હોમપેજરાજકારણબંગાળ ચૂંટણી પહેલાં ‘બાબરી મસ્જિદ’નું કામ શરૂ, આ મમતા સરકારનો મુસ્લિમ વૉટબેન્ક...

બંગાળ ચૂંટણી પહેલાં ‘બાબરી મસ્જિદ’નું કામ શરૂ, આ મમતા સરકારનો મુસ્લિમ વૉટબેન્ક મજબૂત કરવાનો ખેલ: સમજો- કેમ હુમાયું કબીરનું સસ્પેન્શન માત્ર દેખાડો

આ સંજોગોમાં TMC અને હુમાયું કબીર વચ્ચે દેખાઈ રહેલી વર્તમાન ખેંચતાણ અને એકબીજા વિરુદ્ધ આપવામાં આવી રહેલા તીખા નિવેદનો માત્ર એક સુનિયોજિત ચૂંટણી રણનીતિનો ભાગ હોઈ શકે છે. આ ટકરાવ મતદારોને ગેરમાર્ગે દોરવા અને રાજકીય સમીકરણો સાધવા માટેનો એક ડ્રામા પણ માનવામાં આવી રહ્યો છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ રામ જન્મભૂમિ વિવાદ પર અંતિમ ચુકાદો આપીને દાયકાઓ જૂના વિવાદનો અંત આણ્યો હતો. આમ છતાં દેશમાં આજે પણ મુઘલ આક્રમણકારો સાથે જોડાયેલા ઐતિહાસિક ઘાને રાજકીય લાભ માટે વાપરવાના પ્રયાસો ચાલુ છે, જેને કથિત ‘સેક્યુલરિઝમ’ના નામે આગળ વધારવામાં આવી રહ્યા છે.

આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળના ભરતપુરના નિલંબિત ઑલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના (TMC) ધારાસભ્ય હુમાયું કબીર, જેમણે તાજેતરમાં જનતા ઉન્નયન પાર્ટીની (JUP) સ્થાપના કરી છે, તેઓ મજહબી ધ્રુવીકરણ અને મુસ્લિમ વૉટબેન્કની રાજનીતિને વેગ આપી રહ્યા છે.

હુમાયું કબીરે અયોધ્યામાં બાબરી ઢાંચો તોડી પાડવાની તર્જ પર બાબરના નામે મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. 6 ડિસેમ્બર 2025ના રોજ આ મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેની તરત જ બાદ તેમણે પોતાની નવી રાજકીય પાર્ટી પણ લૉન્ચ કરી હતી.

- Advertisement -

શહેરમાં એક નવી ‘બાબરી મસ્જિદ’

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં બુધવારે (11 ફેબ્રુઆરી 2026) હુમાયુ કબીરે ‘બાબરી મસ્જિદ’ જેવી દેખાતી એક નવી મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું.

હુમાયું કબીરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અને તેના નિર્માણ પાછળ અંદાજે 50થી 55 કરોડનો ખર્ચ થશે. બપોરના સમયે ઈંટ-ચણતરનું કામ શરૂ થયું હતું, જેમાં હજારો મુસ્લિમ લોકોએ ભાગ લીધો હતો અને નિર્માણમાં સહયોગ આપ્યો હતો.

આ દરમિયાન હુમાયું કબીરે પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે તેઓ રસ્તામાંથી હટી જાય. તેમણે દાવો કર્યો કે લોકો પોતપોતાની આસ્થા મુજબ મંદિર, ચર્ચ કે અન્ય મજહબી સ્થળો બનાવવા માટે સ્વતંત્ર છે અને તેઓ ઇસ્લામના નામે કોઈનો વિરોધ કરશે નહીં. તેમણે આ કાર્યને અલ્લાહને પ્રસન્ન કરવા અને પોતાની મજહબી આસ્થા નિભાવવાનો એક પ્રયાસ ગણાવ્યો હતો.

જોકે, ટીકાકારોનું કહેવું છે કે મુદ્દો મસ્જિદના નિર્માણનો નથી, પરંતુ અગાઉથી ઉકેલાઈ ગયેલા વિવાદને ફરીથી ભડકાવવાનો અને વૉટબેન્કની રાજનીતિ હેઠળ સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. એવો પણ આરોપ છે કે આ પગલું મજહબી લાગણીઓને ભડકાવીને રાજકીય લાભ મેળવવાની રણનીતિનો એક ભાગ છે.

થોડા સમય સુધી સંયમિત વલણ અપનાવ્યા બાદ હુમાયું કબીરે ટૂંક સમયમાં જ પોતાનો આક્રમક અને વિવાદાસ્પદ ચહેરો બતાવી દીધો. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, “દુનિયાની કોઈ તાકાત આ મસ્જિદના નિર્માણને રોકી શકશે નહીં. અલ્લાહની મહેરબાનીથી અમે બે વર્ષની અંદર તેનું નિર્માણ પૂર્ણ કરીશું. આ પ્રોજેક્ટમાં 50-55 કરોડનો ખર્ચ થશે.”

ત્યારબાદ JUPના વડા હુમાયું કબીરે જાહેરાત કરી કે તેઓ હાલ પૂરતી પોતાની પ્રસ્તાવિત ‘બાબરી યાત્રા’ સ્થગિત કરી રહ્યા છે. આ યાત્રા નદિયા જિલ્લાના પલાશીથી ઉત્તર દિનાજપુરના ઇટાહાર સુધી અંદાજે 235 કિલોમીટર લાંબી રેલી તરીકે આયોજિત થવાની હતી. તેમણે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હુમાયું કબીરે કહ્યું કે, “માલદા પોલીસે મને જાણ કરી હતી કે બાબરી યાત્રાને કારણે માધ્યમિક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અગવડ પડશે. તેથી મેં 100 ગાડીઓના કાફલા સાથે યોજાનારી આ યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, હું પલાશીથી બેલડાંગા (જ્યાં મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે) સુધી 50,000 લોકો સાથે પદયાત્રા કરીશ.”

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મસ્જિદના મુદ્દે તેમને નિલંબિત કરવાને કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મુસ્લિમ મતોનું નુકસાન થશે. હુમાયું કબીરે આરોપ લગાવ્યો કે, “મમતા બેનર્જીએ જૂઠા વાયદાઓ દ્વારા મુસ્લિમોને પોતાની વૉટબેન્ક બનાવ્યા છે, પરંતુ હવે લઘુમતીઓ તેમની વાસ્તવિકતા સમજી ગયા છે. તેમણે મને માત્ર એટલા માટે નિલંબિત કર્યો કારણ કે મેં જનતાના સમર્થનથી બાબરી મસ્જિદ સ્થાપવાની જાહેરાત કરી હતી.”

હુમાયું કબીરે દાવો કર્યો હતો કે 2026માં મમતા બેનર્જી મુખ્યમંત્રી નહીં રહે અને આ મુદ્દો તેમના રાજકીય ભવિષ્યને નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું, “જો હું TMCમાં રહ્યો હોત તો પાર્ટીને મસ્જિદના નિર્માણથી ફાયદો થયો હોત અને તેમને વધુ મતો મળ્યા હોત.”

આ સાથે જ કબીરે આ પગલાં પાછળનો વાસ્તવિક રાજકીય ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) રામ મંદિરના નિર્માણથી રાજકીય લાભ ઉઠાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સનાતની મતદારોના સમર્થનને મજબૂત કરીને પશ્ચિમ બંગાળમાં પોતાની વૉટબેન્ક વધારી રહી છે અને તેઓ આમાં ભાજપને ક્યારેય સફળ નહીં થવા દેય.

આ નિવેદન સમગ્ર વિવાદને મજહબી લાગણી કરતાં પણ વધુ રાજકીય રણનીતિ અને વૉટબેન્કની લડાઈ તરીકે રજૂ કરે છે, જ્યાં ચૂંટણીલક્ષી ફાયદા માટે મજહબી પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક જ સિક્કાની બે બાજુ

પોતાની રાજકીય સફર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી શરૂ કરનાર હુમાયું કબીર તેમના વિવાદાસ્પદ અને ભડકાવનારા નિવેદનો માટે કુખ્યાત રહ્યા છે. તેમના પર વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ધમકાવવા અને હિંદુઓને ભાગીરથી નદીમાં ડુબાડી દેવાની ધમકી આપવા જેવા ગંભીર આરોપો લાગેલા છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો હતો કે મુર્શિદાબાદમાં મુસ્લિમ વસ્તી 70% અને હિંદુ માત્ર 30% છે અને આ જ આધારે તેમણે ખુલ્લેઆમ હિંદુવિરોધી નિવેદનો આપ્યા હતા.

નોંધનીય છે કે મુર્શિદાબાદ અગાઉ પણ ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ પર થયેલા હિંસક હુમલાઓનું સાક્ષી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ અને અસુરક્ષાની સ્થિતિ બનેલી છે.

બાદમાં હુમાયું કબીરે એવો પણ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જ તેમને આવા સાંપ્રદાયિક નિવેદનો આપવા માટે પ્રેર્યા હતા, જેથી 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અને TMC ઉમેદવાર યુસુફ પઠાણની જીત સુનિશ્ચિત કરી શકાય.

તેમનું ખુલ્લેઆમ હિંદુવિરોધી વલણ અને આક્રમક રાજકીય વર્તન તેમના રાજકીય કરિયર પર કોઈ ખાસ અસર પાડી શક્યું નથી. તેનાથી વિપરીત તેઓ TMCનો મહત્વનો હિસ્સો રહ્યા અને મુસ્લિમ વૉટબેન્ક મજબૂત કરવામાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા.

જો હુમાયુંની વાતો સાચી માનવામાં આવે તો તેમના વિવાદાસ્પદ નિવેદનો પાછળ TMC સુપ્રીમો (મમતા બેનર્જી) હતાં. તેનાથી પણ મહત્વની વાત એ છે કે મમતા બેનર્જીએ જેહાદી તત્વો સહિતના મુસ્લિમો પ્રત્યે પોતાનો પક્ષપાત બતાવવામાં ક્યારેય સંકોચ અનુભવ્યો નથી, એ વાતને અવગણીને કે તેઓ સમગ્ર રાજ્યનાં મુખ્યમંત્રી છે, નહીં કે માત્ર કોઈ ચોક્કસ સમુદાયનાં.

મુસ્લિમ મતોની ભૂખ એટલી વધારે છે કે તે બંગાળની સરહદો વટાવીને બાંગ્લાદેશી ઘૂસણખોરો સુધી પહોંચી ગઈ છે, જેમને ન માત્ર સ્વીકારવામાં આવી રહ્યા છે પરંતુ તેમની સરકાર તેમને મદદ પણ કરી રહી છે. એ સ્પષ્ટ છે કે મુસ્લિમ તુષ્ટિકરણના મામલે આ બંને નેતાઓ એક સમાન છે.

આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે એક ચતુર રણનીતિ

હુમાયું કબીર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતૃત્વ વચ્ચે વર્ષોથી ટકરાવ અને મનભેદ રહ્યા છે, પરંતુ સત્તામાં ટકી રહેવા માટે મુસ્લિમ વૉટબેન્કને સાધવાનો સમાન ઉદ્દેશ્ય બંનેને વારંવાર એકસાથે જોડે છે. ભલે અગાઉ તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, પરંતુ તેઓ દર વખતે કોઈને કોઈ રસ્તે TMCમાં પાછા ફર્યા અને ફરી સ્વીકારી લેવામાં આવ્યા.

એવી શક્યતા સેવાઈ રહી છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા ‘બાબરી’ મસ્જિદના મુદ્દે મુસ્લિમ મતો મજબૂત કર્યા પછી હુમાયું કબીર ફરીથી TMCમાં વાપસી કરી શકે છે. બંને પક્ષોના જૂના રેકોર્ડ સંકેત આપે છે કે તેમની વચ્ચે કોઈ ઊંડો વૈચારિક મતભેદ નથી, પરંતુ આ સમગ્ર વિવાદ એક રાજકીય રણનીતિ અને ડ્રામાથી વધુ કંઈ નથી. એવામાં સવાલ એ ઊઠે છે કે જો તેઓ પોતાનો રાજકીય ઉદ્દેશ્ય પૂરો કરી લે તો તેમને TMCમાં પાછા ફરતા કોણ રોકશે?

આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ TMC અને કબીર પર એક ગુપ્ત રાજકીય કાવતરાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “હુમાયું કબીર કોણ છે? તેઓ હજુ પણ TMC સાથે જ છે. આ તેમની ‘પ્લાન-બી’ રણનીતિ છે. TMC પાછલા બારણેથી મુસ્લિમ મતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને તેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાની યોજના છે. જે રીતે એક સમયે વિસ્તારનું વિભાજન થયું અને પશ્ચિમ બંગાળ બન્યું, હવે તેને બાંગ્લાદેશ જેવું બનાવવામાં આવી રહ્યું છે, સમગ્ર વાતાવરણને ‘મિની પાકિસ્તાન’માં બદલવામાં આવી રહ્યું છે. તેની સામે દેશના તમામ હિંદુઓએ એકજૂટ થવું જોઈએ.”

ભાજપનો દાવો છે કે TMC અને હુમાયું કબીર દ્વારા રચાયેલા આ કાવતરાને પાર્ટીએ ઓળખી લીધું છે. ખુદ હુમાયું કબીરના નિવેદનો પણ સંકેત આપે છે કે આ મસ્જિદ હિંદુઓના રાજકીય એકીકરણના જવાબ તરીકે બનાવવામાં આવી રહી છે, જેનાથી એ શંકા વધુ ઘેરી બને છે કે આ સમગ્ર પગલું મુસ્લિમ વૉટબેન્ક વધારવા અને જનતાને ભ્રમિત કરવાની એક સુનિયોજિત રણનીતિ છે.

હિંદુ એકતાનો ડર

2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ દેશભરમાં એક મજબૂત ભગવા લહેર જોવા મળી હતી અને પશ્ચિમ બંગાળ પણ તેમાંથી બાકાત રહ્યું નહોતું. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં હિંદુ ઓળખનું નોંધપાત્ર પુનરુત્થાન થયું છે, જેનો પુરાવો એ છે કે ભાજપે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં બેઠકો મેળવી છે.

સ્વાભાવિક રીતે આ પરિવર્તન TMC અને હુમાયું કબીર જેવા નેતાઓ માટે પડકાર બની ગયું, જેઓ લાંબા સમયથી પોતાને મુસ્લિમ સમુદાયના હિતેચ્છુ તરીકે રજૂ કરતા રહ્યા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર મુસ્લિમોને ખુશ કરવાની પોતાની નીતિ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, “જે ગોરુ દૂધ દેય, તાર લાઠી ખેતેરાજી આછી” (જે ગાય દૂધ આપે છે, તેની લાત ખાવા માટે પણ હું તૈયાર છું). આ નિવેદનને મુસ્લિમ તુષ્ટિકરણ તરીકે જોવામાં આવ્યું હતું.

જોકે, વિવેચકોનું કહેવું છે કે કટ્ટરપંથી તત્વોએ માત્ર TMC સરકારને જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યને, ખાસ કરીને હિંદુ સમુદાયને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત ઘટનાઓની એક હારમાળાએ હિંદુ સમાજમાં અસુરક્ષા અને અલગતાની લાગણી વધારી, જેના કારણે તેઓ એક થઈને કોઈ રાજકીય વિકલ્પની શોધમાં આગળ આવ્યા છે.

અહીં જ ભાજપે હસ્તક્ષેપ કર્યો, પીડિતોનું સમર્થન કર્યું, ન્યાયની માંગ ઉઠાવી અને ખુલ્લેઆમ TMCનો વિરોધ કર્યો હતો. આના કારણે હિંદુ સમુદાયને ભાજપમાં એક નવી આશા દેખાવા લાગી, જે TMC માટે ચિંતાનું કારણ બની ગઈ.

આ જ રાજકીય દબાણને કારણે TMCએ પોતાના ચર્ચિત મુસ્લિમ ચહેરાઓથી અંતર જાળવવા જેવા રાજકીય હથકંડા અપનાવવાનું શરૂ કર્યું છે, જેથી બદલાતા સમીકરણો અને વધતી હિંદુ એકતાનો સામનો કરી શકાય.

TMC સરકારના મુસ્લિમો પ્રત્યેના પક્ષપાતી વલણે હિંદુ એકતાને વેગ આપ્યો

TMCની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ એ સમયે ખુલ્લેઆમ સામે આવી, જ્યારે તેણે પોતાના દબંગ નેતા શેખ શાહજહાંને બચાવવાનો પ્રયાસ કર્યો. શેખ શાહજહાં એક કુખ્યાત ગુનેગાર રહ્યો છે, જેના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) અધિકારીઓ પર હુમલો, જમીન હડપવી અને સંદેશખાલીમાં હિંદુ મહિલાઓ પર બળાત્કાર જેવા ગંભીર આરોપો લાગ્યા છે.

શેખ શાહજહાં પર એવો આરોપ છે કે તે સતત હિંદુઓ પર અત્યાચાર કરતો રહ્યો, પરંતુ તેમ છતાં TMCએ માત્ર તેને સજા આપવાનું ટાળ્યું એટલું જ નહીં, પણ તેના ગુનાહિત નેટવર્કને ફૂલવા-ફાલવામાં મદદ પણ કરી. પછીથી જ્યારે તેના ગુનાઓ જાહેર થયા, ત્યારે TMC સરકારે તો તેની ધરપકડ ટાળવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા, પરંતુ જનતા, ભાજપ અને ન્યાયતંત્રના દબાણને કારણે આખરે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ત્યારબાદ પણ સરકારે તેને કાયદાથી બચાવવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવી અને તેની નિર્દોષતાનો દાવો કરતી રહી. પોતાના નેતાના સમર્થનમાં સરકાર એટલી હદે પહોંચી ગઈ કે કલકત્તા હાઇકોર્ટે TMC સરકારની આકરી ટીકા કરવી પડી, ખાસ કરીને ગુનેગારને સંરક્ષણ આપવા અને સ્થાનિક લોકોને ડરાવવા-ધમકાવવાના મામલે.

TMC સરકાર પર વારંવાર એવો આરોપ લાગતો રહ્યો છે કે તે ગુનેગાર અને કટ્ટરપંથી મુસ્લિમ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધ અને વક્ફ સુધારા અધિનિયમને ફગાવવાના નામે થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન મુસ્લિમ ટોળાને હિંદુઓ પર હુમલો કરવાની ખુલ્લી તક મળી, જ્યારે સરકાર મૂકપ્રેક્ષક બની રહી.

ગયા વર્ષે મુર્શિદાબાદમાં થયેલી હિંસા દરમિયાન પ્રશાસન પર ગંભીર બેદરકારીના આરોપો લાગ્યા હતા, જ્યારે સંકટમાં ફસાયેલા હિંદુઓની વારંવારની મદદની અપીલોને નજરઅંદાજ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે એક TMC કાઉન્સિલરે લક્ષિત હુમલાઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા હિંદુ પરિવારોનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં, જેના કારણે તેમને મહિલાઓ અને બાળકો સાથે ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી.

અગાઉ પણ સામે આવ્યું છે તેમ મમતા બેનર્જીનું મુસ્લિમ તુષ્ટિકરણ માત્ર બંગાળ કે ભારત પૂરતું મર્યાદિત નથી. CAA, NRC અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવાં પગલાંઓનો તેમનો વિરોધ વારંવાર ગેરકાયદેસર મુસ્લિમ ઘૂસણખોરોને સમર્થન આપવા તરીકે જોવામાં આવ્યો છે. તેમના પર એવો આરોપ છે કે તેઓ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને માત્ર રક્ષણ જ નથી આપતાં, પરંતુ તેમના કથિત મતાધિકાર માટે પણ લડી રહ્યાં છે, જે લોકશાહી અને બંધારણની ભાવનાની વિરુદ્ધ માનવામાં આવે છે.

આ સિવાય બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે મમતા બેનર્જીની સંવેદનહીનતા પણ સવાલોના ઘેરામાં રહી છે. ત્યાં હિંદુઓના સમર્થનમાં કાઢવામાં આવેલી એક શાંતિપૂર્ણ માર્ચ પર તેમની પોલીસ દ્વારા કરવામાં આવેલી કઠોર કાર્યવાહીએ મોટાપાયે ટીકાઓને જન્મ આપ્યો હતો.

જોકે લિબરલ ગેંગમાં મમતા બેનર્જીને એક નારીવાદી આઇકન (Feminist Icon) તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ હિંદુ મહિલાઓ સામેના ગુનાઓ પર તેમનું વલણ ઉદાસીન અને અસંવેદનશીલ રહ્યું છે. સંદેશખાલી અને આર.જી. કર મેડિકલ કોલેજ જેવા કેસોમાં બળાત્કાર અને હત્યાના પીડિત પરિવારોએ તપાસ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી સરકારની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા હતા.

મમતા બેનર્જી તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે પણ જાણીતાં છે, જેમાં તેમણે બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓને હળવાશથી લેતા છોકરીઓને ઘરમાં રહેવાની સલાહ સુદ્ધાં આપી છે. આ કિસ્સાઓમાં પણ તેમની સરકારની તપાસ પ્રક્રિયાને નબળી અને બેદરકાર ગણાવવામાં આવી છે.

વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાઓ માત્ર એક મોટા સંકટની ઝલક છે, કારણ કે TMC અને મમતા બેનર્જીની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિએ હિંદુઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના ભોગે રાજ્યમાં હિંદુ મતદારોને એક કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ એક મજબૂત રાજકીય શક્તિ તરીકે ઉભરીને સામે આવ્યું છે.

નિષ્કર્ષ

વર્તમાન પરિસ્થિતિ અને રાજ્યમાં નજીક આવી રહેલી મહત્વની ચૂંટણીઓને જોતા એવી શક્યતા સેવાઈ રહી છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને હુમાયું કબીરે મુસ્લિમ વૉટબેન્કને મજબૂત કરવા માટે પરસ્પર તાલમેલ સાધ્યો છે, જેમાં પ્રસ્તાવિત મસ્જિદ એક વ્યૂહાત્મક અને રાજકીય આધારની ભૂમિકા ભજવી રહી છે.

એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે મમતા બેનર્જીએ હુમાયું કબીરને જાહેરમાં પાર્ટીથી દૂર બતાવીને પોતાની નબળી પડતી ‘સેક્યુલર’ છબી બચાવવા અને હિંદુ મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પડદા પાછળ બંને વચ્ચે મિલીભગત ચાલુ હોઈ શકે છે, કારણ કે મમતાને આશંકા છે કે હિંદુ મતદારોના એક થવાને કારણે ભાજપ તેમની પાર્ટીને મોટો રાજકીય ઝટકો આપી શકે છે.

આ સંજોગોમાં TMC અને હુમાયું કબીર વચ્ચે દેખાઈ રહેલી વર્તમાન ખેંચતાણ અને એકબીજા વિરુદ્ધ આપવામાં આવી રહેલા તીખા નિવેદનો માત્ર એક સુનિયોજિત ચૂંટણી રણનીતિનો ભાગ હોઈ શકે છે. આ ટકરાવ મતદારોને ગેરમાર્ગે દોરવા અને રાજકીય સમીકરણો સાધવા માટેનો એક ડ્રામા પણ માનવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય મુસ્લિમ સમર્થન જાળવી રાખવાનો અને હિંદુ મતદારોને વિભાજિત કરીને ભ્રમમાં રાખવાનો હોઈ શકે છે.

(મૂળ રીતે આ રિપોર્ટ અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. મૂળ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં