
ગુજરાતમાં પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને લઈને વિરોધનું રાજકારણ શરૂ થઈ ગયું છે. શનિવારના (22 માર્ચ 2026) રોજ અમદાવાદની જામા મસ્જિદની બહાર AIMIMના કાર્યકર્તાઓએ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ઈદના દિવસે જ કાર્યકર્તાઓ હાથમાં બેનર લઈને નીકળી આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા.
સાથે એ પણ જાણવા મળ્યું છે કે આ વિરોધ પ્રદર્શન પોલીસની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ ‘Remove UCC, Save the Nation’ અને ‘Repeal UCC’ જેવા નારા લખેલા પોસ્ટરો લઈને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી અને ઉત્પાત મચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે હસ્તક્ષેપ કરીને કેટલાકની અટકાયત કરવી પડી હતી.
Ahmedabad, Gujarat: A protestor says, "We oppose the UCC; our Sharia does not allow it. I just want to say this…" pic.twitter.com/7FxTeZSZQ4
— IANS (@ians_india) March 21, 2026
કેટલાક પ્રદર્શનકારીઓએ દાવો કર્યો કે પ્રસ્તાવિત UCC તેમના મજહબી અને સાંસ્કૃતિક અધિકારો વિરુદ્ધ છે. એક મહિલા પ્રદર્શનકારીએ તો એવી દલીલ આપી દીધી કે તેમના શરિયા કાયદા આવા કાયદાની પરવાનગી નથી આપતા, તેથી તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પાસેથી તેને પરત લેવાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ એ પણ કહ્યું કે ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા UCCની જેમ તેઓ ગુજરાતમાં પણ આ કાયદાનો વિરોધ કરશે.
જોકે, વગર પરવાનગીએ ભીડ એકઠી થવાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આશરે 12થી 13 લોકોને કસ્ટડીમાં લીધા. પછીથી બધાને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. પોલીસ અનુસાર સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રહી અને કોઈ અપ્રિય ઘટના ન બની.
UCC બિલને 24 માર્ચે વિધાનસભામાં રજૂ કરવાનું છે. તે પહેલાં એક ઉચ્ચસ્તરીય સમિતિએ પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશમાં સમાન નાગરિક સંહિતાને લઈને ચર્ચા તેજ થઈ રહી છે અને તેને ‘સમાનતા’ વિરુદ્ધ ‘મજહબી અધિકારો’ના ચશ્માથી જોવામાં આવી રહી છે.

