હોમપેજગુજરાત2002નાં રમખાણો મામલે અમદાવાદની કોર્ટે 11 હિંદુઓને નિર્દોષ છોડ્યા: ‘મુસ્લિમોને ડરાવવાના’ ઇરાદે...

2002નાં રમખાણો મામલે અમદાવાદની કોર્ટે 11 હિંદુઓને નિર્દોષ છોડ્યા: ‘મુસ્લિમોને ડરાવવાના’ ઇરાદે તોફાનો કરવાના આરોપસર નોંધાઈ હતી FIR, સાબિત ન થઈ શક્યો કેસ

ચાલુ ટ્રાયલે બે આરોપીઓ મૃત્યુ પામ્યા, ફરિયાદપક્ષ સાબિત ન કરી શક્યો કેસ. કોર્ટે કહ્યું– માત્ર હાજરી હોય તેનાથી ગુનો સાબિત ન થાય.

- Advertisement -

ગોધરાના હિંદુ હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણોના વધુ એક કેસમાં હિંદુઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે બે દાયકા કરતાં વધુ સમયથી ચાલતા આવેલા એક કેસમાં 11 હિંદુ આરોપીઓને નિર્દોષ મુક્ત કરીને કેસ બંધ કર્યો છે. 10 એપ્રિલના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે માત્ર ભીડનો ભાગ હોવાના કારણે કે શંકાના આધારે કોઈને ગુનેગાર ઠેરવી શકાય નહીં અને પ્રોસિક્યુશન આરોપીઓ સામે દોષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ બાદ રાજ્યભરમાં રમખાણો થયાં હતાં. દરમ્યાન, 9 મે 2002ના રોજ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં દિલ્હી દરવાજા અને લાલકાકા શાક માર્કેટ પાસે તોફાનો થયાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આશરે 2,000થી 3,500 લોકોના ટોળાએ મુસ્લિમ સમુદાય પર પ્રભુત્વ જમાવવા અને ભય ફેલાવવાના હેતુથી પથ્થરમારો કર્યો હતો. જોકે, 24 વર્ષની કાનૂની પ્રક્રિયાના અંતે આ તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે.

ફરિયાદ મુજબ, આરોપીઓ એક ગેરકાયદેસર મંડળીનો ભાગ હતા અને તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય મુસ્લિમ સમુદાયના જાનમાલને નુકસાન પહોંચાડી તેમના પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો હતો. આ હિંસક ટોળાએ દિલ્હી દરવાજા, લાલકાકા શાક માર્કેટ અને માધુપુરા માર્કેટ વિસ્તારમાં પથ્થરમારો કર્યો હોવાનો અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવીને કુલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. FIRમાં કલમ 143, 147, 149 (ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગ), કલમ 153(1) (કોમી ઉશ્કેરણી) અને કલમ 336 (લોકોના જીવ જોખમમાં મૂકવા) લગાવવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી આદેશના ઉલ્લંઘન બદલ કલમ 188 પણ લગાવવામાં આવી હતી.

જેમની ઉપર આરોપ લાગ્યા તેમાં રાજેશ દંતાણી, જીતેન્દ્ર શ્રીમાળી, જીજ્ઞેશ પરમાર, ભૂપેન્દ્ર ઉર્ફે મુન્નો, પ્રવિણકુમાર પરમાર, લલિતકુમાર રાવત, શાંતિભાઈ મેઘવાલ, કમલેશ ઠાકોર અને કાન્તીલાલ ઠાકોરનો સમાવેશ થતો હતો. અન્ય બે આરોપી ગોવિંદ અને પરેશનું ટ્રાયલ દરમ્યાન અવસાન થયું, જેમની સામેનો કેસ પછીથી નિયમાનુસાર એબેટ કરવામાં આવ્યો હતો.

ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે ચાર મહત્વના સાક્ષીઓને તપાસ્યા હતા, જેઓ તે સમયે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ હતા. પોલીસનો પક્ષ શરૂઆતથી જ નબળો જણાતો હતો. ટ્રાયલ દરમિયાન સાક્ષી તરીકે આવેલા પોલીસ કર્મચારીઓ– ધનજીભાઈ કચરાજી, રણધીરસિંહ ચતુરસિંહ, કિશોરસિંહ અને ગીરીશકુમાર વાલજીભાઈની જુબાનીમાં જ વિરોધાભાસ જોવા મળ્યો હતો. સાક્ષીઓએ કબૂલ્યું હતું કે તે સમયે હજારોનું ટોળું હતું અને ભારે પથ્થરમારો થઈ રહ્યો હતો. આવી અરાજકતાવાળી સ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિને ગુનો કરતા જોવી અશક્ય હતી.

અન્ય સાક્ષીઓએ પણ આ જ પ્રકારની જુબાની આપી હતી અને સ્વીકાર્યું હતું કે તે સમયે ટોળું ઘણું મોટું હતું અને પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. બચાવ પક્ષની ઉલટતપાસમાં તમામ પોલીસ સાક્ષીઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે તેઓ અદાલતમાં હાજર રહેલા આરોપીઓમાંથી કોઈને પણ પથ્થરમારો કે સોડા બોટલ ફેંકતા હોવાનું ચોક્કસપણે કહી શકતા નથી. આ કબૂલાતે સાબિત કર્યું કે પોલીસે ઉતાવળે અથવા માત્ર સ્થળ પર હાજર હોવાના કારણે આ લોકોની ધરપકડ કરી લીધી હતી, જેઓ વાસ્તવમાં ગુનેગાર નહોતા.

અદાલતે નોંધ્યું કે તપાસમાં પાયાની પ્રક્રિયાઓનું પણ ઉલ્લંઘન થયું હતું. હજારોની ભીડમાં થયેલા ગુનામાં આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ ‘ઓળખ પરેડ’ (TIP) કરાવવી અનિવાર્ય છે. આ કેસમાં પોલીસે આવી કોઈ જ ઓળખ પરેડ કરાવી નહોતી, જે દર્શાવે છે કે તપાસમાં ઘોર બેદરકારી રાખવામાં આવી હતી. કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે ફોજદારી કાયદા મુજબ માત્ર ઘટનાસ્થળે હાજરી હોવી એ ગુનેગાર ઠરવા માટે પૂરતું નથી.

કેસમાં થયેલો 24 વર્ષનો વિલંબ પણ ન્યાયમાં અવરોધક બન્યો હતો. લાંબા સમયગાળાને કારણે ઘણા સાક્ષીઓ મળી આવ્યા નહોતા અને જે મળ્યા તેમને વર્ષો જૂની ઘટનાની વિગતો યાદ નહોતી. કોર્ટે નોંધ્યું કે આટલાં વર્ષો બાદ સાક્ષીઓની સ્મૃતિ ક્ષીણ થવી સ્વાભાવિક છે. ન્યાયના સિદ્ધાંત મુજબ, જ્યારે શંકા જન્મે ત્યારે તેનો લાભ હંમેશા આરોપીને મળવો જોઈએ, અને આ કેસમાં તો શંકાના અનેક સ્થાન હતાં.

સૌથી વધુ અસરકર્તા બાબત એ હતી કે મૂળ ફરિયાદી પી.એસ.આઈ. જે.આર. નાયકનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું. ફરિયાદી પોતે જ કોર્ટમાં હાજર રહીને પોતાની ફરિયાદનું સમર્થન કરી શક્યા નહીં. અન્ય સાક્ષીઓ માત્ર પોલીસ કર્મચારીઓ હતા જેમની પાસે મર્યાદિત માહિતી હતી.

ન્યાયાધીશ દીપક જેઠાભાઇ પરમારે કાયદાકીય પાસાં પર ભાર મૂકતા કહ્યું કે, ફોજદારી કાયદો અનુમાન પર નહીં પણ મજબૂત પુરાવા પર ચાલે છે. માત્ર ટોળામાં હાજર હોવું એ કોઈ વ્યક્તિને રાયોટિંગના ગુનામાં દોષિત ઠેરવવા માટે પૂરતું નથી. પોલીસે એવું સાબિત કરવું પડે કે તે વ્યક્તિનો ‘સામાન્ય ઉદ્દેશ્ય’ ગુનો કરવાનો હતો, જે આ કેસમાં ક્યાંય સાબિત થયું નથી.

ચુકાદાના અંતિમ હુકમ મુજબ, 9 જીવિત આરોપીઓને કલમ 248(1) અન્વયે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જે આરોપીઓના જામીનખત હતા તે રદ કરવામાં આવ્યા. આ સાથે જ વર્ષોથી ચાલી આવતી કાયદાકીય લડાઈ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં