‘ધર્માંતરણ કર્યું હોય તો નહીં મળે ST/SCના લાભ’: સુપ્રીમ કોર્ટ, કહ્યું–અનુસૂચિત જાતિ-જનજાતિમાં માત્ર હિંદુ, શીખ અને બૌદ્ધ જ હોય શકે

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ પંથ જેમ કે ખ્રિસ્તી કે ઇસ્લામ અપનાવે છે, તો તે વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC) તરીકે મળતા તમામ બંધારણીય લાભો, સુરક્ષા અને અનામત મેળવવાનો અધિકાર ગુમાવે છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આદેશ આપ્યો છે કે ધર્માંતરણ પછી વ્યક્તિ SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ રક્ષણ મેળવી શકતી નથી. આ કેસની શરૂઆત આંધ્ર પ્રદેશના પીટ્ટલવાનિપાલેમ ગામના એક ખ્રિસ્તી પાદરી ચિંથાડા આનંદ દ્વારા કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી.

અહેવાલ અનુસાર ચિંથાડા આનંદ છેલ્લા એક દાયકાથી ખ્રિસ્તી પંથનું પાલન કરે છે અને પાદરી તરીકે સેવા આપે છે. તેમણે અક્કલા રામિરેડ્ડી નામના વ્યક્તિ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી કે તેમને જાતિના આધારે અપમાનિત કરવામાં આવ્યા છે.

સામે પક્ષે આરોપીએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે જે વ્યક્તિ ખ્રિસ્તી બની ગઈ છે અને પાદરી છે, તે હવે ‘અનુસૂચિત જાતિ’નો સભ્ય ગણાય નહીં, તેથી તેમના પર આ કાયદો લાગુ પડતો નથી. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી કેસ રદ કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે.

સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કોન્સ્ટિટ્યુશન (સ્કેજ્યુલ્ડ કાસ્ટ્સ) ઓર્ડર, 1950 મુજબ અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર ત્રણ ધર્મો પૂરતો મર્યાદિત છે, જેમાં હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ આ સિવાયના પંથમાં જાય છે તો તે કાયદાની નજરમાં અનુસૂચિત જાતિનો સભ્ય રહેતો નથી.

કોર્ટે અવલોકન કર્યું કે ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા પંથોમાં હિંદુ ધર્મ જેવી જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મરજીથી ખ્રિસ્તી બને છે ત્યારે તે તેની જૂની જાતિગત ઓળખ પણ છોડી દે છે. આ કેસમાં અરજદાર છેલ્લા 10 વર્ષથી પ્રાર્થના સભાઓ યોજે છે, જે સાબિત કરે છે કે તે સક્રિય ખ્રિસ્તી છે.

ઘણીવાર લોકો ધર્માંતરણ કર્યા પછી પણ જૂનું જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate) રાખતા હોય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, “માત્ર અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ હોવું અથવા તે રદ ન થયું હોવું એનો અર્થ એ નથી કે તમે SC એક્ટ હેઠળ સુરક્ષા મેળવી શકો. ધર્માંતરણની ક્ષણથી જ તમારો SC દરજ્જો સમાપ્ત થઈ જાય છે.”

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બંધારણના મૂળ હેતુને સ્પષ્ટ કરે છે. કોર્ટે સાફ કરી દીધું છે કે કોઈ વ્યક્તિ એકસાથે બે ધર્મના અથવા બે અલગ દરજ્જાના લાભો લઈ શકે નહીં. જો તમે ધર્મ બદલો છો તો તેની સાથે મળતા સામાજિક અને કાયદાકીય લાભો પણ બદલાઈ જાય છે.