રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો: ટ્રમ્પે ગંભીર પરિણામોની આપી ચેતવણી

3 માર્ચ 2026ના રોજ વહેલી સવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા અમેરિકી દૂતાવાસને બે ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાને કારણે દૂતાવાસના પરિસરમાં આગ લાગી હતી અને ઇમારતને સામાન્ય નુકસાન થયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ રાજદ્વારી વિસ્તારમાં (Diplomatic Quarter) વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા અને દૂતાવાસ ઉપર ધુમાડાના ગોટેગોટા ઉડતા જોયા હતા.

પ્રારંભિક અહેવાલો મુજબ આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. હુમલા સમયે દૂતાવાસની ઇમારત ખાલી હોવાનું કહેવાય છે. સાઉદી એર ડિફેન્સે રિયાધ તરફ આવતા અન્ય ચાર ડ્રોનને પણ આંતરીને તોડી પાડ્યા હોવાના અહેવાલ છે.

ટ્રમ્પની ચેતવણી

આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઈરાન તરફ ઈશારો કરતા ચેતવણી આપી હતી કે, ‘તમને ટૂંક સમયમાં ખબર પડી જશે’ (You’ll find out soon). ટ્રમ્પના આ નિવેદનથી સંકેત મળે છે કે અમેરિકા આ હુમલાનો વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે સીધો સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલો મુજબ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેઈનીનાં મોતના સમાચાર બાદ ઈરાને સમગ્ર ગલ્ફ વિસ્તારમાં હુમલા શરૂ કર્યા છે.

હુમલાના તુરંત બાદ સાઉદી અરેબિયામાં સ્થિત અમેરિકી મિશને રિયાધ, જેદ્દાહ અને ધારાનમાં રહેતા અમેરિકી નાગરિકો માટે ‘શેલ્ટર ઇન પ્લેસ’ની (જ્યાં હોવ ત્યાં સુરક્ષિત રહો) એડવાઈઝરી જારી કરી છે. નાગરિકોને દૂતાવાસથી દૂર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

માત્ર રિયાધ જ નહીં પરંતુ કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતમાં (UAE) પણ ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાના અહેવાલો છે. સાઉદી અરેબિયાની જાયન્ટ ઓઈલ કંપની ‘અરામકો’ના રાસ તનુરા રિફાઈનરી પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને સાઉદી સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.