તિરુપરન્કુંદ્રમ વિવાદ: સુપ્રીમે પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાના મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો, દરગાહમાં રોજિંદી નમાજની મંજૂરી નહીં

મદુરાઈની તિરુપરન્કુંદ્રમ પહાડી પર ધાર્મિક રીતિ-રિવાજને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે સોમવારે (9 ફેબ્રુઆરી) મદ્રાસ હાઇકોર્ટના તે ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં હાઇકોર્ટે પહાડીનાં શિખર પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી હતી અને રમઝાન તથા બકરીદ સિવાય પાસેના એક સ્થળ પર મુસ્લિમોની નમાજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે રમઝાન અને બકરીદ સિવાય મુસ્લિમોને નેલ્લીથોપ્પુ સ્થળ પર કોઈપણ પ્રકારની નમાજ પઢવાનો અધિકાર નથી. 33 સેંટ જમીન સિકંદર બાદુશા અવુલિયા દરગાહની છે. વધુમાં હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે આ વિસ્તારમાં પશુબલિની પરવાનગી પણ આપી શકાશે નહીં. આ ચુકાદાને પડકાર ફેંકતા દરગાહમાં નમાજ પઢનારા ઈમામ હુસૈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે હાઇકોર્ટના આદેશને સંતુલિગ ગણાવીને તેમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અરજદાર તરફથી હાજર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ વિસ્તારમાં ક્યારેય કાયદો-વ્યવસ્થાની સમસ્યા આવી નથી. જવાબમાં જસ્ટિસ કુમારે કહ્યું હતું કે જો કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ન હોત તો શાંતિ સમિતિની બેઠક ન થઈ હોત. 

આગળ જસ્ટિસ કુમારે કહ્યું કે, “હાઇકોર્ટનો ચુકાદો ખૂબ સંતુલિત દેખાઈ રહ્યો છે.” જસ્ટિસ વરાલેએ પણ તેમાં સહમતી દાખવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “અમે આ ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. પક્ષના અધિકારો પર કોઈ સલાહ આપ્યા વિના આદેશને યથાવત રાખવામાં આવે છે.” 

આ ચુકાદો મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચ સમકક્ષ થયેલી કાર્યવાહીમાંથી આવ્યો છે, જેમાં એકલ ન્યાયાધીશે તે આદેશને યથાવત રાખ્યો હતો, જેમાં મુરુગન મંદિર પ્રશાસનને તિરુપરન્કુંદ્રમ પહાડીના શિખર પર દીપતૂન પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી હતી. સિંગલ બેન્ચના જજ સ્વામીનાથને આ ચુકાદો આપ્યો હતો.