હોમપેજદેશ1 માર્ચથી WhatsApp સહિત તમામ મેસેજિંગ એપ્સ પર SIM-બાઈન્ડિંગ ફરજિયાત, રજિસ્ટર્ડ સિમ...

1 માર્ચથી WhatsApp સહિત તમામ મેસેજિંગ એપ્સ પર SIM-બાઈન્ડિંગ ફરજિયાત, રજિસ્ટર્ડ સિમ કાઢતા જ સેવા બંધ: સામાન્ય યુઝર્સ પર શું પડશે અસર?

1 માર્ચ 2026થી અમલમાં આવનારી આ વ્યવસ્થા માત્ર એક તકનીકી ફેરફાર નથી, પરંતુ ડિજિટલ ઓળખ અને સંચારની પ્રકૃતિમાં માળખાગત ફેરફાર છે. આવનારા સમયમાં એ સ્પષ્ટ થશે કે આ પગલું સાયબર ઠગાઈ પર કેટલું અસરકારક પ્રહાર કરે છે અને શું તે સુરક્ષા તથા ડિજિટલ સ્વતંત્રતા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકે છે કે કેમ.

- Advertisement -

ભારતમાં ડિજિટલ કમ્યુનિકેશનનાં માળખામાં 1 માર્ચ 2026થી એક મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. દૂરસંચાર વિભાગના (DoT) નિર્દેશો અનુસાર હવે WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat, Aratayi અને Josh જેવા તમામ એપ-બેઝ્ડ મેસેજિંગ અને કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સને ‘સિમ-બાઈન્ડિંગ’ વ્યવસ્થા લાગુ કરવી પડશે. તેનો સીધો અર્થ એ છે કે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ રજિસ્ટર થયું છે, તે જ રજિસ્ટર્ડ સિમ કાર્ડ સંબંધિત ડિવાઈસમાં સક્રિય અને હાજર રહેવું જોઈએ. સિમ કાઢતાં જ સેવા બંધ થઈ જશે.

આ નિર્ણય અચાનક આવ્યો નથી. 28 નવેમ્બર 2025ના રોજ DoTએ આ કંપનીઓને ઔપચારિક નિર્દેશ જારી કર્યા હતા અને નિયમો અમલ કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો. આ અવધિ 28 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે અને નવી વ્યવસ્થા 1 માર્ચ 2026થી અમલમાં આવશે. કંપનીઓએ 120 દિવસની અંદર અનુપાલનનો રિપોર્ટ પણ જમા કરાવવાનો છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે નિયમોનું પાલન ન કરવા પર ટેલિકોમ સાયબર સિક્યોરિટી નિયમો, ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ 2023 અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ કાર્યવાહી કરી શકાશે.

આ આખો નિર્દેશ DoTનાં AI અને ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ તરફથી જારી કરવામાં આવ્યો છે, જેને ટેલિકમ્યુનિકેશન આઈડેન્ટિટી યુઝર એન્ટિટીઝને (TIUEs) એટલે કે તે ઓનલાઈન પ્લેટફોર્મ્સ જે મોબાઈલ નંબરને ઓળખ તરીકે વાપરે છે—નિયંત્રિત કરવા માટે વધારાના અધિકાર આપવામાં આવ્યા છે.

- Advertisement -

સિમ-બાઈન્ડિંગ શું છે અને અત્યાર સુધી વ્યવસ્થા કેવી હતી?

અત્યાર સુધી મોટાભાગની મેસેજિંગ એપ્સમાં ઓળખની પુષ્ટિ માત્ર OTP દ્વારા થતી હતી. યુઝરે એક વખત મોબાઈલ નંબર પર આવેલા વન-ટાઈમ પાસવર્ડથી વેરિફિકેશન કરી લીધું કે તરત એકાઉન્ટ એક્ટિવ રહેતું, ભલે પછી સિમ કાર્ડ ફોનમાંથી કાઢી નાખવામાં આવે, બદલી નાખવામાં આવે કે બંધ જ કરી દેવામાં આવે. વેબ કે ડેસ્કટોપ વર્ઝનમાં પણ એ જ સ્થિતિ હતી – QR કોડ કે OTP દ્વારા લોગિન થયા પછી એકાઉન્ટ લાંબા સમય સુધી એક્ટિવ રહી શકતું, ભલે રજિસ્ટ્રેશન વાળું સિમ તે ડિવાઈસમાં હાજર ન હોય.

સરકારનું કહેવું છે કે આ જ વ્યવસ્થાનો મોટાપાયે દુરુપયોગ થયો છે. વિદેશમાં બેઠેલા સાયબર અપરાધીઓ ભારતીય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવતા કે ટેકઓવર કરતા રહ્યા અને સિમ વગર પણ તે એકાઉન્ટ્સ ચલાવતા રહ્યા. પરિણામે ડિજિટલ ઠગાઈ, નકલી રોકાણ યોજનાઓ, ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ અને સરકારી અધિકારી બનીને કરવામાં આવતા કોલ જેવા અપરાધ વધ્યા છે.

નવી સિમ-બાઈન્ડિંગ વ્યવસ્થામાં એપને સીધી તે સિમ કાર્ડ સાથે જોડવામાં આવશે જેનાથી એકાઉન્ટ રજિસ્ટર થયું છે. એટલે કે હવે એપ ત્યારે જ કામ કરશે જ્યારે તે જ રજિસ્ટર્ડ સિમ તે જ સ્માર્ટફોનમાં લગાવેલું રહેશે. સિમ કાઢતાં જ સેવા તરત બંધ થઈ જશે. 

વેબ વર્ઝન પર 6 કલાકમાં ઓટો-લોગઆઉટ: શું અને કેમ?

નવા ટેલિકોમ સુરક્ષા માપદંડો હેઠળ એક અન્ય મહત્વનો ફેરફાર એ છે કે જો કોઈ એકાઉન્ટ અલગ-અલગ ડિવાઈસ પર વપરાઈ રહ્યું હોય, જેમ કે WhatsApp વેબ, તો વેબ સેવાઓમાંથી મહત્તમ 6 કલાકની અંદર આપમેળે તે લોગઆઉટ થઈ જશે. તે પછી ફરી QR કોડ દ્વારા કનેક્ટ કરવું ફરજિયાત રહેશે.

આ વ્યવસ્થા માત્ર વેબ વર્ઝન પર લાગુ થશે, એપ વર્ઝન પર નહીં. જે ડિવાઈસમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ હાજર છે ત્યાં આ ઓટો-લોગઆઉટ લાગુ નહીં થાય. સરકારનું માનવું છે કે લાંબા સમય સુધી એક્ટિવ રહેતા વેબ કે ડેસ્કટોપ સેશનને કારણે ઠગો અસલી ડિવાઈસ કે સિમ પોતાની પાસે ન રાખીને પણ દૂર બેઠા એકાઉન્ટ નિયંત્રિત કરી શકે છે. એક વખત ભારતમાં સેશન માન્ય થઈ ગયું તો તે વિદેશથી પણ ચાલુ રહે છે, જેનાથી ભારતીય નંબરો દ્વારા ઠગાઈ કરવી સરળ બને છે. વારંવાર રી-ઑથેન્ટિકેશનની શરતને કારણે અપરાધીઓ માટે કામ કરવું મુશ્કેલ બનશે, કારણ કે દર વખતે તેમણે ડિવાઈસ કે સિમ પર પોતાનું નિયંત્રણ સાબિત કરવું પડશે. 

સાયબર ઠગાઈ વિરુદ્ધ ‘સિસ્ટેમેટિક’ જવાબ

ઔપચારિક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે DoTની તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક એપ-આધારિત કમ્યુનિકેશન સેવાઓ મૂળ સિમ કાર્ડ વગર પણ સેવા વાપરવાની પરવાનગી આપે છે. આ જ ખામી મોટાપાયે દુરુપયોગનું કારણ બની છે. ઇન્ટર-મિનિસ્ટ્રિયલ પેનલ અને અન્ય સરકારી એજન્સીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પછી મોટી ટેક કંપનીઓ સાથે અનેક બેઠકો યોજાઈ હતી. લાંબી ચર્ચા પછી ટેલિકમ્યુનિકેશન ઓળખના દુરુપયોગને રોકવા અને આખી વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા માટે ઔપચારિક આદેશ જારી કરવામાં આવ્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર 2024માં જ સાયબર ઠગાઈથી 22,800 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. લૉન એપ ફ્રોડ, ફિશિંગ, નકલી રોકાણ યોજનાઓ અને તથાકથિત ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા કેસોમાં વપરાતા નંબરોની ટ્રેસબિલિટી નબળી પડી ગઈ હતી. સિમ-ડિવાઈસ બાઈન્ડિંગ અને સમયાંતરે લોગઆઉટની વ્યવસ્થાથી દરેક એક્ટિવ એકાઉન્ટ અને વેબ સેશન KYC-પ્રમાણિત સિમ સાથે જોડાયેલું રહેશે, જેનાથી ટ્રેસબિલિટી પુનઃસ્થાપિત થશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રોમિંગ દરમિયાન જો સિમ કાર્ડ ફોનમાં સક્રિય હોય તો યુઝર્સ પર તેની કોઈ અસર પડશે નહીં. 

ટેલિકોમ સાયબર સિક્યોરિટી નિયમો અને કાનૂની આધાર

આ પગલું નવેમ્બર 2024માં જારી કરાયેલા ટેલિકમ્યુનિકેશન્સ (ટેલિકોમ સાયબર સિક્યોરિટી) નિયમો પછી આવ્યું છે. આ નિયમો હેઠળ ટેલિકોમ સેવા પ્રદાતાઓને કોઈ પણ સુરક્ષા ઘટનાની માહિતી 24 કલાકની અંદર આપવી ફરજિયાત કરવામાં આવી છે. તેમને મજબૂત સાયબર સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા, એક મુખ્ય ટેલિકમ્યુનિકેશન સુરક્ષા અધિકારી નિયુક્ત કરવા અને અનુપાલનનું નિરીક્ષણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે ટેલિકોમ કંપનીઓ પાસેથી નોન-કન્ટેન્ટ અને ટ્રાફિક ડેટા લેવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ‘રાઇઝિંગ ભારત સમિટ 2026’માં સ્પષ્ટ કર્યું કે સિમ-બાઈન્ડિંગ નિયમ અમલમાં રહેશે અને તમામ સેવા પ્રદાતાઓ પાસેથી તેમાં સામેલ થવાની અપેક્ષા છે. તેમણે તેને સમયની જરૂરિયાત ગણાવી છે. 

ટેક કંપનીઓની આપત્તિ અને કાનૂની પડકાર

જોકે આ પગલાં પર બધા પક્ષો એકમત નથી. અહેવાલો અનુસાર મેટા, જે WhatsAppની પેરન્ટ કંપની છે, એવા બીટા વર્ઝનું  ટેસ્ટિંગ કરી રહી છે જેમાં યુઝર્સને એલર્ટ આપવામાં આવે છે કે તેમનું રજિસ્ટર્ડ સિમ કાર્ડ ફોનમાં હાજર છે કે નહીં. બ્લોગ WABetaInfoએ ખુલાસો કર્યો છે કે સાઇન-ઇન સ્ક્રીન પર એક નવો પ્રોમ્પ્ટ ઉમેરવામાં આવ્યો છે, જેમાં ભારતમાં નિયમનકારી જરૂરિયાતોને કારણે સિમની હાજરી તપાસવાની વાત કહેવામાં આવી છે.

બીજી તરફ એક જૂથ જેણે Google અને Meta જેવી મોટી મેસેજિંગ સેવાઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કર્યો છે, તેણે આ નિયમોને ગેરબંધારણીય ગણાવીને કાનૂની પડકાર આપ્યો છે. તેમનો આરોપ છે કે આ પગલું રાજ્યની શક્તિઓનો ગેરકાયદે વિસ્તાર છે અને મંત્રાલયે સંસદ દ્વારા આપવામાં આવેલા અધિકારોથી આગળ જઈને કાર્યવાહી કરી છે. તેમનું કહેવું છે કે ટેલિકમ્યુનિકેશન્સ (ટેલિકોમ સાયબર સિક્યોરિટી) સુધારા નિયમો 2025ના કિસ્સામાં કાયદાકીય અધિકાર ક્ષેત્રથી બહાર જઈને હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે.

તેની વિરુદ્ધ સરકારી સૂત્રોના હવાલાથી એમ પણ કહેવાયું છે કે સિમ-બાઈન્ડિંગની સમયમર્યાદા વધારવાનું કોઈ કારણ નથી. રાષ્ટ્રીય સુરક્ષા અને ઠગાઈ રોકવાને પ્રાથમિકતા આપતાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આ મામલામાં કોઈ સમજૂતી નહીં થાય અને નિર્દેશો જાહેર ચર્ચા પછી તૈયાર કરવામાં આવ્યા છે.

સામાન્ય યુઝર્સ માટે શું બદલાશે?

સામાન્ય યુઝર માટે સૌથી મોટો ફેરફાર એ થશે કે રજિસ્ટ્રેશનવાળું સિમ કાર્ડ ફોનમાંથી કાઢતાં જ સંબંધિત મેસેજિંગ એપની સેવા બંધ થઈ જશે. જે લોકો સિમ વારંવાર બદલે છે, સેકન્ડરી ડિવાઈસ પર એકાઉન્ટ ચલાવે છે અથવા લાંબા સમય સુધી વેબ વર્ઝન વાપરે છે તેમને હવે વારંવાર વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

સરકારનો દાવો છે કે આ અસુવિધા અસ્થાયી અને ન્યૂનતમ રહેશે, જ્યારે સુરક્ષા લાભ દીર્ઘકાલીન રહેશે. બેન્કિંગ અને પેમેન્ટ એપ્સમાં પહેલેથી જ ડિવાઈસ-બાઈન્ડિંગ અને ઓટો-લોગઆઉટ જેવી વ્યવસ્થા લાગુ છે, જેથી એકાઉન્ટ ટેકઓવર અને સેશન હાઈજેકિંગ રોકી શકાય. હવે તે જ મોડલ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર લાગુ કરવામાં આવી રહ્યું છે, જે સાયબર અપરાધોનું મુખ્ય માધ્યમ બની ગયા છે.

સરકાર સિમ-બાઈન્ડિંગને એક જરૂરી અને સંતુલિત પગલાં તરીકે રજૂ કરી રહી છે, જેનો મુખ્ય હેતુ ટેલિકોમ ઓળખના દુરુપયોગને રોકવો, નંબરોની ટ્રેસબિલિટી સુનિશ્ચિત કરવી અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં નાગરિકોનો વિશ્વાસ જાળવવાનો છે. બીજી તરફ ટેક કંપનીઓ તેને અધિકાર ક્ષેત્ર અને બંધારણીય મર્યાદાઓની દૃષ્ટિએ જોઈ રહી છે.

1 માર્ચ 2026થી અમલમાં આવનારી આ વ્યવસ્થા માત્ર એક તકનીકી ફેરફાર નથી, પરંતુ ડિજિટલ ઓળખ અને સંચારની પ્રકૃતિમાં માળખાગત ફેરફાર છે. આવનારા સમયમાં એ સ્પષ્ટ થશે કે આ પગલું સાયબર ઠગાઈ પર કેટલું અસરકારક પ્રહાર કરે છે અને શું તે સુરક્ષા તથા ડિજિટલ સ્વતંત્રતા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકે છે કે કેમ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં