ઇઝરાયેલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત, ટ્રમ્પે કહ્યું– ઈરાનના લોકો પાસે દેશ પરત મેળવવાની આ સૌથી મોટી તક

ઇઝરાયેલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયોતુલ્લાહ ખામેનેઈનું મોત થયું છે. તહેરાનમાં અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ખામેનેઈ માર્યો ગયો. પહેલાં ઇઝરાયેલ અને અમેરિકાએ દાવો કર્યા બાદ આખરે ઈરાનના જ સ્ટેટ મીડિયાએ પુષ્ટિ કરી હતી.

અગાઉ ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું હતું ખામેનેઈનું તેના જ કમ્પાઉન્ડમાં થયેલા હવાઈ હુમલામાં મોત થયું હતું. તેનો મૃતદેહ પણ મળી આવ્યો હોવાનું ઇઝરાયેલી સશસ્ત્રબળોનાં સૂત્રોને જણાવવામાં આવ્યું છે. એવું પણ કહેવાય રહ્યું છે કે ઇઝરાયેલી પીએમ નેતન્યાહુને ખામેનેઈના આ મૃતદેહની તસવીર પણ બતાવવામાં આવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ એક પોસ્ટ કરીને ખામેનેઈની હત્યાની માહિતી આપી હતી.

ટ્રમ્પે લખ્યું કે, ‘ઇતિહાસની સૌથી દુષ્ટ વ્યક્તિ ગણાતા ખામેનેઈનું મોત થયું છે. આ માત્ર ઈરાનના લોકો માટે ન્યાય નથી થયો પણ અમેરિકનો સહિત એ દરેક દેશના લોકો માટે પણ ન્યાય થયો છે જેઓ ખામેનેઈ અને તેની ગેંગનો ભોગ બન્યા હતા. તે અમારા ઇન્ટેલિજન્સ અને ટ્રેકિંગ સિસ્ટમથી બચી શક્યો નહીં અને ઇઝરાયેલ સાથે મળીને જે હુમલો કર્યો હતો તેનાથી તે કે તેના સાથીઓ કોઈ કાળે બચી શકે એમ ન હતા.’

ટ્રમ્પે લખ્યું કે ઈરાનના લોકો માટે આ તેમનો દેશ પરત મેળવવાની સૌથી મોટી તક છે. અમને જાણવા મળ્યું છે કે ઘણા IRGC, મિલિટરી અને પોલીસના માણસો હવે લડવા માગતા નથી. તેઓ હવે અમારી પાસે મુક્તિની આશા રાખી રહ્યા છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે તેઓ શસ્ત્રો હેઠાં નહીં મૂકે તો માર્યા જશે. હવે IRGC અને પોલીસ ઈરાનના લોકો સાથે મર્જ થઈ જશે અને દેશમાં સ્થાનતી સ્થાપવા માટે કામ કરશે. આ પ્રક્રિયા જલ્દીથી શરૂ થશે.’

ટ્રમ્પે કહ્યું કે ખામેનેઈના મોત ઉપરાંત દેશમાં ઘણું તબાહ થઈ ચૂક્યું છે અને જ્યાં સુધી મધ્ય પૂર્વ અને દેશમાં શાંતિની સ્થાપના નહીં થાય ત્યાં સુધી બૉમ્બમારો સતત ચાલુ રહેશે.