હોમપેજદુનિયાઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં ધમરોળાઈ રહ્યા છે ગલ્ફ દેશો: કેમ મધ્યપૂર્વીય દેશો પર...

ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં ધમરોળાઈ રહ્યા છે ગલ્ફ દેશો: કેમ મધ્યપૂર્વીય દેશો પર પણ હુમલા કરી રહ્યું છે તહેરાન- સમજો

અમેરિકી સૈન્ય મથકો સિવાય પણ ઈરાન દ્વારા આરબ દેશોને નિશાન બનાવવા પાછળ કેટલાક ઊંડા વ્યૂહાત્મક અને ઐતિહાસિક કારણો જવાબદાર છે. ઈરાન અને યુએઈ (UAE) વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા અબુ મુસા (Abu Musa) અને ગ્રેટર-લેસર ટનબ્સ ટાપુઓ પર લાંબા સમયથી માલિકી હકનો વિવાદ છે.

- Advertisement -

માર્ચ 2026ની શરૂઆત સાથે જ મધ્યપૂર્વ (Middle East) લશ્કરી સંકટનો સામનો કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના દાયકાઓ જૂના ‘પ્રોક્સી વોરે’ હવે સીધા સૈન્ય સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ઈરાને હવે માત્ર ઇઝરાયેલ જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, અને બહેરીન જેવા પડોશી ઇસ્લામી દેશો પર પણ મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. સોશિયલ મીડિયામાં ગલ્ફ દેશોના વિડીયો વાયરલ થયા છે જેમાં દુબઈના આકાશમાં વિસ્ફોટો અને અબુ ધાબીના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. આ ઘટનાક્રમે વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ હતી. આ દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર સૈન્ય હુમલો શરૂ કર્યો હતો. અમેરિકાએ આ સૈન્ય અભિયાનને ‘ઑપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) નામ આપ્યું, જ્યારે ઇઝરાયેલે આ હુમલાઓને ‘ઑપરેશન રોરિંગ લાયન’ (Operation Roaring Lion) નામ આપ્યું હતું. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ ક્ષમતાને જડમૂળથી ઉખેડી નાખવાનો અને પ્રદેશમાં તેના સૈન્ય વર્ચસ્વ અને તેના સમર્થનથી ઉભા થયેલા આતંકી સંગઠનોને ખતમ કરવાનો હતો.

નેતૃત્વ પર પ્રહાર અને સૈન્ય નુકસાન

આ ઑપરેશનની શરૂઆત અત્યંત ચોકસાઈપૂર્વકની ‘સર્જિકલ સ્ટ્રાઈક્સ’થી કરવામાં આવી હતી. હુમલાના પ્રથમ તબક્કામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈ સહિત ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) 49થી વધુ ટોચના લશ્કરી અધિકારીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ વ્યૂહાત્મક હુમલાનો હેતુ ઈરાનના સૈન્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે ખોરવી નાખવાનો હતો. આ સાથે જ ઈરાનની સંરક્ષણ પ્રણાલીઓ, જેવી કે રશિયન બનાવટની S-300 અને સ્વદેશી Bavar-373 એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી, જેથી મિત્ર દેશોના વિમાનો મુક્તપણે હુમલા કરી શકે.

- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ ઑપરેશન માત્ર અમેરિકા માટે નહીં પણ ‘આખા વિશ્વ માટે’ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાનને ‘પરમાણુ હથિયાર મેળવતા અટકાવવા’ અને તેના મિસાઈલ ભંડારને નષ્ટ કરવો તે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય હતું. આ હુમલાનો અન્ય એક મુખ્ય હેતુ ઈરાનના ‘પ્રોક્સી નેટવર્ક’ કે આતંકી સંગઠનો જેમ કે હિઝબુલ્લાહ, હૂતી અને હમાસને મળતી આર્થિક અને સૈન્ય મદદ કાયમી ધોરણે બંધ કરવાનો છે. અમેરિકાની આ રણનીતિ ઈરાનમાં ‘રેજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) તરફ ઈશારો કરે છે.

ઈરાનનો પલટવાર અને ગલ્ફ દેશો પર નિશાન

આ પ્રચંડ હુમલાના જવાબમાં ઈરાને પડોશી દેશો જેવા કે દુબઈ, અબુ ધાબી, કતાર અને કુવૈત પર મિસાઈલમારો શરૂ કર્યો છે. ઈરાન માને છે કે આ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (Military Bases) પરથી જ ઈરાન પર હુમલા કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં દુબઈ જેવા આર્થિક કેન્દ્રોમાં મિસાઈલો અને ડ્રોન પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનામાં 1,000થી વધુ ટાર્ગેટ્સ પર હુમલા કરવામાં આવ્યા, જેમાં B-1 બૉમ્બર્સ, F-35 જેટ્સ અને ક્રુઝ મિસાઈલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને ઈરાને પોતાના અસ્તિત્વ પરનો સીધો ખતરો ગણાવ્યો હતો. પોતાના સર્વોચ્ચ નેતા અને સૈન્ય માળખા પર થયેલા પ્રહારના જવાબમાં ઈરાનની ‘ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે’ (IRGC) તાત્કાલિક વળતો સૈન્ય પ્રતિકાર શરૂ કર્યો, જેને ‘ઑપરેશન ટ્રુ પ્રોમિસ IV’ (Operation True Promise IV) નામ આપવામાં આવ્યું હતું. ઈરાનનો ઉદ્દેશ્ય માત્ર ઇઝરાયેલને જ નહીં, પરંતુ અમેરિકાને સાથ આપનારા તમામ આરબ દેશો પર હુમલા કરવાનો છે.

ગલ્ફ દેશો પર મિસાઈલ અને ડ્રોનનો વરસાદ

3 માર્ચ 2026 સુધીના આંકડાઓ મુજબ ઈરાને આક્રમક વ્યૂહરચના અપનાવીને પર્શિયન ગલ્ફના દેશો પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. આ હુમલાઓમાં ઈરાને તેની અત્યાધુનિક Fattah-2 હાઇપરસોનિક મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને હજારોની સંખ્યામાં શાહેદ (Shahed) ડ્રોનનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં ઈરાને કુલ 400થી વધુ બેલિસ્ટિક મિસાઈલ અને 800થી 1000 જેટલા ડ્રોન લૉન્ચ કર્યા છે, જેમાંથી મોટાભાગનો મારો ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલના (GCC) દેશો પર કરવામાં આવ્યો છે.

ઈરાને પડોશી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને તબાહી મચાવી છે. આ હુમલાઓમાં યુએઈ પર સૌથી વધુ પ્રહાર થયા છે, જેમાં અત્યાર સુધીમાં 165થી વધુ મિસાઈલ અને 541થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે. દુબઈ અને અબુ ધાબીના આર્થિક કેન્દ્રો આ હુમલાઓથી ધ્રૂજી ઉઠ્યા છે. કુવૈત પર 97 મિસાઈલ અને 283 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકી સૈન્ય છાવણીઓ મુખ્ય ટાર્ગેટ હતી.

આ ઉપરાંત કતાર પર 65 મિસાઈલ અને 12 ડ્રોન, જ્યારે બહેરીન પર 45 મિસાઈલ અને 9 ડ્રોન ફેંકવામાં આવ્યા છે. વધુમાં સાઉદી અરેબિયાની વિશ્વવિખ્યાત રાસ તાનુરા રિફાઇનરી પર ભયાનક હુમલા થયા છે, જેણે તેલના પુરવઠાને જોખમમાં મૂક્યો છે. ઓમાનના ડક્મપોર્ટ પર પણ ડ્રોન હુમલાના અહેવાલો છે. ઈરાને ઇઝરાયેલ પર 162થી વધુ મિસાઈલો છોડી છે, જ્યારે જોર્ડન પર પણ મિસાઈલમારો કરવામાં આવ્યો છે.

IRGC દ્વારા અત્યાર સુધીમાં હુમલાના કુલ 13 વેવ (તરંગો) છોડવામાં આવ્યા છે. ઈરાની સૈન્ય કમાન્ડરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ઑપરેશન ‘દુશ્મનને સંપૂર્ણપણે હરાવે ત્યાં સુધી’ અને અમેરિકી સૈનિકોને આ ક્ષેત્રમાંથી બહાર ન કાઢે ત્યાં સુધી ચાલુ રહેશે. ઈરાન તેની હાઇપરસોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરબ દેશોની એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી રહ્યું છે, જેના કારણે પ્રદેશમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે.

આ ઉપરાંત ગલ્ફ દેશોમાં આવેલી અમેરિકી એમ્બેસી પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જેના પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં તેનો જવાબ આપશે.

શા માટે ઈરાનના ટાર્ગેટ પર ગલ્ફ દેશો?

ઈરાન દ્વારા મધ્યપૂર્વના દેશો પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓનું પ્રાથમિક અને સૌથી મોટું કારણ આ દેશોની ધરતી પર આવેલા વિશાળ અમેરિકી સૈન્ય મથકો (US Military Bases) છે. ઈરાન આ મથકોને તેના અસ્તિત્વ માટે જોખમ માને છે. ઈરાનની ‘ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે’ (IRGC) સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, “અમેરિકાના તમામ સૈન્ય સ્થાપનો અને તેમને આશરો આપનારા સહયોગી દેશો અમારા માટે ‘લેજીટિમેટ ટાર્ગેટ’ (કાયદેસરના લક્ષ્યો) છે.” ઈરાનનો તર્ક છે કે 28 ફેબ્રુઆરીના હુમલામાં આ બેઝનો ઉપયોગ ‘લૉન્ચિંગ પેડ’ તરીકે થયો હતો, તેથી તેણે હુમલો કર્યો છે.

ઈરાને ‘ઑપરેશન ટ્રુ પ્રોમિસ IV’ અંતર્ગત અબુ ધાબીમાં આવેલ અલ-ધફ્રા એરબેઝ પર હુમલો કર્યો છે. આ બેઝ અમેરિકા માટે અત્યંત મહત્વનું છે, જ્યાં 3,500થી વધુ યુએસ સૈનિકો તહેનાત છે. ઈરાને અહીં 165થી વધુ મિસાઈલો છોડીને આ મથકને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય કતારમાં આવેલ અલ-ઉદેદ એરબેઝ મધ્યપૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું સૈન્ય મથક છે અને યુએસ સેન્ટ્રલ કમાન્ડનું (CENTCOM) મુખ્ય મથક છે. અહીં 10,000થી વધુ અમેરિકી સૈનિકો અને સેંકડો ફાઈટર જેટ્સ છે, જે ઈરાનના મુખ્ય નિશાના પર છે.

બહેરીનના મનામામાં આવેલ ફિફ્થ ફ્લીટ હેડકવાર્ટર અમેરિકી નૌકાદળનું મુખ્ય મથક છે જે પર્શિયન ગલ્ફમાં ઈરાની ગતિવિધિઓને રોકવા માટે જાણીતું છે. ઈરાને અહીં બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. કુવૈતમાં આવેલા અલી અલ સાલેમ એરબેઝ અને કેમ્પ આરિફજાન બેઝમાં અમેરિકી સેના અને વાયુસેનાના મોટા લોજિસ્ટિક્સ કેન્દ્રો છે, જ્યાં ઈરાને 97 જેટલી મિસાઈલો ઝીંકી છે.

સાઉદી અરેબિયામાં આવેલ પ્રિન્સ સુલતાન એરબેઝ મિસાઈલ ડિફેન્સ માટે જાણીતું છે, જેને ઈરાને તેની ડ્રોન શક્તિથી પડકાર્યું છે. જોર્ડનમાં આવેલા મુવફ્ફક અલ સાલ્ટી એરબેઝનો ઉપયોગ ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડવા માટે કરવામાં આવતો હતો, જેને કારણે ઈરાને જોર્ડન પર પણ હુમલા કર્યા છે.

અન્ય વ્યૂહાત્મક કારણો

અમેરિકી સૈન્ય મથકો સિવાય પણ ઈરાન દ્વારા આરબ દેશોને નિશાન બનાવવા પાછળ કેટલાક ઊંડા વ્યૂહાત્મક અને ઐતિહાસિક કારણો જવાબદાર છે. ઈરાન અને યુએઈ (UAE) વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા અબુ મુસા (Abu Musa) અને ગ્રેટર-લેસર ટનબ્સ ટાપુઓ પર લાંબા સમયથી માલિકી હકનો વિવાદ છે. ઈરાન આ યુદ્ધનો ઉપયોગ આ ટાપુઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા કરી રહ્યું છે.

વધુમાં યુએઈ અને ઇઝરાયેલ વચ્ચેની વધતી મિત્રતાથી ઈરાન અસુરક્ષિત અનુભવે છે. તે આ હુમલાઓથી સાબિત કરવા માંગે છે કે ઇઝરાયેલ સાથેની મિત્રતા આરબ દેશોને સુરક્ષા આપી શકશે નહીં. આ સિવાય ઈરાન જાણે છે કે તે એકલું અમેરિકા અને ઇઝરાયેલની સૈન્ય શક્તિ સામે લાંબુ ટકી શકે તેમ નથી. તેથી તે દુબઈ અને કતાર જેવા સમૃદ્ધ ગલ્ફ દેશોને યુદ્ધમાં ‘ખેંચી’ રહ્યું છે. જ્યારે આ દેશોને નુકસાન થશે, ત્યારે તેઓ પોતે અમેરિકા પર દબાણ લાવશે કે યુદ્ધ જલ્દી બંધ કરવામાં આવે.

વધુમાં ઈરાન GCC દેશોને સંદેશ આપી રહ્યું છે કે અમેરિકાનો સાથ આપવો મોંઘો પડશે. આ હુમલાઓ દ્વારા તે આરબ દેશોને ડરાવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં તેઓ અમેરિકાને પોતાના સૈન્ય મથકો વાપરવા ન દે અથવા આ લડાઈમાં તટસ્થ થઈ જાય. ઈરાને હાઈપરસોનિક મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને બતાવ્યું છે કે તે ગમે તેવી મોંઘી ડિફેન્સ સિસ્ટમને પણ તોડી શકે છે. ખાસ કરીને સસ્તા ડ્રોન દ્વારા તે ગલ્ફની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને બતાવી રહ્યું છે કે જો ઈરાન પર હુમલો થશે તો આખું ગલ્ફ અસુરક્ષિત બની જશે.

ઈરાની મિસાઈલો અને ડ્રોન હુમલાઓએ ગલ્ફ દેશોમાં ભારે તબાહી મચાવી છે. 3 માર્ચ 2026 સુધીના પ્રાપ્ત અહેવાલો મુજબ જાનમાલના નુકસાનના આંકડા સામે આવ્યા છે. સૌથી વધુ અસર યુએઈમાં જોવા મળી છે. અત્યાર સુધીમાં 3થી 5 લોકોનાં મોત થયાં છે (જેમાં મોટાભાગના વિદેશી કામદારો છે) અને 58થી વધુ લોકો ઘાયલ થયા છે. કુવૈતમાં 2 લોકોનાં મોત અને 27થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત કતારમાં 16 લોકો ઘાયલ થયા છે, જ્યારે બહેરીન અને અન્ય વિસ્તારોમાં પણ સંપત્તિને મોટું નુકસાન થયું છે. સમગ્ર GCC ક્ષેત્રમાં 10થી વધુ મૃત્યુ અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ સંઘર્ષની અસર માત્ર સૈન્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની વૈશ્વિક અસરો દેખાઈ રહી છે. દુબઈ અને કતાર જેવા મોટા એરપોર્ટ્સ પરથી ઘણી બધી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે અને મોટાભાગની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. જેનાથી વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સાઉદીની રિફાઇનરીઓ પરના હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સમુદ્રી માર્ગો અસુરક્ષિત બનતા વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.

આ સિવાય ભારત સહિત ઘણા દેશોએ ઈરાન અને ગલ્ફ દેશોમાં ફસાયેલા તેમના નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. બીજી તરફ ગલ્ફ દેશોએ આ હુમલાઓની સખત ટીકા કરી છે. તેમણે અમેરિકા સાથે સંયુક્ત નિવેદન જારી કરીને ‘સ્વ-રક્ષણનો અધિકાર’ હોવાનું જણાવ્યું છે. જોકે, હજુ સુધી તેમણે સીધો વળતો હુમલો કરવાનું ટાળ્યું છે, જેના પાછળના કારણો છે. જો તેઓ વળતો પ્રહાર કરે તો યુદ્ધ આખા મધ્યપૂર્વમાં વિસ્તરી શકે છે.

ઇસ્લામી દેશો વચ્ચેનું આ યુદ્ધ ‘મુસ્લિમ ઉમ્માહ’ની એકતાને તોડી શકે છે. પરંતુ, જેમ-જેમ હુમલાઓ વધી રહ્યા છે, તેમ-તેમ આ દેશો પોતાની સુરક્ષા માટે અમેરિકા અને ઇઝરાયેલના સંરક્ષણ કવચ તરફ વધુ ઝુકી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનના જણાવ્યા અનુસાર આ યુદ્ધ હજુ અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે. મધ્યપૂર્વનું ભવિષ્ય હવે ત્રણ બાબતો પર નિર્ભર છે. જો ઈરાન આ સમુદ્રી માર્ગ બંધ કરશે તો વિશ્વમાં તેલનું મોટું સંકટ સર્જાશે. આ યુદ્ધ લાંબાગાળે ગલ્ફ દેશોની સુરક્ષા નીતિ અને વૈશ્વિક અર્થતંત્રને કાયમી ધોરણે બદલી નાખી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં