1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડીથી શરૂ થયેલી હિંસક ચળવળ સ્થાનિક સ્તરે તો થોડા મહિનાઓમાં દબાવી દેવામાં આવી હતી, પણ મૂળ માઓવાદી વિચારધારાના આધારે તેને અન્ય વિસ્તારો અને પ્રદેશોમાં ફેલાવવાનું કામ ચાલુ રહ્યું. તેના માટે કઈ રીતે ગુરિલ્લા વૉરફેર સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને કઈ રીતે પ્રોપગેન્ડાની મદદથી સુવ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક હિંસા આચરવાની શરૂ કરવામાં આવી એ આગલા ભાગમાં જોયું.
એક હકીકત એ પણ છે કે આ ચળવળ એક સીધી લીટીમાં, એક જ લહેરમાં ભારતભરમાં નહતી ફેલાઈ, પણ એક જ સમયે, એકસાથે બંગાળ અને આસપાસના વિસ્તારો, જ્યાં માઓવાદીઓ થોડાઘણા ફાવી ગયા ત્યાં તેનો ફેલાવો થતો રહ્યો. શરૂઆતનાં વર્ષોમાં બંગાળના મિદનાપુર સહિતના અમુક ભાગોમાં અને આંધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં હિંસક ચળવળ ફેલાઈ. દરેક ઠેકાણે સ્થાનિક પરિસ્થિતિના આધારે, નેતૃત્વક્ષમતાના આધારે પ્રયોગો કરવામાં આવતા રહ્યા. મૂળ વિચાર સરખો હતો, બાકી બધું પ્રદેશ પ્રમાણે બદલાતું રહ્યું.
બંગાળમાં નક્સલવાદ
મિદનાપુરમાં નક્સલી ચળવળ બહુ આયોજનપૂર્વક, પૂરેપૂરા પ્લાનિંગ સાથે ચલાવવામાં આવી. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશાની સરહદે આવેલા આ જિલ્લામાં જનજાતીય સમૂહોની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. મોટાભાગના જમીન વિનાના શ્રમિકો હતા, જેઓ જમીનદારોની જમીન પર ખેતી કરતા. તેમનામાં જમીનદારો પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવા, બ્રેનવૉશ કરવા નક્સલીઓના નેતૃત્વએ વધારે મહેનત કરવી પડે એમ ન હતી. ગ્રાઉન્ડ પહેલેથી તૈયાર હતું. નક્સલીઓના પક્ષમાં બીજી એક બાબત હતી– આ જનજાતીય સમૂહો તીર-કામઠાંનો ઉપયોગ કરતા. તેમને હિંસા માટે ઉશ્કેરવામાં આવે તો સ્થિતિ તરત પલટાઈ શકે એમ હતી.
બંગાળના ગોપીબલ્લવપુરની પસંદગી જાણીજોઈને, ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. બિહાર અને ઓડિશા સરહદ પર જંગલો વચ્ચે ઘેરાયેલો આ વિસ્તાર મિદનાપુર સાથે સુવર્ણરેખા નદી પરના માત્ર એક જ બ્રિજથી જોડાયેલો હતો. ગમે ત્યારે તેને સંપર્કવિહોણો બનાવી શકાય એમ હતું. મિદનાપુરથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા દેબ્રાને કેન્દ્ર બનાવવામાં આવ્યું. આમ તો ગુરિલ્લા એક્શન માટે વિસ્તાર ઠીક કહી શકાય એવો ન હતો કારણ કે એક તો રેલવે સ્ટેશન પણ નજીક હતું અને કલકત્તા-બૉમ્બે નેશનલ હાઇવે પણ ત્યાંથી જ પસાર થતો. પણ વસ્તી પર મોટેભાગે નક્સલીઓએ વર્ચસ્વ જમાવી લીધું હતું અને અહીંનું સ્થાનિક નેતૃત્વ પણ નક્સલબાડીની ઘટના પછી ઉગ્રવાદી જૂથ સાથે સામેલ થઈ ગયું હતું.
CPI-MLની રચના તો 1969માં થઈ પણ 1967ની નક્સલબાડીની ઘટના પછી જ આ વિસ્તારના CPI-માર્ક્સિસ્ટના એક જૂથે ઉગ્રવાદી વલણ અપનાવવા માંડ્યું હતું. ખેડૂતોની વચ્ચે જઈને તેમણે જમીનદારો વિરુદ્ધ ઉશ્કેરવાનું અને આ જમીનદારોને પરાસ્ત કરવા માટે ‘હિંસા’ જ એકમાત્ર સાધન છે એવું પ્રસરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું. આ માટે નક્સલીઓના નેતૃત્વમાંથી ઘણા સ્થાનિકો વચ્ચે વહેંચાઈ ગયા. કોઈ પ્રોફેસર તરીકે નોકરીએ લાગી ગયું, કોઈએ બીજું કામ ઉપાડ્યું. આ સિવાય તેમનું બીજું એક કામ હતું, સમાજના નીચલા વર્ગમાં વહેંચાઈ જઈને તેમની વચ્ચે માઓવાદી ઉગ્ર વિચારધારા ફેલાવવાનું.
કલકત્તાના યુવાનોને આ ચળવળમાં સાંકળવામાં આવ્યા. જેમનું કામ આ પ્રોપગેન્ડા આગળ ધપાવવાનું, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવવાનું હતું. શહેરી વિસ્તારોમાંથી જેઓ આવી શકે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ ગયા. જનજાતીય સમૂહો સાથે રહેવા માંડ્યા, તેમનો વિશ્વાસ જીત્યો. તેમની વચ્ચે રહ્યા અને ધીમેધીમે વિચારધારાનો પ્રસાર કરવાનો શરૂ કર્યો.
દેબ્રામાં ચળવળ મૂળ આર્થિક આધારે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પછીથી હિંસક સ્વરૂપ ધારણ કરવા માંડ્યું અને જમીનદારોને ટાર્ગેટ કરવાના શરૂ કરવામાં આવ્યા. CPI-માર્ક્સિસ્ટ નેતૃત્વ આ સમય દરમ્યાન ઉગ્રવાદી જૂથ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે પહેલેથી દબાણ હેઠળ હતું. આખરે તેમણે દેબ્રાના આ ઉગ્રવાદી જૂથને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. પણ તેમની હિંસક ચળવળ ચાલુ રહી.
ઑગસ્ટ 1969થી ઑક્ટોબર 1969 દરમ્યાન મોટા જમીનદારોની હત્યા, લૂંટફાટ, પાકની લૂંટ, રાજકીય હત્યાઓનો દોર ચાલ્યો. આખરે ડિસેમ્બરમાં સરકારને અહીં કાર્યવાહી કરવાનું સૂઝ્યું અને પોલીસ એક્શનના આદેશ આપવામાં આવ્યા. અનેક નક્સલીઓ પકડાયા પણ જે કમાન્ડરો હતા, ટોચથી બધું સંભાળતા હતા તેઓ ન પકડાયા. તત્કાલીન મીડિયા અહેવાલો જોતાં જાણવા મળે છે કે સ્થાનિક સ્તરેથી આ તમામને રક્ષણ મળતું હતું અને તેઓ વિસ્તારમાં જ હોવાની જાણ હોવા છતાં પોલીસ તેમના સુધી પહોંચી શકી ન હતી. પોલીસે કારણ આપ્યું કે સ્થાનિકો ડરના માર્યા આ નક્સલીઓને શરણ આપી રહ્યા છે. સ્થિતિ એવી હતી કે પોલીસ હથિયારો સાથે જવામાં પણ ડરતી હતી.
1970ની શરૂઆત સુધી આ હત્યાનોનો દોર ચાલુ રહ્યો. દરમ્યાન અગાઉ કહ્યું એમ બંગાળ સરકારમાં CPI-M પણ હતી અને પાર્ટીના જ નેતા જ્યોતિ બાસુ પાસે પોલીસ વિભાગ હતો, પરંતુ કાર્યવાહીમાં સતત વિલંબ થતો રહ્યો. ચળવળને દબાવી દેવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યાં, ન ઠોસ કાર્યવાહી થઈ. આખરે માર્ચ 1970માં સરકાર પડી ભાંગી અને રાષ્ટ્રપતિ શાસન લાગ્યું પછી કાર્યવાહીની તીવ્રતા વધારવામાં આવી અને હિંસાનું પ્રમાણ ઘટ્યું.
મિદનાપુરમાં હિંસાનું પ્રમાણ ઘટ્યું પણ આ જ દૂષણ પછીથી અન્ય જિલ્લાઓમાં પ્રસરતું ગયું. બીરભૂમ જિલ્લો શરૂઆતના થોડા મહિનાઓમાં શાંત હતો. અહીં નક્સલીઓમાંથી કોઈ એવું નેતૃત્વ કરનારું પણ ન હતું. પરંતુ બેરોજગાર યુવાનો અહીં મોટા પ્રમાણમાં હતા. નક્સલીઓના નેતૃત્વએ આ બધાને એકઠા કરવાના અને હિંસક ચળવળ તરફ વાળવાના શરૂ કર્યા. આ માટે પણ કલકતાના એ યુવાનોની મદદ લેવામાં આવી, જેમના માટે દાયકાઓ પછી ‘અર્બન નક્સલ’ શબ્દ શોધાયો. આ અર્બન નક્સલો ગ્રામ્ય વિસ્તારોમાં જઈને યુવાનોને, ખેડૂતોને હિંસક ચળવળમાં જોડવાનું કામ મહેનતપૂર્વક કરતા. આજની ભાષામાં કહીએ તો આ બધા ‘ભણેલા-ગણેલા’ હતા અને પોતે શું કરી રહ્યા છે એ સારી પેઠે જાણતા હતા, પણ તેમણે એ જ કરવું હતું.
બીરભૂમમાં 1970ના મધ્યભાગમાં નક્સલી ગતિવિધિઓ શરૂ થઈ અને 1971 આવતાં સુધીમાં ચરમસીમાએ પહોંચી ગઈ. જાન્યુઆરીમાં 44, ફેબ્રુઆરીમાં 90, માર્ચમાં 116, એપ્રિલમાં 119, મેમાં 70 અને જૂનમાં 100 હિંસક ઘટનાઓ નોંધાઈ. આ ઘટનાઓ સરકારી ચોપડે નોંધાયેલી ઘટનાઓ છે. અનેક ઘટનાઓ નોંધાયા વગર બની ગઈ હશે.
જુલાઈ 1971માં અહીં પણ પોલીસ કાર્યવાહી થવાની શરૂ થઈ અને હિંસાનું પ્રમાણ ઘટ્યું. કેન્દ્રીય પોલીસબળો મોકલવામાં આવ્યાં અને પરિસ્થિતિ પર કાબુ મેળવાયો. ત્યારબાદ પણ આ હિંસા અન્ય જિલ્લાઓમાં પ્રસરતી રહી પણ તેનું કેન્દ્ર કલકત્તા રહ્યું.
સરકારની પ્રતિક્રિયા પર મોટો પ્રશ્નાર્થ
આ ઘટનાક્રમો સૂચવે છે કે નક્સલીઓની ચળવળ એકસાથે અનેક જિલ્લાઓમાં પ્રસરાઈ ન હતી. શરૂઆતના સમયમાં તેમની પાસે પૂરતું સંખ્યાબળ પણ ન હતું અને વિચારધારા મૂળમાંથી પ્રસરાવવાનું કામ પણ કઠિન હતું. પ્રોપગેન્ડા માટેનાં સાધન-સંસાધનો પણ મર્યાદિત પ્રમાણમાં હતાં. એક ઠેકાણે પ્રયોગ અમલમાં લાવ્યા પછી બીજે પ્રયાસો થતા.
આ સમય દરમ્યાન કેન્દ્ર અને ખાસ કરીને રાજ્યની પ્રતિક્રિયા પર પણ પ્રશ્નો ઊભા થાય એમ છે. છૂટક ઘટનાઓને ડામવા માટે પોલીસ કાર્યવાહી થતી રહી પરંતુ આખી ચળવળને મૂળમાંથી ખતમ કરવા માટે કોઈ નક્કર પ્રયાસો શરૂઆતનાં વર્ષોમાં ન કેન્દ્ર તરફથી કરવામાં આવ્યા, ન રાજ્ય સરકારે કોઈ ખાસ રસ દાખવ્યો. એવું પણ ન હતું કે અનેક ઠેકાણે એકસાથે હિંસા થતી હતી અને સરકાર સંખ્યાબળની રીતે પાછળ પડતી હતી. મૂળ ખોટ પોલિટિકલ વિલમાં હતી.
પરિણામ એ આવ્યું કે ઘટનાઓ કાબૂમાં લઈ શકાઈ, પણ જે હિંસક વિચારધારા તેના મૂળમાં હતી તેને ડામવા માટે કોઈ મહેનત ન થઈ. એ જ વૈચારિક જોર બીજે અજમાવવામાં આવ્યું અને ત્યાં નક્સલીઓને સફળતા મળતી ગઈ.
જો શરૂઆતના સમયમાં જ નક્કર પગલાં લેવાયાં હોત તો દાયકાઓ પછી મોદી અને શાહે આવીને મહેનત કરવી પડી ન હોત. જોકે મહેનત કરવા માટે તો વચ્ચેના દાયકાઓમાં પણ અનેક સરકારોને તક મળી, પણ તેમણે તેનો પૂરતો ઉપયોગ ન કર્યો. એ આવનારા ભાગોમાં જોઈશું.


