
ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ તેની રિલીઝના એક દિવસ પહેલાં અટકાવી દેવામાં આવી છે. કેરળ હાઇકોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે બે અઠવાડિયાં માટે વચગાળાની રોક લગાવી દીધી હતી. ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.
હાઇકોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી છે કે ફિલ્મને આપવામાં આવેલું સેન્સર સર્ટિફિકેટ રદ કરવામાં આવે. ફિલ્મ પર કેરળ રાજ્ય અને તેના લોકોની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે દલીલો પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં. સાથે સેન્સર બોર્ડ વિશે કહ્યું કે તેમણે ફિલ્મને પરવાનગી આપતી વખતે કોઈ જાતનું દિમાગ લગાવ્યું નથી. બુધવારે સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે અરજદારોની દલીલો થોડી વ્યાજબી લાગે છે અને તેની ઉપર ધ્યાન આપવું જરૂરી છે.
બીજી તરફ જાણકારી મળી રહી છે કે ફિલ્મ નિર્માતાઓ સિંગલ જજ બેન્ચના આદેશને કેરળ હાઇકોર્ટની મોટી બેન્ચ સમક્ષ પડકારશે, અથવા સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે. ફિલ્મ સમય પર રિલીઝ કરવાની માંગ સાથે નિર્માતાઓ ફરી કોર્ટ જઈ શકે છે. પરંતુ હાલ પૂરતી ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે.
બે વર્ષ પહેલાં આવેલી અને સફળ થયેલી ફિલ્મ કેરાલા સ્ટોરીના જ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ નિર્મિત અને કામાખ્યા નારાયણ સિંઘ દિગ્દર્શિત ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ પણ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું જણાવાય રહ્યું છે. ફિલ્મને નાના-મોટા 16 સુધારાઓ સૂચવીને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું પણ હવે કોર્ટમાં અટકી ગઈ છે.

