
SC-ST કાયદાના દુરુપયોગની વધતી ઘટનાઓ વચ્ચે કલકત્તા હાઇકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાર્યસ્થળે થતા વ્યાવસાયિક મતભેદો, વહીવટી વિવાદો કે કથિત અપમાનની દરેક ઘટના આપમેળે SC-ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ અપરાધ ગણાશે નહીં. અદાલતે કહ્યું કે આ કાયદા હેઠળ કેસ ત્યારે જ બને જ્યારે જાતિના આધારે જાહેરમાં અપમાન કે ગાળાગાળી કરવામાં આવી હોય.
આ ચુકાદો જસ્ટિસ ચૈતાલી ચેટર્જીએ અમહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના કેસ નંબર 10/21ની સુનાવણી દરમિયાન આપ્યો. કોર્ટે દંડ પ્રક્રિયા સંહિતાની (CrPC) કલમ 482 હેઠળ કાર્યવાહી ચાલુ રાખવાની પરવાનગી આપી, પરંતુ SC-ST એક્ટની કલમ 3(1)(r) હેઠળ લગાવવામાં આવેલા આરોપો રદ કરી દીધા.
માહિતી અનુસાર આખો મામલો સંસ્કૃત કોલેજ એન્ડ યુનિવર્સિટીનાં એક પ્રોફેસર સાથે જોડાયેલો છે, જેઓ સંસ્કૃત વિભાગનાં પૂર્વ વિભાગાધ્યક્ષ (HOD) રહી ચૂક્યાં છે. તેમની વિરુદ્ધ તે જ યુનિવર્સિટીના એક સહાયક પ્રોફેસરે, જેઓ અનુસૂચિત જાતિ (SC) સમુદાયના છે, તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીનો આરોપ હતો કે વિભાગાધ્યક્ષે તેમને વિભાગીય નિર્ણયોમાંથી બહાર રાખ્યા, તેમના વર્ગો બંધ કરી દીધા, વિભાગીય કામકાજમાં અડચણ ઊભી કરી અને એક ઓનલાઈન મિટિંગ દરમિયાન અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ વર્તન તેમની જાતિને કારણે કરવામાં આવ્યું.
સુનાવણી દરમિયાન અદાલતબએ જાણવા મળ્યું કે ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો મુખ્યત્વે વ્યાવસાયિક અને વહીવટી વિવાદ સાથે સંબંધિત છે. અદાલતે કહ્યું કે રેકોર્ડમાં એવો કોઈ મજબૂત આરોપ નથી જેનાથી સાબિત થાય કે કથિત અપમાન જાતિના આધારે અને જાહેરમાં કરવામાં આવ્યું હોય.
કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ — ગોરિગે પેન્ટૈયા વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય (2008), હિતેશ વર્મા વિ. ઉત્તરાખંડ રાજ્ય (2020) અને સવર્ણ સિંઘ વિ. રાજ્ય (2008) —નો ઉલ્લેખ કરીને કહ્યું કે કલમ 3(1)(r) હેઠળ અપરાધ સાબિત કરવા માટે જાણીજોઈને જાતિના આધારે, જાહેરમાં અપમાન કરવું જરૂરી છે. માત્ર કાર્યસ્થળે વિવાદ થવો કે પીડિતની જાતિની જાણકારી હોવી આ કાયદાને લાગુ કરવા માટે પૂરતું નથી.

