘ઇસ્લામ’ અપનાવવા માટે. બીજી તરફ ઇસ્લામી આક્રાંતાએ આગ્રાથી જ તેમની ધરપકડ પણ કરાવી લીધી. ગુરુ અને તેમના ત્રણ સાથીઓને દિલ્હી લાવવામાં આવ્યા અને કેદ કરવામાં આવ્યા. દરમિયાન તેમને યાતનાઓ આપવામાં આવી અને વારંવાર ઇસ્લામ કબૂલ કરવાનું દબાણ કરવામાં આવ્યું.
દરભાર ભરાયો. ઔરંગઝેબ મજહબના મદમાં નિષ્ઠુર થઈને તખ્ત પર બેઠો. સામે હતા ગુરુ સાહિબ અને તેમના ત્રણ સાથીઓ. ઔરંગઝેબે શરત મૂકી- મુઘલ સત્તા આગળ ઝૂકીને ધર્મ છોડી દો, ઇસ્લામ અપનાવો અથવા મરો. પહેલાં લાલચ આપી, પછી ધમકી આપી, પણ શીખ ગુરુ અને સાથીઓ ડગ્યા નહીં. ઔરંગઝેબ હિંદુઓ અને શીખોને અલગ-અલગ અસ્તિત્વ તરીકે દર્શાવીને ગુરુ સાહિબને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો. તેણે ગુરુ સાહિબને કહ્યું હતું કે, તેમણે હિંદુઓનું નેતૃત્વ ન કરવું જોઈએ, કારણ કે તેઓ શીખોથી અલગ છે.
જવાબમાં ગુરુ તેગ બહાદુરે તેને વેદ અને ઉપનિષદ સમજાવવાના શરૂ કર્યા. ગુરુ સાહિબ શાસ્ત્રોના પારંગત હતા. તેમણે ઔરંગઝેબને સાબિત કરી બતાવ્યું કે શીખ અને હિંદુ એક સિક્કાની બે બાજુ છે, તે અલગ નથી. તેમણે એ પણ સાબિત કરી દીધું કે ઔરંગઝેબનું આ કૃત્ય ધર્મવિરુદ્ધ છે. જવાબ સાંભળીને ઔરંગઝેબ વધુ ભડકી ગયો હતો.
અંતે ઔરંગઝેબે ક્રૂરતા આચરવાની શરૂ કરી. ગુરુ સાહિબના સાથીઓ પૈકીના એક મતિદાસને થાંભલીઓ વચ્ચે બાંધીને આરાથી ચીરી નખાયા. નજીકમાં લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં. બીજા સાથી દયાળાજીને જીવતા ગરમ ઉકળતાં પાણીનાં હોજમાં ફેંકીને મારી નખાયા. ત્રીજા સતીદાસને કપાસમાં લપેટી દઈને જીવતા સળગાવી દેવાયા. આ ત્રણેય બલિદાનો ગુરુ સાહિબની સામે થયા હતા, જેથી તેમને ભયભીત કરી શકાય. પણ ગુરુ સાહિબ નિર્ભીક હતા. દરેક પ્રહાર પર તેઓ ‘વાહેગુરુજી’ને યાદ કરી રહ્યા હતા. આખર સુધી તેમણે ધર્મ સાથે સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો.
ગુરુ સાહિબનું બલિદાન
આખરે 24 નવેમ્બર 1675ના રોજ ચાંદની ચોકમાં માણસો ભેગા કરાયા. ઔરંગઝેબે ઢંઢેરો પિટાવીને ખાસ હિંદુઓને બોલાવ્યા, માત્ર એ દેખાડવા માટે કે ‘ઇસ્લામ સ્વીકાર નહીં કરનારાઓનો હાલ કેવો થશે.’ જલ્લાદ જલાલુદ્દીન હાથમાં તલવાર લઈને ઔરંગઝેબની સામે જોઈ રહ્યો હતો. ઇસ્લામી આક્રાંતાનો ઈશારો થતાં જ જલ્લાદે ગુરુ દેવ બહાદુરજીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ગુરુ સાહિબના અંતિમ શબ્દો હતા- “ધર્મ માટે મેં માથું આપ્યું, પણ સિદ્ધાંત ન આપ્યા.” ઔરંગઝેબને લાગતું હતું કે આ ક્રૂરતા જોઈને હિંદુઓ ડરી જશે, પણ એવું ન થયું.
હિંદુઓએ ‘જો બોલે સો નિહાલ, સત્-શ્રી-અકાલ’ના નારા લગાવવાના શરૂ કરી દીધા. અકળાયેલા ઔરંગઝેબે આદેશ આપ્યો કે ગુરુ સાહિબના દેહને ચાર ટુકડામાં કાપીને દિલ્હીના ચારેય દરવાજા પર લટકાવો, જેથી હિંદુઓ કાયમ તેમના ગુરુની હાલતને યાદ રાખી શકે. પરંતુ હિંદુઓએ તે પણ થવા ન દીધું.
ભાઈ વીર જૈતા અને ભાઈ લખીશાહ વણઝારાએ ક્રમશઃ ગુરુનું ધડ અને શીશ ઉઠાવ્યું અને ઘરે લઈને ચાલ્યા ગયા. બાદમાં સન્માન સાથે, શીખ પરંપરા અનુસાર અગ્નિમાં તેમનો અગ્નિસંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યો. આ બંને વીરોની બહાદુરીને આજે પણ યાદ કરવામાં આવે છે. જે સ્થળે ગુરુ સાહિબને અંતિમસંસ્કાર અપાયા હતા, તે આજે ‘ગુરુદ્વારા શીશગંજ સાહિબ, આંદનપુર’ તરીકે ઓળખાય છે. ગુરુ તેગ બહાદુર છેલ્લા એ સન્યાસી હતા, જેમણે શસ્ત્રો નહોતા ઉઠાવ્યા. તેમની આવી સ્થિતિ અને ધર્મ માટેના બલિદાનને જોતાં તેમના પુત્ર અને શીખ પરંપરાના અંતિમ ગુરુ, ગુરુ ગોવિંદ સિંઘજીએ સશસ્ત્ર સન્યાસનો પાયો નાખ્યો.
બલિદાનની અસર, ખાલસાનો ઉદય
નવ વર્ષની નાની ઉંમરે બાળક ગોવિંદ રાય પોતાના પિતાના બલિદાન પછી જે આધ્યાત્મિક અને રાજકીય ચેતના સાથે ઊભા થયા, એ જ ચેતના આગળ જતાં વર્ષ 1699માં ખાલસા પંથની સ્થાપના બની. એ જ ખાલસા પંથ, જે આગળ જતાં શીખ રાજા રણજીત સિંઘના શાસન હેઠળ મુઘલોનો કાળ બન્યો. આ બલિદાનથી પ્રેરણા લઈને ગુરુ ગોવિંદ સિંઘજીએ ખાલસાની સ્થાપના કરી અને ધર્મ માટે લડવાની સશસ્ત્ર પરંપરા શરૂ કરી. ખાલસા એટલે એવી એક સેના જે ધર્મના રક્ષણ માટે લડી રહી હોય. તેમાં ઘણા હિંદુઓ સામેલ થયા હતા અને શીખ પરંપરાનું અનુકરણ કરવા લાગ્યા હતા. ઔરંગઝેબની આ ક્રૂરતાના કારણે દેશભરમાં પ્રતિકારની ભાવના પણ જાગી હતી.
પોતાના ગ્રંથ ‘બચિત્તર નાટક’માં શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીએ સ્વયં લખ્યું છે —
“ધર્મ હેતુ સકા જો કર દિયા, સીસ દિયા પર સિર ન દિયા।”
આ કોઈ રૂપક કે કાલ્પનિક વાત નહોતી. આ તેમના પિતા શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબના જીવનનો ઇતિહાસ હતો.
શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબનું બલિદાન ભારતના ઇતિહાસમાં અનન્ય સ્થાન ધરાવે છે. ન તો તેઓ સત્તા હસ્તગત કરવા નીકળ્યા હતા, ન તેમનો કોઈ રાજકીય વિદ્રોહ હતો. તેઓ કોઈ એક સંપ્રદાય માટે નહીં, પરંતુ હિંદુઓના તિલક-જનોઈ અને તમામ હિંદુઓની ધાર્મિક સ્વતંત્રતા માટે ઊભા થયા હતા.
સંદર્ભસૂચિ
- Jadunath Sarkar, History of Aurangzib Vol. III (1920)
- Ganda Singh (ed.), Hukamnama Shri Guru Tegh Bahadur Sahib (Punjabi University, 1976)
- K.S. Narang, History of the Punjab 1450-1947
- Bachittar Natak, Dasam Granth, Chapter 5, Dohra 132–140- Guru Gobind Singh


