અમેરિકાની સબમરીને કર્યો હતો ઈરાનના યુદ્ધજહાજ પર હુમલો, પેન્ટાગોને કરી પુષ્ટિ: શ્રીલંકા નજીક બનેલી ઘટનામાં 80નાં મોત

Screenshot

બુધવારે (4 માર્ચ) શ્રીલંકાના દરિયાકાંઠા નજીક ઈરાનના એક યુદ્ધજહાજ પર હુમલો થયો હતો. આ હુમલો એક સબમરીન થકી કરવામાં આવ્યો હતો, જેની જવાબદારી હવે અમેરિકાએ સત્તાવાર રીતે લીધી છે.

અમેરિકન ડિફેન્સ સેક્રેટરી (ભારતના રક્ષા મંત્રી સમકક્ષ) પીટ હેગસેથે અમેરિકન સબમરીને ઈરાનના જહાજ પર હુમલો કર્યો હોવાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે ઘટના શ્રીલંકાના દક્ષિણ કિનારેથી થોડા અંતરે બની હતી.

વાસ્તવમાં ઈરાનનું આ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળના એક યુદ્ધાભ્યાસ માટે આવ્યું હતું અને પરત ફરી રહ્યું હતું. શ્રીલંકાના ગાલેથી થોડા અંતરે આ જહાજ હતું ત્યારે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ આ હુમલાનો એક વિડીયો પણ બહાર પાડ્યો છે, જેમાં સબમરીનના હુમલા બાદ જહાજમાં વિસ્ફોટ થતો જોવા મળે છે.

આ પહેલાં શ્રીલંકાના વિદેશ મંત્રીએ સંસદને જણાવ્યું હતું કે ઘટના બની ત્યારે ઈરાનના જહાજમાં લગભગ 180 વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી અનેકનાં મોત થયાં છે અને અન્ય અનેક ઇજાગ્રસ્ત હાલતમાં શ્રીલંકાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમુક લાપતા હોવાનું પણ કહેવાય રહ્યું છે.

જહાજનું નામ IRNIS Dena હતું અને ઈરાન પરત ફરી રહ્યું હતું. બે સપ્તાહ પહેલાં જ ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન કમાન્ડે આ ઈરાનિયન જહાજનું વિશાખાપટ્ટનમ બંદરે સ્વાગત પણ કર્યું હતું.

શ્રીલંકન સરકારે જણાવ્યું છે કે 32 માણસોને બચાવી લેવામાં આવ્યા છે અને દરિયામાંથી અમુક મૃતદેહો પણ મળી આવ્યા છે. જેઓ ઇજાગ્રસ્ત થયા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. શ્રીલંકન નૌકાદળે કહ્યું કે વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. જોકે મૃતકોનો ચોક્કસ આંકડો જણાવવામાં આવ્યો નથી પરંતુ 80 હોવાનું હાલ કહેવાય રહ્યું છે. આંકડો વધી શકે છે.