
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ના (IRGC) ગ્રાઉન્ડ ફોર્સનો કમાન્ડર મોહમ્મદ પાકપોર (Mohammad Pakpour) માર્યો ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે સીધા યુદ્ધની શક્યતાઓને તેજ કરી દીધી છે.
મોહમ્મદ પાકપોર ઈરાની સેનાનો સૌથી શક્તિશાળી અને અનુભવી કમાન્ડરોમાંનો એક ગણવામાં આવતો હતો. તે IRGCની આર્મીનું નેતૃત્વ કરી રહ્યો હતો અને ઈરાનની વ્યૂહાત્મક સુરક્ષામાં તેની ભૂમિકા નિર્ણાયક હતી. તેનું મૃત્યુ ઈરાન માટે કાલેમ સુલેમાનીનાં મોત પછીનો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
જોકે તેહરાન તરફથી હજુ સુધી પાકપોરના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને કેટલાક અહેવાલોમાં તેહરાન દ્વારા તેમના મોતને નકારવાનો ઉલ્લેખ છે. આ માહિતી મુખ્યત્વે ઇઝરાયેલી સ્ત્રોતો પર આધારિત છે.
રિપોર્ટ મુજબ ઇઝરાયેલના હુમલા માત્ર કમાન્ડરો સુધી મર્યાદિત નથી. એવા પણ સમાચાર છે કે ઇઝરાયેલ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાની સરકારે આ જોખમને ધ્યાનમાં રાખીને ખામેનેઈને કોઈ સુરક્ષિત અને અજ્ઞાત સ્થળે ખસેડ્યા હોવાની ચર્ચા છે.
ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ અને સેનાએ ઈરાનની અંદર ઘૂસીને ચોકસાઈપૂર્વકના હુમલા કરવાની વ્યૂહરચના અપનાવી છે. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની સૈન્યના નેતૃત્વને નબળું પાડવાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહ તેમજ ગાઝામાં હમાસને મળતી ઈરાની મદદને રોકવાનો છે.
પાકપોર સિવાય અન્ય કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ હુમલાઓમાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે તાજેતરમાં પણ આ હુમલા ચાલુ જ છે અને તાજેતરના હુમલામાં ઈરાનમાં 50થી વધુનાં મોત થયાં હોવાના અહેવાલ છે. હજુ સુધી ઈરાને આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

