શનિવારે (21 માર્ચ) દેશભરમાં મુસ્લિમ સમુદાયે ઈદની ઉજવણી કરી છે. અમદાવાદમાં પણ ઈદની નમાજ અને ઉજવણી થઈ છે. જામા મસ્જિદમાં પણ આ જ અનુક્રમે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પરંતુ ત્યાં ઈદની નમાજ પૂર્ણ થયાની સાથે ભારે હોબાળો પણ જોવા મળ્યો. કારણ હતું ગુજરાત સરકારનું પ્રસ્તાવિત UCC બિલ. આ બિલના કારણે AIMIMના કાર્યકર્તાઓ આવેશમાં આવીને ઉત્પાત પર ઉતરી આવ્યા હતા અને બિલનો વિરોધ કરવા લાગ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં ખાતૂનો પણ જોડાઈ હતી.
એક ખાતૂને મીડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે તેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે? ઉત્તરાખંડમાં પણ આવો જ એક કાયદો લાગુ થયો છે, પરંતુ તેનો વિરોધ ન થયો અને ગુજરાતમાં હજુ સુધી બિલ વિધાનસભામાં આવ્યું પણ નથી કે તેનો વિરોધ થવા લાગ્યો છે તેનું કારણ શું? મીડિયાના પ્રશ્નનો જવાબ માત્ર થોડા શબ્દોમાં એ મુસ્લિમ મહિલાએ આપ્યો. તેણે કહ્યું કે, “શરિયા કાનૂનની વિરુદ્ધનો કોઈપણ કાયદો અમને મંજૂર નથી.” એટલે તેઓ સ્પષ્ટપપણે કહી રહ્યા છે કે ભારતીય બંધારણનો એવો કોઈપણ કાયદો સ્વીકાર્ય નથી જે શરિયાને અનુરૂપ ન હોય.
Ahmedabad, Gujarat: A protestor says, "We oppose the UCC; our Sharia does not allow it. I just want to say this…" pic.twitter.com/7FxTeZSZQ4
— IANS (@ians_india) March 21, 2026
પ્રદર્શન દરમિયાન આ મુસ્લિમ મહિલાનું નિવેદન આખા વિવાદનું સૌથી મહત્વનું અને ચિંતાજનક પાસું બની ગયું. તેણે સ્પષ્ટ કહ્યું કે, “આ કાયદો શરિયત વિરુદ્ધ છે, તેથી અમને મંજૂર નથી.” પહેલી નજરે આ એક સામાન્ય વિરોધ જેવું લાગે છે, પરંતુ જો આ કથનને ગહન રીતે જોઈએ તો તે માત્ર એક કાયદા વિરુદ્ધ અસહમતિ નથી, પરંતુ બંધારણ અને મજહબી કાયદા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવાનું ખુલ્લુ એલાન છે. વાસ્તવમાં આ જ ગેંગ વારંવાર કહેતી રહી છે કે ભારત એક ‘સેક્યુલર’ દેશ છે, જો ‘સેક્યુલર’ છે તો તેમાં શરિયા વચ્ચે ક્યાંથી આવે?
અહીં સવાલ UCCની જોગવાઈઓ નથી, ન તો એ ચર્ચા એ છે કે બિલ સારું છે કે ખરાબ. વાસ્તવિક સવાલ તેનાથી ક્યાંય મોટો છે કે શું ભારતમાં કોઈ કાયદો માત્ર એટલા માટે અસ્વીકાર્ય થઈ શકે કે તે કોઈ મજહબી વ્યવસ્થા, ખાસ કરીને શરિયા સાથે મેળ ન ખાતો હોય? જો આ તર્ક સ્વીકારી લેવામાં આવે તો દરેક કાયદાને મજહબી કસોટીઓ પર કસવો પડશે અને આ કોઈપણ લોકશાહી અને ‘સેક્યુલર’ રાષ્ટ્રની મૂળભૂત રચનાને પડકારવા જેવું થઈ જશે.
બંધારણ સર્વોપરી કે મજહબી કાયદો?
ભારત એક લોકશાહી ગણરાજ્ય છે, જેનો આધાર તેના બંધારણ પર ટકેલો છે. આ દેશ ન તો કોઈ વિશેષ મજહબ અનુસાર ચાલે છે અને ન તો કોઈ મજહબી પુસ્તક અનુસાર કાયદા બનાવે છે. આવા સંજોગોમાં ‘શરિયા વિરુદ્ધ છે, તેથી કાયદો મંજૂર નથી’ એવું કહેવું એટલે બંધારણની ઉપર એક મજહબી કાયદાને મૂકવો. આ તર્ક માત્ર બંધારણીય વ્યવસ્થા વિરુદ્ધ જ નહીં, પરંતુ આધુનિક ભારતના નિર્માણના મૂળ વિચારની પણ વિરુદ્ધ છે. જો કોઈ સમુદાય વિશેષ પોતાના મજહબી કાયદાને સર્વોપરી માનવા લાગે તો સમાન નાગરિક વ્યવસ્થાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે. આવા સંજોગોમાં આ સવાલ સ્વાભાવિક રીતે ઉભો થાય કે ભારત શરિયાથી ચાલશે કે બંધારણથી?
વિરોધનો આધાર જ પ્રશ્નોના ઘેરામાં
અમદાવાદમાં થયેલો આ વિરોધ માત્ર એટલા માટે અસંગત નથી કે તે વગર પરવાનગીએ થયો, પરંતુ એટલા માટે પણ અસંગત છે કે તેનો આધાર જ અસ્પષ્ટ અને વૈચારિક રીતે અસ્થિર છે. જ્યારે કોઈ કાયદાને વાંચ્યા વિના, સમજ્યા વિના માત્ર એ આધારે નકારી દેવામાં આવે કે તે ‘શરિયા વિરુદ્ધ’ છે, ત્યારે તે લોકશાહી હેઠળ વિમર્શ નહીં, પરંતુ પૂર્વગ્રહનું પ્રદર્શન બની જાય છે.
અહીં એ પણ ધ્યાનમાં રાખવાની વાત છે કે UCCનો હેતુ અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓની જગ્યાએ એક સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો છે, જેથી તમામ નાગરિકોના અધિકારો અને કર્તવ્યો એકસમાન રહે. આવા સંજોગોમાં જો કોઈને તેનાથી વાંધો હોય તો તે વાંધો તર્ક અને તથ્યોના આધારે હોવો જોઈએ, નહીં કે માત્ર મજહબી ઓળખના આધારે.
CAAની જેમ ફરી એ જ પેટર્ન?
આ પહેલી વખત નથી કે કોઈ કાયદાને લઈને આવો વિરોધ જોવા મળ્યો હોય. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના (CAA) સમયે પણ એ જ થયું હતું. ત્યારે પણ કાયદાને સંપૂર્ણ સમજ્યા વિના એ નેરેટિવ ફેલાવવામાં આવ્યો કે આ એક સમુદાય વિશેષ વિરુદ્ધ છે. પરિણામે દેશના ઘણા ભાગોમાં આંદોલન અરાજકતા તરફ વળ્યા, જાહેર મિલકતને નુકસાન થયું અને સમાજમાં અનાવશ્યક ભય અને ભ્રમનો માહોલ ઊભો થયો. હવે UCCના મુદ્દે પણ એ જ પેટર્ન ફરીથી દેખાઈ રહી છે. અમદાવાદની ઘટના એ સંકેત આપે છે કે એક વખત ફરી કાયદાના વાસ્તવિક પ્રાવધાનોને બાજુએ મૂકીને તેને મજહબી ચશ્માથી જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સવાલ એ છે કે શું દર વખતે સમજ્યા વિના માત્ર મજહબી શરિયા કાનૂનના આધારે વિરોધ કરવો જ લોકશાહી અધિકારોનો ઉપયોગ ગણાશે?
સાથે એ પણ સમજવું જરૂરી છે કે UCC અને શરિયા વચ્ચે જે અથડામણ બતાવવામાં આવી રહી છે, તે કેટલી વાસ્તવિક છે અને કેટલી રાજકીય રીતે ઘડવામાં આવી છે. જ્યારે કોઈ કહે છે કે, ‘શરિયા વિરુદ્ધ છે’ ત્યારે તે એમ માનીને ચાલી રહ્યો હોય છે કે દેશના તમામ નાગરિકો પર લાગુ પડતો કાયદો કોઈ એક મજહબી માળખા સાથે અથડાશે જ. પરંતુ શું એક આધુનિક રાષ્ટ્રમાં કાયદા બનાવતી વખતે કોઈ વિશેષ મજહબી વ્યવસ્થાને પ્રાથમિકતા આપી શકાય? જો એવું થાય તો સમાનતા, ન્યાય અને નાગરિક અધિકારો જેવા સિદ્ધાંતો માત્ર કાગળો પર જ મર્યાદિત રહી જશે.
વિરોધ કે વૈચારિક સ્થિતિ?
અમદાવાદનો આ વિરોધ માત્ર એક સ્થાનિક ઘટના નથી, પરંતુ એક વૈચારિક સ્થિતિને દર્શાવે છે- જ્યાં કાયદાને તેની જોગવાઈઓના આધારે નહીં, પરંતુ તેની સંભવિત મજહબી ‘અનુકૂળતા’ના આધારે સ્વીકારવામાં કે નકારવામાં આવે છે. આ વલણ લાંબાગાળે ન માત્ર બંધારણીય વ્યવસ્થાને નબળી પાડે છે, પરંતુ સમાજમાં વિભાજનને પણ વધારે છે. જો કોઈપણ કાયદાનો વિરોધ એ આધારે કરવામાં આવશે કે તે મજહબી પરંપરા સાથે મેળ નથી ખાતો તો સમાન નાગરિક માળખાની કલ્પના જ અશક્ય બની જશે અને આ જ તે બિંદુ છે જ્યાં આ ચર્ચા માત્ર UCC સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ દેશની મૂળ રચના સાથે જોડાઈ જાય છે.
અમદાવાદની ઘટનાએ એક વખત ફરી સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક ચર્ચા UCCની જોગવાઈઓની નથી, પરંતુ પ્રાથમિકતાઓની છે. શું આ દેશમાં અંતિમ નિર્ણય બંધારણનો હશે કે શરિયા કાનૂનનો? શું કાયદાને મજહબી માન્યતાઓ અનુસાર ઘડવામાં આવશે કે તમામ નાગરિકો માટે સમાન રીતે લાગુ કરવામાં આવશે? લોકશાહીમાં અસહમતિનો અધિકાર મહત્વનો છે, પરંતુ તે તર્ક, સમજણ અને બંધારણીય મર્યાદાઓની અંદર હોવો જોઈએ. માત્ર ‘શરિયા વિરુદ્ધ છે, તેથી મંજૂર નથી’ એવું કહેવું ન તો પર્યાપ્ત તર્ક છે અને ન તો લોકશાહી દેશમાં સ્વીકાર્ય આધાર. ભારતની ઓળખ તેની પ્રાચીન સનાતન સભ્યતા છે, તેની મજબૂતી તેનું બંધારણ છે અને જ્યારે પણ એ સવાલ ઉભો થાય કે દેશ શાનાથી ચાલશે તો જવાબ સ્પષ્ટ હોવો જોઈએ કે ભારત બંધારણથી ચાલશે, કોઈ મજહબી વ્યવસ્થાથી નહીં.


